The mystery of 600 human bones found near Roopkund in Gujarati Magazine by Gautam Patel books and stories PDF | રૂપકુંડ પાસેથી મળેલા ૬૦૦ માનવ અસ્થિનું રહસ્ય

Featured Books
Categories
Share

રૂપકુંડ પાસેથી મળેલા ૬૦૦ માનવ અસ્થિનું રહસ્ય

આલ્પ્સ પર્વતમાળાનાં
તેમજ ગ્રીનલેન્ડનાં ઉત્તુંગ હિમશિખરોનું
આરોહણ કરી ચૂકેલો ડો. ટોમ જ્યોર્જ
લોંગસ્ટાફ નામનો અંગ્રેજ સાહસિક
હિમાલયના પહાડો ખૂંદવા ભારત આવ્યો.
વ્યવસાયે તે ડોક્ટર, છતાં
પર્વતારોહક તરીકે અને દુર્ગમ
પ્રદેશોના સર્વેક્ષક તરીકે વધુ
જાણીતો હતો. આથી તેને
હિમાલયના રસ્તે તિબેટ સુધી
પણ જવું હતું. વાઇસરોય લોર્ડ
મિન્ટોની સ૨કારે મુખ્યત્વે એ
કારણસર તેને નાણાંકીય
સહાય આપવા ઉપરાંત
કેટલીક સાધન-સામગ્રીઓ
પણ ઉપલબ્ધ કરાવી આપી.
ડો. ટોમ લોંગસ્ટાફનું ભારતમાં
આગમન થયું ત્યારે વર્ષ
૧૯૦૭નું હતું અને ભારત પર
સિંક્યાંગ-તિબેટના માર્ગે
સામ્રાજ્યવાદી રશિયાનું
આક્રમણ થવાના ભણકારા
વાગતા હતા. આથી તિબેટમાં
રશિયનોએ કેટલી રાજકીય વગ ફેલાવી
તે જાણવું આવશ્યક હતું. ખાસ તો
રશિયનો હિમાલયના કયા સરળ માર્ગે
ભારતમાં ઘૂસપેઠ કરી શકે તેનો અંદાજ
મેળવવાનો હતો. બાકી અગાઉ તેમણે
કારાકોરમના જોખમી પહાડી રસ્તે
તિબેટની ટૂંકી મુલાકાત લીધી હતી.

ડો. ટોમ લોંગસ્ટાફ United Prov-
inces/સંયુક્ત પ્રાંતોમાં ભોટિયા જાતિના
ખડતલ પહાડી મજૂરો સાથે નૈનિતાલ-
અલ્મોડાના માર્ગે કુમાઉં હિમાલય તરફ
આગળ વધ્યો. (ઉત્તર પ્રદેશ ત્યારે સંયુક્ત
પ્રાંતો તરીકે ઓળખાતું હતું, જેનો ઉત્તરી હિસ્સો નવેમ્બર
૯, ૨૦૦૦ના રોજ ઉત્તરાંચલના નામે અલગ રાજ્ય બન્યો. વર્તમાન નામ :ઉત્તરાખંડ). અલ્મોડાથી
કૌસાની પહોંચ્યા બાદ પહેલીવાર હિમાલયનાં
ગિરિરાજ જેવાં પ્રભાવશાળી હિમશિખરો નજર સામે
આવ્યાં, જેમની લગભગ ૩૫૦ કિલોમીટર લાંબી હારમાળા
ડાબી-જમણી ક્ષિતિજોને જોડી દેતી હતી. કૌસાનીથી પિન્ડાર નદી ઓળંગીને લોંગસ્ટાફ વધુ
ઉત્તરે ગયો ત્યારે એકબીજાના ફાંટા જેવાં
ત્રણ અણિયાળાં શિખરોએ તેનું ખાસ
ધ્યાન ખેંચ્યું. આકાર ત્રિશૂલ જેવો હતો
અને સ્થાનિક પ્રદેશના શિવભક્ત લોકોએ
પણ એ જ નામ પસંદ કર્યું હતું. વખત
જતાં ત્રિશૂલ-1, ત્રિશૂલ-2 અને ત્રિશૂલ-
3 નામો એનાયત કરવામાં આવ્યાં. પ્રથમ
નંબરનું ત્રિશૂલ સર્વોચ્ચ હતું, જેની ટોચ
આકાશ તરફ ૭,૧૨૦ મીટર સુધી લંબાતી હતી. હિમાલયનાં
૭,૦૦૦ મીટર કરતાં ઊંચાં તમામ
સવાસો જેટલા હિમપહાડો ત્યારે અજેય
હતા. આથી લોંગસ્ટાફને ત્રિશૂલ-1 પર
આરોહણ કરી રેકોર્ડ સ્થાપવાની
તાલાવેલી જાગી. ત્રિશૂલની ઉત્તુંગ ટોચે
ચડ્યા બાદ ઉત્તર તરફના આગામી
માર્ગનો છેક તિબેટ સુધીનો ભૌગોલિક
ચિતાર પણ મળી શકે તેમ હતો.
ભોટિયા હમાલો સાથે લાંબો પ્રવાસ
ખેડીને ડો. ટોમ લોંગસ્ટાફ એવા પ્રદેશમાં
દાખલ થયો કે જ્યાં બે પહાડો વચ્ચેની
ખીણનું લેવલ પણ સાગરસપાટીને
અનુલક્ષી ૫,૦૦૦ મીટર કરતાં નીચું ન
હતું. ત્રિશૂલની આસપાસના વિસ્તારમાં
અચાનક તેને વિસ્મયજનક દૃશ્ય જોવા
મળ્યું, જે આવી જગ્યાએ સંભવે નહિ.
લંબગોળ સરોવરના દક્ષિણ-પૂર્વીય કિનારે
માનવઅસ્થિનો પથારો ફેલાયો હતો
અને ક્યાંક ઢગ ખડકાયા હતા. ઘણા
હાડપિંજરોનાં અસ્થિ છૂટાં પડી ગયાં હતાં.
