Aekant - 62 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 62

Featured Books
Categories
Share

એકાંત - 62

એક પુરુષને જ્યારે એવી જાણ પડે કે એ પિતા બનવાને અસમર્થ છે; ત્યારે એની મર્દાનગી પર સવાલ ઊભો થાય છે. કોઈપણ કામમાં ના આવનાર સમાજ માટે નડતર રૂપ બની જાય છે. એનું જીવવું એક અભિશાપ લાગવા લાગે છે.

પુરૂષ નમાલો નથી, પણ એને કહેવામાં આવે છે કે એ નમાલો છે; તો જ એ એક બાળકને જન્મ આપી શકતો નથી. એ સમયે એ અંદરથી તુટી જાય છે. એના એકાંતમાં એને ઊંડો ઘા લાગી જાય છે. સ્ત્રીઓ એમની વેદના શબ્દો દ્રારા લોકો સામે વ્યક્ત કરીને શાંત પડી જાય છે. પુરુષ પર તો નામરદનું લેબલ લગાવી દેવામાં આવે છે. એ ઈચ્છે તો એ લેબલને પોતાનાથી દૂર કરી શકતો નથી. કોઈને કશું ના કહેનાર પુરુષ અંદર જ એની વેદનાની સાથે ભાંગી પડે છે. જો એ વાત કહેવા પણ જાય તો બાયલો કહીને એને ચૂપ કરાવી દેવામાં આવે છે.

કાજલે પ્રવિણને કહેલાં શબ્દો કે, 'તુ ખંડિત છે. તું મરદ બનવાને લાયક નથી.' એ શબ્દો પ્રવિણના અંતરમનને ઊંડાં ઘા કરી દીધાં. એને પહેલી વાર એવું લાગ્યું કે એ ખરેખર આ પૃથ્વી પર બોજ સમાન જીવી રહ્યો હતો.

સ્ત્રીઓ હંમેશા કહેતી આવી છે કે પુરૂષો કોઈ દિવસ એક સ્ત્રીને સમજી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પ્રવિણની એવી ઈચ્છા હતી કે એ જેને પ્રેમ કરે છે એ એની લાગણી, પ્રેમ અને હૂંફને પામી લે.

પ્રવિણને કાજલ પાસે એવી અપેક્ષા હતી કે, એ એની પિતા ના બનવાની જાણ એને થશે તો એ એની વેદના અને તકલીફને પણ પોતાની સમજીને આજીવન એની સાથે ખુશી ખુશી રહેવાં તૈયાર થઈ જશે. પ્રવિણનો વિશ્વાસ કાજલ માટે ખોટો નિવડ્યો હતો.

પ્રવિણની મા અને કુલદીપની માએ એને સમજાવ્યું હતું : "એક સ્ત્રીની ઈચ્છા એ જ હોય છે કે એનાં લગ્ન પછી એ પ્રેમથી પોતાનો માળો ગૂંથે. એ માળામાં એની સાથે કિલકારી કરતાં બચ્ચાઓનો આગમન થાય. સ્ત્રીની જીંદગીનું સૌથી મોટું સુખ એ હોય છે કે એનો ખોળો ભરાય."

કાજલ પ્રવિણની લાગણીને પામી ના શકી તો પ્રવિણ કાજલની લાગણીને સમજવામાં નાપાસ થઈ ગયો. પ્રેમની વાતો કરનાર એકબીજાની લાગણી સાચવવાં નાકામિયાબ રહી ગયાં હતાં.

પ્રવિણે થોડીક સ્વસ્થતા કેળવી અને પોતાની પાણીથી ભરેલી આંખો સાફ કરીને કાજલ પાસે જઈને કહેવાં લાગ્યો : "મને માફ કરી દે, કાજલ. હું તારો ગુનેગાર છું. મેં તને સમજવામાં જ ભૂલ કરી બેઠો. મને લાગ્યું કે મને પ્રેમ કરનાર મારી ખંડિતતાને પણ સ્વીકાર કરી લેશે. તું રડવાનું બંધ કર."

