પપ્પાને પહેલું સ્કૂટર ફળ્યું...

વર્ષ 1988, પપ્પા એક સ્કુટર લેવા ઇચ્છતા હતા, ત્યારે સ્કૂટર ઘરે હોવવું એટલે મધ્યમ વર્ગમાં પ્રવેશ પામવું. બજેટ સેકન્ડ હેન્ડ સ્કૂટર લાવી શકે એટલું જ હતું. અને શક્ય હોય તો એમાંય કોઈ હપ્તા કરી આપે તો બેસ્ટ.

શોધખોળ શરૂ થઈ, મિત્રો અને સગા સબંધીઓને કહેવાયું કે કોઈ સારી કન્ડિશનમાં સ્કૂટર કોકને કાઢવાનું હોય તો કહેજો. ઘણાં લોકો પોતાનાં ભંગાર સ્કૂટર કાઢવા મથ્યા, પણ પપ્પાને સ્કૂટર લેવાની સમજ સારી, કારણ કે પહેલાં ઓટો રીક્ષા ચલાવતાં. બહુજ સમજીને ખરીદવું હતું.

પપ્પાના એક જિગરી દોસ્ત એક કાપડના વહેવારી પાસે નોકરી કરતા. એમને ખબર પડી કે એમના શેઠને બજાજ પ્રિયા સ્કૂટર કાઢવાનું છે. એ સ્કૂટર વાપરવાના નામે ખૂબ ઘસાતું હતું. શેઠ સવારે સ્કૂટર લાવીને દુકાને રાખે પછી કામદારો એને માલ લાવવા અને મુકવા માટે વાપરતા.

પપ્પાના મિત્રએ પપ્પાને વાત કરી કે એક સ્કૂટર છે, પણ બહુ ઘસાયું છે. તું કહે તો શેઠને વાત કરું. પપ્પાએ સ્કૂટર જોવાની તૈયારી બતાવી , રાબેતા મુજબ પપ્પાએ આ વાત મમ્મીને કહેતા કહ્યું, "શેઠનું સ્કૂટર છે, મને ખબર છે તેઓ બહુ પૈસાદાર નહોતાં, સ્કૂટર 10 વર્ષ જૂનું છે, એટલે આ સ્કૂટર બહુ લકી હશે, એટલે જ તો તેઓ છેલ્લા 10 વર્ષમાં પૈસાદાર થઈ ગયા, શેઠ માની જાય તો સ્કૂટર લઈ લેવું છે."
મમ્મીએ એમની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં કહ્યું,"પૈસા છે તો જ લેજો, લીધા પછી તકલીફ પડે એવું કરતા નહીં".

પપ્પા બીજા દિવસે સ્કૂટર જોવા ગયા, એમને સ્કુટરની પરિસ્થતી બહુ ગમી નહીં પણ એમના મગજમાં એક જ વાત, "શેઠનું સ્કૂટર છે, લકી હશે, એટલે સ્કૂટર લાવવાથી તકદીર પણ જોડે આવશે." છેવટે સ્કૂટર લઈ લેવાની વાત નક્કી થઈ, શેઠે ધાર્યા કરતાં વધુ પૈસા માંગ્યા. પપ્પાએ હપ્તા કરી આપવા કહ્યા પણ શેઠ માન્યા નહીં. એમણે એકદમ સ્પષ્ટ કહી દીધું પપ્પાને, ભાઈ પોસાય તો લેજો.

છેવટે પૈસાની વ્યવસ્થા થઈ અને સ્કુટરનું આગમન થયું. પહેલા સ્કુટરના હરખ અનેરા, પહેલાં મમ્મી પપ્પા પછી અમે બે ભાઈઓ પણ પપ્પા સાથે સ્કૂટર પર ફર્યા. બહુ જૂનું સ્કૂટર એટલે કલર પણ ફેડ થઈ ગયું, એક વખત કલર કરાવીને ફરી ચકાચક બનાવી દીધું હતું. પણ એ લકી સ્કૂટર છે એ વાત તો ભુલાઈ જ ગઈ હતી.

પપ્પાએ સ્કૂટર લીધું ત્યારે જ લોટરી વેચવાનો નવો ધંધો શરૂ કર્યો હતો. 2 વર્ષ પછી પપ્પાને લોટરી લાગી, એ નવા ધંધાને કારણે લાગી કે લકી સ્કૂટરે લક બદલી નાંખી, ખબર નથી પણ સ્કૂટર મને હજી યાદ છે.

1995માં એ સ્કૂટર ગયું અને લોટરીનો ધંધો પણ એ જ સમય ગાળામાં ગુજરાતમાં પ્રતિબંધિત થઈ ગયો.
ધનતેરસે સ્કૂટર ઘરે આવેલું એટલે દિવાળી ટાણે આ વાત યાદ આવી.

- મહેન્દ્ર શર્મા

Gujarati Story by Mahendra Sharma : 111761896
shekhar kharadi Idriya 2 years ago

અત્યંત રસપ્રદ સ્ટોરી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now