ખોપરીઓ અલગ હતી અને હાથ-પગનાં
પણ હાડકાં છૂટક વેરાયેલાં હતાં. ઊંચી
સપાટીની પાતળી, ઠંડી અને જીવાણુમુક્ત
હવામાં કેટલાંક અખંડ હાડપિંજરો પર
ફિક્કી ત્વચા અકબંધ હતી, જેના પર
અહીંતહીં કાળાશ પડતી ઝાંયનાં ધાબાં
હતાં. ચામડી નીચે માંસપેશીઓ હોવાનું
દેખીતી રીતે જણાય નહિ.
અવશેષોના ખડકલા
જોતાં મૃતકોની સંખ્યા અચૂક
સેંકડોમાં ગણાય એટલી હતી,
માટે સહેજે પ્રશ્ન થાય કે
સામટા આટલા બધા માણસો
આવા દૂરદરાજના બર્ફીલા
દુર્ગમ પ્રદેશમાં આવ્યા ક્યાંથી?
પાતળી હવા, અકથ્ય ઠંડી અને
હિમવર્ષા જેવાં પ્રતિકૂળ કુદરતી
પરિબળોને અવગણી કયા
મજબૂરીભર્યા હેતુસર તેઓ
સેંકડો કિલોમીટર લાંબા પ્રવાસે
નીકળ્યા ? અંતે શા કારણે તેઓ
મૃત્યુ પામ્યા ?
એકેય પ્રશ્નના ખુલાસા
અંગે ડો. ટોમ લોંગસ્ટાફ
અનુમાન પણ કરી શકે તેમ ન
હતો. આ ભેદી સ્થળ પાસે તે
લાંબો સમય રોકાયો નહિ, કેમ કે ગ્રીષ્મ
ઋતુ પૂરી થાય એ પહેલાં માઉન્ટ ત્રિશૂલ
પર આરોહણનો પ્રયાસ આરંભી દેવાનું
જરૂરી હતું. પર્વતારોહણની તે કોશિશમાં
પુરુષાર્થ અને પ્રારબ્ધ બને તેના પક્ષે
રહ્યાં. ભોટિયાઓના સંગાથે તેણે ૭,૧૨૦
મીટરનું હિમાચ્છાદિત શિખર સર કરી
લીધું. કોઇ બીજો પર્વતખેડુ હિમાલયમાં
આટલી બુલંદીએ પહોંચ્યો ન હતો. બીજી
નોંધપાત્ર વાત એ કે એશિયાની લાંબામાં
લાંબી સિયાચેન હિમનદીનો પણ તેણે
પત્તો લગાવ્યો.
ડો. ટોમ લોંગસ્ટાફે પાછા ફર્યા બાદ
પોતાનો ભેદી હાડપિંજરોને લગતો
અનુભવ બ્રિટિશ સત્તાવાળાઓને
જણાવ્યો, પરંતુ એ વાતને મહત્ત્વ અપાયું
નહિ. જરૂર પણ ન હતી, કેમ કે વર્ષો
પહેલાંનાં હાડકાં અંગે તપાસ હાથ ધરવા
માટે કશું રાજકીય કે લશ્કરી કારણ ન
હતું. વખત જતાં બનાવને ભૂલી જવામાં
આવ્યો. ફરી તાજો થયો છેક ૧૯૪૨માં
કે જ્યારે નંદા દેવી નેશનલ પાર્કના એચ.
કે. વધવાલ નામના ફોરેસ્ટ ઓફિસરે
માઉન્ટ ત્રિશૂલની ખીણમાં સરોવર પાસે
માનવઅસ્થિ જોયાં અને દિલ્હી સરકારને
રિપોર્ટ મોકલાવ્યો.
આ વખતે રાજકીય અને લશ્કરી
એમ બન્ને જાતના સંજોગો જુદા હતા.
બીજું વિશ્વયુદ્ધ પરાકાષ્ટાએ હતું. બ્રિટિશ
લશ્કરને એકધારી પીછેહઠ કરાવી
બ્રહ્મદેશના માર્ગે આગળ વધેલી જાપાની
સેના તથા નેતાજીની આઝાદ હિંદ ફોજ
ભારતના પૂર્વોત્તર સીમાડે આવી પહોંચી
હતી. જાપાનીઓ ભારતમાં પ્રવેશવા
માગતા હતા. દિલ્હીની બ્રિટિશ હકૂમતને
બીક પેઠી કે જાપાની લશ્કરે રખે વ્યૂહાત્મક
સરપ્રાઇઝ આપવા માટે એકાદ-બે
રેજિમેન્ટને હિમાલયના રસ્તે મોકલી હોય
અને ત્યાં હિમઝંઝાવાતમાં તેના કેટલાક
સૈનિકો માર્યા ગયા હોય, એટલે તેણે
પોતાના અનુભવી તપાસકારોને માઉન્ટ
ત્રિશૂલની દિશામાં રવાના કર્યા. અંગ્રેજ
શાસકોનો ડર તેમના સદ્નસીબે ખોટો
ઠર્યો. સરોવરના કિનારે મૃતકોનાં અસ્થિ
તપાસતાં જણાયું કે ૮૫% કેસોમાં પગનાં
હાડકાં સારાં એવાં
લાંબાં હતાં અને ૧૫%
હાડકાં મધ્યમ કાઠી
ધરાવતા માણસોનાં હતાં.
જાપાનીઓ સહેજ બેઠી
દડીના હોય, એટલે તેમના
લશ્કરે ભારત પરના
આક્રમણ માટે હિમાલયનો રસ્તો પસંદ
કર્યાનો પ્રશ્ન ન રહ્યો.
એક શંકાનું સમાધાન થયું, તો કેટલાંક
વર્ષ પછી બીજી વાતે રહસ્ય વધુ ગૂઢ બન્યું.