"અજાણતાં કરેલી ભૂલની માફી હોય અને એને માફ પણ કરી દેવામાં આવે છે. તેં બધું જાણી જોઈને કર્યું છે. અડધા સોમનાથમાં આપણા સંબંધની વાતો ફેલાવીને મને બદનામ કરી નાખી. હવે તું મારી પાસે માફી માંગે છે." કાજલ રડવાનું બંધ કરી રહી ન હતી.

"કાજલ ! મારો વિશ્વાસ કર. મારે આ વાત તને પહેલાં કહી દેવી જોઈએ, પણ હું તને ના કહી શક્યો. આ વાત ફકત મારા પરિવારના લોકો અને કુલદીપના પરિવાર જ જાણે છે. એમને હું મારાં જીવનનો એક હિસ્સો માનું છું એટલે જ મેં એમને કહ્યું હતું."

પ્રવિણ બે હાથ જોડીને કાજલ સામે માફીની ભીખ માંગવાં લાગ્યો. કાજલ પ્રવિણનો અવાજ સાંભળીને જ ક્રોધે ભરાઈ ગઈ. ગુસ્સામાં આવીને એ પછી એણે એવું કર્યું કે એણે ખુદ આવો કદી વિચાર કરેલો નહીં હોય.

ટેબલ પર ટોયલેટ સાફ કરવાની એસિડથી ભરેલી કાચની બોટલ હતી. એણે આક્રોશમાં આવીને એ શીશીનું ઢાંકણું ખોલીને પ્રવિણના જમણા ચહેરા પર છાંટી દીધું.

પ્રવિણને અસહ્ય કાળી બળતરા થવા લાગી. એનાં મુખમાંથી દર્દની લાંબી ચીસ નીકળી ગઈ. એ ચીસનો અવાજ એવો તિવ્ર હતો કે હોલમાં બેસેલાં દરેક જણનાં કાને પડ્યો.

"આ વેદના તને આજીવન યાદ અપાવશે કે તું નામરદ છે. તારા સુંદર ચહેરા પર બાપ ના બનવાનો ડાઘ લાગી ગયો છે. જ્યારે હવે તું કોઈને તારી ખંડિતતા કહેવાનું ભૂલી જઈશ ત્યારે આ ડાઘ તને હમેંશા યાદ અપાવશે."

"રાતના સૂવા સમયે તું આ ડાઘને જોવીશ ત્યારે તને યાદ આવશે કે કોઈ સ્ત્રીને માતા ના બનવાની ઈચ્છાને વંચિત રાખવાનો વિચાર કરવાથી કેવી સજા મળે છે ! આ ડાઘ તને રાતનાં ચૈનથી કોઈ દિવસ સૂવા દેશે નહીં અને તું અંતિમ ઘડીએ તારી ખંડિતતાની વેદના તારી સાથે લઈને જઈશ."

વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન એનો ગુસ્સો હોય છે. ગુસ્સામાં આવીને વ્યક્તિ એવું કરી બેસે છે કે એને ખુદને ભાન રહેતું નથી કે એ શું કરી રહ્યો છે. ગેરસમજણ અને ઊતાવળમાં કાજલે પ્રવિણ પર એસિડ છાંટી દીધું. પ્રવિણને ચહેરા પર કાળી લાય લાગવાં લાગી. કાજલનાં કહેલા શબ્દો એના કાન સુધી પહોંચી રહ્યાં ન હતાં. 

હોલમાં પ્રવિણનો અવાજ સાંભળીને સૌ કાજલના રૂમમાં આવી પહોંચ્યા. પ્રવિણ ચહેરાને પકડીને એક જગ્યાએ બેસીને રડી રહ્યો હતો. દલપત કાકા પ્રવિણ પાસે જઈને એને જોવા લાગ્યા.

કાજલનાં પેરેન્ટ્સ કાજલને સવાલ કરવાં લાગ્યાં. કાજલે એની અને પ્રવિણ વચ્ચે જે કાંઈ વાત થઈ એ ટુંકમાં જણાવી દીધી. ગુસ્સામાં એણે પ્રવિણ પર એસિડ ફેંક્યું એ વાત પણ એણે બિન્દાસ કહી દીધી.

