"શેનો અવાજ?" જોસેફ પણ હતપ્રભ બની ગયો.
જે ફોટો ફ્રેમ નીચે પડી હતી એ જોસેફ ના પરિવારનો ફોટો હતો. પણ આશ્ચર્ય ની વાત એ હતી કે એ ફોટો માં જોસેફ જ ન હતો.એ ફોટો ફકત માં અને બાળકો નો હતો.
જોસેફ ફોટો જોઈ હતપ્રભ બની ગયો. મહિપાલ સિંહે ફોટો ની માંગ કરતા જોસેફ તેને ફોટો આપે છે. કુતરો પણ ફોટા ને સુંઘી પછી ચુપ થઈ ગયો. પછી અચાનક જ રડવાનું શરૂ કરી દીધું.
"હે.. હે..સેમ.." મહિપાલ સિંહે કુતરાને બોલાવ્યો પણ એ તો વિચિત્ર અવાજની સાથે ભસતો અને રડતો જ રહ્યો.
"આ કુતરાને શું થયું?" જોસેફે કુતુહલતાવશ પુછ્યું.
"આ તો પ્રશિક્ષણ પામેલું કુતરું છે. પણ શું કામ આ રીતે વર્તન કરે છે એ ખબર નથી પડતી." મહિપાલ સિંહે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
"પ્રાણીઓ આપણે જે ધ્વનિ ન સાંભળી શકતા હોઈએ એવી ધ્વનિ પણ સાંભળી શકે છે અને તે ધ્વનિ સાથે જોડાયેલી લાગણીઓ નો પડઘો પણ સમજી શકે છે. " જોસેફે જણાવ્યું.
"એટલે શું થયું?"મહિપાલ સિંહે પુછ્યું.
"એ કોઈ વિચિત્ર ધ્વનિ સાંભળી શકતું હોય કે જે આપણે નથી સાંભળી શકતા. " જોસેફે જણાવ્યું.
આખી ટીમ ત્યાં સુધી તો ઘરની ઉલટ તપાસ કરીને આવી જાય છે. મહિપાલ સિંહે પુછ્યું:
"કંઈ વાંધાજનક વસ્તુ તો ન મળી?"
"ના સર. " ટીમના સભ્યે જણાવ્યું.
"બધી માહિતી ઓફીસ માં જ મુકીને આવવાની." મહિપાલ સિંહે હસીને કહ્યું.
"શું માહિતી?" જોસેફે અજાણ બની પુછ્યું.
"એ તો સમય આવ્યે બહાર આવશે." મહિપાલ સિંહે કુતરાને શાંત કરવા માટે પ્રયત્ન કરી પછી તેની ટીમને ઘરના મુખ્ય દ્વાર પાસે કંઈક રાખવાની સુચના આપી.
"આ શું કરી રહ્યા છો?" જોસેફે પુછ્યું.
"બસ એક સિક્યોરિટી કેમેરા રાખું છું." મહિપાલ સિંહે જણાવ્યું.
"પણ આ ગેરકાનૂની વાત છે. કોઈ ના ઘરે મુખ્ય દરવાજા પર આ પ્રકારે કેમેરા ન રાખી શકાય." જોસેફે વિરોધ કર્યો.
"હવે તું મને કાયદો શીખવવાનો? તારી ડોક્ટર પ્રતિભાએ પણ બહુ મોટી વાતો કરી છે. હું પણ અંહી જ કેમેરા રાખી તારી પર ચાંપતી નજર રાખીશ." મહિપાલ સિંહે કેમેરા લગાડવાની તૈયારી કરી કહ્યું.
"ઠીક છે." જોસેફ પરિસ્થિતિ ની ગંભીરતા સમજી ચુપચાપ બની ગયો.
મહિપાલ સિંહે જોસેફના ઘરના મુખ્ય દ્વાર પર જ કેમેરા લગાડીને જાણે પોતાની જીત હોય એમ માનીને ખુશ થઈ ટીમ સાથે નીકળી ગયો.જોસેફ તો પોતાના પરિવાર ના ફોટા તરફ તાકીને જોઈ રહ્યો.
