"એક કપ ચા, બે ધબકારા"
સાંજનો આભ કેસરિયો બની રહ્યો હતો. રસ્તાઓ પર હળવો પવન ફરતો હતો. બહાર વરસાદનાં ટપકાં કાચ પર સરકી રહ્યાં હતાં. રસ્તા પર લોકો છત્રી નીચે દોડતા, અને સામે એક નાનકડું કેફે. અંદર ગરમાગરમ ચાની સુગંધ અને ધીમું સંગીત. અંદર, ખૂણાની ટેબલ પર સમ્યક બેઠેલો... હાથમાં ડાયરી હતી... અધૂરું લખાણ...પોતાની ડાયરીમાં વિચારો લખતો. કપમાંથી ઉઠતા વરાળમાં નજર ગુમાવી બેઠો હતો. ચાની વરાળ સાથે શબ્દો પણ હળવેથી ઉઠતા.
એ સમયે દરવાજો ખૂલ્યો. ભીતર આવી એક યુવતી... માયરા...વાળ પર વરસાદનાં ટીપાં, આંખોમાં થોડી હડબડ, હાથમાં ફોન અને પર્સ. આંખોમાં દિવસભરનો થાક અને હોઠ પર નાનું સ્મિત. તેણે ચારેબાજુ જોયું. બધાં ટેબલ ભરેલા. માત્ર એક જ ખાલી ખુરશી...સમ્યકના ટેબલ પર.
માયરા (હળવેથી): "હાય...અહીં બેસી શકું?"
સમ્યક ચોંકી ગયો. ઝટથી ડાયરી બંધ કરતાં કહ્યું "હા..હા..બેસી જાઓ."
વેઈટરે પૂછ્યું, "મેડમ, શું લાવું?"
માયરા:- "એક કપ મસાલા ચા...ખાંડ ઓછી."
વેઈટર મસાલા ચાનો ઓર્ડર લઈ ગયો.
બન્ને વચ્ચે થોડી પળો મૌન. બહાર વરસાદ વધુ તીવ્ર બન્યો, અંદર ચાની સુગંધ ઘેરી.
સમ્યક: "હું સમ્યક."
માયરા (હળવું સ્મિત): "હું માયરા."
સમ્યક: "તમે પણ વરસાદમાં ચા પીવાનું પસંદ કરો છો?"
માયરા (સ્મિત સાથે): "વરસાદમાં ચા નહીં પીવી એ તો અપરાધ છે."
એ સ્મિતમાં કંઈક હતું...એક અજાણ્યો ગરમાવો.
ચાના બે કપ વચ્ચે, વાતો પણ ઘૂંટડે-ઘૂંટડે પીવાઈ ગઈ.
બહાર વરસાદ અટક્યો, પણ અંદર બંનેના મનમાં હળવો ઝરમર ચાલુ રહ્યો.
માયરા: "ચાલો? આજે બહુ સરસ વાતો થઈ."
સમ્યક: "હા...અને કદાચ આ અમારી છેલ્લી વાત નહીં હોય."
માયરા સ્મિત સાથે નીકળી ગઈ. સમ્યક ચાના કપને જોઈને હળવેથી બોલ્યો... "મસાલા ચા...ખાંડ ઓછી...નામ માયરા...
અને જ્યારે તેઓ અલગ થયા, બંનેના મનમાં એક જ પ્રશ્ન હતો...આ ફરી મળી શકશે?
સમ્યકના મનમાં માત્ર એક જ વિચાર ફરી વળ્યો
"આ સાંજ કદાચ ફક્ત સાંજ નહીં...શરૂઆત હતી."