"શું ક્યાં છે ધરતીકંપ?" ત્રિશલા સમજી ન શકી.
"બહુ સવાલો ન કર." જોસેફ ત્રિશલા ને બપોરે સોસાયટી ના કોમન પ્લોટમાં લઈ જાય છે તો આજુબાજુના લોકોને ખુબ આશ્ચર્ય થાય છે.
"જોસેફ શું થયું?" બીજા એક મકાન માલિકે પુછ્યું.
"ધરતીકંપ નો આંચકો આવશે." જોસેફ બોલે છે.
"શું?" એ હસવા લાગ્યા.
અચાનક જ સોસાયટી ના કુતરાઓ પણ વિચિત્ર અવાજે રડવા લાગ્યા અને આ શું? ધરા ધ્રુજી ઊઠી. મકાન થોડા સમય માટે જાણે કે હવામાં લહેરાતા હતા. બધા જ લોકો સ્તબ્ધ થઈ ઘરની બહાર નીકળી જાય છે.
"શું થયું?" જોસેફ ત્રિશલા ની તરફ જોવે છે.
" આ શું હતું? આ કેવી રીતે શક્ય બને? " ત્રિશલા તો દિગ્મૂઢ બની જોસેફ ની જોઈ જ રહી.
"મને પણ ખબર નથી. હું ઊંઘ માં હતો ત્યારે મને દિશા સ્વપ્ન આવ્યું હતું કે ધરતીકંપ આવવાનો છે. મને બધા જ ભાગતા દેખાય છે." જોસેફે જણાવ્યું.
"તમે કોઈ રહસ્યમય વ્યક્તિ છો. રાત્રે નોકરી કરવા જાવ છો. કોઈ પરિવાર નથી. " ત્રિશલાએ કહ્યું.
"શું પરિવાર નથી?" જોસેફ બગડ્યો.
" તમે તો એકલા જ છો." ત્રિશલાએ કહ્યું.
"હું એકલો જરૂર છું પણ મારો એક પરિવાર હતો. થોડા દિવસ પહેલા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં તેમની મૃત્યુ થઈ ગઈ. મારી પત્ની અને બન્ને બાળકો સદાય માટે મને એકલો મુકીને ચાલ્યા ગયા." જોસેફ રડવા લાગ્યો.
"અરે તમે હિમંત રાખો." ત્રિશલા એ સાંત્વના આપતા કહ્યું. થોડીવાર પછી જ સમાચારમાં દેહરાદૂન ખાતે ૬.૦ ની તીવ્રતા નો ભુકંપ નો આંચકો આવ્યો હોવાની માહિતી મળે છે.
થોડીવાર સુધી તો બધા જ ખુલ્લા મેદાનમાં રહ્યા અને સોસાયટીના બાકીના બધા જોસેફ ની આવી અગોચર શક્તિ વિષે જાણીને હતપ્રભ બની જાય છે. જોસેફ પછી બધાને પોતાના ઘરમાં જવા માટે સમજાવે છે.
"તમે શું જમશો? " ત્રિશલા એ પુછ્યું.
"બસ કંઈ નહીં. એ તો ઘરમાં સફરજન છે." જોસેફે જણાવ્યું.
"એમ ન ચાલે. હવે તો બધું શાંત છે. જમી લો." ત્રિશલા એ કહ્યું.
જોસેફ પણ ભુખ લાગી હોવાથી તૈયાર થઈ જાય છે. ત્રિશલા પણ ગરમાગરમ જમવાનું ખવડાવી જોસેફ ના સફરજન નો બદલો ઉતારી દે છે.
"એ તો ઠીક પણ તમે કોણ છો?" જોસેફે ત્રિશલા ને પુછ્યું.
"હું એક પત્રકાર છું. અગોચર વિશ્વ, ગેબી ગુફાઓ તેમજ રહસ્યો વિષે લખવાની અને જાણવાની મને જિજ્ઞાસા રહી છે અને એટલે જ દેહરાદૂન શહેર થી દૂર આ સુમસામ જગ્યાએ હું ભાડે રહેવા આવી છું." ત્રિશલાએ માહિતી આપી.
"અંહી શું રહસ્ય છે?" જોસેફે પુછ્યું.
"દેહરાદૂન થી મસુરી ના રસ્તે પર્વતો વચ્ચે એક ગુફા આવેલી છે. એ ગુફાની અંદર કોઈ અદૃશ્ય જગ્યાએ થી સતત પાણી આવતું રહે છે અને કહેવાય છે કે રાત્રે એ રસ્તે એકલા ન જવાય!!" ત્રિશલાએ કહ્યું.
"શું? આપણી સોસાયટી થી ડાબી તરફ કાચા રસ્તે.." જોસેફે પુછ્યું.
"હા એ જ રસ્તે.. હું એ ભ્રમ છે કે હકીકત એ વિષે માહિતી મેળવવા માટે આવી છું. એ સાથે જ મને હવે તમે પણ ખુબ રહસ્યમય વ્યક્તિ લાગો છો." ત્રિશલા કહીને હસવા લાગી.
"કેમ હું કેવી રીતે તમને રહસ્યમય વ્યક્તિ લાગું છું?"જોસેફે પુછ્યું.
"આખા વિશ્વમાં કેટલાય દેશોમાં ધરતીકંપ ની આગોતરી જાણકારી મેળવવા માટે કેટલાય પ્રયત્ન કરવામાં આવે છે. કેટલા જુદા જુદા પ્રકારના સાધનો પણ વિકસાવવામાં આવે છે. પણ તમે જે આજે કર્યું એ અવિસ્મરણીય છે." ત્રિશલા એ કહ્યું.
"એ તો મને પણ કુદરતી રીતે જ ખબર પડી." જોસેફે જણાવ્યું.
" તમે શું કામ કરો છો?" ત્રિશલા એ પુછ્યું.
"હું એક ધ્વનિ ઈજનેર છું. બસ નાનું મોટું સંશોધન કાર્ય કરતો રહું છું." જોસેફે જણાવ્યું.
"કેવું સંશોધન?" ત્રિશલા એ પુછ્યું.
" એ બધું મને ન સમજાય. હું તો નોકરી કરતો માણસ." જોસેફ કહીને નીકળી ગયો.
જોસેફ ને પણ ત્રિશલા સાથે વાતચીત કરવાની આટલી બધી મજા આવશે એ ખ્યાલ ન હતો. એ ચુપચાપ જ પાછો જતા ત્રિશલા એ કહ્યું:
"કાલે પાછા મળીશું."
જોસેફ પોતાના ઘરે જઈને સુઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ સતત તેના મગજમાં ધરતીકંપ ના આંચકાઓ ના સ્પંદનો એ કેવી રીતે સાંભળી શકે છે એ વિષે કુતુહલ થયું. એ સિવાય પોતાના મગજની શક્તિ વિષે પણ જોસેફ દુવિધામાં હતો.
આ તરફ ત્રિશલા ને પણ જોસેફ એક રહસ્યમય વ્યક્તિ લાગ્યો. એ ધરતીકંપ ના આંચકાઓ અને તેના ધ્વની સ્પંદનો વિષે માહિતી મેળવવા માટે કોમ્પ્યુટર ચાલુ કરી વાંચન શરૂ કરે છે.
"ધરતીકંપ ના આંચકાઓ તો ભુગર્ભ માં થતી વિવિધ ભુસ્તરીય પ્લેટો ની ગતિના લીધે થાય છે. એના સ્પંદનો તો આપણે સાંભળી પણ ન શકીએ. એ બધા જ અશ્ર્વય ધ્વનિ ની અંદર આવે. કોઈ માણસ આ પ્રકારની ધ્વનિ સાંભળી ન શકે. " ત્રિશલાએ પોતાની જાતને કહ્યું.
