એક મોટું શહેર હતું. એની બહારના વિસ્તારમાં દર રવિવારે એક ખેડૂતની બઝાર ભરાતી હતી. ખેડૂતો અવનવી વસ્તુઓ જેમ કે મગફળી, ખેતરના તાજા શાકભાજી અને ફળો, તેલ અને દવાઓ, લાકડાના રમકડા વગેરે લઈને આ બઝારમાં વેચવા આવતા. સ્ત્રીઓ અને પુરુષો પંરપરાગત વસ્ત્રોમાં આવતા, વાતો કરતા અને હસતા. બજારમાં ભાવતાલ કરીને લોકો વસ્તુઓ ખરીદતા, ભારે કોલાહલ થતો.
આ ભીડમાં એક માસ્ટર હોશકોર્ન હતો, એ બાજુના બ્રેઓતે ગામનો વૃદ્ધ ખેડૂત હતો. તે બહુ કંજૂસ પણ ચતુર અને અલગ પડતો હતો. લોકો કહેતા કે એક તૂટેલા નખની કિંમત માટે પણ ઝગડી પડે અને કિંમતી વસ્તુઓ ચોરી લ્યે.
આ હોશકોર્ન પણ આ બઝારમાં ચાલીને જતો હતો. આગળ જતા એની નજર એક મજબૂત દોરીના ટુકડા પર પડી. હોશકોર્નએ આ ટુકડો જોયો અને થયું કે આ કંઈક બાંધવા માટે કામ આવશે ચાલને લઈ લઉં. એ દોરી લઈને સરખી કરવા માંડ્યો.
પણ એટલામાં જ એની નજર સામે ઊભેલા માલંદા નામના માણસ પર પડી. એ આ જ ગામનો હતો અને મગફળી વેચતો હતો. બંને વચ્ચે કોઈ વાતને લઈને બે વર્ષ પહેલા ઝગડો થયેલો અને ત્યારથી વેર ચાલતું હતું. માલંદાને જોતા જ પોતે પકડાય ગયો હોય એવો ભાસ થયો અને એને દોરી ઝટપટ એના ચોરી ખિસ્સામાં સંતાડી દીધી અને કાઈ ના થયું હોય એમ આગળ જતો રહ્યો.
બપોરે જ્યારે બધા ભોજન કરી રહ્યા હતા ત્યાં માર્કેટમાં એક જાહેરાત થઈ કે "એક દોરીવાળું પાકીટ ખોવાણું છે જેમાં પાંચસો ફ્રાન્ક્સ અને અગત્યના ડોક્યુમેન્ટ્સ છે. જે કોઈને આ પાકીટ મળે એ મેયરની ઓફિસમાં જમા કરાવે."
આ સાંભળીને બઝારમાં ખુશફૂસ શરૂ થઈ ગઈ. પાંચસો ફ્રાન્ક્સ એટલે ત્યારે બહુ મોટી રકમ ગણાતી હતી.
ભોજન પૂરું થયા પછી અચાનક બે સૈનિકો હોશકોર્ન પાસે આવ્યા અને એને મેયરની ઓફીસમાં લઈ ગયા.આખી બજારની આંખો અને કાન એ તરફ જ હતા. મેયરની ઓફિસમાં હોશકોર્ને જોયું તો માલંદા બેઠો હતો. માલંદાએ મેયરને કહ્યું કે એણે હોશકોર્નને બજારમાંથી કાંઈક ઉઠાવતા જોયો હતો.
હોશકોર્નએ કહ્યું કે "હા સાચું છે, એ એક દોરીનો ટુકડો હતો"
મેયરે આશ્ચર્ય અને ગુસ્સાથી પૂછ્યું " દોરીનો ટુકડો? તું સાચું બોલે છે?"
હોશકોર્ને કહ્યું " હા સાહેબ, ભગવાનના સમ ખાઈને કહું છું દોરીનો ટુકડો જ હતો... આ જુઓ" એણે ખિસ્સામાંથી કાઢીને બતાવ્યો.
મેયરે ઠપકો આપ્યો " તો પછી એમાં છુપાવવા જેવું શું હતું? ચોરી ખિસ્સામાં રાખવાની શું જરૂર હતી?"
હોશકોર્ન સમજાવતા બોલ્યો "કે આ માલંદા જોતો હતો, એને એમ કે એ આ જોઈને એ બધાને કહેશે અને મારા પર હસશે"
પણ આખી બજારમાં વાત ફેલાઈ ગઈ કે " હેશકોર્ને જ પર્સ ચોર્યું છે"
કોઈ પ્રૂફ ના હતું તો પણ આ જ સાચું થઈ ગયું. લોકો એના પર હસતા હતા, ગોસીપ કરતા હતા. હેશકોર્ન કહે ' હું સાબિત કરી આપીશ કે મેં પર્સ નથી ચોર્યુ '
બીજા જ દિવસે ખોવાયેલું પર્સ મળી ગયું. બીજો મારિયસ નામનો ખેડૂત પર્સ લઈને મેયરને આપી ગયો, એને પર્સ રસ્તા પર ખૂણામાં પડેલું જોયું હતું. હોશકોર્ન ખુશ ખુશ થઈ ગયો. બધાને કહેવા લાગ્યો કે "જુઓ મે દોરીનો ટુકડો જ લીધો હતો પર્સ નહોતું લીધું".
પણ વાત ફેલાઈ ગઈ હતી અને હવે બધાએ એ જ સાચું માની લીધું હતું. કોઈ એ વાત સાંભળવા જ તૈયાર નહોતું. બધા વાતો કરતા હતા કે હોશકોર્ને જ આરોપમાંથી બચવા ચોરેલું પર્સ ફેંકી દીધું હશે કે મારિયસને આપી દીધું હશે, હવે એ નાટક કરે છે. વળી કોઈ કહેતું જે સતત નિર્દોષ છે એમ બોલે છે એટલે એ જ દોષી છે.
આ બધું સાંભળીને હોશકોર્ન દિવસે દિવસે તૂટતો ગયો. એ સતત બબડતો રહેતો કે " હું નિર્દોષ છું, એ ફ્કત દોરીનો ટુકડો હતો... માત્ર દોરીનો ટુકડો".
શિયાળો આવ્યો બહુ ઠંડી પડવા માંડી. અશક્ત થઈ ગયેલો હોશકોર્ન એ જ શબ્દ બોલતો રહ્યો " દોરીનો ટુકડો.." એમ જ એ દુનિયા છોડીને જતો રહ્યો. એ વૃધ્ધાવસ્થા કે બીમારીથી નહીં પણ અફવાથી, શંકાથી, અવિશ્વાસના ભારથી તૂટી ગયો!
-- દોરીનો ટુકડો (મુપાંશાની વાર્તા પરથી)
આ વાર્તા પરથી શીખવા મળે છે કે લોકો અફવા જલ્દી માની લે છે જ્યારે સચ્ચાઈ સાબિત કરો તો પણ શંકા દૂર થતી નથી. માનવીની ઈમાનદારી બહુ નાજુક હોય છે એકવાર ડાઘ પડે પછી એ સાબિત કરવો બહુ મુશ્કેલ હોય છે.
તમને આ વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો.
#આસાલીજીંદગી #ગુજરાતીવાર્તા #વાર્તા #gujaratistory