"શું મારી પત્ની મારી દીકરી મને કંઈ કહેવા માંગે છે? શું એ શ્વાન કંઈક સમજતો હશે? શું જે અવાજ મને સંભળાય છે એ ફક્ત મને જ સંભળાય છે?" જોસેફ મનોમન વિચાર કરીને પછી સુઈ ગયો.
આ તરફ સેના ફેક્ટરીમાં બે ગાડીઓ નો પ્રવેશ થયો. આ ગાડીઓ જાણે સામાન્ય હોય એ રીતે ભરબપોરે આવી અને સાદા કપડામાં સજ્જ ત્રણ થી ચાર વ્યક્તિઓ સિક્યોરિટી ગાર્ડ પાસે પહોંચી ને કંઈક કાગળો બતાવી પછી ચુપચાપ કાર લઈને અંદર પ્રવેશ કરે છે.
પોતાના રૂમમાં આરામ કરી રહ્યા ડોક્ટર પ્રતિભાને તરત જ ઓફીસ થી ફોન આવ્યો. ડોક્ટર પ્રતિભાએ ફોન ઉપાડ્યો:
"દિલ્હી થી પાર્સલ આવ્યું છે."
ડોક્ટર પ્રતિભાએ તરત જ પોતાની સિક્યોરિટી ટીમને ઓફીસ તરફ રવાના કરી. થોડીવાર પછી જ ડોક્ટર પ્રતિભાને એક મેસેજ આવ્યો. ડોક્ટર પ્રતિભાએ પોતાના કોમ્પ્યુટર પર બધી જ માહિતી એકત્રિત કરીને રાત સુધી આરામ કરવા માટે વિચાર કર્યો.
જોસેફ તો બપોરે જમીને પછી સીધો જ સુઈ ગયો. રાત્રે નવ ના ટકોરે તેની ડોર બેલ વાગી તો જોસેફ સતર્ક બની ગયો. ટેક્સી ડ્રાઈવર જ હતો.
"આપ અંદર આવો." જોસેફે કહ્યું.
"શું કામ સમય બગાડવો? " ટેક્સી ડ્રાઈવરે કહ્યું.
"એક મહત્વપૂર્ણ માહિતી આપવી છે. " જોસેફે જણાવ્યું.
"શું થયું?" ટેક્સી ડ્રાઈવરે અંદર પ્રવેશ કરી પુછ્યું.
"આજે સવારે જ પોલીસ આવીને મુખ્ય દરવાજા પર કેમેરો લગાડી ગયા છે. એ લોકો સતત મારી હિલચાલ પર નજર રાખવા માંગે છે." જોસેફે જણાવ્યું.
"તો હવે શું?" ટેક્સી ડ્રાઈવરે પુછ્યું.
"આપણે પાસે એક તક છે. તમે અંહી થી મને લીધા વગર જ નીકળી જાવ. હું પાછળ ના દરવાજા થી કુદકો મારી આવી જઈશ." જોસેફે જણાવ્યું.
ટેક્સી ડ્રાઈવરે પણ હામી ભરી અને કેમેરા સામે પોતે એકલો જ નીકળી ગયો. પછી પાછળ ના રસ્તે થી જોસેફ દીવાલ કુદી ટેક્સી માં બેસી ગયો.
મહિપાલ સિંહ ની ટીમ કેમેરા થી ટેક્સી ની હિલચાલ જોવે છે તો ટેક્સી ડ્રાઈવર ને એકલો પાછો જતા તેમને કંઈક શંકા લાગે છે. મહિપાલ સિંહ પોતાના એક સાગરીત ને જોસેફ ના ઘરમાં જઈને તપાસ કરવા માટે જણાવે છે.
