"સર કોઈ જાતના પ્રયોગ ખાતર આ કામ ન કરી શકાય." જોસેફે ના પાડી દીધી.
"ઠીક છે. પણ આ કેસ જેટલો સહેલો દેખાય છે એટલો નથી." મહિપાલ સિંહે જોસેફને જણાવ્યું.
જોસેફ પણ હવે મગજમાં પ્રશ્નો ની વણઝાર લઈને નીકળી ગયો. પોલીસ સહિત ફોરેન્સિક ટીમે ડોક્ટર મજમુદાર ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે એ પહેલા બધી જ ચકાસણી કરી લીધી.
મહિપાલ સિંહે પોતાની ટીમના લોકો સાથે વાતચીત કરતા કહ્યું:
"ડોક્ટર મજમુદાર ના પરિવાર ની વાતચીત પરથી એમ લાગે છે કે ગત રાત્રે તેઓ ખુબ ટેન્શનમાં હતા અને અચાનક જ અંહી આવવા માટે પ્લાન બનાવ્યો હતો.
કોઈ બહુ મોટું રહસ્ય છે પણ તેના આસીસ્ટનટ ને પણ ખબર નથી. આપણે ખુબ જ સાવધાની થી આખા ઘટનાક્રમ પર ધ્યાન રાખવું પડશે."
આ તરફ જોસેફ જ્યારે ઘરમાં પાછો ફર્યો ત્યારે પોતાની જાતને સંભાળી અનેક પ્રશ્નો વિષે વિચાર કરી રહ્યો હતો. કેવી રીતે અચાનક જ ડોક્ટર મજમુદાર રાત્રે જ ફેક્ટરી પહોંચી ગયા? જોસેફ સમજી ગયો કે આ કોઈ મોટો પ્રોજેક્ટ હતો પણ આ વિષે ડોક્ટર મજમુદાર સિવાય બીજું કોણ જાણતું હશે?
થોડીવાર પછી જ જોસેફના મોબાઈલ પર ફેક્ટરી થી ઉચ્ચ સેના અધિકારીઓ નો ફોન આવ્યો.
"જોસેફ ગઈકાલે મીટિંગ વખતે જે અવાજ થી મૃત્યુ આપતા શસ્ત્ર વિષે તે વાતચીત કરી એ વિષે ફક્ત ડોક્ટર મજમુદાર અને દિલ્હી ખાતે રિસર્ચ લેબોરેટરી ની ઇન્ચાર્જ ડોક્ટર પ્રતિભા જ જાણે છે. આ ખુબ જ મહત્વપૂર્ણ માહિતી છે. પોલીસ કર્મચારીઓ ને આ વિષે કોઈ પણ ખબર ન પડવી જોઈએ."
"સર હું તમને શું કહું મને આ વિષે કંઈ ખબર નથી?" જોસેફે જણાવ્યું.
"તમે ચિંતા ન કરો. આજથી જ ડોક્ટર પ્રતિભા સહિત બે કેસ તમને આપવામાં આવશે." ફોન મુકી દેવામાં આવ્યો.
"શું કેસ?" જોસેફ ગુંચવાયો.
જોસેફ તો સતત ચાલતી ગડમથલ થી કંઈ સમજી જ શકતો ન હતો. જોસેફ થાકીને ઊંઘી ગયો.
એ જ વખતે દેહરાદૂન દિલ્હી રોડ પર પુરઝડપે ભાગતી કારમાં એક જાજરમાન મહિલા દક્ષિણ ભારતીય સાડી પહેરીને ઠસ્સો દેખાડતી હતી. અચાનક જ તેનો ફોન વાગ્યો.
"ડોક્ટર પ્રતિભા આપ નીકળી ગયા ને?" એક ઉચ્ચ સેના અધિકારીએ પ્રશ્ન કર્યો.
"હા સર. મને એક વખત જ યાદ અપાવો. હું નીકળી ગઈ." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
પોતાના પર્સમાં મોબાઈલ ફોન મુકી ડોક્ટર પ્રતિભા પોતાની પાસે રાખેલી એક ફાઈલ ખોલીને વાંચવા લાગી. ડોક્ટર પ્રતિભા પોતાના ચશ્મા સરખા કરીને અમુક પાનાઓ પર પેન થી ચકરડાઓ દોરે છે.
