ગુલમર્ગ, જમ્મુ કાશ્મીર , ૧૧ એપ્રિલ
એપ્રિલ નો મહિનો હતો .સફેદ પર્વત કે જે હિમાલયની ઓળખાણ સમાન છે એ એપ્રિલ મહિનામાં પોતાની ટોચ પર પડ્યા બરફ ના ઓગળી જવાથી ખળ ખળ વહેતા ઠંડા પાણીથી પોતાની જાતને સાવ જ બદલાઈ ગયા રંગ રૂપમાં જોઈ રહ્યા હતા.
ક્યાંક ક્યાંક પહાડ ની શિલાઓ પર વહેતા પાણીનો ધોધ નયનરમ્ય નજારો બતાવી રહ્યું હતું. પક્ષીઓ સફરજન ના બગીચામાં કલરવ કરતા પ્રકૃતિ ના નવા રૂપરંગ નો આનંદ લેતા હતા.
"એ..એ.. જલ્દી કરો. સમય નથી. હમણાં નવ વાગ્યે જ ખચ્ચર પર નીકળી જવું પડશે. " આવેશ ખાને કહ્યું.
૧૦૦ થી વધુ પર્યટકો નો ટોળું ગુલમર્ગની તળેટીમાં ભેગું થયું હતું. પ્રોફેસર જોસેફ પોતાના પરિવાર સાથે ગુલમર્ગ ફરવા માટે આવ્યા હતા.
"પપ્પા ..ચલો ને?" તેમની દીકરી મારિયાએ કહ્યું.
"જો મને ઘોડા અને ખચ્ચર થી ડર લાગે છે. તું અને ડેવિડ બન્ને જતા આવો. મમ્મી સામંથા પણ આવશે. હું આજે હોટેલ રૂમમાં આરામ કરીશ." જોસેફે કહ્યું.
"ના પપ્પા. જોવો બીજા બધા આવે છે. એક તમે જ વિચિત્ર છો." મારિયાએ કહ્યું.
"એ એવા જ છે. ખુબ જ વધારે પસંદગીઓ અને નાપસંદગીઓ ધરાવે છે." સામંથાએ જણાવ્યું.
પ્રોફેસર જોસેફ બન્ને બાળકોને સમજાવી તેમની સાથે સાંજે કેરમ અને ચેસ રમવા માટે તૈયાર થઈ ગયા હતા. સામંથા પણ પતિની ગેરહાજરીમાં જવા માટે મજબૂર હતી. દસ વર્ષની મારિયા અને છ વર્ષનો ડેવિડ હોંશભેર ખચ્ચરની સવારી કરવા માટે રાહ જોઈ રહ્યા હતા.
ગુલમર્ગ થી ઉપરની ખીણ તરફ નો રસ્તો ખુબ જ સાંકડો હોવાથી ફક્ત ખચ્ચર માર્ગથી જ ઉપર જઈ શકાય તેમ હતું.ઉપર ફુલો ની ઘાટી હતી જ્યાં ખુબ જ સુંદર રંગ બેરંગી ફુલો અને મેદાન સાથે ઝરણું હતું.
"એ..ચલો..ચલો.." આવેશ ખાને સામંથા અને જોસેફ તરફ ઈશારો કરીને જણાવ્યું.
"હું નહીં.." જોસેફ ખચ્ચર થી બીજી બાજુએ ખસી ગયો હતો.
"તમારે બે ખચ્ચર તો કરવા જ પડશે. ભલે તમે આવો કે ન આવો." આવેશ ખાને જણાવ્યું.
"હા તો મને પણ કોઈ ઉતાવળ નથી. હું બે શું ચારનાં પૈસા આપવા તૈયાર છું." જોસેફે કહ્યું.
"ના સાહેબ. ખચ્ચર પર વજન નિયંત્રણમાં રાખવાની જરૂર હોય. જો એ જીદે ચઢે તો તેને નિયંત્રિત કરવો ખુબ અઘરો છે." આવેશ ખાને જણાવ્યું.
ભુરા રંગના ખચ્ચર પર મારિયા એકલી બેસી ગઈ હતી. જ્યારે સફેદ રંગના ખચ્ચર પર ડેવિડ અને સામંથા બેસી ગયા. ધીમે ધીમે ખચ્ચર પર બેસીને મારિયા પહેલા તો ચીસો પાડવા લાગી. જોસેફ તો હેબતાઈ ગયો.
"એ..એ..ઉતારો." જોસેફે કહ્યું.
"અરે સર એ તો બે મિનિટ ડર લાગશે. ચલો ચલો આ સૌથી શાંત ખચ્ચર છે." આવેશ ખાને જણાવ્યું.
મારિયાને સામંથાએ હિમ્મત આપી તો એ ધીમે ધીમે આગળ વધી. ડેવિડ અને સામંથાનો ખચ્ચર પણ પાછળ જ રાખવામાં આવ્યો હતો જેથી સાથ રહે.જોસેફ હવે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ સામંથાએ બુમ પાડી:
"ઓ વૈજ્ઞાનિક સાહેબ ફોટો કોણ પાડશે?"
"ક્યાં ખચ્ચર પર?" જોસેફે પુછ્યું.
"હા એ જ ને." સામંથાએ જણાવ્યું.
જોસેફ દૂરથી સામંથા અને બાળકો ના ખચ્ચર પર પોતાના ફોનમાં ફોટો લઈ લે છે. જોસેફ પોતાના પરિવાર ને વિદાય આપી પછી ગુલમર્ગ ના બજારમાં થોડી ખરીદી કરવા માટે નીકળી ગયો.
ખચ્ચર પર બેસીને મારિયા સહિત ડેવિડ અને સામંથા ગુલમર્ગ ની ટોચ તરફ જવા માટે નીકળ્યા. ખચ્ચર ઊંચો નીચો થાય ત્યારે મારિયા ઘડીભર માટે થંભી જાય પણ પાછળ જ મમ્મી અને ડેવિડને જોઈ તેને હિમ્મત આવતી હતી.
કાદવ કીચડ વાળી સાંકડી કેડીઓ પર ચાલતા જવું તો અશક્ય છે. સામે છેડેથી પણ ખચ્ચર આવતા હોય. વળી તેમની ઉપર જ ખાવા પીવાનો સામાન લાદીને લઈ જવાય. નાનકડો ડેવિડ ચારેય તરફ નજર નાખી પછી તોફાન કરવા માટે પ્રયત્ન કરે છે તો સામંથા આંખ બતાવે છે એટલે રડવા લાગ્યો.
"અરે બહેન બાળક જ તોફાન કરે." આવેશ ખાને જણાવ્યું.
"અંહી બરોબર બેઠા નથી અને આ તોફાન કરે એમ કેવી રીતે ચાલે? " સામંથાએ જણાવ્યું.
"પપ્પા.. પપ્પા.." એમ કહીને નાનકડો ડેવિડ રડ્યો. પછી થોડીવાર પછી જ ચોકલેટ મળતા એ ચુપ થઈ ગયો.
આ તરફ જોસેફ ગુલમર્ગ ના બજારમાં થોડી ખરીદી કરી પછી પોતાના હોટેલ રૂમમાં પાછો આવ્યો પછી તે સુઈ ગયો.
લગભગ એક થી દોઢ કલાક ના ચઢાણ પછી ખચ્ચરો ફુલો ની ઘાટી પાસે પહોંચી ગયા. એક પછી એક ખચ્ચર આગળ ખુલ્લી ઘાટી તરફ આગળ વધતા અને પર્યટકો નીચે ઉતરી જતા.