રાત ના અંધકાર માં ધીમે ધીમે ટેક્સી શસ્ત્ર ફેક્ટરી તરફ આગળ વધે છે તો પેટ્રોલિંગ કરતી પોલીસ જીપ ને મહિપાલ સિંહે તે ટેક્સી નો પીછો કરવા માટે આદેશ આપ્યો.
"સર પોલીસ જીપ પીછો કરી રહી છે." જોસેફે પાછળ વળીને જોઈ ટેક્સી ડ્રાઈવરને માહિતી આપી.
" તમે ચિંતા ન કરો. સેના માટે આ બધી નવાઈ ની વાત નથી." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
પોલીસ જીપ મહિપાલ સિંહના ઈશારે ટેક્સી ના પાછળ જ ચાલતી હતી પણ ટેક્સી સીધી જ શસ્ત્ર ફેક્ટરીમાં પ્રવેશ કરી ગઈ. સિક્યોરિટી ગાર્ડ ગેટ પર પોલીસ જીપ ને રોકતા મહિપાલ સિંહ તેને પાછું ફરી જવા માટે આદેશ આપે છે.
"વાહ સર વાહ. આપ તો કોઈ રેસિંગ માં ચલાવો તો પણ ચાલે." જોસેફ સેના ના અધિકારી ની પ્રશંસા કરે છે.
"તમે કદાચ જાણતા નથી. પોલીસ જીપ ભલે રહી પણ એનો ડ્રાઈવર તો સેના અધિકારી જ છે. આ પ્રોજેક્ટ ખુબ જ મહત્વપૂર્ણ છે." ટેક્સી ડ્રાઈવર રૂપે સેના અધિકારીએ જણાવ્યું.
"એટલે જ પોલીસ જીપ પાછળ રહી ગઈ." જોસેફ પણ સમજી જાય છે.
ડોક્ટર પ્રતિભાએ ત્યારે જ જોસેફ ને ઝડપથી ઓફીસ માં આવવા માટે સમજાવ્યો. રાત ના અગિયાર વાગી રહ્યા હતા.
"આજે આપણે ફરીથી નીચે ચેમ્બર માં જઈને ટયુનિગ ફોર્ક કે જેના વડે આપણે ધ્વનિ તરંગો પેદા કરીએ છીએ એ પેદા કરીને રેકોર્ડ કરી પછી આપણે ટેસ્ટ કેસ પર પ્રયોગો કરવાના છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"એટલે?" જોસેફ કંઈ સમજ્યો નહીં.
"આ જો." ડોક્ટર પ્રતિભાએ કોમ્પ્યુટર પર એક પ્રોફાઈલ ખોલી.
હજી તો એ ફોટો ખુલ્યો ત્યારે જ જોસેફ હતપ્રભ બની ગયો.ડોકટર પ્રતિભા સામે જોઈ જોસેફ કહેવા લાગ્યો:
"આ યુવાન તમને ક્યાં મળ્યો?"
"આ યુવાન ભારતીય સેના દ્વારા એક ટેસ્ટ કેસ તરીકે આપણી પાસે મોકલવામાં આવ્યો છે.એ કોણ છે એનાથી આપણને મતલબ નથી. આપણે ધ્વનિ શસ્ત્ર ના પ્રયોગો તેની પર કરવાના છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"મને આ યુવાન ખબર નહીં કેમ જોયો જોયો લાગે છે. પણ હું યાદ નથી કરી શકતો કે એ ક્યાં હતો?" જોસેફે જણાવ્યું.
"ચલો હવે સમય નથી." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
જોસેફ અને ડોક્ટર પ્રતિભા મધરાતે જુનો દરવાજો ખોલીને જેમ જ ભોંયરામાં પ્રવેશ કરે છે તો હતપ્રભ બની જાય છે. ચારેય તરફ લાલ રંગની લાઈટ અને કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ હતું અને ધ્વનિ તરંગો સંભળાય છે.
જોસેફ ટયુનિગ ફોર્ક પકડવા ગયો તો એ નીચે પડી હવામાં ઉડે છે.