અચાનક જ દેહરાદૂન નો રસ્તો શરૂ થતાં મોબાઈલ નેટવર્ક જતું રહ્યું પણ ડોક્ટર પ્રતિભા પોતાના મોબાઈલમાં ફાઈલ ના અમુક મહત્વપૂર્ણ ફોટાઓ લઈને એક નંબર પર મોકલી દે છે.
ડોક્ટર પ્રતિભા ભુતકાળમાં સરી ગઈ. ડોક્ટર પ્રતિભાએ પણ દેહરાદૂન ખાતે વીસ વર્ષ જેટલો સમય વ્યતીત કર્યો હતો. છેલ્લા દસ વર્ષથી તે દિલ્હી ખાતે બદલી થયા હતા. દેહરાદૂન ની ઘાટીઓ આજે પણ તેમને યુવાનીના દિવસોમાં પાછી લઈ જતી.
થોડીવાર પછી જ દેહરાદૂન થી બહાર મસુરી રોડ પર ચારે તરફ ઝાડ અને જંગલો થી ઘેરાયેલી શસ્ત્ર ફેક્ટરી ખાતે ડોક્ટર પ્રતિભા પહોંચી ગયા. મહિપાલ સિંહ ની ટીમ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં ની તૈયારી માં જ હતા કે અચાનક જ ડોક્ટર પ્રતિભા ના આગમનથી તેમને પોતાની પ્રકિયા રોકવા માટે ફરજ પાડવામાં આવી.
મહિપાલ સિંહ પણ ડોક્ટર પ્રતિભા ને મળવા માંગતા હોવાથી એ પણ રોકાઈ ગયા. ડોક્ટર પ્રતિભા પોતાની સાથે સુરક્ષા હેઠળ ફેક્ટરી ખાતે ડોક્ટર મજમુદાર ના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે પહોંચી ગયા.
ડોક્ટર મજમુદાર ના ચહેરા પર એક પ્રકારની તત્પરતા હતી. એ જાણે કંઈક કરવા માંગતા હતા પણ સમય જ ન મળ્યો. કોઈ પ્રકારના તણાવ હેઠળ તેમનુ મૃત્યુ થયું હતું. ડોક્ટર પ્રતિભાએ ચરણ સ્પર્શ કરીને પછી ફુલો ની ચાદર મુકીને નમન કર્યું.
ડોક્ટર પ્રતિભાએ વીસ વર્ષ સુધી ડોક્ટર મજમુદાર સાથે એક જ ઓફીસ માં કામ કર્યું હતું. ડોક્ટર પ્રતિભાએ પોતાની આંખો માં આવી રહ્યા આંસુઓ ને રોકીને એક પ્રોફેશનલ મહિલા તરીકે નમન કરીને ડોક્ટર મજમુદારને અંતિમ વિદાય આપી.
"નમસ્કાર મેડમ." મહિપાલ સિંહે પાછળ થી ડોક્ટર પ્રતિભા ને બોલાવ્યા.
"આપ કોણ?" ડોક્ટર પ્રતિભાએ પ્રશ્ન કર્યો.
"હું આ કેસ નો ઇન્ચાર્જ છું. " મહિપાલ સિંહે જણાવ્યું.
"તમને કદાચ ખબર નથી કે હું કોણ છું? તારીખ વગર તો મને મળી પણ ન શકો. આ તો અમારા સર ના અંતિમ દર્શન કરવા માટે આવી હતી એટલે તમને જવાબ આપું છું." ડોક્ટર પ્રતિભાએ સ્પષ્ટ રીતે જણાવ્યું.
"એ તો સમય જ જણાવશે." મહિપાલ સિંહે જણાવ્યું.
"મેડમ ચાલો." બે સિક્યોરિટી ગાર્ડ તરત જ ડોક્ટર પ્રતિભા પાસે પહોંચી ગયા.