પાંચ હાડપિંજરો સ્ત્રીઓનાં અને બે અસ્થિપિંજરો
બાળકોનાં હતાં. હાડકાંના જથ્થા વચ્ચે અમુક ભાલા પણ હાથ લાગ્યા. અવશેષોની ગણતરી થયા પછી
જણાયું કે બધું મળીને સામટા ૬૦૦ જણા
મોતના હવાલે થયા હતા. મૃત્યુ ઘણું કરીને
ઊંચેના પહાડી ઢોળાવે નીપજ્યું હતું, પણ
ત્યાર પછી હિમસરિતાએ સૌના
મૃતદેહોને નીચે સરોવરના કિનારે લાવી
ત્યાં ખડકી દીધા હતા. આ સરોવર એટલે
રૂપકુંડ, જે રહસ્યમય સ્થળ તરીકે
આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બનવાનું હતું.
ઉત્તરાખંડમાં રૂપકુંડ અંગે પ્રવર્તતી
વર્ષો જૂની લોકકથા અહીં તાજી કરવા
જેવી છે. લોકકથા કેટલી હદે સાચી એ
પ્રશ્ન અગત્યનો નથી. મહત્ત્વ પ્રજાજીવન
સાથે તેના ગાઢ સંબંધનું અને તેના પ્રત્યેની
આસ્થાનું છે. સદીઓ થયે પાળવામાં
આવતા ધાર્મિક રીતરિવાજોનું છે.
લોકકથાના કેંદ્રમાં નગાધિરાજ જેવું નંદા
દેવી શિખર છે, જેની ફરતે યુનેસ્કોના
નેજા હેઠળ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે
અંકાયેલી નંદા દેવી સેન્ચુરીની બાહ્ય
પરિસીમા રૂપકુંડને આવરી લે છે. નંદા
દેવી શિખર ૭,૮૧૭ મીટર ઊંચું છે. પવિત્ર ગણાતું હોવાને
લીધે તેના પર આરોહણ કરવાની મંજૂરી
અપાતી નથી. પાર્વતીજીએ ધારણ
કરેલા જગદંબા તથા કાલિ જેવા ઘણા
અવતારોમાં નંદા દેવીનો અવતાર પણ
સામેલ હોવાનું મનાય છે--અને તે
અવતારને રૂપકુંડ જોડે સીધો નાતો છે.
ધાર્મિક લોકકથા અનુસાર
માનવદેહે પાર્વતીનો જન્મ તેહરીના
રાજાને ત્યાં રાજરાજેશ્વરી નંદા દેવી તરીકે
થયો હતો. જીવનના મૂળભૂત કર્તવ્યનું
પાલન કરવાનો વખત આવ્યો ત્યારે તેણે
દાનવોની રંજાડ વેઠી રહેલા ઋષિ-
સંતોના રક્ષણ માટે હિમાલય તરફ પ્રયાણ
કર્યું. દુર્ભાગ્યવશ બન્યું એવું કે દાનવોના
વારાફરતી થતા સંહાર દરમ્યાન એ
દૈત્યોનું જે લોહી જમીન પર છંટાયું તેના
દરેક ટીપામાંથી વળી અકેક દાનવ ફૂટી
નીકળ્યો. આ બધા દાનવોનો નંદા દેવી
સામનો કરી શકી નહિ, એટલે તેણે
હિમાલયમાં વધુ ઉત્તર તરફ નાસી જવું
પડ્યું. અહીં શિવજીનો ભેટો થયો, જેઓ
તેને પોતાના રક્ષણ હેઠળ હિમાલયની
દિશામાં વધુ આગળ દોરી ગયા. પગ-
પાળા લાંબી યાત્રા ખેડતી વખતે માર્ગમાં
નંદા દેવીને તરસ લાગી ત્યારે મહાદેવે
ભૂમિ પર ત્રિશૂલનો પ્રહાર કરી સરોવર
રચ્યું. પાણી એટલું નિર્મળ કે પીવા માટે
નંદા દેવી આગળ નમી એ વખતે દર્પણ
જેવી સપાટીમાં તેને પોતાનું રૂપ જોવા
મળ્યું. આથી સરોવર ત્યાર પછી રૂપકુંડના
નામે ઓળખાવા લાગ્યું છે.
રૂપકુંડથી યાત્રા આગળ ચલાવી
મહાદેવે હિમપ્રદેશમાં નંદા દેવી માટે
યોગ્ય આવાસ પસંદ કર્યો અને ત્યાં
દાનવોનો પ્રવેશ રોકવા ત્રિશૂલના
આકારનો (ત્રણ શિખરો ધરાવતો)
જબરજસ્ત પર્વત ખડો કરી દીધો.
આવાસની ફરતે કિલ્લેબંધી રચવા
દુનાગિરિ, નંદા કોટ, ઋષિ પહાડ,
દેવસ્થાન, લાતુ ધૂરા, પાનવલી દ્વાર વગેરે
મળીને ૧૮ પર્વતો રચ્યા. વિશાળ કદનું
વર્તુળ બનાવ્યું, જે દાનવો માટે અભેદ્ય
હતું. નંદા દેવી નામનો ૭,૮૧૭ મીટરનો
કેંદ્રીય પર્વત દેવીનો આવાસ બન્યો.
નિષ્ણાતોના સંશોધન અનુસાર
૫,૦૨૯ મીટર ઊંચે ત્રિશૂલની ગોદમાં
પથરાયેલું રૂપકુંડ ૨ મીટર કરતાં વધુ ઊંડું
નથી. સર્રાવર ઉત્તર-દક્ષિણે સાકડું છે,
જ્યારે પૂર્વ-પશ્ચિમ ફલક તેના કરતાં
બમણો પહોળો છે. સરોવરનું ચોતરફી
તટવર્તી પાણી વર્ષના દસેક મહિના સુધી
થીજેલું રહે છે. કિનારે પણ બરફનો દોઢ-
બે મીટર જાડો થર બાઝેલો હોય છે.
રહસ્યમય ખોપરી-હાડકાં તેના હેઠળ
ઢંકાયેલાં રહે છે. ઉનાળાના બેએક મહિના
એવા વીતે કે જ્યારે તાપમાન ૦°
સેલ્શિયસ કરતાં વધી ગયા પછી બરફની
ચાદર પીગળે અને તે ડરામણા દૃશ્યને ખુલ્લું પાડી દે.
