શ્રી કૃષ્ણનું જીવન એટલે મનુષ્યજીવન ને સ્પર્શતા દરેક પાસાને આવરી લેતી એક વિચાર માંગી લેતી વિશાળ પ્રશ્નના સંતોષકારક પ્રત્યુતર આપતી સુવર્ણમય ગાથા.
શ્રી કૃષ્ણ જીવન એ ખરેખર મનુષ્ય જીવનમાં આવતા દરેક સાચાં કર્મના પાસાને સ્પર્શી ને ધર્મશીલ જીવન કેવી રીતે પસાર કરવું તેની એક આખેઆખી માર્ગદર્શિકા પુરી પાડે છે.
મથુરાના કારાગારમાં જન્મ અને જન્મની સાથે જ અઢળક વિડંબના ઓ અને વિપત્તિઓ નું આગમન જેમ કે પ્રથમ જ જનની નો વિરહ, મેઘ તાંડવ વચ્ચે યમુનાજીમાં ગમન, ગોકુળમાં આવીને પણ બાળપણથી જ સતત મુશ્કેલીઓ સામે લડતું રહીને પોતાની લીલાઓ દ્વારા નિખરી રહેલું વ્યકિતત્વ એટલે કાન્હો.
કૃષ્ણ અઢળક આપત્તિઓ વચ્ચે પણ સંસારમાં જે મનુષ્યને મનુષ્યત્વ વાળું જીવન જીવવાનું છે, તે પણ જીવે છે.તે નાનપણમાં માખણની ચોરી કરીને ખાય છે અને પોતાના બાળ સ્વભાવ ની જે ખાવાં પ્રત્યેની લાલસા હોય છે તે સાચાં અર્થમાં બતાવે છે. તે જ કાન્હો માટી ખાઈને પણ પોતાનું બાળપણ માને છે અને માં લડે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડ બતાવીને અચંબિત પણ કરી દે છે.
શ્રી કૃષ્ણ એ મનુષ્ય જીવન ને દરેક રીતે જીવી જાણે છે,માણસ પ્રેમ વિના અધુરો છે તે પણ રાધા પ્રત્યે નાં પોતાના પ્રેમ દ્વારા દર્શાવે છે, વાંસળીના સૂર રેલાવીને આખાં ગોકુળને મંત્રમુગ્ધ કરી દે છે. ગોપીઓ સાથે રાસલીલા રમીને પણ ગોપીઓના મિત્ર ભાવ ને ભકિતભાવ માં ઉન્નતીકરણ કરે છે. જ્યારે પોતાના કર્મ દ્વારા ધર્મ સ્થાપન કરવા નો ધ્યેય પૂર્ણ કરવાનો સમય આવે છે ત્યારે તે પોતાનાં 'પ્રણય અને લાગણીઓ નો ત્યાગ કરતા પણ અચકાતા નથી.
લોક કલ્યાણ આગળ પોતાની અંગત લાગણીઓનું બલિદાન આપે છે. તે પણ કંઈ જ બોલ્યા વિના એમ જ જગતગુરુ બનાતું નથી.
ગોકુળ છોડીને ગયેલા કૃષ્ણ પછી કદી પોતાના પ્રેમને મળ્યા નથી, વિરહની પીડા કેવી હશે?
વાંસળીને ના છોડનાર કાન્હો સુદર્શન ધારણ કરે છે પછી કદી વાંસળીને ધારણ કરતાં નથી.
વાંસળી એ યુવાનની મજાક મસ્તીની વયમર્યાદા સુચવે છે જ્યારે સુદર્શન ચક્ર ધારણ એ ઉંમરની પરિપક્વતા સાથે સંસારમાં ધર્મ માટે પોતાની હવે પછી ની ભૂમિકા શું છે તે સુચવે છે.
