રેડ હેટ: સ્ટોરી એક હેકરની
પ્રકરણ: 13
રાકેશ તેની ઓફિસમાં બેઠો હતો. હજી થોડીવાર પહેલા જ તે બાબુ અને મોહનના ઘરેથી આવ્યો હતો.તેના ઘરવાળાનું કહેવું હતું કે તે રોજની માફક જ ઘરથી કોલેજ જવા નિકળ્યા હતા. રાકેશ ને ખબર હતી કે તેના ઘરવાળાને જરૂર અજુગતું લાગ્યું હશે એક પ્રોફેસર કેમ એક નોકર જેવા વ્યક્તિની આટલી કાળજી લે છે પણ રાકેશને તેનાથી કોઈ મતલબ ન હતો.તેને તો એટલી ખબર હતી કે જો રાજુ મોહન ન મળ્યા તો આગલો વારો તેનો હતો. રાકેશે તેના ઘરવાળાને પોલીસ ફરિયાદનું સૂચવ્યું હતું.રાકેશ જાણતો હતો કે તેઓ જે કામ કરી રહ્યા હતા તે જો પોલીસને ખબર પડશે તો પણ તેમનું આવી જ બનવાનું છે પણ તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મોહનની પત્ની સવિતાને રાકેશની વાત સાચી લાગી હતી આથી તે અને બાબુની પત્ની ગીતા બન્ને પોલીસ ફરિયાદ માટે ઇન્સપેક્ટર વિક્રમના પોલીસસ્ટેશને ગયા હતા.
આ જોઈ ઇન્સ્પેક્ટર વિક્રમને નવાઈ લાગી હતી અને તેટલું નક્કી પણ કરી નાખ્યું હતું કે આ બન્ને ઑરતોને મોહન અને બાબુના કરતૂતો વિશે કોઈ જાણ ન હતી.તે જાણતો હતો કે ફરિયાદ લખવાનો કોઈ ફાયદો નથી કેમકે જ્યા સુધી નિખિલનું મિશન પૂરું ન થાય ત્યાં સુધી તે છૂટવાના ન હતા પણ તેમ છતાં તે બન્નેની ખાતરી માટે તે FIR લખે છે જોકે તે આ કેસને ચોપડે ચડાવવા માંગતો ન હતો પણ તે સવિતા અને ગીતાને ના પણ પાડી શકે તેમ પણ નહોતો.
********
સૂર્યા તે સાઈબરકેફેની બરાબર સામે પહોંચ્યો હતો. તે અત્યારે નિખિલના પહેરવેશમાં હતો.તેને કેફને બહારથી જોયો તે બહુ મોટો ન હતો.તેને ગાડી બાજુમાં પાર્ક કરી અને સહજતાથી અંદર પ્રવેશ્યો.તેમાં છ થી સાત કોમ્પ્યુટર હતા પણ બધા ચાલુ ન હતા,તે જોતા જ ખબર પડતી હતી.તેને કેફેને બરાબર જોયો પણ તેમાં એક પણ કેમેરો ન હતો તેને કાઉન્ટર પર બેસેલા એક વ્યક્તિને પૂછ્યું
"હેલો સર અહીં બપોરે બે વાગ્યે કોઈ આવ્યું હતું એને તમારું કોઈ કોમ્પ્યુટર યુઝ કર્યું હશે" સૂર્યાએ કહ્યું
"કેમ? તને જોતા તો એવું નથી લાગતું કે તું કોઈ પોલીસ હોય" કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કાંટાળાથી જવાબ આપ્યો
"ના હું તો સ્ટુડન્ટ છું" સૂર્યાએ સહજતાથી જવાબ આપ્યો
"જો ભાઈ આ કોઈ પૂછપરછ કેન્દ્ર નથી કોમ્પ્યુટર ચલાવવું હોય તો એક કલાકના ચાલીસ રૂપિયા છે. જો ચલાવવું હોય તો? નહીંતર રસ્તો સામે છે." પેલાએ સહેજ ઉચા અવાજમાં કહ્યું
સૂર્યા પહેલેથી સ્વાભિમાની રહ્યો હતો તેને કોઈ તેની સાથે ઉંચા અવાજે વાત કરે તેને તે કોઈ દિવસ ગમ્યું નહોતું.તેને તેનો જમણો હાથ નાઇટીમાં ખોસેલી ગન પર મુક્યો તે ગન કાઢવાની તૈયારીમાં જ હતો પણ પેલો શાંત થઈ ગયો હતો એટલે સૂર્યા સ્વગત બબડયો "શાંત સૂર્યા શાંત આના પાસેથી કામ લેવા શાંતિ રાખવી પડશે"
"તમે ગુસ્સો ન કરો.મારુ નામ નિખીલ છે અને એક વ્યક્તિને હું મળવાનો હતો.તેને બે વાગ્યા આસપાસ તમારા સાઈબરકેફે એ આવવાનું કહ્યું હતું પણ રસ્તામાં મારી ગાડી ખરાબ થઈ ગઈ હતી અને કમબખ્ત રસ્તો પણ એટલો જ સુમસાન હતો મકેનિક એક કલાકે ત્યાં પહોંચ્યો અને મને આવતા મોડું થયું તો એટલા માટે પૂછું છું" સૂર્યાએ શાંત સ્વરે કહ્યું
"કાઈ યાદ નથી" પેલાએ નિરસતાથી કહ્યું
સૂર્યા સમજી નહોતો શકતો કે આ વ્યક્તિ કારણ વગર કેમ ગુસ્સાથી વાત કરી રહ્યો છે. તેને ફરી ઠંડા અવાજે કહ્યું " થોડું યાદ કરવાની કોશિશ કરો ને મારે માટે એ જાણવું ખૂબ અગત્યનું છે."
