હાર્દિકનો જીવ રહ્યો નહિ એટલે તેણે રાજને ફરી સમજાવ્યો. રાજની સૂરત જોઈને હાર્દિકને એવું લાગ્યું કે એણે જે સલાહ આપી એ તેને પસંદ ના આવી. આગળ રાજ સામે કેવો રિપ્લાય આપશે એની અપેક્ષા હાર્દિકે રાખી નહિ.
હાર્દિકના બોલ્યાં પછી વાતવરણમાં શાંતિ ફેલાય ગઈ. રાજ કે હાર્દિક બન્નેમાંથી કોઈ કાંઈ ના બોલ્યું. થોડીક વારમાં પ્રવિણ એમની પાસે આવી પહોંચ્યો. બન્નેને ચુપચાપ જોઈને પ્રવિણને નવાઈ લાગી.
"તમારા બન્નેના ચહેરા કેમ ઊતરેલી કઢી જેવા લાગી રહ્યા છે. એવરી થિંક આર ઓલ રાઈટ?"
પ્રવિણના પૂછાયેલા સવાલથી હાર્દિકે વાતને દબાવતા કહી દીધું, "બધું બરાબર છે."
ત્યાંથી તેઓ ત્રણેય હાર્દિકે રૂમ બુક કરેલો હતો ત્યાં ગેસ્ટ હાઉસમાં જઈને પોતાનો સામાન લઈ લીધો. પ્રવિણના ઘરે આવીને તેઓ ફ્રેશ થઈને સોમનાથના મંદિરે સાંજની પહેલી મહાઆરતી લેવા પહોચી ગયા.
સાત વાગ્યાની મહાઆરતી લીધાં પછી રાજ અને હાર્દિક ત્યાંથી એક હોટલમાં નાસ્તો કરવા જતા રહ્યા. બહુ વધારે ભૂખ ના હોવાથી તેઓ બન્નેએ ફરાળી નાસ્તો કરી લીધો. સોમનાથમાં મહા શિવરાત્રી હોવાને કારણે બજારમાં ફરાળ સિવાય બીજો કોઈ નાસ્તો જોવા મળી રહ્યો ન હતો.
પ્રવિણે સોમનાથના મંદિરના પ્રાંગણમા એમના દોસ્તોની ટોળકી એકત્ર કરીને ભજન મંડળી શરૂ કરી. હાર્દિક અને રાજ નાસ્તો કરીને પ્રવિણની ભજન મંડળીમાં જોડાઇ ગયાં.
સવારના પાંચ વાગ્યા સુધી સૌ ભકતજનો, હાર્દિક અને રાજે પ્રવિણની સાથે પૂરી રાત ભજન કીર્તનમાં સહકાર આપ્યો. સવાર સુધીમાં તેઓ બન્નેએ પ્રવિણ સાથે ચાર પહોરની મહાઆરતીનો લાહવો લીધો હતો. પ્રવિણ દર વર્ષે આ અમુલ્ય અવસરમાં હાજરી આપતો રહેતો હતો. હાર્દિક અને રાજને આ અનુભવ પહેલો હતો. એમને જાગરણ સાથે સોમનાથ દાદાના મહાઆરતીનાં દર્શન કરીને અણમોલ આનંદ પ્રાપ્ત થયો.
સવારની છેલ્લી આરતી લીધાં પછી પ્રવિણ હાર્દિક અને રાજ સાથે તેના ઘરે જતા રહ્યા. પ્રવિણે ઘરે આવીને એનું મહા શિવરાત્રીનું વ્રત તોડ્યું. પારુલે બધા માટે ચાય અને ગરમ - ગરમ પરોઠા બનાવી રાખ્યાં હતાં. ત્રણેય મિત્રોએ સાથે મળીને ચાય અને પરોઠાનો નાસ્તો કરી લીધો. પૂરી રાતનું જાગરણ હોવાથી પ્રવિણે ગેસ્ટ રૂમમાં હાર્દિક અને રાજ સાથે સુવા માટે જતો રહ્યો. નાનો બેડ હોવાને કારણે રાજ બેડ જોઈને ત્યાં જ આડો પડી ગયો. પ્રવિણે એના માટે અને હાર્દિક માટે નીચે ભોંય પર પથારી કરી નાખી.
પ્રવિણ સુતા પહેલા એના ચહેરા પર બાંધેલો ગમછો કાઢી નાખ્યો. હાર્દિકે પ્રવિણના ચહેરાનો જમણી સાઈડનો દાઝેલો ભાગ પહેલીવાર જોયો હતો. હાર્દિકને ફરી એ દાઝેલા ભાગની વાત પ્રવિણને પૂછવાની ઈચ્છા થઈ પણ આખી રાતનું જાગરણ અને પ્રવિણનો પૂરા દિવસનો ઉપવાસ હોવાથી વાતને એણે ટાળી દીધી અને સુઈ ગયો.
સાંજે ચાર વાગ્યા સુધી તેઓ ત્રણેય સુતા જ રહ્યા. પ્રવિણે પારુલને કહી દીધું હતું કે એમને સાંજના ચાર વાગ્યા પહેલાં જગાડે નહિ. પારુલે એ લોકોની સરખી ઊંઘ થઈ જાય એ આશયથી સુવા દીધા.
મહા શિવરાત્રીનો બીજો દિવસ પણ હાર્દિક અને રાજનો પ્રવિણની ઘરે પસાર થઈ ગયો હતો. પ્રવિણના ઘરના સભ્યો એટલાં માયાળુ હતા કે તેઓ બન્નેને ઘરે જવાની ઈચ્છા થતી ન હતી.
સાંજે તેઓ ત્રણેય જાગીને તૈયાર થઈ ગયા. રાત સુધી કામ વગર સમય પસાર કરવો એ પ્રવિણને પસંદ હતું નહિ. પ્રવિણ હાર્દિક અને રાજ સાથે એક કાર બુક કરાવીને સોમનાથની બાજુમાં રહેલ વેરાવળના દરિયાકિનારે ફરવા નીકળી ગયો. એ સાથે રસ્તામાં આવતા તીર્થ સ્થળોના દર્શન કરવા માટે જવાના હતા.
"અહીં કેટલી શાંતિ છવાયેલી છે! મેં આ જગ્યાનો વર્ષો પહેલાનો કોઈ ઉલ્લેખ સાંભળેલો છે. પ્રવિણકાકા, આ જગ્યાને ક્યા નામથી ઓળખીએ છીએ? એનો ઈતિહાસ પણ ખૂબ સરસ છે."
સોમનાથની બહાર નીકળતા ભાલ્કા તીર્થમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે. ત્યાં દર્શન કરવા મંદિરની અંદર પ્રવેશતા રાજને ભાલ્કા તીર્થનો ઈતિહાસ જાણવાની ઈચ્છા થઈ ગઈ.
"રાજ, આ મંદિરને ભાલ્કા તીર્થ કહેવાય છે. શ્રીકૃષ્ણ ભગવાને એમનું દેહોત્સર્ગ આ જગ્યાએ કરેલો હતો."
"કૌરવો મહાભારતના યુધ્ધમાં જ્યારે શ્રીકૃષ્ણને કારણે હારી ગયા હતા ત્યારે એ લોકોએ એક યુક્તિથી શ્રીકૃષ્ણ ભગવાનના સમસ્ત યાદવ કુળનો વિનાશ કરી નાખ્યો હતો. શ્રીકૃષ્ણ ભગવાન દ્રારકાથી નીકળી અહીં પ્રભાસ આવી ગયા. તેઓ એમનો થાક ઊતારવા અહીં પીપળાના વૃક્ષ નીચે એક પગ બીજા પગ પર ચડાવીને વિશ્રામ કરવા બિરાજમાન થઈ ગયા હતા."
"એવામાં જરા નામનો પારઘી શિકાર કરવા માટે શ્રીકૃષ્ણ જ્યાં વિશ્રામ કરતા હતા ત્યાંથી પસાર થયો. દૂરથી પારઘીને શ્રીકૃષ્ણ ભગવાનનો રતુંબળો પગ તેને માછલીની આંખ જેવો ભાસ થયો. ભગવાનના પગને માછલી સમજીની પારઘીએ એના બાણમાંથી તીર ફેંક્યું અને એ તીર શ્રીકૃષ્ણ ભગવાનને લાગતા તેઓ આ પવિત્ર ભૂમિ પર સર્વ ધામ સિધાવી ગયા. એ ઘટના પરથી આ તીર્થને ભાલ્કા તીર્થ તરીકે ઓળખીએ છીએ."
"પ્રવીણભાઈ, શ્રીકૃષ્ણ તો ભગવાન હતા. તેઓ એક નાના તીરને કારણે એમનો દેહ ત્યાગ કરે જ નહિ. જો પારઘીએ એમને તીર માર્યું, તો ભગવાને એમને સજા આપી હશે."
"હાર્દિકભાઈ, શ્રીકૃષ્ણ ભગવાન હતા એટલે તો એમને ભવિષ્યની ખબર હતી. એમની દેહોત્સર્ગની ઘડી પ્રભાસ આવીને થવાની હતી અને એ પણ પારઘીના હાથે જ. પારઘી તો નિમિત્ત માત્ર હતો. ઉલ્ટાનું શ્રીકૃષ્ણ ભગવાને પારઘીને મોક્ષનું વરદાન આપી દીધું હતું."
"હા કાકા, હવે મને પણ થોડુંક ઘણુ યાદ આવે છે. મેં એમના વિશે સ્કુલમાં ભણ્યું હતું."
રાજના મગજમાં પારઘીની વાર્તાની લાઈટ થતા એ બોલ્યો. હાર્દિક પણ સંભળાવવામાં બાકી રાખે એવો ન હતો. રાજના બોલ્યા પછી એ પણ બોલ્યો.
"રાજ, તું ભણવામાં હોશિયાર પણ એટલો છે. તને સ્કુલમાં ભણાવેલી ઝીણી ઝીણી વાતો યાદ હોય છે."
હાર્દિકની વાત સાંભળીને રાજ થોડોક ક્ષોભીલો પડી ગયો. એણે એનું માથુ શરમથી નીચું કરી નાખ્યું. કાંઈક યાદ આવતા એણે એની આંખોને જમીન પર કેન્દ્રિત કરીને બોલવા લાગ્યો.
"કાકા, મારે તમને બેયને કાંઈક કહેવું છે. અહીં આ પવિત્ર જગ્યા પર ઊભો છું. મેં તમારી પાસે એક વાત છુપાવી છે. જે મારે કહેવી છે."
"એ તો હું તને પહેલી વાર મળ્યો ત્યારથી શંકા જેવું લાગતું હતું પછી તે એમ કહ્યું કે તું તારા બાપનું માનતો નથી. તું તારી રીતે જીવવા વાળો વ્યક્તિ છે. એ વાતો પરથી મને પાકો વિશ્વાસ થઈ ગયો હતો." રાજના કહ્યા પછી હાર્દિક બોલ્યો.
"અરે શું વાત છે ? મને તો કોઈ બતાવો." પ્રવિણ અણસમજસમાં હતો.
"પ્રવિણકાકા, એ જ કે મેં કોઈ ગ્રેજ્યુએટ કરેલું નથી. હું સરકારી નોકરી માટે કોઈ તૈયારીઓ પણ કરતો નથી. સાચું કહું તો હું ત્રણ વાર દસમાં ધોરણની પરીક્ષા આપીને પાસ થયો છું."
રાજની વાત સાંભળીને હાર્દિકને કોઈ નવાઈ લાગી નહિ. પ્રવિણ ચોક્કસપણે આ વાતોથી સ્તબ્ધ થઈ ગયો હતો.
"હું તને પહેલી વાર મળ્યો અને તે માણસોના મનની શુધ્ધતા અને હારની શુધ્ધતા વિશે મને જે જ્ઞાન આપ્યું હતું, એ તો કોઈ જ્ઞાની વ્યક્તિ આપી શકે. સાચું બોલ તું એ દિવસે ખોટું બોલ્યો હતો કે અત્યારે તું ખોટું બોલી રહ્યો છે?" પ્રવિણને હજુ રાજની વાતો પર વિશ્વાસ આવી રહ્યો ન હતો.
"અંકલ, હું તમને પહેલી વાર સોમનાથના મંદિરે ટકરાયો હતો. તમારી સાથે જે જ્ઞાનની વાતો કરી હતી. એચ્યુઅલિ, એ સમયે હું પણ હેરાન હતો. મને પોતાને મારા પર વિશ્વાસ આવી રહ્યો હતો નથી કે આવી જ્ઞાનની વાતો મેં તમારી પાસે કરી. મને માફ કરી દો. તમે અને હાર્દિક કાકાએ શૈક્ષણિક ક્ષેત્રે આટલું ભણેલા છો. મને તમારી સાથે ઊભા રહેવામાં શરમ આવતી હતી જે કારણે હું ખોટું બોલ્યો. તમને દુઃખ લાગે એવું મારા મન પર હતું નહિ." રાજે એનું માથુ ઊંચુ કરીને પ્રવિણની સામે જોઈને કહ્યું.
"હજુ તે એવું શું શું અમારાથી છુપાવેલું છે એ પણ અમને કહી દે." વધુ જાણવાની જિજ્ઞાસાએ હાર્દિક બોલ્યો.
"હાર્દિકભાઈ, આપણે અહીં દર્શન કરવા આવ્યા છીએ. ચાલો આપણે દર્શન કરી લઈએ." હાર્દિકને રાજ સાથે લપ કરતા અટકાવીને પ્રવિણ એને દર્શન માટે મંદિરની અંદર જવા માટે સૂચન કર્યું.
"પ્રવિણકાકા, તમે મને એકવાર તો કહો કે તમે મને માફ કર્યો." પ્રવિણ અને હાર્દિકને આગળ જતા જોઈને પાછળથી રાજ બોલ્યો.
(ક્રમશઃ...)