સામંથા સહિત ડેવિડ અને મારિયા પણ નીચે ઉતરી ગયા. તેમની સાથે લગભગ ઘણા બધા પર્યટકો પહોંચી ગયા હતા. આવેશ ખાને બધાને બોલાવીને સમજાવવાનું શરૂ કર્યું:
"આ ફુલોની ઘાટી છે. અંહી ચોતરફ જુદી જુદી જાતના રંગબિરંગી ફુલો તમને જોવા મળશે. અંહી નાના બાળકો માટે હિંચકાઓ તેમજ પુખ્ત વયના લોકો માટે ઝીપ લાઈન તેમજ બીજી સાહસિક રમતો છે. ખાવા પીવા માટે ગરમ વસ્તુઓ પણ મળી જશે.
આપણે બધાએ બપોરે બે વાગ્યા પછી નીચે તળેટી તરફ ઉતરાણ શરૂ કરી દેવું પડશે. જો વરસાદ થયો તો આપણે થોડા વહેલા પણ નીકળવું પડી શકે. બધા એકબીજાની સાથે જ રહેજો. રાત્રે અંહી કોઈ રોકાતુ નથી."
થોડીવાર પછી બધા જ પર્યટકો પોતાની રીતે મોજ મસ્તી માણવા લાગ્યા હતા. શું નજારો હતો એ ઘાટીમાં? ચારેય તરફ પ્રાકૃતિક સૌંદર્યની રીતે અલગ અલગ ફુલો એ પણ લાલ, લીલા, વાદળી, પીળા, કેસરી જાણે કે સ્વર્ગ જ જમીન પર ઉતરી આવ્યું હતું.
એ સાથે જ પૃષ્ઠભૂમિમાં હિમાલય પર્વતમાળા અને લીલોતરી સાથે નીચે તળેટી નો નજારો. ખુબ જ નયનરમ્ય અને સુંદર દૃશ્યો જોઈને સામંથા જોસેફને ફોન લગાડવા માટે પ્રયત્ન કરે છે પણ ત્યાં નેટવર્ક ન હતું.
પોતાની સાથે લાવેલા સેન્ડવીચ અને ઠંડા પીણા પીધા પછી ડેવિડ અને મારિયા હિંચકાઓનો આનંદ લેતા હતા. ઘણા પર્યટકો ઝીપ લાઈન વડે બે ટેકરીઓ વચ્ચે આવન જાવન કરતા હતા.
" તારા પપ્પાને બહુ ખોટું કર્યું. હવે આપણે ત્રણેય ના ફોટા આવશે તો લોકો પુછશેને કે એ ક્યાં હતા? વળી નેટવર્ક પણ નથી કે ફોન લાગે. બાકી એમને વિડિયો કોલ કરીને બતાવતા કે એમણે શું ખોયું?" સામંથા મારિયા ને સમજાવતી હતી.
"મમ્મી જવા દે ને. સાંજે પછી અમારે ત્યાં રમવાનું છે." મારિયાએ પપ્પાની તરફેણ કરી.
એટલામાં જ નાનકડો ડેવિડ ચકલીઓ જોઈને તેને પકડવા માટે ઘાટીમાં ખુણામાં મોટા વટવૃક્ષ તરફ દોડી ગયો. મારિયા પણ તેની પાછળ જ દોડી.
"એ.. ઊભા રહો.. ત્યાં ક્યાં જાવ છો?" સામંથાએ પુછ્યું.
હજી તો ડેવિડ સામંથાની વાત સાંભળી પાછળ જોવે એ પહેલાં જ બંદુક નો જોરદાર ધડાકો સંભળાયો. ડેવિડ ત્યાં જ રોકાઈ ગયો અને જોરથી રડવા લાગ્યો.તેનાથી થોડી જ દૂર ઊભી મારિયા પણ કાન પર હાથ મૂકી નીચે બેસી ગઈ.
"શું થયું ડેવિડ?" સામંથા પણ અણધાર્યા અવાજ અને ડેવિડના વર્તન થી ગભરાઈ ગઈ.
"મમ્મી.. મમ્મી.." ડેવિડ કંઈ સમજ્યા વગર જ સામંથા અને મારિયા તરફ દોડ્યો. હજી તો એ બે ડગલાં જ આગળ ગયો કે બીજો ધડાકો થયો અને ડેવિડ સીધો જ નીચે પછડાયો.