"અબે......મગજની પત્તર ન ફાળ અને ચાલતી પકડ મારુ મૂડ આજે ખૂબ ખરાબ છે આજે હું જુગારમાં અઢી લાખથી વધારે હારી ચુક્યો છું અહીં કેફે વેચવાનું વિચારું છું અને તને તારા વ્યક્તિની પડી છે" પેલો તાળુક્યો.
સૂર્યાને કારણ તો સમજાયું પણ તેની ભૂલ બીજા પર ઢોલનાર વ્યક્તિ તેને કોઈ દિવસ ગમ્યા નહોતા.શુ કહેવું તે સૂર્યાને નહોતું સમજાય રહ્યું " આ જુગારીના બચ્ચાને તો" તે સ્વગત બબડયો અને કહ્યું " જુઓ મિસ્ટર હું શાંતિથી વાત કરું એનો મતલબ એવો નથી કે તમે ગમે તેમ બોલો તમને મેં નહોતું કહ્યું કે તમે જુગાર રમો" સૂર્યાના અવાજમાં ગુસ્સો ભળ્યો.
"તું હજી નાનો છે હું તને વધારે કહી કહું અથવા હાથ ઉપાડુ એ પહેલાં જતો રહે." પેલાએ ગુસ્સાતુર અવાજે કહ્યું.
સૂર્યા માટે હવે હદ પાદ થઈ રહી હતી.મોટા મોટા ગેંગસ્ટરોના મોં તેને બંધ કર્યા હતા અને આજે બે કોડીનો વ્યક્તિ તેને મારવાની ધમકી આપી રહ્યો હતો.સૂર્યા કદાચ મૂળ ચહેરા સાથે આવ્યો હોત તો ચાલ્યો ગયો હોત પણ અત્યારે તેને નકલી ચહેરો લગાડેલો હતો તેની પાસે સામેવાળા વ્યક્તિને છોડવાનું કોઈ કારણ નહોતું.તેને સામે ઉભેલા વ્યક્તિને એક તમાચો માર્યો.સૂર્યાએ તે જાણી જોઈને વધારે બળપૂર્વક નહોતો માર્યો તેમ છતાં સામેનો વ્યક્તિ જમીન પર ફસાડાઈ ગયો.તેને થોડી વારે કળ વળી અને ઉગ્ર રીતે ગાળું બોલતા તે ઉભો થયો અને બાજુમાં પડેલ એક નેતરની સોટી તેને હાથમાં લીધી.
સૂર્યા ચૂપચાપ ઉભો હતો.પેલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો તેને તેનામાં હતું. તેના કરતાં વધારે બળથી સૂર્યા પર પ્રહાર કર્યો સૂર્યાના શરીર પર તે નેતરની સોટી અથડાઈ અને તે પ્રહાર એટલો જોરદાર હતો કે સોટીના બે કટકા થઈ ગયા.પેલાએ સૂર્યા તરફ જોયું પણ સૂર્યાને કાઈ અસર ના થઇ હોય એમ તે ઉભો હતો. પછી સૂર્યાએ તેના મોઢા પર એક જોરદાર મુક્કો માર્યો પેલો તેની ખુરશી પર પડ્યો અને તેના નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થયું,તેને હજી હાર ન માની હોય એમ તેને બાજુમાં પડેલ લોખંડનું એક બોક્સ ઉપાડ્યું અને સૂર્યાના મોઢા તરફ ઘા કર્યો પણ સૂર્યાએ ચપલતાથી તે વાર ખાળ્યો.