ડોક્ટર પ્રતિભાએ પોતાની જાતને ગુસ્સે થતા રોકીને પછી તરત જ મુખ્ય ઓફીસ તરફ જવાનું નક્કી કર્યું. મહિપાલ સિંહ પણ મનોમન હસીને ફરીથી ડોક્ટર પ્રતિભા સાથે મુલાકાત ક્યારે થશે એ વિચાર કરી નીકળી ગયો.
આ તરફ જોસેફ તો ઊંઘમાં હોવાથી રાત પડી ગઈ હોવા છતાં તેને જરા પણ ખબર ન હતી. જાણે કે છેલ્લા દસ દિવસથી જે થાક લાગ્યો હતો એ આજે જ કાઢી રહ્યો હતો.
ડોક્ટર પ્રતિભાએ પણ ફેક્ટરી કેમ્પસ થી જ થોડી દૂર આવેલા વિસ્તારમાં રહેવાની વ્યવસ્થા કરી લીધી હતી. ડોક્ટર પ્રતિભાએ દિવસે આરામ કરીને રાત્રે ફેક્ટરી ખાતે જવાનું નક્કી કર્યું હતું.
"જોસેફ ને ફોન કરીને ફેક્ટરીએ બોલાવો." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
ડોક્ટર મજમુદાર ના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. તેમનો પરિવાર પણ પિતાના આવા આકસ્મિક મૃત્યુને આપઘાત કરતાં કંઈક વિશેષ માનતા હતા. મહિપાલ સિંહે પણ આ જ શંકા વ્યક્ત કરી હતી.
જોસેફ નો ફોન વાગતા જ તે અચાનક સફાળો ઊઠી ગયો. ચારેય તરફ અંધારું જોવાથી એ ગભરાઈ ગયો. ક્યારે રાત પડી ગઈ એ તેને ખબર જ ન રહી. મોબાઈલ માં રાત્રે નવ વાગ્યા નો સમય થઈ રહ્યો હતો.મોબાઈલ પર કોઈ વિચિત્ર નંબર થી સતત ફોન આવી રહ્યો હતો.
"હેલ્લો જોસેફ હોટ લાઈન પર ડોક્ટર પ્રતિભા વાત કરશે.." કોઈ ઓપરેટર ફોન નું સ્થળાંતર કરે છે.
"ક..કોણ? ડોક્ટર પ્રતિભા?" જોસેફને વિશ્વાસ નથી થતો.
"હા જોસેફ. તું હવે એક ખુબ જ મહત્વપૂર્ણ મિશન નો ભાગ છે. થોડીવાર પછી જ ઓફીસ ખાતે પહોંચી જા. બહાર કાર તૈયાર છે." ડોક્ટર પ્રતિભાએ ફોન મુકી દીધો.
"શું?" જોસેફ ગભરાઈ ગયો. ફોન કપાઈ ગયો હતો.બહાર એક ટેક્સી પણ ઊભી હતી.
"આ ટેકસી મને લેવા માટે આવી? ડોક્ટર પ્રતિભાએ જ મોકલી હશે?" જોસેફે મનોમન વિચાર કર્યો.
ટેક્સી ડ્રાઈવરે દરવાજો ખખડાવ્યો અને જોસેફને કહ્યું:
"સર હું હવે થી રોજ રાત્રે આ જ સમયે આવીને ઊભો રહીશ. "
"પણ તમે કોણ? હું શું કામ તમારી વાત માનું?" જોસેફે પુછ્યું.
અચાનક જ ટેકસી ડ્રાઈવરે પોતાની પાસે રાખેલી રિવોલ્વર બહાર કાઢીને જોસેફ ના લમણે ધરી દીધી.જોસેફ હતપ્રભ બની ગયો.
"મને કોઈ બળજબરી કરવા માટે મજબૂર ન કરતો. હું પણ સેના અધિકારી જ છું. પણ છુપા વેશે મારી ફરજ પુરી કરી રહ્યો છું." ટેક્સી ડ્રાઈવરે જોસેફને સમજાવ્યું.