બા શીખી ગયા
ચહેરા પર સ્મિત રાખીને સહેતા શીખી ગયા,
બા હવે આ શહેરમાં પણ રહેતા શીખી ગયા.
ગામમાં પે'લા પાંચે જગાડતા કૂકડા તેમને
અહીં આઠે ઊઠીને બા નમતા શીખી ગયા.
ફળિયું નથી તો શું થયું? બાલ્કની તો છેને,
હવે છોડવા સાથે વાત કરતા શીખી ગયા.
અહિ તો નળમાં પાણી આવે છે, કૂવો નથી,
તોય યાદોના ઝરણામાં વહેતા શીખી ગયા.
પડોશી કોણ છે? એ વાતની પરવા નથી હવે,
એ એકલા ખુદની મજામાં રહેતા શીખી ગયા.
ગામડું છૂટ્યું છતાં જીવ તો ત્યાં જ છે હજી,
પણ હાર્દિકના સુખમાં જીવતા શીખી ગયા.
- હાર્દિક ગાળિયા