"લાગે છે તારો બાપ કોઈ મોટો પહેલાવ છે અને હરામનું જ ખાઈ ખાઈને આટલું બળ આવે છે તારો બાપતો મને જુગારી જ લાગે છે પાછો મને જુગાર પર ભાસણ આપે છે" પેલાને મુક્કાની અસર છેક મગજ સુધી થઈ ગઈ હતી તે જે મનમાં આવે તે બોલ્યે જતો હતો.
તેને સૂર્યાના મર્મસ્થાન પર પ્રહાર કર્યો હતો.આ વાક્ય બોલીને તેને પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી.ક્યારેક માણસને હાર સહન થતી નથી.કોઈ શરાબથી તો કોઈ પરિવાર પર ગુસ્સો કરીને તેમની ફુસ્દીલી બહાર કાઢે છે.ક્યારેક ધંધા પર અસર થાય છે તો ક્યારેક સ્વાસ્થ્ય પર તો ક્યારેક સબંધોમાં!!!
સૂર્યાની પાસે હવે તેને માફ કરવાનું કોઈ કારણ નહોતું.તેને નેફે ખોસેલી ગન કાઢી અને પેલાના કપાળ પાસે રાખી.પેલાના આ જોઈને મોતિયા મરી ગયા.તેની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ તે ગન સામે જોઈ રહ્યો.સૂર્યો ટ્રિગર દબાવવાની તૈયારી કરી રહ્યો હતો તેને ન તો પોલીસની બીક હતી ન તો જેલ જવાની કે ફાંસીએ ચડવાની. તે જે રીતે પેલાને મારવા તૈયાર થયો હતો તે પરથી એવું નહોતું લાગી રહ્યું કે તે પહેલી વાર કોઈ પર તેને મારવાના ઈરાદાથી ગન ચલાવતો હોય.
પે'લાના હાથ આપોઆપ જોડાઈ ગયા થોડીવાર પહેલાનો ગુસ્સો હવે આજીજીમાં ફેરવાઈ ગયો.તેને તેનું મોત સામે દેખાઈ રહ્યું હતું. તેને રસ્તા પર નજર કરી પણ તેને બચાવવાવાળું ત્યાં કોઈ ન હતું. રસ્તો રોજ ની જેમ આ સમયે સુમસન હતો અને તેના જગળાડૂ સ્વભાવને કારણે કેફે પણ ખાલી જ રહેતું હતું.તેને તેની પત્ની યાદ આવી તે આખો સામે તેને દેખાઈ રહી હતી. બીજા પડદામાં તેને તેની બે વર્ષની દીકરી દેખાઈ રહી હતી.તે તેને મનોમન સોરી કહી રહ્યો હતો. તેને થતું હતું કે તેના ગયા પછી તેની દીકરીનું શુ થશે? તે કેમ મોટી થશે? તેને તેનો ઘરડો બાપ દેખાઈ રહ્યો હતો.તેમનું ધ્યાન કોણ રાખશે?તેને થયું કે તેના ગુસ્સા અને જુગારી સ્વભાવનું પરિણામ આખું કુટુંબ ભોગવશે. તેના આંખમાંથી એક આંસુ આપોઆપ સરી પડ્યું અને પછીઆંસુઓની ઘાર થવા લાગી.
સૂર્યાએ ટ્રિગર દબાવવાનું પાકું મન બનાવી લીધું હતું પણ તેના આંસુ જોઈ તે અટક્યો તે બોલ્યો "હવે રડે કેમ છે તારી છેલ્લી ઘડી છે ભગવાનને યાદ કરી લે"
"સાહેબ હું મારા પરિવાર માટે રડું છું મારી બે વર્ષની દીકરી છે જો તમે ગોળી ચલાવશો તો તેનું ભવિષ્ય અંધકારમય બની જશે" પેલાએ આજીજીના સ્વરે કહ્યું.
સૂર્યાને એક થડકો લાગ્યો અને તે એક ઝાટકે આજથી ચૌદ વર્ષ પહેલાં પહોંચી ગયો.તેને તેના આજીજી કરતા પપ્પા દેખાયા સૂર્યા માટે ભીખ માંગતી તેની માં દેખાઈ.તેનું માથું ભારે થવા લાગ્યું આજે એક પછી એક ઘટના તેનો રહસ્યમય ભૂતકાળ ઉથલી રહી હતી. સૂર્યાના હાથમાંથી ગન પડી ગઈ.તેનો અવાજ થયો એટલે સૂર્યા સભાન થયો તેને નીચે પડેલી ગન ઉપાડી અને તેની નાઇટીમાં પાછી મ્યાન કરી.તેને પેલા સામે જોયું તે હજી રડી રહ્યો હતો.તેને તેના ખભા પર હાથ મુક્યો તેનું માથું નીચે હતું અને મોતની રાહ જોઈ રહ્યો હતો તેને માથું ઉપર કરીને જોયું તો સૂર્યાના હાથમાં ગન નહોતી.તે તેની ખુરચીમાંથી ઉભો થયો અને બે હાથ જોડી સૂર્યાનો આભાર માન્યો.તેના માટે એ જીવનદાનથી ઓછું નહોતું.
