વાર્તા ૨: અધૂરો કપ
કાફેના ખૂણાના ટેબલ પર કોફીના બે કપ હતા. એક ખાલી હતો અને બીજો અડધો ભરેલો.
ખાલી કપ આકાશનો હતો. એણે બધું જ કહી દીધું હતું—તર્ક, કારણો અને છેવટે 'છૂટા પડવાનો' નિર્ણય. એણે પોતાની વાત પૂરી કરી, બિલ ચૂકવ્યું અને ઊભો થઈ ગયો. એની કોફી પણ પૂરી થઈ ગઈ હતી અને એની દલીલો પણ.
રિયાનો કપ હજુ અડધો ભરેલો હતો. એ સ્તબ્ધ થઈને કોફીની સપાટી પર તરતા ફીણને જોઈ રહી હતી. ફીણ ધીમે ધીમે ઓગળી રહ્યું હતું, બિલકુલ એના વિશ્વાસની જેમ. એની પાસે કહેવા માટે શબ્દોનો દરિયો હતો, પણ સાંભળવા વાળો કિનારો જ જતો રહ્યો હતો.
લોકો કહે છે કે મુલાકાતો અધૂરી રહી જાય છે, પણ હકીકતમાં તો વાતો જ અધૂરી રહેતી હોય છે. કોફીનો પ્યાલો ખાલી કરવો સહેલો છે, પણ ભરેલા હૃદયને ખાલી કરવું અઘરું છે. રિયાએ ચમચીથી કોફી હલાવી. કોફી હવે ઠરી ગઈ હતી. સંબંધોમાં જ્યારે ગરમાવો જતો રહે, ત્યારે મોંઘી કોફી પણ કડવી ઝેર જેવી લાગે છે.
એણે એ અધૂરો કપ ટેબલ પર જ છોડી દીધો. જિંદગીમાં ક્યારેક બધું પૂરું કરવા માટે કપ ખાલી કરવો જરૂરી નથી હોતો; ક્યારેક કોઈ વાર્તાને 'અધૂરી' છોડી દેવામાં જ એની ગરિમા સચવાતી હોય છે.
લેખિકા
માનસી દેસાઈ શાસ્ત્રી
( અનેરી )
અનકહી કોફી