"કાજલ, તું ગાંડી થઈ ગઈ છે ? તારો ગુસ્સો કોઈનો જીવ લઈ શકે છે. એની આંખને પણ ઈજા થઈ શકે છે. કોઈપણ બાબત હોય એને શાંતિથી બેસીને સુલજાવી શકાય છે. તને એવો હક નથી કે તું કોઈને આવી ઊંડી સજા આપે. મને તારી પાસેથી આવી અપેક્ષા ન હતી." કાજલનાં મમ્મીએ ગુસ્સા સાથે કહ્યું.

પ્રવિણના ચહેરા પર એસિડ ઊડ્યું હતું. એની પીડા સહી શકાય એવી ન હતી. દલપત કાકાએ આ વાત જાણી તો બે હાથ જોડીને કરગવા લાગ્યા : "મારા દીકરાની તમને જે ભૂલ લાગી હોય એની માફી હું માગું છું. મહેરબાની કરીને મને મદદ કરો તો હું એને હોસ્પિટલ સુધી લઈ જાવ."

દલપત કાકા આટલુ બોલીને ઢીલા પડી ગયાં. કાજલના પપ્પાની મદદથી પ્રવિણને તાત્કાલિક સીટી હોસ્પિટલમાં એડમિટ કરી દીધો.

ડૉકટર પ્રવિણને લઈને ઓપરેશન રૂમમાં જતા રહ્યા અને દલપત કાકાને જણાવી દીધુ : "ઓપરેશન પછી જાણ થઈ શકે ચહેરાની અંદર ઊંડો કેટલો ઘા થયો હશે ? આ એક પોલીસ કેશ બને છે. તમે તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈને તમારા દીકરા પર જેણે હુમલો કરાવ્યો એની ફરિયાદ નોંધાવી શકો છો."

"ડૉકટર સાહેબ, તમે મારા દીકરાને સાજો કરી દો. બાકી કોઈને સજા આપી શકીએ એવા આપણે કોણ હોય શકીએ છીએ. આ બધુ નિયતિએ નક્કી કરેલું હોય; એ થાય છે." દલપાત કાકા બે હાથ જોડીને રડવા લાગ્યા.

કાજલના પપ્પાને કાજલે કરેલાં પરાક્રમથી શરમ આવવાં લાગી. એક એની દીકરી કે જેણે ગુસ્સામાં આવીને કોઈના દીકરાના સુંદર ચહેરાને બગાડી નાખ્યો અને એક મહાન પિતા કે સાચી હકીકત એની સામે હતી તો પણ કોઈ દીકરીનું ભવિષ્ય ના બગડે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાની ના પાડી દીધી.

"દલપતભાઈ, મને માફ કરી દેજો. હું તમારો અને તમારા દીકરાનો ગુન્નેગાર છું. મારી દીકરી જે કાંઈ કર્યું એ ગુસ્સામાં કર્યુ. એનાં તરફથી હું તમારી માફી માંગું છું. જોકે હું માફી માંગવાને પણ લાયક નથી." કાજલના પપ્પાની આંખો પસ્તાવાથી ભીની થઈ ગઈ હતી.

"તમે મહેરબાની કરીને માફી ના માંગો. માફી માંગીને તમે મને શરમમાં મુકો છો. સોમનાથ દાદાએ આપણાં બાળકોના જીવનમાં કાંઈક બીજું વિચારેલું હશે. હું તો કહું છું કે જે થયું એ વહેલાસર થયું તો સારું થયું. જો લગ્ન પછી આ બધું થયું હોય તો મારા દીકરાની સાથે તમારી દીકરીનું જીવતર બગડી ગયું હોત."

"તમારા જેવા પરિવારને જો મારી દીકરી સ્વીકારી લે તો એનું જીવતર ઊજળું થઈ જાય. તમે મારી એક વાતનો જવાબ આપશો?"

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"