રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:16
સૂર્યાનું મગજ ચકરાવે ચડ્યું હતું.આમ તો તેનું પ્લાનિગ એકદમ પરફેક્ટ હતું.તેમ છતાં તેને કોઈ આત્મસ્ફૂરણા થઈ રહી હતી કે કઈક બરાબર નથી થવાનું.તેને અચાનક વિક્રમ પાસે જવાનું મન થઇ રહ્યું હતું.તેને ઘણીવાર આવી ગટ ફીલિંગ થયેલી અને મોટાભાગે તે સાચી નીવડતી.તે કોઈ રિસ્ક નહોતો લેવા માંગતો તેને વિક્રમ પાસે જવું હતું. પણ જ્યાં સુધી તે કિંજલ સાથે હતી તે શકય નહોતું.
"ઓય કયા વિચારોમાં ખોવાઈ ગયો ચાલ બહાર બેસીએ બીજા લેક્ચર સુધી" કિંજલે કહ્યું.
"હા યાર બેસીએ પણ મારે અત્યારે એક કામ છે તો...." સૂર્યાએ કહ્યું
"તો હું સાથે આવી શકું? ઇફ યુ ડોન્ટ માઈન્ડ" કિંજલે પૂછ્યું.
"યાર થોડું પર્સનલ કામ છે સો.." સૂર્યા નર્વસ થઈ રહ્યો હતો
"એવું તો શું પર્સનલ છે? ગર્લફ્રેંડને મળવા જઈ રહ્યો છે?" કિંજલે હસતા હસતા પૂછ્યું
"ના યાર પણ.." સૂર્યા એ કહ્યું
" 'પણ-બણ' કાઈ નહીં યાર આજે આરવ અને રિયા પણ નથી હું બહુ બોર થઈશ પ્લીઝ લઈ જા ને સાથે" કિંજલે કહ્યું
"કિંજલ હું તને કેમ સમજાવું કે ત્યાં..." સૂર્યાએ કહ્યું
"ત્યાં શુ? કોઈ ભૂત જોવા જઈ રહ્યો છે? મને સાથે લઈજા અથવા કહે કે ક્યાં જઈ રહ્યો છું" કિંજલે થોડું કડકાઈથી કહ્યું.
સૂર્યા પાસે સમય ઓછો હતો અને કિંજલ સાથે તે બહેશ કરી વધુ સમય વેડફવા નહોતો માંગતો. તે નહોતો જાણતો કે કિંજલને સાથે લઈ જવી ઠીક છે કે નહીં? એક નાની ભૂલથી તેનું રહસ્ય ખુલી શકે તેમ હતું અને નિખિલ તો તેને બનવું જ પડત. જો કોઈ બીજું હોત તો સૂર્યા આ જોખમ ક્યારેય ન લેત પણ આજે તેને ખબર નહીં કેમ પણ કિંજલ પર વિશ્વાસ આવી રહ્યો હતો,પણ આમ તેને સાથે લઈ જવામાં કિંજલમાં જીવ પર પણ જોખમ હતું.તેને મનોમન નક્કી કર્યું કે તે કોઈ પણ ભોગે કિંજલને સાથે નહીં લઈ જાય.
તેને થોડું વિચારીને કહ્યું "સાંભળ કિંજલ હું તને જરૂર લઈ જાત પણ હું એક એંગેજમેન્ટમાં જઈ રહ્યો છું"
"અરે પણ તું ક્યાં તારાપુરનો છે? તું અહીં કોની એંગેમજમેન્ટમાં જઈ રહ્યો છું?" કિંજલે આશ્ચર્ય સાથે પૂછ્યું
"અરે પપ્પાના એક દોસ્ત છે.પપ્પા એ કહ્યું હતું કે ફ્રી હોય તો જજે નહિંતર ચાલશે તો મને એમ કે જતા આવું" સૂર્યાએ કહ્યું
" અરે પણ તે કહ્યું ને પર્સનલ કામ હતું ને?" કિંજેલ કહ્યું
"હા એટલે મારો મિનિંગ એ જ હતો કે ફેમેલી સેરેમની છે" સૂર્યાએ કહ્યું
"ઓકે ઓકે જા પણ હું શું કરીશ અહીં એકલી" કિંજલે કહ્યું
"એક કામ કર તું રિયા પાસે જ જતી રહે તેને સારું લાગશે" સૂર્યાએ કહ્યું.