નજરોનજર દૃશ્ય જોવું હોય તો રૂપકુંડની
મુલાકાત લેવાનો એ જ સમય યોગ્ય છે.
રૂપકુંડને લગતું રહસ્ય ફરી ફરીને
તો એ વાતનું કે માનવઅસ્થિ આખરે
કયા ૬૦૦ જણાનાં છે અને ૫,૦૨૯
મીટરના અલિપ્ત સ્થળે કેમ છે ? છસ્સોની
સંખ્યા નાનીસૂની ગણાય નહિ, માટે
આવડો મોટો સમુદાય એ સ્થળે ભેગો
થયાનું પ્રયોજન શું ? અને તેઓ બધા
સામટા કેવી રીતે મૃત્યુ પામ્યા ? ખુલાસા
તરીકે અનેક તર્કો રજૂ કરાયા છે ?
મુખ્યત્વે નીચે મુજબના :

 ઇ.સ. ૧૨૨૧માં સેનાપતિ
ચંગીઝખાન તેના અશ્વારોહી લશ્કર સાથે
ઉત્તર-પશ્ચિમના સીમાડે ભારતમાં પ્રવેશ્યો
હતો. ચંગીઝખાન મુસ્લિમ નહિ, પણ
મધ્ય એશિયાનો મોંગોલ હતો. સમરકંદ-બુખારાના ભાગેડુ
બાદશાહ જલાલુદીનનો તે પીછો કરી
રહ્યો હતો. જીવ બચાવવા જલાલુદીન
સિંધુ નદીમાં પોતાના ઘોડા સાથે કૂદી પડી
સામા કાંઠે જતો રહ્યો. એક ટુકડીને ચંગીઝે
તેની પાછળ મોકલી અને શોધ ચલાવતી
ટુકડી દિલ્લી સુધી પહોંચી, જ્યાં ગુલામ
વંશના રાજા ઇલ્તુતમિશનું શાસન હતું.
ઇલ્તુતમિશ ચંગીઝખાનને છંછેડવા
માગતો ન હતો, એટલે તેણે પ્રતિકાર
કરવાનું માંડી વાળ્યું. દિલ્લીની કાળઝાળ
ગરમી જો કે મધ્ય એશિયાની ઠંડી
આબોહવામાં જીવવાને ટેવાયેલા મોંગોલ
સૈનિકોને વસમી પડી અને કેટલાક સૈનિકો
લૂ લાગવાને કારણે મૃત્યુ પામ્યા. બાકીના
સૈનિકોએ પાછા જવા માટે હિમાલયનો
પહાડી રસ્તો પસંદ કર્યો. અહીં તેઓ નંદા
દેવીના પ્રદેશમાં હિમશિખર ત્રિશૂલની
ધારે માર્યા ગયા. હિમઝંઝાવાતે કે પછી
ભૂખમરાએ તેમનો ભોગ લીધો. આના
સંદર્ભમાં નોંધવા જેવી હકીકત એ છે કે
રૂપકુંડ પાસે જે અસ્થિ મળી આવ્યાં તેમાં
કેટલાક ઘોડાનાં હાડપિંજરો પણ હતાં.
ઘોડા આવા પહાડી બર્ફીલા પ્રદેશમાં હોય
તે વળી ઓર રહસ્યમય બાબત હતી.
સૈનિકો રાખે તેવા કેટલાક ભાલા મળી
આવ્યા તે મુદ્દો પણ સૂચક હતો.

 ઇ.સ. ૧૩૩૩માં ઉત્તર
આફ્રિકાનો ઇબ્ન બતૂતા નામનો આરબ
મુસાફર સિંધના રસ્તે દિલ્હી આવ્યો હતો.
સુલતાન મુહમ્મદ તઘલખ એ વખતે
દિલ્લીનો શાસક હતો. ઇબ્ન બતૂતાને તેણે
પોતાના રાજમાં કાજીના હોદ્દે નીમ્યો અને
ત્યાર બાદ રાજદૂત તરીકે ચીન મોકલ્યો.
સમજૂતી મુજબ ચીનનો રાજદૂત દિલ્લી
આવ્યો. વ્યવસ્થા લાંબો સમય ટકી નહિ.
ઇબ્ન બતૂતા ચીનમાં ઇસ્લામનો પ્રચાર
કરવા માંડ્યો, એટલે મિંગ વંશના ચીની
શહેનશાહે તેને કાઢી મૂક્યો અને પોતાના
દિલ્લી ખાતેના રાજદૂતને પાછો બોલાવી
લીધો. એક તવારીખી નોંધ અનુસાર
ક્રોધિત મુહમ્મદ તઘલખે ચીનને પાઠ
ભણાવવા જંગી લશ્કર
રવાના કર્યું. ઉત્તરે જવા માટે
ગઢવાલ-કુમાઉંના બર્ફીલા
પ્રદેશને લશ્કર ઓળંગી શક્યું
નહિ. હિમવર્ષા, પાતળી
હવા અને ઠંડી વચ્ચે સંઘર્ષ કરી
શક્ય એટલી મજલ કાપ્યા બાદ
સૈનિકો પાછા વળ્યા, પણ ત્રિશૂલ
પર્વત નજીક કુદરતી આફતે કેટલાક
જણાનો ભોગ લીધો.
મુહમ્મદ તઘલખના
સમકાલીન તવારીખકાર
ઝિયાઉદીન બારાનીએ લખેલી
નોંધ મુજબ તઘલખનો ડોળો
ચીન પર નહિ, પણ કુમાઉં પર
મંડાયો હતો. કુમાઉંના હિંદુ રાજાને
ખંડિયો બનાવી તેને વર્ષોવર્ષ સાલિયાણું
વસૂલ કરવું હતું. હિમાલયની કુદરતે તેનો
કારસો સફળ થવા ન દીધો. ઘણા ખરા
સૈનિકો હેમખેમ પીછેહઠ કરી ગયા, પણ
અમુકને કાળના પંજાએ ઝડપી લીધા.
