શબ્દોને સદાય સુંવાળા રાખો હરિ હરિ.
ને મીઠી જબાનનાં ફળ ચાખો હરિ હરિ.
મીઠાબોલાનાં મરચાં પણ વેંચાઈ જાતાં,
કટુભાષી ધિક્કારે સમાજ આખો હરિ હરિ.
વચનનો વૈભવ શીદને ના રાખીએ આપણે,
મધુભાષી કદીએ પડે નહીં ઝાંખો હરિ હરિ.
સૌને ગમતો, સૌને નમતો મીઠાંવેણ ઉચ્ચરતો,
જીવનમાં પ્રગતિની ફૂટે છે પાંખો હરિ હરિ.
સત્ય પણ હીરમાં વીંટીને કહી શકાય છે વખતે,
સામેનાની લાલ ન બનતી કદી આંખો હરિ હરિ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.