Aekant - 79 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 79

Featured Books
Categories
Share

એકાંત - 79

પ્રવિણે એનો ભૂતકાળ પારુલને જણાવી દીધો એ સાથે તેણીને એ પણ જણાવ્યું કે, એ તેણીનો સાથ જીવનભર છોડશે નહીં. પારુલને પ્રવિણની એ વાત બહું ગમી. પારુલ એનાં માટે એનાં મનપસંદની સાડી પહેરીને એની સામે આવી એ પણ પ્રવિણને ખૂબ ગમ્યું હતું. 

"એ તો પૂરાં દિવસનું કામ કરીને સાડી ખરાબ થઈ ગઈ હતી. કબાટ ખોલતાં મને આ રંગની સાડી હાથમાં આવી તો મેં પહેરી લીધી. તમારે વાતો કરવી હોય તો અહીં જ ઊભા રહો. મને ખૂબ ભૂખ લાગી છે. હું ઘરે જઈ રહી છું."

પારુલે એનાં કદમ ઘર તરફ ઊપાડ્યાં. પ્રવિણે તેણીનો હાથ પકડીને તેણીનાં કદમ પર કદમ મિલાવવાં લાગ્યો : "અચ્છા ! જે હાથમાં આવી એ સાડી પહેરી લીધી તો તે એમ કેમ કહ્યું કે, મને ખબર હોય તો તમારાં પસંદની ગુલાબી સાડી પહેરીને તમારી સામે આવી હોત."

પ્રવિણે પારુલના હાથને કશીને પકડ્યો અને ચાલવાં લાગ્યો. પારુલે એનો હાથ છોડવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ પ્રવિણ તેણીનો હાથ છોડી રહ્યો ન હતો.

"આમ, રસ્તા વચ્ચે મારો હાથ પકડ્યો છે તો કોઈ જાણીતું જોઈ જશે. છોડો, મારો હાથ મને શરમ આવે છે."

"ઠીક છે, તને પસંદ ના આવ્યું હોય તો હું હાથ છોડી દઉં છું. બાકી આવાં સમયે એક કાગડો પણ દૂર દૂર સુધી ફરકી રહ્યો નથી તો આપણને કોઈ જાણીતું જોવાં આવશે નહીં." નારાજ થઈને પ્રવિણે તેણીનો હાથ છોડી દીધો.

પારુલને લાગ્યું કે પ્રવિણને ખોટું લાગી ગયું. તેણીએ આગળ પાછળ જોયું તો કોઈ દેખાય રહ્યું ન હતું. તેણીએ પ્રવિણની સાવ નજીક જઈને એનો એક હાથ પ્રવિણને કમર પર મૂકીને ચાલવાં લાગી. પારુલનાં હાથનો સ્પર્શ થતાં પ્રવિણ મનોમન ખુશ થઈ રહ્યો હતો. એણે પોતાનો હાથ પારુલના ખભે મૂકી દીધો. બન્ને એકબીજાંની સામે જોઈને મુખમાં મલકાઈને ચાલવાં લાગ્યાં.

અડધી કલાકમાં વાતો કરતાં તેઓ ઘરની અંદર પહોંચી ગયાં. દલપતદાદા જમીને બેઠક રૂમમાં સુઈ રહ્યાં હતાં. રવિ પણ જમીને ઓફીસે જતો રહ્યો હતો. પારુલ હાથ ધોઈને એમનાં બન્ને માટે જમવાની થાળી તૈયાર કરી રહી હતી. પ્રવિણ હાથ ધોઈને જમવાની જગ્યા પર બેસી ગયો.

"આપણે આજે એક કામ કરીએ." પ્રવિણે જમવાની થાળી જોઈને કહ્યું. 

"કેવું કામ કરવું છે?"

"આપણે આપણી નાની નાની ઈચ્છાઓને સાઈઠ વર્ષની અંદર દબાઈને રાખી છે. મારી તો એવી ઘણી ઈચ્છાઓ હતી કે એ હું મારી પસંદગીની જીવનસાથી સાથે પૂરી કરીશ. એવું મારી લાઈફમાં થયું નથી, પરંતુ હવે તું મારી પસંદની જીવનસાથી નહીં પણ ખાસ જીવનસાથી બની ગઈ છે. આજથી મારી નાની ઈચ્છાઓ હું તારી સાથે પૂરી કરવાં માંગું છું."

"તો તમારી કઈ અધુરી ઈચ્છા પૂરી કરવી છે ?" પારુલે પલાંઠી દઈને પ્રવિણને પૂછ્યું. 

"એવી તો ઘણી ઈચ્છાઓ છે. અત્યારે મારી એવી ઈચ્છા છે કે મારી જીવનસાથી મને એના હાથ વડે જમાડે."

"શું તમે ઘરડાં થવાની ઉંમરમાં આવું સુઝે છે. તમને ભાણું પીરસી દીધું તો શાંતિથી જમી લો. તમે વત્સલ જેવડાં નથી કે જમાડવાં પડે." પારુલને મનમાં તો એને જમાડવાની ઈચ્છા હતી પણ શરમને કારણે તેણીએ મનાઈ કરી દીધી.

"પ્રેમમાં તો વત્સલ જેવડાં બનીને નિદોર્ષતાથી જીવીએ તો જ મજા આવે."

પ્રવિણનાં કહેવાથી પારુલ મનમાં શરમાઈ ગઈ. તેણીએ હાથમાં એક કોળિયો લઈને પ્રવિણને જમાડવાં લાગી. પ્રવિણે પહેલીવાર તેણીનાં હાથેથી જમી રહ્યો હતો. વચ્ચમાં ક્યારેક તે પણ પારુલને જમાડી લેતો હતો.

જમ્યાં પછી તેઓ બન્ને એમનાં રૂમમાં આરામ કરવા જતા રહ્યા. સાંજનાં વત્સલને બસ સ્ટોપ પર લેવાં જવાને બે કલાકની વાર હતી. પ્રવિણે ચહેરા પરનો ગમછો કાઢીને એના બેડ પર આરામ કરવા માટે પીઠને તકિયાનો ટેકો આપી દીધો. પારુલ વર્ષો પછી પહેલીવાર જાણે રૂમની અંદર પ્રવેશ કર્યો હોય એવું ફીલ કરી રહી હતી. પ્રવિણથી શરમાઈ રહી હોય એમ અળગી થઈને બેડની કિનારે બેઠી હતી.

"આટલી મારાથી દૂર કેમ બેઠી છે ?"

"બસ, એમ જ તમે થાકી ગયાં લાગો છો. તમે આરામ કરી લો."

પારુલની વાત સાંભળીને પ્રવિણ સફાળો બેઠો થઈ ગયો. પ્રવિણે ઈશારેથી તેણીને પોતાની નજીક બોલાવી તેણીએ આવવાની આનાકાની કરી. પ્રવિણે તેણી સામે આંખોનાં ડોળાં કાઢ્યાં તો તેણી પ્રવિણ પાસે બેસી ગઈ.

"આજે, તું આવું વર્તન કેમ કરી રહી છે ? મને ખુશ કરવાં માટે મારાં પસંદની સાડી પહેરી પણ મારી પાસે બેસવાં માટે શરમાઈ રહી છે. આપણે વર્ષો આ રૂમની અંદર કાઢ્યાં. ઘણીએ આંતરિક ઈચ્છાઓ આપણે પૂરી કરી છે. તને આટલી શરમાઈને દૂર ભાગતાં જોઈ નથી. અરે ! આપણી પહેલી મિટીંગમાં તે બિન્દાસ મારી સાથે વાત કરી હતી એ જ પ્રવિણ આજ તારી સામે બેઠો છે."

"આજ મારી સામે એ પ્રવિણ બેઠાં નથી જે મને પહેલી વાર જોવાં આવેલાં હતાં. એ પ્રવિણ અને આ પ્રવિણમાં ફરક છે."

"કેવો ફરક ?"

"એ પ્રવિણ સમાજની દ્રષ્ટિએ મને અને મારાં દીકરાને પોતાનું નામ આપીને સમાજની સામે અમને સલામત રાખવાં આવ્યાં હતાં, જ્યારે આજે આ પ્રવિણની આંખોમાં કંઈક અલગ ચમક છે. આ પ્રવિણની આંખો વફાદાર બનીને મને જીવનમાં પ્રેમની હૂંફમાં બાંધવાં માંગે છે."

પ્રવિણ પારુલની વાત સાંભળીને કશું બોલી શક્યો નહીં. થોડીક વાર મૌન રહીને એણે આગળ સવાલ કર્યો : "મેં આટલાં વર્ષોમાં ક્યારેય પણ તને એ પૂછ્યું નથી કે, તું તારા જીવનસાથી પાસે કેવી અપેક્ષાઓ રાખે છે ?"

