તને યાદમાં ગુંથ્યો
એની એક વેણી કરી
છૂટ્ટા કેશમાં એને પરોવી
એકેક પાંખડીની સુગંધથી
ખુદને મઘમઘતી કરી
બહુ વિચાર્યા પછી એ વેણીની પાંખડીઓને
મારી હયાતીના દોરામાંથી છૂટી કરી
નીલવર્ણી ગગન પાસે શાશ્વત પ્રકાશના દોરાની મેં માંગ કરી
તારી બધી જ યાદોનાં અમર ફૂલોની એમાં પોરવણી કરી
વચ્ચે વચ્ચે મૂક્યાં અણમોલ મોતી
બે તારી કોડીલી આંખોનાં
બે તારી છંછેડતી નજરનાં
દસ તારાં એ ટેરવાંનાં જે મને શબ્દ બની સ્પર્શતાં રહે છે
ને એક સ્વર્ણમોતી તારાં એ સ્મિતનું જેનો અનુભવ તરવરતો રહે છે મારાં સ્મિતમાં
જોતજોતામાં એ વેણી, વેણીમાંથી હાર બની ગઈ
ને બાહુપાશ બની તારા ગળાને ફરતે વીંટળાઈ વળી
હવે હું શાશ્વત સુગંધની બની ગઈ અધિષ્ઠાત્રી
ને તુૃં બની ગયો મારાં આકાશનો અધિષ્ઠાતા દેવ
ફોરતી રહીશ હું હવે
તારા શ્વાસે શ્વાસે
મધ્ધમ મધ્ધમ મધ્ધમ...
©અનુ.