કુમાઉંનું એકમાત્ર મુસ્લિમ વસ્તીવાળું
ગામ રૂપકુંડ તરફના માર્ગ પરનું થરાલી
છે, જેના વતનીઓ તઘલખે મોલેલા
સૈનિકોના વંશજો કહેવાય છે.
 એક ઘટના ૧૯મી સદીના પૂર્વાર્ધમાં બની. વર્ષ
૧૮૪૧નું હતું અને મહિનો એપ્રિલ હતો.
જમ્મુ-કાશ્મીરના શાસક ત્યારે ડોગરા
મહારાજા ગુલાબસિંહ હતા, જેમના
પરાક્રમી સેનાપતિ જનરલ જોરાવરસિંહ
કહલુરિયાએ લદાખનો સારો એવો પ્રદેશ
જીતી લીધો હતો. હવે નજર ચીનના
વાલીપણા હેઠળના તિબેટ પર હતી. લદાખના પાટનગર લેહ
ખાતે જોરાવરસિંહે સૈનિકોને એકઠા કર્યા
અને હુમલાનો પ્લાન ઘડ્યો. ઉનાળાની
ઋતુ આક્રમણ માટે અનુકૂળ હતી. બીજે
મહિને તેમના ડોગરા લશ્કરના ૫,૦૦૦
સૈનિકો બે ભાગે વહેંચાયા અને બે જુદા
રસ્તે તિબેટમાં પ્રવેશ્યા. 
તિબેટી ફોજ સાથે પહેલાં રૂદોકમાં અને પછી વધુ
દક્ષિણે તાશિગોંગમાં સંઘર્ષ ખેલાયો.
જોરાવરસિંહની યુદ્ધકળાએ બન્ને યુદ્ધોમાં
ડોગરા લશ્કરને વિજય અપાવ્યો.
લ્હાસાથી એ જ વખતે તિબેટની મોટી
સૈનિટુકડી ડોગરાઓ સામે લડવા
નીકળી ચૂકી હતી.
ઓગસ્ટ ૨૯, ૧૮૪૧ના રોજ
માનસરોવરની દક્ષિણે નિર્ણાયક યુદ્ધ શરૂ
થયું, જે સમોવડિયાનું ન હતું. લડાઇનો
ભાગ્યે જ કશો અનુભવ ધરાવતા અને
રક્ષણ માટે હંમેશાં બીજાની મદદ પર
અવલંબતા તિબેટી સૈનિકો ડોગરા
‘બુલડોઝર'ને રોકી શક્યા નહિ. તિબેટ-
નેપાળ સરહદની ૨૪ કિલોમીટર ઉત્તરે
તકલાકોટ નામના પર્વતીય ગામ પાસે
લડાઇમાં દરેક તિબેટી સૈનિક માર્યો ગયો.
બરાબર ૧૦ દિવસ પછી સેનાપતિ
જોરાવરસિંહે તકલાકોટમાં વિજયધ્વજ
ખોડ્યો અને તે ગામને ડોગરા સૈન્યનું
વડું મથક બનાવવા કિલ્લાનું બાંધકામ
શરૂ કરાવ્યું. આ પરાક્રમી સેનાપતિના
દુર્ભાગ્યે સંઘર્ષો દરમ્યાન ઋતુચક્ર ફરી
ગયું, શિયાળો બેઠો અને હિમવર્ષા થવા
લાગી. શૂન્ય નીચે ૩૦ થી ૩૫
સેલ્શિયસના શીતાગાર જેવા
વાતાવરણમાં લદાખના પાટનગર લેહ
તરફ વળતો પ્રવાસ ખેડવાનું અશક્ય હતું,
માટે તકલાકોટમાં રોકાવું અનિવાર્ય બન્યું.
બે-ત્રણ મહિનાનું રોકાણ ક૨વામાં મોટી
સમસ્યા ખાધાખોરાકીના પુરવઠાની હતી.
વિશેષ મોટો પડકાર જો કે બીજો હતો.
તિબેટની રાજધાની લ્હાસાનો સંદેશો
મળ્યા પછી ચીનનું સૈન્ય તેના રક્ષણ માટે
આવી રહ્યું હતું. લ્હાસામાં તેણે વિસામા
પૂરતું રોકાણ કર્યા બાદ તકલાકોટની દિશા
પકડી હતી. ડિસેમ્બર ૧૧ અને ૧૨,
૧૮૪૧ના બે દિવસો સુધી જે યુદ્ધ ખેલાયું
તેમાં અનેક ડોગરા સૈનિકો માર્યા ગયા.
સેનાપતિ જોરાવરસિંહ કહલુરિયા ખુદ
પણ શહીદ થયા.
જમ્મુ-કાશ્મીરના મહારાજા
ગુલાબસિંહે કેટલાક સમય બાદ પોતાના
દીવાન હરિચંદની જબરજસ્ત ફોજ
મોકલી લ્હાસામાં ચીન પાસે
શરણાગતિનો પત્ર લખાવ્યો ખરો, પણ
અહીં માત્ર તકલાકોટ પૂરતી વાત કરીએ.
એક મંતવ્ય એવું છે કે ચીન સાથેના યુદ્ધમાં
તકલાકોટના જે ડોગરા સૈનિકો જીવ
બચાવવા પીછેહઠ કરી ગયા તેઓ
રૂપકુંડના માર્ગે ભારતમાં પ્રવેશ્યા. સરહદ
ઓળંગ્યા બાદ તેઓ સુરક્ષિત બન્યા, પણ
બર્ફીલા જોખમી પહાડોમાં કુદરતી
આફત તેમના માટે જાનલેવા બની.
વર્ષો બાદ તેમની આખરી નિશાની
તરીકે માત્ર અસ્થિમાળખાંનો જથ્થો
બાકી રહ્યો.