"શું જોસેફ આ શક્તિ ધરાવતો હશે? રાત્રે જોસેફ સાથે વાતચીત કરીશ." ત્રિશલા મનોમન વિચાર કરે છે.
જોસેફ વિચારો કરતો કરતો ક્યારે સુઈ ગયો એ તેને ખબર જ ન પડી. રાત્રે ઊઠીને જોસેફ જ્યારે ન્હાવા માટે ગયો ત્યારે બાથરૂમ નો દરવાજો અંદર થી બંધ હતો. પાણીના અવાજમાં વારંવાર જોસેફ કોઈ બોલાવે છે એમ સમજી રહ્યો હતો.
"જોસેફ.. જોસેફ..." અચાનક જ જોસેફ નળ બંધ કરે છે તો તેને બાથરૂમ ના દરવાજા ની બહાર પોતાના નામનો અવાજ સંભળાય છે.
"શું?" જોસેફ દરવાજા સામે પોતાના કાનને લગાવે છે.
"હું બહુ દુ:ખી છું. જલ્દી બહાર આવ." ફરીથી જ કોઈ વૃદ્ધ વ્યક્તિ જોસેફ ને બોલાવતો હોય એમ લાગ્યું.
જોસેફ ગભરાઈ ગયો અને દરવાજો ખોલીને જોવે છે તો બહાર કોઈ ન હતું. ટેક્સી ડ્રાઈવર પણ હોય શકે એ વિચાર થી જોસેફ જેમ જ મુખ્ય રૂમમાં પ્રવેશી ગયો તો સોફા પર એક વૃધ્ધ વ્યક્તિ બેઠી હતી.જોસેફ હતપ્રભ બની જાય છે.
"ક..કોણ ?" જોસેફ ગભરાઈ ગયો.
"જોસેફ.. જોસેફ...." એ વૃદ્ધ પુરુષ રડવા લાગ્યો.
"તમે કોણ છો? અંહી કેવી રીતે આવ્યા?" જોસેફ હતપ્રભ બની ગયો.
"હું ગિરધારી લાલ અંહી નજીક જ રહું છું. તમારી વાત સાંભળી અંહી આવી ગયો. તમારે મારી મદદ કરવી પડશે." ગિરધારી લાલે કહ્યું.
"હું તો કોઈને કંઈ બોલ્યો જ નથી. બહાર દરવાજો પણ બંધ છે." જોસેફે કહ્યું.
અચાનક જ દરવાજો ખખડયો. જોસેફ હજી કંઈ સમજી ને દરવાજો ખોલે એ પહેલાં જ સામે ત્રિશલા ને જોઈ ગભરાઈ ગયો.
"અરેરે... શું થયું?" ત્રિશલાએ પુછ્યું.
જોસેફ પાછળ વળીને જોવે છે તો સોફા પર કોઈ જ હતું નહીં. એ હતપ્રભ બની જાય છે.
"અરે.. ક્યાં ગયા?" જોસેફે પુછ્યું.
"કોણ? ત્રિશલાએ એ પુછ્યું.
"હવે મારી પાસે સમય નથી. ટેકસી હમણાં જ આવશે." જોસેફે જણાવ્યું.
"અરે બહુ જ મહત્વની વાત છે." ત્રિશલા પાછળ પડી ગઈ.
"હું કંઈ સમજવા નથી આવ્યો." જોસેફ ઘરની બહાર નીકળી જાય છે.
એ જ વખતે ટેક્સી પણ પહોંચી જાય છે. જોસેફ પોતાના હાથથી નમસ્કાર કરીને પોતાની નોકરી કરવા નીકળી જાય છે.ટેકસી ડ્રાઈવર ત્રિશલા ને ઓળખી જાય છે.સોફા પર ગિરધારી લાલ ફરીથી પ્રકટ થાય છે અને રડવા લાગે છે.