"હા એ જ ઠીક છે એમ પણ આજે કોઈ ખાસ કોઈ લેક્ચર નથી તું પછી ડાયરેકટ ત્યાં જ આવી જજે" કિંજલે કહ્યું
"હા સ્યોર" સૂર્યાએ કહ્યું.કિંજલ પછી ત્યાંથી નીકળી ગઇ સૂર્યાએ થોડીવાર પહેલાજ મનુકાકાને મેસેજ કરી દીધો હતો,મનુકાકા ગાડી લઈને ત્યાં પહોંચ્યા એટલે સૂર્યાએ તેમને સમજાવી દીધું કે કયા જવાનું છે.
***************
રાકેશ ખૂબ ગુસ્સા અને જોશ સાથે કોલેજેથી નીકળ્યો હતો.તેનામાં આજે કંઈક અલગ જ જોમ દેખાઈ રહ્યું હતું. તેના આખા પ્રોફેસરના કરિયરમાં કોઈ દિવસ ગન નહોતી ચલાવી પણ આજે તે પહેલીવાર જરૂર પડે તો આખી ગન ખાલી કરવાના ઈરાદાથી નીકળ્યો હતો.હકીકતમાં તે રેડહેટ ગેંગના દુશ્મનોથી કંટાળ્યો હતો.પહેલા તેનું કામ ખુબ સરળ હતું. ફક્ત માલ ઉતારવા અને કોલેજની અંદરના કામો જે રાકેશ માટે ખૂબ સરળ હતા,પરંતુ તેમની પાછળ જ્યારથી કોઈ એક ગ્રુપ પડ્યું છે,ત્યારથી આ કામ ખુબ અઘરું થઈ ગયું હતું.તે હવે વગર મહેનતની કમાઈથી ટેવાઈ ગયો હતો.તેને હવે મહેનત કરવી જરા પણ ગમતી નહોતી.તે તો પ્રોફેસરની જોબ છોડવા માંગતો હતો પણ રેડ હેટગેંગ તરફથી ઓર્ડર હતો કે કોલેજના સ્ટોરરૂમ ગોડાઉન તરીકે વાપરવા અને બીજા કોલેજના કામ કરવા માટે રાકેશ પ્રોફેસર રહે તે ખૂબ જરૂરી હતું આથી તેને ન છૂટકે તે કામ શરૂ રાખવું પડ્યું હતું.તે આજે કોઈપણ તે ગ્રુપનું દેખાય તો તેનું પૂરું જ કરવાના મૂડમાં જઈ રહ્યો હતો.
તેને એક વખત થયું કે મારે ઉપર પૂછવું જોઈએ પણ તેની પાસે કોઈના નમ્બર નોહતા.તેનો વ્યવહાર ફક્ત સ્ટોરરૂમમાં ચીઠ્ઠી મૂકીને જ થતો હતો.જો આજે તે ચિઠ્ઠી મૂકીને જાણ કરે તો જવાબ માટે તેને કાલ અથવા પરમદીવસની રાહ જોવી પડે.તેની પાસે એટલો સમય નહોતો તે તો જલ્દીથી આ સમસ્યાનો નિવેડો લાવવા માંગતો હતો.
તેને આટલો વિચાર કર્યો ત્યાં સુધી તે ધૂળિયા રસ્તા પર પહોંચી ગયો હતો.તેને સ્પીડ ધીમી કરી હતી.તેનું મગજ અત્યારે પવનવેગે ચાલી રહ્યું હતું.તે રસ્તાની બન્ને તરફ જોઈ રહ્યો હતો.તે ખાતરી કરી રહ્યો હતો કે કોઈ તેના પર નજર રાખીને નહોતું બેઠું.