ઉપર્યુક્ત વર્ણન મુજબ
ચંગીઝખાન, મુહમ્મદ તઘલખ અને
જોરાવરસિંહ કહલુરિયા એમ ત્રણ
જણાને લગતી સંભાવનાઓ
આલેખી, પરંતુ દરેકમાં સંશયોનાં
ગાબડાં છે. દા.ત. ચંગીઝખાનના
મોંગોલો ઊંચી કાઠીના હોય નહિ.,
જ્યારે અગાઉ જણાવ્યા મુજબ
રૂપકુંડ ખાતે મળી આવેલાં ૮૫%
હાડકાં ઊંચા બાંધાવાળા મનુષ્યોનાં
હતાં. મુહમ્મદ તઘલખ કુમાઉં પર
અંકુશ જમાવવા માગતો હોય તો
તેહરી-ગઢવાલના રાજાને હરાવ્યા
પછી ફૌજી કૂચને વધુ આગળ
માઉન્ટ ત્રિશૂલ સુધી લંબાવવાનો
પ્રશ્ન રહે નહિ. સેનાપતિ
જોરાવરસિંહના લશ્કરમાં સ્ત્રીઓ
અને બાળકો શા માટે હોય એ
સમજવું મુશ્કેલ છે.
ઉત્તરાખંડની પ્રજામાં રૂપકુંડ
અંગે પ્રવર્તતી માન્યતા બહુ જુદી
છે. બદ્રીનાથ, ગંગોત્રી, ઉત્તરકાશી,
કેદારનાથ, ઋષિકેશ વગેરે અનેક
તીર્થધામોને કારણે દેવભૂમિ
કહેવાતા રાજ્યમાં અધિકતમ
મહિમા નંદા દેવીનો છે. અલ્મોડા

સહિત અનેક સ્થળોએ તેનાં મંદિરો છે.
ઉત્તરાખંડનો સૌથી મોટો ઉત્સવ પણ નંદા
દેવી યાત્રાનો છે,જે દર ૧૨ વર્ષે યોજાય
છે. ભાવિકો ચાર શીંગડાંનું ભારોભાર
શણગારેલું ઘેટું પોતાની સાથે લેતા જાય
છે, જેને આભૂષણો પહેરાવવામાં તેઓ
પૈસેટકે કચાશ રાખતા નથી.
કરણપ્રયાગથી આરંભાતી યાત્રા રૂપકુંડ
દ્વારા માર્તોલી ખાતેના મંદિરે પૂરી થાય
છે, જ્યાં ઘેટાને છોડી મૂકવામાં આવે છે.
યાત્રાના સમયગાળા દરમ્યાન કુમાઉંમાં
ઠેર ઠેર મેળા ભરાય છે. ઉત્તરાખંડમાં ચાર
ધામનો મહિમા પણ નંદા દેવી યાત્રા
જેટલો નથી.
રૂપકુંડ અંગે કહેવાય છે એવું કે
વર્ષો પહેલાં કનોજનો રાજા હસ્તીદલ
પોતાના રસાલા સાથે નંદા દેવી યાત્રા
પર નીકળ્યો. સંઘ બહુ મોટો હતો, જેમાં
તેના અંગરક્ષક સૈનિકો, ચાકરો, વૈદો અને
નીચા બાંધાના ભોટિયા મજૂરો હતા.
લોકવાયકા મુજબ રાજા હસ્તીદલે અક્ષમ્ય
ચેષ્ટા એ કરી કે રાજદરબારની કેટલીક
નર્તકીઓને યાત્રામાં જોડાવા દીધી હતી.
પરિણામે નંદા દેવીને ક્રોધ ચડ્યો અને
તેણે બરફનું તોફાન સર્જી તમામને ત્રિશૂલ
હિમશિખરના ઢોળાવે મારી નાખ્યા.
વિજ્ઞાન સાથે જેનો મેળ ખાય એ
ખુલાસો કયો તેની જાણકારી માટે
રૂપકુંડના માનવઅસ્થિનું રેડિઓકાર્બન
ડેટિંગ કરવાનું જરૂરી બન્યું. આ પદ્ધતિ
કાર્બન 14 નામના radioactive
કિરણોત્સર્ગી આઇસોટોપ પર આધારિત
છે.
કાર્બન 14નો અણુભાર સામાન્ય કાર્બનની
સરખામણીએ ૧૪ ગણો વધારે છે. આ
જાતનો આઇસોટોપ દરેક સજીવમાં હોય
છે અને કિરણોત્સર્ગી હોવાને લીધે
રેડિઓકાર્બન તરીકે ઓળખાય છે.
કિરણોત્સર્ગી પદાર્થનો ચોક્કસ માત્રામાં
સતત ક્ષય થયા કરે છે. આજે તેનું
પ્રમાણ જેટલું હોય એટલું કાલે રહેતું નથી.
વિઘટન પામ્યા કરતા રેડિઓ-
એક્ટિવ કાર્બન 14નું અર્ધાયુ
૫,૭૦૦ વર્ષ છે, કેમ કે એટલાં વર્ષે
સજીવનાં અવશેષોમાં તેનું
પ્રમાણ અડધું થાય છે. બીજાં
૫,૭૦૦ વર્ષે કાર્બન 14 અસલ
કરતાં ચોથા ભાગ જેટલું રહે
છે અને વળી બીજાં ૫,૭૦૦
વર્ષ પછી આઠમા ભાગ જેટલું
શેષ બચે છે. આ રીતે
લગભગ ૫૦,૦૦૦ વર્ષ
પુરાણા વૃક્ષના કે પ્રાણીના
અવશેષોનો સમયકાળ માપી
શકાય છે. આના કરતાં વધુ
પુરાણા નહિ, કેમ કે ત્યાર
બાદ અવશેષોમાં કાર્બન
અસ્તિત્વ રેડિઓકાર્બન ડેટિંગ દ્વારા
14નું માપી શકાય એટલી
માત્રામાં હોતું નથી.
ગ્રિફિથ અને ક્રેન
નામના બે પશ્ચિમી
તજ્જ્ઞોએ ૧૯૫૮માં
રૂપકુંડનાં ખોપરી-હાડકાંનું
રેડિઓકાર્બન ડેટિંગ કર્યું,
જે પહેલીવારનું હતું.
