હાર્દિકને એના જીવનનો સૌથી મહત્વનો નિર્ણય લેવાનો હતો. આર કે પારની રમત શરૂ થઈ ગઈ હતી. હાર્દિકે એનાં પેરેન્ટ્સને પણ એની ઘરે બોલાવી લીધાં હતાં.
આર્યને સુવડાવીને એ બહાર આવ્યો એનાં પેરેન્ટ્સ નિયત સમયે આવી પહોચ્યાં હતાં. હાર્દિકે એમને વિવેકથી અંદર બોલાવ્યાં. ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લઈ લીધાં.
જમવાનો સમય થઈ ગયો હતો. લાંબી મુસાફરીને કારણે એ લોકોનાં ચહેરાઓ પર થાક દેખાય રહ્યો હતો. હાર્દિક હજું કોઈ ચર્ચાનો ખુલાસો કરીને એમનાં પેરેન્ટ્સને દુઃખી કરવાં માંગતો ન હતો. એની ઈચ્છા એ હતી કે પહેલાં એમનાં પેરેન્ટ્સને એ જમાડી લે પછી જે કામ માટે એમને બોલાવવામાં આવેલાં છે એ કામની એ નિરાંતે વાતચીત કરી શકે. હાર્દિકે એમને જમવાનું પીરસીને એમની સાથે જમી લીધું.
જમવાનું પુરૂ થઈ ગયાં પછી હાર્દિકનાં પેરેન્ટ્સ હોલમાં રાખેલ સોફા પર આરામ કરવાં બેસી ગયાં. આર્ય હજુ સુઈ રહ્યો હતો. હાર્દિકે એના રૂમનો દરવાજો બંધ કરી દીધો. જેથી એ લોકો કોઈ વાત કરે એનાથી આર્ય જાગી ના જાય. રૂમનો ડોર બંધ કર્યા પછી હાર્દિકે સોફાની સામે પડેલી ચેર પર બેસી ગયો.
"હવે, હાર્દિક જે હોય એ અમને સાચી વાત કર. કેમ તે અમને તાત્કાલિક અહીં બોલાવ્યાં છે ?" હાર્દિકનાં મમ્મીએ હાર્દિકનો ગંભીર ચહેરો જોઈને સમજી ગયાં હતાં.
છેલ્લાં દિવસે બનેલી ઘટના હાર્દિકે એનાં પેરેન્ટ્સને શાંતિથી કહી સંભળાવી. આર્યનો હાથ દાઝવાથી લઈને રિંકલનાં પેરેન્ટ્સે નાની વાતને મોટી કરી નાખી. એમણે રાખેલી શરત મુજબ જો એ એમની નાની દીકરી રિમાને એની સાથે નહિ રાખે તો એ રિંકલ અને આર્યને પોતાની સાથે લઈ જશે. રિંકલે ઘર પર પોતાની માલિકીનો દાવો કર્યો એ પણ હાર્દિકે એનાં પેરેન્ટ્સને પેટ છુટી વાત કરી દીધી.
"અમે વિચાર્યું હતું, એના કરતા વાત ખૂબ ગંભીર લાગી રહી છે. એક દીકરીનાં મા અને બાપ એટલાં બેશરમ છે કે પોતાની દીકરીનું ઘર તોડવાં તૈયાર થઈ ગયાં છે." હાર્દિકની વાત સાંભળીને એનાં પિતાએ સોફાના તકિયા પર કોણીનો ટેકો આપીને બોલ્યા.
"આપણે તો સગપણ કરેલું હતું ત્યારે તો વેવાઈ ઘણાં સીધા લાગી રહ્યા હતા. એમનો ચહેરો જોઈને કોઈ ના કહી શકે કે એ આટલાં હલકા વિચારો ધરાવતા હશે. રિંકલ તો આપણી વહુ છે. એને તો મેં મારી દીકરીની જેમ લાડ કરાવ્યાં હતાં. હા, હું અહીં આવતી તો એને મારાથી તકલીફ હતી પણ કોઈ દિવસે એણે ઊંચા અવાજે મારી સામે બોલી નથી. એનાં હાવભાવથી ખબર પડી જતી કે મારું વધુ રહેવું એને પસંદ નથી." હાર્દિકનાં મમ્મી બોલ્યાં.
"એ બધો આપણે ચર્ચા કરવાનો સમય નથી. ગઈકાલે ! મેં નિર્ણય લઈ લીધો છે. મારી એવી ઈચ્છા છે કે આ નિર્ણયમાં તમે મારી સાથે છો કે નહિ ?" હાર્દિકે પૂછ્યું.
"જો હાર્દિક ઊતાવળમાં એવો કોઈ ખોટો નિર્ણય ના લેવાય. આ લગ્નજીવન નાના છોકરાની રમત નથી કે સાથે રમવું ફાવે તો રમી લેવાનું, જો ના ફાવે રમતને અધવચચે છોડીને અલગ પડી જવું. પહેલાં, તેં જે નિર્ણય લીધો છે એ અમને કહે. અમને તારો નિર્ણય યોગ્ય લાગશે તો જ એમની સામે રાખીશું." હાર્દિકના પપ્પાએ એમના અનુભવની વાત કરી.
"પપ્પા, મેં દિલ પર પથ્થર રાખીને એ ફેસલો લીધો છે કે હું રિંકલ અને આર્યને છોડી દઈશ પણ રિમાને અમારી સાથે જીવનભર રાખશું નહિ." હાર્દિકે આંખો બંધ કરીને એક શ્વાસે બોલી ગયો.
એક પિતા તરીકે એના દીકરાને પોતાનાથી અલગ કરવાનો નિર્ણય ખૂબ જ કઠીન હોય છે. આવી પરિસ્થિતિમાં એને કોઈ પાસે મન હળવું કરવુ હોય તો એ કરી શકતો નથી. એને એનાં જીવનસાથીની ખૂબ જરૂર હોય છે કે એને પોતાની મિત્ર બનાવીને એનાં ખોળામાં રડીને મન હળવું કરી શકે.
જો રિંકલ જેવી સ્ત્રી જીવનસાથી બનીને કોઈનાં જીવનમાં ભૂલેચુકે પણ આવી જાય તો એની મિત્ર તો શું પણ એનાં ઘરનું ખેદાન મેદાન કરીને શાંતિ પામી શકે.
હાર્દિકનો નિર્ણય એનાં મમ્મી અને પપ્પાએ સાંભળ્યો. હાર્દિકને આ ફેસલો લેવામાં કેટલી તકલીફ પડી હશે. એ લોકો સારી રીતે સમજી શકતાં હતાં.
"ઊતાવળમાં કે લાગણીથી વહીને ફેસલો લઈએ તો અંતે પસ્તાવાનો વારો આવે છે. એકવાર વિચાર કરી લે, હાર્દિક. આર્ય તારા કાળજાનો દીકરો છે. તું એના વગર જીવન આખો એકલો રહી શકીશ?"
હાર્દિકનાં મમ્મીએ એને સમજાવવાનો પ્રયાસ કર્યો : "હું તો તને એમ કહું છું કે એ લોકોની શરત માનવામાં પણ ખોટું નથી. રિમાને તું આ ઘરમાં રાખી શકે છે. સમાજ બે દિવસ વાતો કરશે અને એની રીતે ચૂપ થઈ જશે. એ લોકોની જગ્યાએ વિચારવાં જઈએ તો એમને એમનાં દીકરીનાં ભવિષ્યની ચિંતા રહેતી હશે. કદાચ, એ કારણે એમણે આવી શરત રાખી હશે."
"મમ્મી, મને આ બધી એ લોકોની ચાલ લાગી રહી છે. શરૂઆતથી હું વિચારું તો રિમા પાંચ દિવસ અમારાં ઘરે રોકાવાં આવી. પહેલી રાત્રે જ એણે મને અને રિંકલને અલગ કરી દીધાં હતાં. મારી પાસે એમ કહ્યું કે દીદી તમારી પાસે દરેક વાત છુપાવે છે. જોકે હું રિંકલને ઓળખું છું, ત્યાં સુધી એણે હજી મારી પાસે કોઈ વાત છુપાવી નથી. આ રિમા અમારાં જીવનમાં આવી એ પછી જ આ તકલીફો પડવાં લાગી છે. હું રિમાનો ચહેરો જોઉં છું તો મારી અંદર લોહી ઊકળી પડે છે."
હાર્દિકની કહેલી વાતો બધી સાચી હતી. હાર્દિકથી વિચારીએ તો રિમા આવ્યાં પછી જ આ બધી ઘટનાઓ એનાં જીવનમાં બનવાં લાગી હતી. જે છોકરી પહેલે દિવસે આવીને બન્ને પતિ પત્નીને એક છત નીચે અલગ રાખી શકે. એ છોકરી ભવિષ્યમાં બીજી ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
"આપણે આમાં વચ્ચેનો રસ્તો અપનાવી શકીએ છીએ. હું વેવાઈને સમજાવીશ કે એમની આ શરત સ્ત્રીઓની નાદાન ભરી વાતોને કારણે રાખેલી છે. એ એક દીકરીનાં પિતા છે. બીજી દીકરીની ખુશી માટે પોતાની પહેલી દીકરીનાં લગ્નજીવન તોડવાં નહિ જ દે." હાર્દિકના પિતાએ કહ્યું.
"ગઈકાલે એ ખૂબ ગુસ્સામાં હતાં. આથી મેં ચોવીસ કલાકનો સમય એમની પાસે માંગ્યો. આઈ હોપ કે આજે તમારા સમજાવવાથી એ સમજી જાય તો સારુ."
હાર્દિકે એટલી વાત કરીને બીજી આડી અવળી વાતો
કરી. એવામાં આર્યએ એની નિંદર પૂરી કરી લીધી હતી. આર્યને હાર્દિકે દૂધની બોટલમાં દૂધ પીવડાવી દીધું. આર્યના દાદા અને દાદી એનાં પૌત્રને જોઈને ખુશ થઈ ગયાં. થોડીક વાર અજાણ્યાં લાગતાં ચહેરાં આર્યને જાણીતાં થઈ ગયાં હોય એમ આર્ય એમની સાથે રમવાં લાગ્યો.
સાંજનો સમય થઈ ચુક્યો હતો. રિંકલ એની સ્કુલેથી આવી ચુકી હતી. એનાં સાસુ અને સસરાને જોઈને એણે દૂરથી પ્રણામ કરી લીધાં. હંમેશા એનાં સાસુ અને સસરાને ચરણસ્પર્શ કરનાર રિંકલને એમની નજીક જવું યોગ્ય ના લાગ્યું.
હાર્દિકનાં કહેવાથી રિંકલે એનાં પેરેન્ટ્સ અને રિમાને બોલાવી લીધાં હતાં. રિંકલ સ્કુલની બેગ એની જગ્યાએ રાખીને ફ્રેશ થઈ ગઈ. થોડીક જ મિનિટોમાં એનાં પેરેન્ટ્સ દોડતાં એની ઘરે આવી ગયાં હતાં. અવશ્ય ! એમની સાથે રિમા પણ હતી જેને કારણે રિંકલ અને હાર્દિકનાં લગ્ન જીવનની નાવ મધદરિયે ઝોલાં ખાઈ રહી હતી.
રિંકલનાં મમ્મી - પપ્પાનું મોઢું ચડેલું હતું. હાર્દિકનાં મમ્મી અને પપ્પાએ વિવેક રાખીને એમને આવકારો આપ્યો. એમની રાખેલી અગાઉથી ચેરમાં એ બન્નેને બેસાડ્યાં.
વાતની શરુઆત હાર્દિકના પપ્પાએ ખૂબ શાંતિથી કરી હતી. એ લોકોએ મૂકેલી શરત પર ફરી વિચાર કરવાનું એમને જણાવ્યું. રિંકલનાં પેરેન્ટ્સે એમને જણાવી દીધું કે, "ગઈકાલે અમે જે કોઈ શરત રાખેલી હતી, એ પૂરાં હોશ હવાશોમાં રાખેલી હતી. અમે અમારાં શબ્દોથી કોઈ દિવસ ફરી જતાં નથી. અમારાં શબ્દો જ એ અમારી જબાન છે."
"વેવાઈ, હજી અમે તમને છેલ્લી વાર સમજાવીએ છીએ કે જલ્દબાજીમાં કરેલ કામ અંતે પસ્તાવા તરફ લઈ જશે. વર્તમાન સમયે તમને જે વ્યાજબી લાગે છે એ ભવિષ્યમાં તમને તકલીફ અપાવી શકે છે. આ વાત મેં હાર્દિકને પણ સમજાવી હતી." હાર્દિકના પપ્પા એમનાથી બનતા પ્રયાસો કરવા લાગ્યા.
બન્ને વેવાઈઓની નાની ચર્ચા એ દલીલબાજી તરફ ઊતરી આવી હતી. કોઈપણ રીતે રિંકલનાં પેરેન્ટ્સ નમતું મુકવાં તૈયાર થઈ રહ્યાં ન હતાં. અંતે, હાર્દિક વાતોથી કંટાળીને જોરથી રાડ પાડી.
(ક્રમશઃ...)
મયુરી દાદલ