તેને ઘર પાસે ગાડી ઉભી રાખી અને ગાડીમાંથી નીચે ઉતરીને ઘરનો ખખડધજ દરવાજો ખોલ્યો તે એક કિચુડ અવાજ સાથે ખુલ્યો.રાકેશ અંદર ગયો અને તરત જ તેને પોતાની ગન કાઢી બધી તરફ જોવા લાગ્યો.
************
વિક્રમે તે બરાબર જોયું હતું કે રાકેશ દરવાજેથી અંદર ગયો છે પણ તેને ગન અંદર જઈને કાઢી હતી આથી વિક્રમને ખ્યાલ નહોતો કે તેની પાસે ગન પણ છે.જો ગાડીમાંથી ઉતરતાની સાથે જ તેને ગન કાઢી હોત તો વિક્રમે તેને ચોક્કસ જોઈ હોત,તો ખેલ કઈક ઔર હોત.
વિક્રમ હવે તેને દબોચવા નાતે એકદમ તૈયાર હતો તેને મહાદેવના દર્શન કર્યા અને પછી તે ઘર તરફ આગળ વધ્યો.તેને દૂરથી જોયું તો ગેટ હજી ખુલ્લો હતો પણ રાકેશ હજી દેખાઈ રહ્યો નહોતો.તે ધીમેથી અવાજ ન થાય એ રીતે આગળ વધ્યો.તે ધીરેથી ઘરમાં ઘૂસ્યો.
તે ઘરમાં આગળની તરફ એક મોટું ફળિયું હતું અને બન્ને તરફ વસ્તુઓ ભરવા માટે રૂમ હતા.સામેની તરફ મોટી પરસાળ હતી અને ત્યાં ત્રણ મોટા ઓરડા હતા.આખું ઘર જર્જરિત હાલતમાં હતું પરંતુ ઓરડાની હાલત ખૂબજ દયનિય હતી.એ લગભગ ધરાશાયી થઈ ગયા હતા.આખા ફળીયામાં મકાનનો કાટમાળ પડ્યો હતો.જ્યારે વિક્રમ ફળિયામાં પ્રવેશ્યો ત્યારે તેના પગ સાથે કોઈ લોખંડની વસ્તુ અથડાતાં થોડોક અવાજ થયો.વિક્રમને થયું કે તે રાકેશે સાંભળ્યો હશે આથી તે એક થાંભલાની પાછળ સંતાઈને રાકેશની બહાર આવવાની રાહ જોવા લાગ્યો.થોડી ક્ષણો પછી પણ રાકેશ બહાર ન આવતા વિક્રમને ખાતરી થઈ કે રાકેશે તે અવાજ સાંભળ્યો નથી.તે ત્યાંથી બહાર નીકળી ઓસરી તરફ ગયો.તેને આજુબાજુ નજર કરી તેને રાકેશ દેખાયો નહીં આથી વિક્રમને થયું કે તે જરૂર ઓરડા અંદર હોવો જોઈએ. રાકેશ દબાતા પગલે વચ્ચેના ઓરડાંમાં પ્રવેશ્યો.ત્યાં તેની આંખોને સેટ થતા થોડી વાર લાગી.તેને નજર કરી તો ત્યાં તેને કોઈ દેખાતું ન હતું.
વિક્રમે પાછળ ફરીને બીજા ઓરડામાં જવા ડગ ઉપડ્યા.તે પાછળ ફરે તે પહેલાં તેના માથામાં સણકા ઉઠ્યા.તેને લાગ્યું કે આખું મકાન તેના માથા પર પડ્યું છે.તેનો હાથ અનાયાસે જ માથા પર જતો રહ્યો.તેને તેના હાથ પર કોઈ ગરમ પ્રવાહીનો સ્પર્શ થયો.તેને હાથ આગળ લાવીને જોયું તો તે લોહી હતું.વિક્રમને આંખે અંધારા આવી રહ્યા હતા.