મથુરામાં આવીને પોતાના જ મામા કંસને મારીને લોકોને અત્યાચારો થી મુક્ત કરે છે.કંસ મરણ પછી કંસના સસરા જરાસંઘની વારંવાર કનડગત થી પોતાની પ્રજાને શાંતિ મળે માટે કૃષ્ણ પોતાના યાદવ કુળ ની સલામતી માટે દ્વારકા વસાવવા ગુજરાત તરફ પ્રયાણ કરે છે અને વિશાળ સમુદ્રના કિનારે દ્વારકા વસાવે છે.
સોનાની દ્વારકામાં પોતાની પટરાણીઓ વચ્ચે રહીને પણ કૃષ્ણ પોતાના નાનપણના મિત્ર ગરીબ સુદામાને પોતાના આંગણે આવેલા જોઈને બધું જ ભૂલી જઈને તેને ભેટવા દોડે છે ત્યારે ખરેખર સુદામા કૃષ્ણ જેવા મિત્રને પામીને ગરીબ થોડો રહે!
કૌરવ અને પાંડવો વચ્ચે ચાલતા વિવાદમાં શાંતિના દરેક પ્રયાસ પ્રથમ કરે છે અને અંતે પછી યુદ્ધ એ જ કલ્યાણ નાં માર્ગને અનુસરવાનું પાંડવોને કહે છે.
યુદ્ધમાં ધર્મ એટલે કે પાંડવ પક્ષે રહીને પોતાના જ સ્વજનો ને સામેપક્ષે જોઈને હતાશ થયેલા અર્જુનને યુદ્ધમેદાનમાં જ ભગવદગીતા નું મહામુલી જ્ઞાન આપીને ધર્મ માટે યુદ્ધ લડવા તૈયાર કરે છે. પોતાની મુત્સદ્દી નિતીથી અઢળક યોદ્ધા ઓથી ભરેલ કૌરવ સેના ને પાંડવોના માધ્યમથી હરાવે છે અને અંતે "ધર્મ વિજય" કરાવે છે.
અંતે નિયતિના વિધાનને અનુસરીને ગાંધારીના શ્રાપ નું માન રાખવા પોતાના જ કૂળને પરસ્પર લડીને મરતા જૂએ છે અને આખાં જગતનો એક સુદર્શન ચક્રથી નાશ કરવા સક્ષમ જગતનો નાથ એક પારધીના સામાન્ય બાણથી પોતાની લીલાને પૃથ્વી પરથી મનુષ્ય રૂપે સંકેલી લે છે.
શ્રી કૃષ્ણ જીવનમાં મનુષ્ય જીવનની દરેક ઝાંખી આપણે સ્પર્શે છે.શ્રી કૃષ્ણ એ દેવત્વ નો અંશ નહીં પરંતુ આખેઆખું સ્વરૂપ હતું તો પણ મનુષ્ય અવતારમાં તેમને દુઃખો સ્પર્શે છે પરંતુ કૃષ્ણ હંમેશા શાંત ચિત્તે સામનો કરે છે,લડે છે અને જીત પ્રાપ્ત કરે છે.
કૃષ્ણના જીવનમાં એક પાસું મારું ખુબજ ધ્યાન ખેંચે છે અને તે છે તેમને દરેક તબક્કે વેઠેલો વિરહ,જુદાઈ, છુટાં પડવું તેમના જીવનમાં દરેક તબક્કે તેમને વિરહનો સામનો કર્યો છે તો પણ તે કદી નાસીપાસ થયા નથી કે પોતાના ચહેરા પર ઉદાસીનતા ભાવ લાવ્યા.
નાનપણમાં માતૃ વિરહ, યૌવનમાં પ્રેમ વિરહ, જન્મભૂમિ વિરહ અંતે ભાતૃઓનો વિરહ.
આવા અનેક પાસામાં કૃષ્ણ એ વિરહ 'સહન' કર્યા છે ખરેખર "સહનશીલતા" જ માણસને મજબૂત બનાવે છે."વિરહની વેદના જે વેઠે છે ખરેખર તે જ મહાનતા પ્રાપ્ત કરે છે".
જય શ્રી કૃષ્ણ