અભિન્ન ભાગ ૪
પ્રીતિ અને નિશા ગાર્ડનમાં છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. બંનેં પોતાની વાતોમાં મશગુલ હતી અને એટલામાં મહેશે દરવાજો ખોલ્યો અને બંને ભાઈએ પ્રવેશ કર્યો.
તેની પાસે આવી મહેશ કહેવા લાગ્યો; "નિશા! શું કરે છે તું?"
નિશાને કશું ના સમજાયું; "શું છે?"
મહેશ હસી કરતા બોલ્યો; "યાર..., ભાભીના હજુ કાલે લગ્ન થયા છે અને તું એમની પાસે કામ કરાવે છે?"
રાહુલ અને પ્રીતિની નજર એક થઈ અને પોતાનો બચાવ કરતા નિશા કહેવા લાગી; "અરે ભાઈ પણ હું તોહ ખાલી..."
પણ એના વાક્યને અધવચ્ચે અટકાવી મહેશ કહેવા લાગ્યો; "બસ બસ હવે મને બધી ખબર છે."
નિશાને આશ્વર્ય થયું; "અરે!!!"
પણ મહેશે પોતાના હોઠ પર એક આંગળી મૂકી કહ્યું; "ચૂપ, તને ઓળખું છું. ને શું ભાબ તમે પણ સવાર સવારમાં આની સાથે લાગી ગયા."
પ્રીતિએ કહ્યું, "મહેશભાઈ, એવી કોઈ વાત પણ નથી અને આ રીતે નિશાબેન સાથે ઝગડો કરવાનું રહેવા દ્યો."
પોતાના ભાઈઓની મશ્કરી કરવાની આ ટેવની ફરિયાદ પોતાના ભાભીને કરતા નિશા બોલી; "જોયું ભાભી! આ બંને મારા ભૈબંધુઓ છેને, એ કોઈને કોઈ બહાને મારી સાથે ઝગડ્યા જ કરે છે."
મહેશ ફરી બોલ્યો; "ઓહ... હેલો, ભાભી અમારી ટીમમાં છે, સમજી ગઈને?"
પોતાનો એક હાથ આગળ કરતા નિશા પ્રીતિને કહેવા લાગી, "ભાભી કહી દો કે તમે તમારી નણંદની ટીમમાં છો." પ્રીતિએ નિશાના હાથમાં પોતાનો હાથ મૂક્યો. નિશા ગુમાન કરતા કહેવા લાગી, "જોયું, ભાભી મારી ટીમમાં છે. ચાલો હવે અંદર જાઓ બધા તમારી રાહે છે."
રસોઈ ઘરમાં હરિ અને વર્ષા બેસીને નાસ્તાની તૈય્યારી કર રહ્યા હતા અને રીતુ તેઓને પીરસી રહી હતી. એટલામાં વર્ષા પૂછવા લાગી; "આ છોકરાઓ ક્યાં ગ્યા છે સવાર સવારમાં?"
રીતુએ જવાબ આપ્યો; "એટલા માં જ હશે!, ક્યાં જવાના? આવશે હમણાં."
એટલામાં ચારેય અંદર આવ્યા કે હરિ બોલ્યો; " aઆ લ્યો બધા આવી ગયા."
રીતુ બોલી; "ચાલો બધા નાસ્તો કરવા બેસી જાઓ."
નિશા, પ્રીતિ અને રાહુલ રસોડા તરફ આવ્યા પણ મહેશ બોલ્યા વગર જ દાદર ચડવા લાગ્યો. રીતુના હાથમાંથી બાઉલ લેતા પ્રીતિ બોલી; "લાઓ આંટી, હું આપું." રીતુ અને નિશા બેસી ગયા. હરિએ જોયું કે રાહુલ ઉભો છે. તેણે કહ્યું; "અરે રાહુલ બેટા! તું પણ બેસી જા."
રાહુલ કહે, "ના અંકલ, અમે બહારથી નાસ્તો કરીને જ આવ્યા છીએ." થોડી ક્ષણ થોભીને તે ફરીથી બોલ્યો; "એક્ચુલી મોમ, હું તમારી સાથે વાત કરવા માંગુ છું."
આ સાંભળી મહેશ ઉપર પંહોચી ગયેલો ત્યાંથી પાછો ફર્યો. વર્ષા કહે; "હા તો બોલને બેટા!"
રાહુલે ઊંડો શ્વાસ લેતા ખચકાટ સાથે કહ્યું, "મોમ... ! હું... વિચારું છું કે હું... અને... પ્રીતિ બંને... બંને... અમદાવાદ જતા રહીયે."
એટલામાં મહેશ ત્યાં પહોંચી ગયો અને કહેવા લાગ્યો; "આંટી હું ક્યારનો તેમને સમજાવું છું, થોડા દિવસ અહીં રોકાય જાય, પણ એ મારી વાત માનતા જ નથી."
એનો સાથ આપતા હરિ બોલ્યો; "હા બેટા, થોડા દિવસ રોકાઈ જાને! આમેય પ્રીતિ આ ઘરમાં રહી જ ક્યાં છે? જો તું રહી જશે તો એ બહાને એ પણ આપણી બધાની સાથે રહેશે."
રાહુલે ફરી કહ્યું, "જો એવી વાત હોય તો એ ભલે રોકાય, હું જાવ અને જ્યારે એને આવવું હોય ત્યારે હું આવીને લઈ જશ."
"પણ બેટા! આટલી બધી જલ્દી કેમ છે તને?" હરિના આ સવાલનો જવાબ આપતા રાહુલે કહ્યું, "અંકલ લગ્નના કારણે ઓફિસમાં ઘણા દિવસથી મારી ગેર-હાજરી છે. પટેલ સાહેબનો નવો પ્રોજેક્ટ બહુ મહેનતથી હાથ લાગ્યો છે એટલે જેટલું જલ્દી બને મારુ પહોંચવું જરૂરી છે."
હરિ તેની આ વાતને સમજી ગયો અને કહ્યું, "ઠીક છે તો પછી, તું જઈ શકે છે. કેમ?" તેણે વર્ષાને પૂછ્યું તો તેણે પણ હા કહી દીધી. પણ તે એકલો જાય એ રીતુને ના ગમ્યું, તે અચાનક વચ્ચે બોલી; "શું જજે? પ્રીતિને આમ એકલી મૂકીને!"
વર્ષા કહે; "તોહ?... મને લાગે છે કે હરિ બરાબર કહે છે."
રીતુ ફરી કહેવા લાગી; "જુઓ હું કહું છું કે રાહુલ જાય છે તો પ્રીતિ પણ એની સાથે જાય, બસ."
રાહુલ કહે; "જો એને મારી સાથે આવવું હોય તો પછી ઠીક છે. અમે સાથે નીકળી જઈએ"
નિશાએ આશ્વર્ય સાથે પૂછ્યું; "પણ તમે બંને જશો તો ઘરને બધું મેનેજ કઈ રીતે કરશો? હાઉ? આઈ મીન..."
હરિએ કહ્યું; "એની ચિંતા કરવાની જરૂર જ નથી. એ બધું તો રાહુલ સંભાળી લેશે જો પ્રીતિને અત્યારે જ એની સાથે જવું હોય તો."
રાહુલે તેની તરફ નજર કરી તો પ્રીતિ પણ તેની સામે જોવા લાગી. નજર ઝુકાવી તેણે હરિને જવાબ આપ્યો; "અંકલ હું... એમની સાથે જ જઈશ." એનો જવાબ સાંભળી બાકી બધા નિરાશ થયા પણ રીતુ સમજદાર હતી અને પોતાની ચાલમાં સફળ થઈ રહી હતી. તેને આનંદ થયો તો રાહુલે પણ તેનો જવાબ સાંભળતાની સાથે કહ્યું; "ઓકે, તો ડન. કાલે સવારે અમે નીકળશું."
"હમ્મ..." કહેતા હરિ પોતાનું માથું હા કહેતું હલાવવા લાગ્યો.
----------------------
ભણેલી ગણેલી અને હોંશિયાર પણ આજ સુધી કોઈ દિવસ શહેરનો અનુભવ નહિ એવી હતી પ્રીતિ. એકદમ સાધારણ અને નિર્દોષ. મોટા શહેરોમાં શું હોય એની અનુભૂતિ એણે માત્ર વાર્તા અને ટીવીમાં જ કરેલી. પોતાની અંદર ઘણા બધા સપના સમાવેલા પણ ગામમાં તેને પાંખ ન્હોતી મળી. આજે જ્યારે તેને વર્ષોથી શહેરમાં રહેતો પતિ મળ્યો તો એની સાથે અમદાવાદ જેવા શહેરમાં જવાની તૈય્યારી થવા લાગી.
શું થશે એના સપના પુરા? કે પાંખો ખોલતા પહેલા જ એના સપના રોળાઈ જશે! કેમ? એ જોઈશું આવતા ભાગમાં...