વાત દિવો પ્રગટાવવાની થાય છે
એમાં અંઘારું શેનું અકળાય છે ?
થોડું અજવાળું સૌનું પથરાય છે
એમાં અંધારું શેનું અકળાય છે ?
ઘુવડની આખ્ખી ને આખ્ખીયે ન્યાતને આ સૂરજનું કાવતરું લાગે,
નહિંતર કાંઈ નસનસમાં વ્યાપેલું અંધારું આ રીતે ઓચિંતુ ભાગે ?
સ્હેજ ઘરમાંથી રોશની કરાય છે,
એમાં અંધારું શેનું અકળાય છે ?
કોલસા તો કોલસા ને એનો સ્વભાવ છે ભાઇ પડ્યા પડ્યા ધૂમાડા કાઢે !
ધોળે'દિ આંખ્યુંમાં આંજી બેસે ને એના અંધારા કોણ હવે વાઢે ?
એક નાનકડું કોડિયું મુકાય છે
એમાં અંધારું શેનું અકળાય છે ?
કૃષ્ણ દવે