"આજે, મેં મન ખોલીને તારી પાસે મારાં ભુતકાળ વિશે અને મારાં મનમાં જીવનસાથી માટે કેવી ઈચ્છાઓ જોડાયેલી હતી એ જણાવી દીધું. હવે આપણે આજથી એક મિત્ર બનીને રહેશું. તું મને આજે તારો મિત્ર માનીને કહી શકે છે કે તને તારાં જીવનસાથીને લઈને કેવી ઈચ્છાઓ પૂર્ણ કરવી છે. હું તારી ઈચ્છાઓ પૂરી કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશ. હા, એવું પણ વિચારવાનું નહીં કે હવે આપણી ઉંમર થઈ ગઈ છે. બાળકોની ઈચ્છા પૂરી થાય એમાં મન મનાવી લેવું. વગેરે..."

પ્રવિણે છેલ્લાં વાક્યો એક્ટીંગ કરીને કહી જણાવ્યાં. પારુલ ખોટો ગુસ્સો દર્શાવીને એને મારવાં લાગી. પ્રવિણે તેણીનાં હાથ પકડી લીધાં.

"બસ હવે આજ પછી મારે મારી પારુલ આવી જ મસ્તીખોર અને નિખાલસ જોઈએ. તું મારાં જીવનમાં દર્પણ બનીને રહીશ તો મને મારો ઘાવ જોવાં સામેના દર્પણની જરૂર નહીં પડે." પ્રવિણે અરીસા સામે તર્જની કરીને કહ્યું. 

"તમારી જે ઈચ્છા છે એવી જ હવેથી હું રહીશ પણ મારી એક શરત છે."

"તારી દરેક શરત માનવી એ મારી ફરજ છે."

"આજ પછી તમે અરીસાની સામે તમારા દાઘને જોવો પછી દુઃખી નહીં થાવ. રોજ રાત્રે તમે તમારો ચહેરો જોઈને સાવ શાંત થઈને સૂઈ જાવ છો; એ મને જરાય ગમતું નથી. આજ પછી તમારાં દરેક દર્દ મારાં અને મારાં દરેક સુખ એ તમારાં રહેશે."

પારુલની વાત સાંભળીને પ્રવિણે એની વાતને સ્વીકારી લીધી. હવે એ રાત્રે અરીસાની સામે જઈને પોતાનો ગમછો કાઢશે નહીં. રૂમની અંદર આવીને એ એનો દુઃખી ચહેરો પારુલની સામે રાખશે નહીં. એ પછી પારુલે એની ઈચ્છાઓ જણાવી દીધી.

પારુલનાં મનમાં સુખી લગ્ન જીવન તરીકે ખૂબ નાના નાના સપનાઓ જોયેલાં હતાં. તેણીને માથામાં મોગરાની વેણી નાખવાનો બહું શોખ હતો. પહેલાં લગ્ન ભંગ થઈ ગયાં પછી એણે માથામાં વેણી નાખવાનું બંધ કરી દીધું હતું. 

તેણીની એવી ઈચ્છા હતી કે એનો જીવનસાથી રોજ સવારે એનાં માટે તાજા મોગરાની વેણી લઈને એનાં માથામાં નાખે. એ મોગરાની સુગંધથી એનાં દિવસની શરૂઆત કરે.

કોઈ ખાસ તેણીને બહાર ફરવાની ઈચ્છા થતી નહીં. પારુલ એનાં ઘરની જવાબદારીને પ્રાધાન્ય આપતી હતી. જો તેણીને એનાં જીવનસાથી સાથે બહાર ફરવાં મળે તો એ પ્રાકૃતિકના ખોળે શોરબકોરથી દૂર એકાંતમાં એના જીવનસાથીનો હાથ પકડીને ખૂલ્લી જગ્યામાં કે કોઈ ઊંચાઈ પર જવાં માંગતી હતી.

પ્રવિણ પારુલની આવી ઈચ્છાઓ પ્રેમથી સાંભળી રહ્યો હતો અને સમજી પણ રહ્યો હતો. સાંભળીને સમજવાની કળા એને નાનપણથી હતી. દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરવામાં એ એની પત્નીની નાની નાની ઈચ્છાઓનું ધ્યાન ના રાખ્યું; એનો એને અફસોસ થયો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"