અસ્થિ ૫૦૦ થી ૮૦૦ વર્ષ
જૂનાં હોવાનું તેમણે
જણાવ્યું. બે આંકડા વચ્ચે બહુ મોટો ફ૨ક
હતો, એટલે તેને અડસટ્ટો જ કહેવો
જોઇએ. વિશેષ સાયન્ટિફિક ગણાય તેવું
પ્રથમ સંશોધન ૨૦૦૩ દરમ્યાન હાથ
ધરવામાં આવ્યું, જેમાં દેશ-પરદેશનાં
વિવિધ ક્ષેત્રોના વિજ્ઞાનીઓ સામેલ હતા.
અમેરિકાની નેશનલ જ્યોગ્રાફિક
સોસાયટીએ તેની Riddles of the dead
નામની ટેલિવિઝન સીરીઝના ભાગરૂપે
એપિસોડ બનાવવા માટે સંશોધકોની
પ્રવાસી ટુકડી રચી. ટુકડીનો અગ્રણી
સાયન્ટિસ્ટ જર્મન નૃવંશશાસ્ત્રી પ્રો.
વિલિયમ સાક્સ હતો. ગઢવાલ
યુનિવર્સિટીના ફોરેન્સિક નિષ્ણાત પ્રો.
રાકેશ ભટ્ટ, પુણેની ડેક્કન કોલેજના
પુરાતન જીવવિજ્ઞાનના અભ્યાસી પ્રમોદ
જોગલેકર તથા ડો. એસ. આર. વળિમ્બે,
ગઢવાલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી
એમ. પી. એસ. બિશ્ત વગેરે બીજા
નિષ્ણાતોનો પણ ટીમમાં સમાવેશ કરાયો
હતો. સૌ પોતપોતાના ક્ષેત્રમાં પ્રવીણ
હતા. નેશનલ જિઓગ્રાફિકના ટેલિ-
વિઝન એપિસોડનું દિગ્દર્શન ચંદ્રમૌલી
બાસુ નામના વિડિઓગ્રાફરે કરવાનું હતું.
આ સંશોધક ટુકડીએ રૂપકુંડ ખાતે શૂટિંગ
આટોપ્યા બાદ હાડકાં-ખોપરીના લગભગ
૩૦ નમૂના મેળવ્યા, જે પૈકી કેટલાક
સૂકાયેલી માંસપેશીઓ સહિતના હતા.
સ્વાભાવિક છે કે ઘટનાસ્થળે જ રહસ્યનો
ઘટસ્ફોટ થાય તે શક્ય ન હતું. આના
માટે બહુ તલસ્પર્શી એવી
ફોરેન્સિક તપાસ જરૂરી હતી.
દુર્ઘટનાનો સમયકાળ જાણવા
માટે કેટલાક નમૂના બ્રિટનની
ઓક્સફર્ડ રિસર્ચ લેબોરેટરીને
મોકલવામાં આવ્યા, જ્યાં
રેડિઓકાર્બન ડેટિંગને લગતાં
સાધનો હતાં.
આઇસોટોપ કાર્બન 14નું પ્રમાણ
મળ્યા બાદ નક્કી થયું કે
રૂપકુંડની હોનારત ૮૫૦ વર્ષ
પહેલાં બની હતી. આમાં ૩૦ વર્ષ પ્લસ
કે માઇનસ કરી શકાય તેમ હતાં, પણ
વધુ ફરક ન હતો. ટૂંકમાં, ઇ.સ.
૧૧૫૦ની આસપાસનો સમયગાળો
હતો, જેને સેનાપતિ જોરાવરસિંહના
તિબેટી અભિયાન સાથે કે ચંગીઝખાનના
અને મુહમ્મદ તઘલખના આક્રમણ સાથે
મેળ બેસતો ન હતો. શંકાની સોય
કનોજના રાજા હસ્તીદલે યોજેલી નંદા
દેવી યાત્રા તરફ મંડાતી હતી. ઓક્સફર્ડ
લેબોરેટરીના નિષ્ણાતોએ બીજો નિષ્કર્ષ
એ કાઢ્યો કે ત્રિશૂલ પર્વતના ઢોળાવે
તમામ પ્રવાસીઓ સામટા મૃત્યુ પામ્યા
હતા. સૌના હાડકાં-ખોપરીમાં કાર્બન
14નું પ્રમાણ એકસરખું હતું.
દુર્ઘટના સમય અંગેનું રહસ્ય
ઉકેલાયું, તો મૃતકોની ઓળખને લગતું
રહસ્ય ઉખાણું બન્યું. કેટલાંક વન-પીસ
હાડપિંજરો પરની માંસપેશીઓ સૂકાયેલી
અને ચીમળાયેલી હોવા છતાં તેમના
કોષોમાં DNA અકબંધ હતા. જિનેટિક
‘ફિંગરપ્રિન્ટિંગ’ દ્વારા મૃતકોની જ્ઞાતિ-
જાતિ બાબતે પ્રમાણભૂત જાણકા૨ી મળી
શકે તેમ હતી. વિશ્લેષણનું કાર્ય
હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ
મોલેક્યુલર બાયોલોજિ ખાતે
હાથ ધરવામાં આવ્યું. સેન્ટર પાસે ભારતની
લગભગ ૫,૦૦૦ જ્ઞાતિ-જાતિના DNA
અંગેનો ડેટાસંગ્રહ હતો. આથી
સરખામણી દ્વારા રૂપકુંડ પરના મૃતકોની
કોમ અંગે ખ્યાલ મળી શકે તેમ હતો.
તપાસ બાદ CCMBના ડાયરેક્ટરે ફક્ત
એટલું જણાવ્યું કે દુર્ઘટનાનો ભોગ જેઓ બન્યા તેઓ ચીના કે બીજી પરદેશી જાતિના નહિ, પણ ભારતીય હતા. નિષ્ણાતો પાસે ન હતો. પરિણામે
જિનેટિક તપાસ પછી દોઢેક વર્ષે 
મરાઠી કોંકણસ્ત બ્રાહ્મણ હતા અને
બધાના DNA જોતાં તેમની વચ્ચે નજીકનું
આનુવંશિક સગપણ હોવાનું સ્પષ્ટ થતું
હતું. સૂચક વાત એ પણ છે કે તેમનાં
પગરખાં સામાન્ય રીતે કોલ્હાપુર પ્રદેશમાં
બનાવાય તે પ્રકારનાં હતાં. જિનેટિક
DNAનું વિશ્લેષણ સો ટકા ફૂલપ્રૂફ હોય,
એટલે સદ્ગતોની જ્ઞાતિ-જાતિ વિશે
સંશયનું કારણ ન હતું. આ ફોરેન્સિક
તારણનો અર્થ એ થાય કે ગોપાલકૃષ્ણ
ગોખલે, વીર સાવરકર, લોકમાન્ય તિલક,
નથુરામ ગોડસે, ક્રિકેટર અજીત
આગરકર, અભિનેતા મોહન અગાશે,
સંગીતકાર સુધીર ફડકે વગેરેના દૂરના
પૂર્વજો રૂપકુંડ ખાતે મોતને ભેટ્યા હતા.
મરાઠી કોંકણસ્ત (ચિત્તપાવન) બ્રાહ્મણો
 પંઢરપુરને બદલે નંદા દેવીના આવાસની
યાત્રા શા માટે ખેડે એ પ્રશ્નનો ખુલાસો નિષ્ણાતો પાસે ન હતો 
દુર્ભાગીઓ કુમાઉંના માર્ગે કૈલાસ-
માનસરોવરની યાત્રાએ નીકળ્યા હતા ?
ઉત્તર સરહદ વટાવ્યા પછી એ તીર્થસ્થાનો
નજીકના અંતરે હતાં માટે શક્યતા નકારી
કાઢવા જેવી ન હતી.
એક વાત તો જાણે નક્કી કે કુદરતી
આપત્તિનો સામુહિક ભોગ બનેલા
લગભગ ૬૦૦ જણા સૈનિકો ન હતા.
યાત્રાળુઓ હતા. એક પછી એક યુદ્ધનો
દોર અવિરત ચાલ્યા કરે એવા જમાનામાં
સૈનિકોના શરીર પર ક્યાંક ને ક્યાંક
રૂઝાયેલા અગાઉના જખમની નિશાની
હોય, જે અકબંધ મળી આવેલા મૃતદેહો
પર કશે ન હતી. નિષ્ણાતોએ ત્યાર બાદ
મૃત્યુનું કારણ શોધી કાઢવાનું રહ્યું.
સાગરસપાટીથી ૫,૦૨૯ મીટર
 ઊંચે પાતળી હવામાં
બર્ફીલા દુર્ગમ પહાડોમાં જાનલેવા નીવડી
શકતાં જોખમોનો પાર હોય નહિ. દા.ત.
ઓક્સિજનની કમી અને હવાનું ઓછું
દબાણ ફેંફસાંમાં પ્રાણઘાતક સોજો Pul-
monary edema લાવી દે. ખોરાકનો
પુરવઠો ખૂટી પડતાં ભૂખમરો જાનલેવા
બન્ને હિમપ્રપાત બધા પ્રવાસીઓને
સામટા દબન કરી દે. નિષ્ણાતોએ આવી
દરેક શકિયતાને એલા માટે નકારી કાઢી
કે ઘણો ખોપરીઓ પર તિરાડો પડી હતી
અને કેટલીક પર તો ચાર-પાંચ
સેન્ટિમીટરના વ્યાસનું બાકોરું પડી ગયું.
હતું. આથી ચોક્કસ રીતે એમ કહી શકાય
કે પ્રવાસીઓના માથે કશોક જોરદાર
ફટકો લાગ્યો હોવો જોઈએ શેનો પ્રહાર
થયો તેનું જ લોજિકલ રીતે અનુમાન
કરવાનું બાકી રહ્યું. એકમાત્ર બુદ્ધિગમ્ય
જવાબ હિમાલયની કુદરતે પ્રવાસીઓના
સાથે ક્રિકેટ બોલ જેવડા કરાની ઝંડી
વરસાવી હતી. ખુલ્લી જગ્યામાં ક્યાંય
તેમને આશરો સૂજ્યો નહિ
રૂપકુંડને લગતી અમુક બાબતોના
ખુલાસા તો કદી મળે તેમ નથી. રીતસરનું
પર્વતારોહણ જ્યાં કરવું પડે એવા ગિરિ-
શિખરોના બર્ફીલા, જોખમી તેમજ
વણખેડાયેલા પ્રદેશમાં પચ્ચીસ-પચાસ
નહિ, પણ સામટા છસ્સો જણા દુઃસાહસ
ખેડી યાત્રા પર નીકળી પડે એ વાત
દેખીતી રીતે અપ્રતીતિકર જણાય છે. આ
જાતના ખતરનાક પ્રવાસમાં બાળકો પણ
સામેલ હોય એ વળી બીજી અજૂગતી
બાબત છે. સાધારણ રીતે સ્ત્રીઓ પણ
તીર્થયાત્રાના નામે આવા વિકટ પ્રવાસમાં
જોડાય નહિ. સૌથી જટિલ પ્રશ્ન એ કે
૮૫૦ વર્ષ પહેલાંના જે અરસામાં
બળદગાડાં સિવાય બીજાં વાહનો ન હતાં
ત્યારે મરાઠી પ્રદેશના કોંકણસ્થ
બ્રાહ્મણોનો વિશાળ સંઘ ૧,૪૦૦ થી
૧,પ૦૦ કિલોમીટર છેટે ઉત્તરાખંડ સુધી
પહોંચ્યો શી રીતે ? આ પ્રશ્નનો ઉત્તર
પણ મળે તેમ નથી--અને ન મળે તે સારી
વાત છે, કેમ કે રૂપકુંડ જેવાં રહસ્યોની
ડાબલીબંધ રહે ત્યાં સુધી જ તેમનો રોમાંચ
માણી શકાય છે.