વિક્રમના માથા પર એક લોખંડની ઇંગલ વડે પ્રહાર થયો હતો અને તે કરવાવાળું બીજું કોઈ નહીં પણ રાકેશ હતો.તે વિક્રમ કરતા બે ડગલાં આગળ નીકળ્યો હતો.તેને વિક્રમના પગથી થયેલો અવાજ બરાબર સાંભળ્યો હતો.પહેલાં તેને થયું હતું કે તે જરૂર મોહન હશે પણ પછી તેને ખ્યાલ આવ્યો તો ખબર પડી કે અવાજ મુખ્ય દરવાજા તરફથી આવ્યો છે.જો મોહન ત્યાં જ હતો તો પોતે જ્યારે પ્રવેશ્યો ત્યારે જ તેને દેખાઈ જાત.તેને નક્કી કર્યું કે આગંતુક જે કોઈ છે તે જરૂર અંદર આવશે એટલે તે ફરિયાની બાજુમાં રહેલા એક ખુણામાં સંતાઈને બેઠો.થોડીવાર માહોલમાં શાંતિ રહી પણ પછી વિક્રમ ત્યાં આવ્યો.તેને અલગ વેશમાં હતો એટલે રાકેશ તેને ઓળખી તો ન શક્યો.તેને જોયું તો તે ઓરડામાં પ્રવેશ્યો.રાકેશે આજુબાજુ નજર કરી તો એક લોખંડની પાઇપ પડી હતી તેને તે ઉપાડી.હકીકતમાં તો તે વિક્રમનો ખેલ ખત્મ જ કરવા માંગતો હતો,પણ તેને થયું કે કદાચ તે તેના બોસ વિશે કઈક જણાવી દે તો રેડહેટ ગેંગ પાસેથી તગડો રૂપિયો મળે એમ હતું.તે આટલું વિચારીનેતે ઓરડામાં ગયો અને ત્યાં વિક્રમને જોયો તેની પીઠ રાકેશને દેખાઈ રહી હતી.તેને તેનામાં હતું તેટલા બળથી વિક્રમ પર પ્રહાર કર્યો.
વિક્રમ ચક્કર ખાઈને નીચે પડ્યો પણ તે હજી બેભાન થયો નહોતો.તેને સમજતા થોડીવાર થઈ કે શું થયું છે.રાકેશ તેની નજીક આવ્યો.તેને તેની ગન કાઢી અને વિક્રમના કપાળ પર રાખતા કહ્યું કે "બોલ કોની નીચે કામ કરે છે"
"કો...કોઈ..ની.ની...ચે..નહિ..."વિક્રમે કણસતા અવાજે કહ્યું.
"હવે બોલે છે કે તારી ખોપરી ઉડાડું?" રાકેશ તાળુક્યો
વિક્રમ તેના હાથ ફેલાવીને કોઈ વસ્તુ ગોતી રહ્યો હતો.એટલી જ વારમાં તેના હાથમાં એક પથ્થર આવ્યો તેને પથ્થર પુરી તાકાતથી રાકેશના મોઢા પર માર્યો.તે પથ્થર રાકેશના નાક પર વાગ્યો હતો.રાકેશના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું તેને થોડીવાર તમ્મર ચડી ગયા હતાં.એટલીવારમાં વિક્રમ મહામહેનતે ઉભો થયો હતો અને તેની ગન કાઢવાની કોશિષ કરી રહ્યો હતો,પણ રાકેશ એટલીવારમાં થોડો સ્વસ્થ થઈ ગયો હતો તેને પોતાની ગન કાઢી અને સીધી વિક્રમ પર ફાયર કરી હતી.વિક્રમે જે પથ્થર માર્યો હતો તેના લીધે રાકેશને ખૂબ પીડા થઈ રહી હતી.આથી તે સરખો નિશાનો લઈ શક્યો નહોતો.તેને ફક્ત મરણિયા થઈને ગોળી ચલાવી હતી.
તે ગોળી સીધી વિક્રમના સાથળમાં ઘુસી ગઈ હતી.પહેલા બંદૂકનો અવાજ થયો અને પછી વિક્રમની એક મોટી ચીસ સંભળાઈ. તે અવાજો સાંભળીને આવવા માટે આજુબાજુ કોઈ વસાહત નહોતી. રાકેશ હવે તેને કાઈ પણ પૂછવાના મૂડમાં નહોતો.તેને ફરી ગન વિક્રમના મોઢા પર તાકી હતી.
***
ક્રમશ:...