આધુનિક યુગ / અત્યારના સમયની ફક્ત (અત્યારની ટૂંકી દ્રષ્ટિના કારણે અને ઊંડાણના અભાવે, ઉપર ઉપરથી) પોઝિટિવ કે સારી (લાગતી) બાબતોને જ ધ્યાનમાં રાખવી અને એમના વખાણ ધરાર, ગમે તેમ કરીને કરવા જ. આધુનિક બાબત હોય એટલે ભલે ને એ દૂષણ જ કેમ ન હોય, એને પકડી રાખવી કેમ જરૂરી છે એનાં કારણો ન હોય ત્યાંથી પણ શોધીને કહેવા. તો જ અમે તમને આધુનિક યુગ / અત્યારના સમયમાં "મિસફિટ" નહીં અને "ફિટ" ગણીશું;
ખબરદાર જો આધુનિક યુગ / અત્યારના સમયની નેગેટિવ બાબતો તરફ ધ્યાન દોર્યું તો (પછી ભલે ને એ બાબતો વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર બધા માટે લાંબા ગાળે હાનિકારક કે ઘાતક હોય)! તો તમને "રિગ્રેસિવ"/"જૂનવાણી જડસુ"/"આધુનિકતા વિરોધી"/ "વેદિયા" કહી દેવામાં અમને જરા પણ વાર નહીં લાગે.
પ્રાચીન યુગની / જૂના સમયની (અત્યારની ટૂંકી દ્રષ્ટિના કારણે અને ઊંડાણના અભાવે, ઉપર ઉપરથી) નેગેટિવ (લાગતી) બાબતોને જ ધ્યાનમાં રાખવી અને એના પર ગોકીરો કર્યા કરવાનું, કાગારોળ મચાવવાનું ચાલુ જ રાખવું. તો જ અમે તમને "તટસ્થ", "પ્રામાણિક" અને "પ્રોગ્રેસિવ" ગણીશું;
ખબરદાર જો પ્રાચીન યુગની / જૂના સમયની ખરેખરની અત્યંત પોઝિટિવ અને અત્યાર કરતાં પણ વધુ ઉત્કૃષ્ટ બાબતો તરફ ધ્યાન દોર્યું તો (પછી ભલે ને એ અત્યારના સમયના લોકોના પણ હિતમાં જ હોય)! તો તમને "મિથ્યાભિમાની"/ "ભૂતકાળના વ્યર્થ ગૌરવમાં રાચતા"/"રૂઢિવાદી"/"આજના આ અતિવિકસિત યુગમાં ભણેલા ગણેલા હોવા છતાં પછાત માનસિકતાવાળા" ગણાવવામાં અમને એક ક્ષણ પણ નહીં લાગે.
~ લિ.: અખિલ ભારતીય આધુનિકતા ઠેકેદાર બળતણિયા મંડળ
-વૈધ પાર્થ ઠક્કર (કચ્છ)