રિમાએ રિંકલ અને હાર્દિકનાં સંબંધમાં દરાર પાડવાનું કામ શરૂ કરી દીધું હતું. અતુટ સંબંધનાં ફુગ્ગામાં એકવાર શંકાનાં નામની સોય ખુચાડવામાં આવે ત્યારે એ ફુગ્ગો ફુટી જાય છે અને લાગણી અને પ્રેમની હવા વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણમાં પ્રસરી ગયેલો પ્રેમ હાથમાં લેવાં જશો તો પણ પકડાતો નથી.
રિંકલે રિમા પાસે હાર્દિકની બીજી ઘણી વાતો કરો હતી, જે રિમાએ હાર્દિકને કહ્યું તો એ રિંકલની કહેલી વાતોથી દુઃખી થઈ ગયો.
"રિમા, મને વિશ્વાસ છે તમારાં દીદી પર. એ મારાં વિરુધ્ધ કશું બોલી નહિ હોય. અમારો પ્રેમ સમજદારી અને વફાદારીથી જન્મો જન્મથી બંધાયેલો છે." આમ, કહીને હાર્દિક રિમા પાસે રિંકલે કહેલી વધુ વાત જાણવાની ઈચ્છા જાગૃત થવા લાગી.
"આઈ એમ સોરી, જીજાજી. આ મામલે તમે ખોટાં છો. દરેક વ્યક્તિ એનાં ચહેરાં પર બબ્બે મુખોટાં પહેરીને રાખતી હોય છે. બહારથી અલગ દેખાવ કરે છે અને અંદર એનું અલગ રૂપ જોવાં મળે છે."
"તમારી દીદી એવી બિલકુલ નથી."
"વાત ખૂબ લાંબી છે, જીજાજી. આપણે સામે રહેલાં કેફે પર જઈને વાત કરીએ."
રિમાએ હાઈવેની એક સાઈડ આવેલાં કેફે પર ઈશારો કરીને હાર્દિકને ત્યાં શાંતિથી વાત કરવાં માટે લઈ ગઈ. હાર્દિકને રિંકલની વાત સાંભળવી હતી એટલે રિમાને એ અનુસરતો કેફેમાં ગયો.
કેફેમાંથી હાર્દિકે બે કપ કોફી મંગાવી લીધી. બન્ને કોફી પીવાં લાગ્યાં. હાર્દિકે એક નજર ચારેય બાજુ કરી લીધી કે કોઈ જાણીતું વ્યક્તિ એ બન્નેને જોઈ લીધાં ના હોય.
"રિમા, હવે તમે મને કહેશો કે રિંકલે ગઈ રાત્રે મારાં વિશે શું વાતો કરી હતી ?"
"જીજાજી, પહેલાં મને એક સવાલનો જવાબ આપો. આ તમે ઘર ખરીદ્યુ એ ઘર પર લોન લીધેલી છે. એ લોનનાં હપ્તા કોણ ભરે છે ?"
"મેં ઘર લીધું હોય તો હું જ હપ્તા ભરું ને !"
"ઓહ્ ! તો દીદી એવું કેમ બોલ્યાં હશે ?"
"તમારી દીદીએ શું કહ્યું ?"
"મને લાગે છે કે તમે જ ખોટું બોલો છો. મારી દીદી મારી પાસે કોઈ દિવસ ખોટું બોલે જ નહિ."
"મારો મગજ ઓલરેડી સવારનો ખરાબ થઈ ગયો છે. આડી - અવળી વાત મુકીને તમે વાસ્તવિકતા પર આવશો ? નહિતર, હું મારી ઓફીસે જાઉં છું."
હાર્દિકે કોફીનો કપ પૂરો કરતાં ઊભા થવાની તૈયારી કરી.
"અરે ! તમે બેસો. હું દરેક વાત શરૂઆતથી કહું."
"ઓકે, બોલો." હાર્દિક ચેર પર બેસતા કહ્યું.
"દીદીએ મને ગઈ રાત્રે કહ્યું કે આ ઘર પર લોનનાં હપ્તા મારાં એકાઉન્ટમાંથી માઈન્સ થાય છે. હાર્દિકે જાણીજોઈને મારાં નામનાં દસ્તાવેજ કરાવ્યાં અને લોનની ફોર્મિલિટિમાં એમણે મારાં બેન્ક એકાઉન્ટની ડિટેઈલ ભરી નાખી. એમની એટલી હેસિયત નથી કે એક ઘર મારાં માટે ખરીદી શકે. દૂનિયાને તો એમ હશે કે પતિ એની પત્નીને કેટલો પ્રેમ કરે છે. એનાં નામનું ઘર ખરીદીને આપ્યું."
"તમે સાચું બોલો છો ? રિંકલે તમને આ દરેક વાત કરી !"
"જીજાજી, તમે કહો એનાં હું સમ ખાઉં. હવે તમારાં પતિ અને પત્નીની વચ્ચે કોણ સાચું બોલે છે, એ મને નથી ખબર. દીદીએ કહ્યું કે એ એમની બધી ઈન્કમ એમનાં પેરેન્ટ્સને મોકલાવી આપે છે. એમને મારાં પર જરાય ભરોસો નથી. એમને એવું લાગે છે, કે જાણે એમની ઈન્કમ હું મારાં પિયર પહોચતી કરી દઈશ તો..."
"જીજાજી, દીદી એવું પણ કહ્યું કે તમને એમની ઈર્ષા આવે છે. એ ગર્વમેન્ટની સારી પોસ્ટ પર છે અને તમારી મન્થલિ ઈન્કમ એમની સેલેરી જેટલી નથી."
રિમાની વાત હાર્દિકને માનવામાં આવતી ન હતી. મન કંઈક બીજું કહી રહ્યું હતું અને મગજ કંઈક અલગ ગવાહી આપી રહ્યું હતું. મન અને મગજની લડાઈ વચ્ચે શું હકીકત હતી અને શું અફવા એ સમજવું મુશ્કેલ ભર્યું હતું.
"હું રિંકલને પ્રેમ કરું છું એટલે એનાં નામ પર ઘર ખરીદ્યુ. રહી વાત લોનનાં પ્રોસેસમાં રિંકલનાં બેન્કની ડિટેઈલ ભરવાની. એ તમને પણ ખબર છે કે ગવર્મેન્ટ તરફથી જો લેડિઝનાં નામે લોન લેવામાં આવે તો, એનાં હપ્તા સરળ ભરવાનાં રહે. મારી મન્થલિ ઈન્કમ જે થાય એમાંથી લોનનો હપ્તો હું રિંકલનાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં છું. એ માનવું ખોટું છે કે એ હપ્તો તમારી દીદી ભરે છે."
"જીજાજી, એ બધી વાત મૂકો. દીદીને પહેલેથી એવી આદત છે. કદાચ, એમની કોઈ ગેરસમજણ થઈ હશે. તમે આ બાબતે એમને કાંઈ કહેતાં નહિ. જો એમને ખબર પડી જશે કે આ બધું મેં તમને કહ્યું તો એમને મારાં પરથી વિશ્વાસ ઊઠી જશે. પ્લીઝ, જીજાજી આ વાતને અહીં દબાવી દો."
"આ કોઈ ગેરસમજણ નથી. હવે વાત નીકળી છે; એનો ખુલાસો કરવો જ પડશે. એક તરફી વાતો સાંભળીને હું ચૂપ ના બેસી શકું."
રિમાએ હાર્દિકનાં હાથ પર હાથ મુકીને એની આંખોમાં જોઈને બોલી : "સારું ઠીક છે. તમે એવું માનો કે જે કાંઈ મેં તમને કહ્યું એ બધું ખોટું છે; એવું માનીને આ વાતને ભુલી જાવ. તમને હવે દીદીનાં સમ છે, જો આ વાતને ફરી કોઈ પાસે લાવી છે."
રિમાએ હાર્દિકની આંખોમાં આંખ પરોવીને પૂરાં મક્કમ સાથે બોલી રહી હતી. ખોટી વ્યક્તિ હોય એ હંમેશા આંખ ચુરાવીને વાત કરે, પણ સાચી વ્યક્તિ હંમેશાં આંખોમાં આંખ પરોવીને વાત કરે. રિમા પણ એમાંથી એક સત્ય બોલતી હોય એવું હાર્દિકને લાગ્યું. એણે રિમાનાં હાથ પર પોતાનો બીજો હાથ રાખી દીધો. રિમાનો સ્પર્શ હાર્દિકને સહાનુભૂતિનું કામ કરતો હતો.
"ડોન્ટ વરિ, રિમા. આજથી આ વાતને અહીં પૂર્ણવિરામ મૂકી દઈએ છીએ. હવે, હું ઓફીસે જાઉં છું. તમે અહીંથી તમારી રીતે બજાર જતાં રહેજો."
કેફેથી બજાર જવાનો રસ્તો સાવ નજીક હતો. હાર્દિકે રિમા સામે સ્માઈલ કરીને ત્યાંથી એની મંજીલે જવાં નીકળી ગયો. હાર્દિકનાં ગયાં પછી ચેર પર બેસતાં રિમા એની આંગળીથી લટ સાથે રમવાં લાગી.
"જીજાજી, મને લાગ્યું કે તમે ખૂબ ચાલાક હશો. મારી વાત પર તમે એટલો જલ્દી વિશ્વાસ નહિ કરો. અહીં તમે મને ખોટી પાડી દીધી. જેવું ધાર્યું એનાથી અલગ સ્વભાવનાં તમે નીકળ્યાં. સાવ સરળ વ્યક્તિત્વ છે, તમારું. કોઈપણ તમને આરામથી મૂર્ખ..." રિમા આટલું બોલીને અટ્ટહાસ્ય કરતી બજાર તરફ નીકળી ગઈ.
હાર્દિકનું મન પૂરો દિવસ કામમાં લાગ્યું નહિ. એનું મન વારંવાર રિમાએ કહેલી વાતો પર જતું રહેતું હતું. એનું દિલ કહી રહ્યું હતું કે રિંકલ એનાં વિશે એવું કાંઈ વિચારી ના શકે અને મગજ કહી રહ્યું હતું કે રિમાને એની બેનનાં ઘર સંસારમાં દરાર પાડીને એને કશું મળવાનું હતું નહિ. બની શકે કે રીમાએ જે કાંઈ કહ્યું એ સાચું પણ હોય.
સાંજનાં સમયે હાર્દિક ઘરે આવીને પોતાના રૂમમાંથી એની જરૂરી વસ્તુ લઈને બીજા રૂમમા જતો રહ્યો. રિમાએ રિંકલને હાર્દિક સાથે સામેથી વાત કરવાની મનાઈ કરી હતી. જેના કારણે એ કશું બોલી નહિ. જમવાનાં સમયે રિમાએ હાર્દિકને સવાલ કરીને પૂછી લીધું :
"જીજાજી, તમે તમારો સામાન બીજાં રૂમમાં કેમ શિફ્ટ કરી દીધો ?"
"અરે, એમાં એવું છે કે ચાર પાંચ દિવસ તમે અહી રોકાવાનાં છો. તમને બીજાં રૂમમાં ઉંદરનાં ડરને કારણે નિંદર આવશે નહિ. તમે જેટલાં દિવસ અહીં રહો એટલાં દિવસ તમારી બેન સાથે મારાં રૂમમાં સુઈ જજો. હું તમને બન્નેને સવારના સમયે તૈયાર થવાં માટે તકલીફ ના આપું. આથી મેં ટેમ્પરરિ ત્યાં મારો સામાન શિફ્ટ કરી દીધો."
હાર્દિકનાં કહેવાં પર રિંકલ એની સામે કશું ના બોલી. હાર્દિક જમીને પોતાનું કામ કરવા રૂમમાં જતો રહ્યો. રિમા અને રિંકલ મૂંગે મોઢે બધું કામ પતાવીને સુવાં જતી રહી.
"રિમા, મેં તને ગઈ કાલે જ કહ્યું હતું કે હું હાર્દિકને ઉંદરવાળી વાત તું ખોટું બોલી હતી, એ એમને જણાવી દઉં. જમવાનાં સમયે એ વાત કરતાં મારી સામે જોઈ રહ્યાં હતાં. મને લાગે છે કે એમને શંકા પડી ગઈ છે."
"દીદી, એમાં તમે ટેન્શન કેમ લો છો ? ખોટું તો હું બોલી હતી. એમની ખીજ હશે તો મારાં પર જ હશે."
"એમને એવું લાગશે કે.."
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"