હરિ તારી એક નજરની રહી અભિલાષ મારે.
તને પામવા કાજે અહર્નિશ કરવા પ્રયાસ મારે.
તું છો દીનબંધુને દયા વરસાવે શરણાગત પર,
છોને સહેવા પડે દુનિયાના બધા ઉપહાસ મારે.
તારાથી વિખૂટો ના પડું કદી એટલી કૃપા રાખજે,
નામસ્મરણ થઈ જતું હરિવર અનાયાસ મારે.
રહું મસ્તાન નિશિવાસર તવ ચરિત્રમાં દેવાધિદેવ,
તારા વિનાનું જગત લાગે સદા હરિ આકાશ મારે.
બની શકાય તો બનવું છે હરિ દાસ તારો હું ખાસ,
ન બને તો બનવું પ્રભુ કદી ચરણે દાસાનુદાસ મારે
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.