જો મિત્ર જુગાર રમવાથી કે બીજા વ્યક્તિઓ પર હારનો ગુસ્સો કરવાનો અર્થ નથી જો તું મને વચન આપ કે તું આજ પછી ક્યારેય જુગાર નહીં રમેં તો તારા જીવનમાં ચાલતી બધી સમસ્યાઓનું સમાધાન હું કરી દઈશમ
"હું વચન આપું છું કે હું આજ પછી ક્યારેય પત્તાંને હાથ પણ નહીં લગાડું પણ તમે મને આ મુસીબતમાંથી કઈ રીતે બહાર કાઢી શકો?" પેલાએ કંઈક કૌતુકથી પૂછ્યું.
"તારી બેંક ડિટેઇલ મને આપ"
પેલાએ બેંક ડિટેઇલ લખાવી.તે હવે બિલકુલ યંત્રવત કામ કરી રહ્યો હતો કોઈ સવાલ તે પૂછી રહ્યો નહોતો.
સૂર્યાએ તેના અકાઉન્ટમાં અઢી લાખ રુપિયા ટ્રાન્સફર કર્યા પેલાના મોબાઈલમાં મેસેજ આવ્યો અને તેના આશ્ચર્યનો પર ન રહ્યો તે સૂર્યાના પગમાં પડવા જતો હતો પણ સૂર્યાએ કહ્યું તેની જરૂર નથી પણ તારે મારી મદદ કરવી પડશે.
"તમે કહો એમ કરીશ" પેલો હવે પોપટની જેમ બોલી રહ્યો હતો.
"તારું નામ કહે પેલા"
"હું કમલેશ"
"અચ્છા તો કમલેશ બરાબર યાદ કર કે બપોરે દોઢ થી અઢીના ગાળામાં અહીં કોણ આવ્યું હતું" સૂર્યાએ પૂછ્યું
"સર એમ તો મારો કેફે ખાલી જ રહે છે પણ આજે બાજુની આર્ટ્સ કોલેજના રિઝલ્ટનો દિવસ હતો ત્યાં ભણતા ઘણા પાસે મોબાઈલ નથી તો તે લોકો બપોરે અહીં આવ્યા હતા એટલે થોડી ભીડ હતી"પેલાએ વિસ્તારથી જવાબ આપ્યો.
"અરે નહીં નહીં હું સ્ટુડન્ટની વાત નથી કરતો કોઈ મોટી ઉંમરનું જે પુરુષ હશે અથવા સ્ત્રી પણ હોય શકે છે" સૂર્યાએ સ્પષ્ટતા કરી
"હા એ સમય દરમિયાન એક સ્ત્રી આવી તો હતી તેને બુરખો પહેર્યો હતો એટલે ચહેરો હું જોઈ ન શક્યો" પેલાએ કહ્યું
"શીટ..... પણ બીજું કાંઈ તું એના વિશે કહી શકે" સૂર્યાએ કહ્યું
"વિશેષતો કઈ નહિ પણ તેને ચાલીસ રૂપિયા ચૂકવીને પેલા વચ્ચેના કોમ્પ્યુટરમાં બેઠી. કલાકના રૂપિયા ચૂકવ્યા હોવા છતાં દસ પંદર મિનિટમાં તે જતી રહી હતી" પેલાએ જવાબ આપ્યો
"ઠીક છે હવે આ મારો નમ્બર લે જો તે ફરી આવે તો મને એજ સેકેંડે કોલ કરજે"
"ઠીક છે સર" પેલાએ તે કાગળ પર લખેલ નમ્બર ગલ્લામાં નાંખ્યો
"અને હા બીજી વાત મારે તારા લગતું કોઈ કામ હશે તો ફોન કરીશ તો મદદ કરીશને?" સૂર્યાએ ખચકાટ સાથે પૂછ્યું કેમ કે આ વાત તેના પર માલિકી કરવા જેવી હતી.
"સર તમે કહેશો તે કરીશ અને તમે આપેલા પૈસા પણ હું ધીરે ધીરે કરી ચૂકવી દઈશ" પેલાએ કહ્યું
"એની કોઈ જરૂર નથી અને જો ચૂકવવા જ હોય તો કોઈ ઉતાવળ નથી" સૂર્યા આટલું કહી બહાર ચાલ્યો અને ફરી નીકળી પડ્યો બાંગલા તરફ.
*****************
ક્રમશ: