રેડ હેટ:સ્ટોરી એક હેકરની
પ્રકરણ:25
બીજે દિવસે સવારે જ્યારે સૂર્યાની આંખ ખુલી ત્યારે ચાર વાગ્યાનો સમય થઈ રહ્યો હતો.આ સૂર્યાનો ઉઠવાનો નોર્મલ સમય હતો.જો કે ઘણીવાર રાત્રે કામ રહેતું તો ઉઠવામાં વહેલું મોડું થઈ જતું પણ તે બને તેટલું વહેલું ઉઠવાની કોશીશ કરતો.તે ઉભો થયો તેની દૈનિક ક્રિયાઓ પતાવી સ્નાન કરીને બહાર બાલ્કનીમાં આવ્યો તેને નભને જોયું
વાતાવરણ એકદમ ચોખ્ખું હતું.જંગલ વિસ્તાર હોવાથી હવા એકદમ શુદ્ધ હતી એટલે આકાશના અનગીનત તારા દેખાઈ રહ્યા હતા સૂર્યા બે મિનિટ આ દ્રશ્યને જોઈ રહ્યો.તેને અચાનક કસેનિયા યાદ આવી તેને છેલ્લી વખત જોઈ તેને પણ આઠ નવ વર્ષ થઈ ગયા.ખરેખર પ્રેમના વિજ્ઞાનને સમજવું ખૂબ અઘરું છે.તેની સાથે એટલો બધો પરિચય ન હોવા છતાં તેને આઠ આઠ વર્ષો બાદ પણ તેને તે યાદ આવી જતી હતી તેને એકવાર સૂર્યાએ તેને પૂછ્યું હતું કે " કસેનિયા તું મોટી થઈને રશિયા છોડીને બીજે ચાલી જઈશ તો હું કોની સાથે રમીશ?" ત્યારે કસેનિયાએ ખડખડાટ સાથે કહ્યું હતું કે "એસ તું ચિંતા ન કર આપડે કોઈ દિવસ અલગ નહિ થઈએ" હા રસિયામાં સૂર્યાને બધા એસ અને એસેમ્બલીમાં હેકર એસના નામથી જ જાણતા.સૂર્યા ઘણી વાર વિચારતો હતો કે તેનો કસેનિયા પ્રત્યેનો પ્રેમ કેટલો નિખાલસ હતો.જે ઉંમરમાં તેને પ્રેમ શબ્દનો અર્થ પણ ખબર ન હતી તે ઉમરમાં તેને કસેનિયા સાથે રહેવાનું મન થતું. તેની સાથે જમવાનું મન થતું.તેની સાથેની જ પાટલીમાં જ બેસવાનું મન થતું કેટલું વિચિત્ર! સૂર્યાએ તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી એકાદ અઠવાડીયું ગુમશુમ રહ્યો હતો.તેમાંથી બહાર આવવા ગુરુએ તેને મદદ કરી હતી. ગુરુ આમતો તેના કરતાં પણ એક વર્ષ નાનો હતો તે સૂર્યાને હમેશા ભૈયા કહીને જ બોલવાતો અને તે સબંધ એક આદર્શ મિત્રતાનું ઉદાહરણ કહી શકાય તેમની વચ્ચે કોઈ એસેમ્બલીનો નિયમ આવતો નહીં.
સૂર્યાને કિંજલ પ્રત્યે પણ કસેનિયા જેવું જ આકર્ષણ હતું. કદાચ પ્રેમ હતો. તેને કિંજલમાં કસેનિયા દેખાતી તેને થતું કે તે કસેનિયાનો જ બીજો અવતાર લઈને આવી છે.જો કે તે શકય નથી તે વાત પોતે જાણતો હતો પણ કદાચ કોઈ અજ્ઞાત કારણથી જ તેને કિંજલને પ્રપોઝ કરી હતી.હકીકતમાં તે ખૂબ ક્વિક ડીસીઝન લઈ શકતો હતો પણ આ વખતે તેને ઘણું મોડું કર્યું હતું. તે બધા વિચાર ખંખેરીને પાછો રૂમમાં આવ્યો.બારણું બંધ કર્યું અને પડદો સેરવ્યો.તે રૂમમાં આવ્યો તેને રાત્રે જ મનુકાકાને કઈ દીધું હતું કે તે કાલે બે દિવસ માટે દિવ જઈ રહ્યો છે. સૂર્યા હમેશા પોતાના મિશનમાં બે ગાડી રાખતો એક તો મોડિફાઈડ અને બીજી એક ઓડી. તે ઓડીની ચાવી લઈને નીચે ગયો અને સૌથી પહેલા તે આરવના ઘર તરફ ગયો. રસ્તો એકદમ ખાલી હતો એટલે તેને કોઈ ખાસ સમય ન લાગ્યો તે ગયો.ત્યારે આરવના ઘરનો દરવાજો બંધ હતો જોકે તેને આરવનું ઘર જોયું ન હતું પણ આરવે તેને લોકેશન સેન્ડ કરી હતી.જોકે તેને ઘર કહેવું ઠીક નહોતું તે એક બંગલો હતો તેની બહાર એક સિક્યોરિટી બેઠો હતો,ઊંઘતો હતો. તેને અંદર જવાનું મન ન થયું તેને આરવને કોલ કર્યો અને નીચે આવવા કહી દીધું.
થોડીવારમાં આરવ અને રિયા નીચે આવ્યા. આરવે બ્લેક શર્ટ અને જીન્સ પહેર્યું હતું જ્યારે રિયાએ પીળો ડ્રેસ પહેર્યો હતો.આરવ સૂર્યાની બાજુની સીટ પર બેઠો અને રિયા પાછળની ડેકીમાં બે થેલા, સૂર્યાના થેલાની બાજુમાં મૂકી ને પાછળની સીટ પર ગોઠવાઈ. તે પછી સૂર્યાએ ગાડી કિંજલના બંગલા તરફ લીધી કિંજલના ઘરે તે પહોંચ્યો ત્યારે સાડાપાંચ થઈ ગયા હતા.તેને કિંજલને ફોન કર્યો અને નીચે આવવા જણાવી દીધું.કિંજલે આજે એક ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો અને વાળ અર્ધ ખુલ્લા રાખ્યા હતા.સૂર્યા થોડીવાર તેની સામે જોઈ રહ્યો,ખરેખર તે આજે ખૂબ સુંદર લાગી રહી હતી બધાનું ધ્યાન કિંજલ તરફ હતું ત્યારે સૂર્યાને એક અડપલુ સુજ્યું રિયાની બાજુમાં જે ખાલી જગ્યા હતી તે તરફ રિયર વ્યુ મિરર સેટ કરી દીધો.
બધા ગાડીમાં ગોઠવાયા પછી સૂર્યાએ ગાડી હાઇવે તરફ લીધી અને બોલ્યો " હું ગુજરાતના રસ્તાથી એટલો વાકેફ નથી તો જરા ગાઈડ કરતા રહેજો"
"ડોન્ટ વરી યાર હું લગભગ આખું ગુજરાત ત્રણેક વખત ફર્યો છું તું ચલાવ હું રસ્તો કહું છું" આરવે કહ્યું.
"હા મેં પણ" કિંજલે કહ્યું.
સૂર્યાએ રિયર વ્યુ મિરરમાં જોઈને એક આછું સ્મિત વેર્યું તે કિંજલે નોટિસ તો ન કર્યું પણ કિંજલને આભાસ થઈ ગયો. સૂર્યાએ મ્યૂઝિક પ્લેયરનો અવાજ વધાર્યો.તે ગીતો છેક દિવ પંદરેક કિલોમીટર દૂર રહ્યું ત્યાં સુધી વાગ્યા એટલે કે તે લોકો હવે ઉના પહોંચી ગયા હતા.
"સૂર્યા અહીં ઉનામાં જ નાસ્તો કરી લઈએ એમ પણ સવા આઠ થઈ ચૂક્યા છે" કિંજલે કહ્યું
"અરે યાર હવે દિવ વધારે દૂર નથી ત્યાં જ કરીશું" રિયાએ કહ્યું
"નહીં રિયા મને પણ બહુ ભૂખ લાગી છે હવે ત્યાં સુધી રાહ નહિ જોવાય સૂર્યા ક્યાંક ઉભું રાખજે" આરવે કહ્યું.
"હા રિયા મને પણ ભૂખ લાગી છે" સૂર્યએ આગળ જોતા જ કહ્યું.
"ઓકે મને કોઈ પ્રોબ્લેમ નથી"રિયાએ કહ્યું.
સૂર્યાએ ગાડીની સ્પીડ ધીમી કરી અને એક ઓમ નાસ્તા હાઉસ પાસે ગાડી ઉભી રાખી.બધા નીચે ઉતાર્યા ફ્રેશ થયા અને પોતપોતાના માટે નાસ્તાનો ઓર્ડર આપી દીધો.
"હું દિવ ફરવા કરતા મારા ફ્રેન્ડ મળવા વધારે ઉત્સુક છું" સૂર્યાએ કહ્યું.
"તો જઈએ તેને મળવા અત્યારે જ " આરવે કહ્યું
"અત્યારે? હું તો વિચારતો હતો કે સાંજે આરામથી જઈશું" સૂર્યાએ કહ્યું.
"સૂર્યા,આરવની વાત સાચી છે તે પ્રોપર દિવનો છે તો આપણને સારી રીતે તે દિવ દેખાડી શકશે" કિંજલે કહ્યું.
"મને કંઈ પ્રોબ્લેમ નથી એક મિનિટ હું તેને ફોન કરી દવ કે ઘરે રહે" સૂર્યાએ કહ્યું.
તેને ગુરુને ફોન કર્યો.હકીકતમાં તે ઘણા સમય બાદ તેને ફોન કરી રહ્યો હતો.લગભગ ત્રણ મહિના પછી.આ પહેલીવાર એવું હતું કે આટલીવાર તેને ગુરુ સાથે વાત ન કરી હોય.
'ઓહ ભૈયા ઘણા સમય પછી યાદ કર્યો" ગુરુનો આવાજ આવ્યો. હકીકતમાં અજોડ મિત્રતા બાદ પણ ભૈયા નું સંબોધન ગયું નહોતું.
"અરે છોટે શુ કહું યાર આ વખતે બહુ વિચિત્ર મિશન હાથમાં આવ્યું છે અને અટપટું પણ છે" સૂર્યાએ કહ્યું.
"ઓહ એમ વાત છે કોઈ મદદ જોઈએ તો કહે હું આવી જાવ" ગુરુએ કહ્યું.
" એ તો તારી મદદની જરૂર પડેશે જ પણ તારે આવવાની જરૂર નથી હું દિવ આવીને તને લઈ જઈશ" સૂર્યાએ કહ્યું.
" ઓહ હો જુઓ આજે લિટલ માસ્ટરને પણ અમારી મદદની જરૂર પડી" ગુરુએ સૂર્યાની ખેંચતા કહ્યું.
"બસ..હવે બહુ ચડવાની જરૂર નથી તારી મદદ લેવાનું કારણ બીજું છે" સૂર્યાએ કહ્યું.
"મને ખબર છે ભૈયા તું આમ પણ મારી હેલ્પ લે નહિ.કારણ બીજું જ હશે તો બોલ ક્યારે આવશ દિવ" ગુરુએ કહ્યું.
"અરે બસ અડધી કલાકમાં ઈનફેક્ટ હું ઉનામાં જ છું" સૂર્યાએ કહ્યું.
"વ્હોટ અરે યાર વહેલું કહેવાયનું હું સામે લેવા આવી જાત" ગુરુએ કહ્યું.
"અરે ના ના મિત્રો સાથે દિવ ફરવા આવ્યો છું તો તે પણ સાથે છે તો જરાક.." સૂર્યાએ વાક્ય અધૂરું મૂક્યું.
"હા ભૈયા ડોન્ટ વરી કોઈ ગડબડ નહીં થાય" ગુરુએ કહ્યું
"અને હા તારે પણ આવવાનું છે અમને દિવ બતાવવા" સૂર્યાએ કહ્યું.
"અરે એ તો તું ના કહેત તો પણ આવત" ગુરુએ કહ્યું.
"તો તારો એડ્રેસ મને એસ.એમ.એસ કર " સૂર્યાએ કહ્યું
"ઓકે ચાલ હું કરી દવ છુ" ગુરુએ કહ્યું અને ફોન કટ કર્યો.
ગુરૂ અને સૂર્યાનો સબંધ આ રીતે જ ચાલતો.એમ તો કહેવાય છે કે મિત્રોમો નાનો ઝગડો ખૂબ સામાન્ય બાબત છે પણ સૂર્યા અને ગુરુ કદાચ એક પણ વાર લડ્યા ન હતા.તેનું કારણ એ પણ હતું કે તેમના કામમાં તે પોસાય તેમ ન હતું.ક્યારેક સૂર્યા કોમ્પરોમાઇસ કરી લેતો તો ક્યારેક ગુરુ.ગુરુ સૂર્યા કરતા એક વર્ષ નાનો હતો,તે ભેદ પણ પછી ઓસરતો ગયો હતો.
*******
બધા નાસ્તો પતાવીને ગાડીમાં બેઠા અને સૂર્યાએ ગુરુએ કરેલા મેસેજ મુજબ રસ્તો સમજતા દિવમાં પ્રવેશ કર્યો.તે હવે ગુજરાતમાં ન હતા દિવ એક કેન્દ્રશાસિત પ્રદેશ હતો.લોકો તેને મીની ગોવા પણ કહે છે.જેમ ગોવામાં લગભગ દરેક ઉંમરના લોકો આનંદ માણી શકે છે તેમ દિવ પણ ફક્ત તે બિયર અને રમસ્પોટ નથી,સાથે ફેમિલીને મજા આવે એવી વસ્તુઓ પણ છે.સૂર્યા અત્યારે બે વર્ષ પછી તેના મિત્રને મળવા જઇ રહ્યો હતો.તેને અત્યારે ખૂબ ઉત્સુકતા હતી તે ગાડીની સ્પીડ પરથી જણાતું હતું.હકીકતમાં તેનો બધાને લઈને ગુરુને મળવા જવાનો કોઈ પ્લાન ન હતો.તેને વિચાર્યું હતું કે જ્યારે બધા સુઈ જશે ત્યારે તે ગુરુને મળવા જશે પણ અચાનક તેને વિચાર બદલ્યો હતો હકીકતમાં તે સાંજ સુધી રાહ જોવા માંગતો ન હતો.તે જેટલું જલ્દી બને એટલું ગુરુને મળવા માંગતો હતો.
સૂર્યાએ એક બંગલા સામે ગાડી ઉભી રાખી. બહાર સિક્યોરિટી ઉભો હતો સૂર્યાએ નામ કહ્યું એટલે તેને કોઈકની પરમિશન લઈને અંદર જવા ઈશારો કર્યો અંદર પ્રવેશતા જ એક જેગ્વાર અને એક બી.એમ.ડબ્લ્યુ કાર પડી હતી.આ જોઈ આરવે કહ્યું " સૂર્યા તારા બધા મિત્રો અમીર જ છે કે તું ફક્ત અમીરો ને જ મિત્રો બનાવે છે" આ સાથે બધા હસી પડ્યા.
"તું ક્યાં ઓછો અમીર છું" સૂર્યાએ કહ્યું.
"પપ્પાના પૈસે રાજ કરીયે છીએ સૂર્યા" આરવે કહ્યું.
*********
ક્રમશ: