સાંજ પડવાની હતી. માલ આગલા દિવસ કરતા ઘણો વહેચાઈ ગયો હતો. રાજ આત્મસંતોષ સાથે માધાપર જવા બેગ લેતો બાઈક પર બેસી ગયો.
રાજ પોતાની બાઈકને કેબિન પાસે સ્ટોપ કરી. રાજનો ખિલતો ચહેરો જોઈને રમેશભાઈ સમજી ગયા કે, આવકનો સ્ત્રોત વધુ આવ્યો હશે.
રાજે બે હજારની રકમ રમેશભાઈના હાથમાં પકડાવી. રાજ બે હજારની રકમ જોઈને હરખાઈ ગયો હતો.
"આપણી આ રકમને અલગ જગ્યાએ સેવિંગ કરશું. એક કામ કરીએ. આપણે આપણા બિઝનેસ નામ પર બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ચાલુ કરાવી દઈએ. એકસ્ટ્રા ઈન્કમને આપણે એમાં ડિપોઝીટ કરશું." રાજે પોતાનો સુજાવ આપ્યો.
"તારું ખીલતું મૂખ જોઈને જ મને ખબર પડી ગઈ હતી. ગઈ કાલે તું નિરાશ થઈ ગયો હતો. આજે, જો તારા ચહેરા પર કેટલી બધી ખુશી દેખાઈ રહી છે !"
"આપણે માણસ જ અલગ માટીના બનેલાં છીએ. આપણને થોડીક વસ્તુઓ મળે છે, એમાં આત્મસંતોષ માનતા જ નથી. ખાસ કરીને મારા જેવા યુવાન વર્ગો થોડુંક મળે છે એનાથી વધુ લાલચે ભટક્યાં કરીએ છીએ. ટુંકમાં જે મળ્યું છે એનો પણ આનંદ માણી શકતા નથી. તમે માનશો નહિ પણ ગઈ કાલે ઓછી ઈન્કમના ટેન્શનમાં મને સરખી ઊંઘ પણ થઈ ન હતી."
રમેશભાઈએ રાજને બેન્કમાં બિઝનેસ એકાઉન્ટ ખોલવાની હા કરી દીધી. કામની થોડીક વાતો કરીને તેઓ બન્ને કેબિન બંધ કરીને ઘરે જતા રહ્યા.
રાજને થયેલી બે હજરની આવક એણે એનાં મમ્મી અને પપ્પાને જણાવી દીધી. તેઓ બન્ને રાજના હાથે થયેલી આટલી મોટી આવકથી ખુશ થઈ ગયા.
રાજના પપ્પાએ એને એક શીખ પણ આપી, "ધ્યાન રાખજે પૈસાની લાલચે કોઈ ગરીબને છેતરતો નહિ. કોઈ એવા ખોટાં ટુંકા રસ્તાઓ ના સ્વીકરજો કે જેમાં લાગણીઓની ખોટ વધુ મળતી હોય."
રાજે એના પપ્પાને જણાવી દીધું કે એ દરેક વસ્તુનું ધ્યાન રાખશે. પૈસા કમાવવાના લાલચે એ કોઈ ખોટા રસ્તે નહિ જાય. એવું વચન આપી દીધું.
બીજે દિવસે સવારે રાજ ડોક્યુમેન્ટ સાથે બેન્કમાં એનુ અને રમેશભાઈનું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી દીધું હતું. જે મુખ્યત્વે એ બિઝનેસ એકાઉન્ટ જ હતું. બે હજાર એમાં ડિપોઝીટ પણ કરાવી લીધા. એક ચેક બુક અને પાસ બુક બેન્કમાંથી મેળવીને રાજ કેબિને આવી પહોચ્યો હતો.
રાજે બેન્ક એકાઉન્ટની પાસ બુક અને ચેક બુક રમેશભાઈને બતાવી દીધી. રમેશભાઈને મન રાજ ખુશ રહે એ જોવાનું હતું. રાજને ખુશ જોઈને એક પિતાના ચહેરા પર રોનક દેખાય એવી જ રોનક રમેશભાઈના ચહેરા પર દેખાતી હતી.
રાજ રોજની જેમ માલ લઈને બીજા ગામમાં પહોંચી ગયો. અમુક ગ્રાહકો રાજના રોજ બંધાય ગયા હતા. આધેડ વ્યક્તિ રાજની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.
રાજનું આ કામ નિત્ય થઈ ગયું હતું. ક્યારેક એને બે હાજરની આવક થતી ક્યારેક એ આકડો બે હજાર ઉપર થઈ જતો હતો. રાજ થોડામાં સંતોષ માનવા લાગ્યો હતો.
રોજ સવારે થતી આવક રાજ બેન્કમાં સમયસર ડિપોઝીટ કરાવી આવતો હતો. બેન્કના કાર્યકરો રાજથી સરખા પરિચિત થઈ ગયા હતા.
રાજે બેન્કમાં એના બિઝનેસનો ફેલાવો કરી દીધો હતો. ત્યાં રાજે એના કેબિનના કાર્ડ આપીને ત્યાં પાન અને ફાકી ખરીદવાની એડવટાઈઝ કરી દીધી.
રાજને ગામડે વેંચાણ કરવાને એક મહિનો થઈ ગયો હતો. રાજના જીવનનો બીજો તબક્કો એ ગામડેથી ચાલુ થવાનો હતો. રાજ સાંજના સમયે ગામના ચોરાહે પહોંચી ગયો.
નિયમિત ગ્રાહકો રાજના આવવાની રાહ જોઈ રહ્યા હતા. જેમની સાથે આધેડ ઉંમરના વ્યક્તિ પણ સામેલ હતા.
રાજ કોઈને ફાકી તો કોઈને પાન વહેંચી રહ્યો હતો. પબ્લીક વસ્તુઓ ખરીદીને ત્યાંથી જવા લાગી. એને કારણે ટોળું ઓછું થવા લાગ્યું હતું.
"છોરાં, મને પણ મારાં બે પાન આપી જ દે." આધેડ બોલ્યા.
"કેમ કાકા આજે બે પાન ખરીદવા છે ?" રાજને અચરજ થઈ.
"તું જ રોજ આવીને મારા બાપાને પાનની લત લગાવીને જાય છે. પહેલે દિવસે મફતનું પાન ખવડાવીને એમને પાન ખાવાનો ચસકો લગાવી દીધો છે. તારુ તો સાત ભવે સારુ નહિ થાય."
રાજની પાછળથી વીસ વર્ષની હંસા એ આધેડની દીકરી આવી પહોંચી. અવાજ આવવાની દિશા પર રાજે પાછળ વળીને એ છોકરી સામે જોયું.
જાંબલી કલરનાં ચણિયો અને ચોલી હંસાએ પહેરેલાં હતાં. એની સાથે ગુલાબી કલરની ઓઢણી ઓઢેલી હતી. માથા પર બે ચોટલાં વાળેલાં હતાં. જે આંબાની ડાળીની જેમ આગળ લટકી રહ્યાં હતાં. મીનાકારની આંખોને કાજલથી આંજેલી હતી. એની પટપટ કરતી આંખોની સાથે પાતળા મોરપંખની ડાળી સમાન ખોલ બંધ થતાં એના અધરો રાજનું મન ચોરી લીધું હતું.
પગમાં એનાં ઝાંઝરનો ઝણકાર ઓછો હતો કે એ હાથ લાંબા કરતી તો ચુડલીઓનો મીઠો રણકાર રાજનાં હૃદયના ધબકાર વધારી દેતા હતા.
હંસા રાજ માટે પહેલી નજરનો પ્રેમ સાબિત થઈ ગઈ હોય એવી રૂપના ખોબા ભરીને આકાશમાંથી પૃથ્વી પર જાણે રાજ માટે ઊતરી કેમ ના આવી હોય !
"હાય." રાજે એક હાથ હૃદય પર રાખીને એક ઊંહકારો નાખી દીધો.
"આ મારી દીકરી હંસા છે. તેણીએ મારાં મોઢામાં આવતી પાનની સુગંધને પારખી ગઈ હતી. એની બીકે મારે આજે પાન ખરીદવું ન હતું. પાનને જોઈને મારો જીવ ખાધા વિના રહ્યો નહિ. તારી પાસે નાછુટકે બે પાન લેવાની વાત કરી." આધેડ બોલ્યે જતો હતો અને રાજનું ધ્યાન તો હંસાનાં રૂપ જોવામાં ખડાઈ ગયેલું હતું.
હંસાએ રાજનાં નાક પાસે ચપટીઓ વગાડી. રાજને ચપટીનો અવાજ આવતા એની નજર પરિસ્થિતિને પારખી ગઈ.
"તમે શુ કહી રહ્યાં હતાં ? જરાક બીજી વાર કહો તો ખબર પડે." રાજે હંસાને પૂછ્યું.
"પાંચ મિનિટથી તને કહી રહી છું. તારા આંખોના ડોળાને નીચા કરીને રાખ તો મેં કહેલુ તારા કાનમાં જાય. કાનમાં જશે તો મગજમાં ઊતરશે."
"મારી આંખો સારી છે. તમને હું માન આપું છું તો તમે મારી પર તુકારેથી બોલીને મને જેમ આવે એમ કહેવાં માંડ્યાં છો !" રાજને પોતાનું અપમાન થતું હોય એવું લાગ્યું.
"જેનું માન હોય એને માન અપાય. આ પાન અને ફાકીના તમે ધંધે કરો છો. તમે બિલકુલ જાણો છો કે આ તમાકુ હાનિકારક છે. એનાથી મોટા - મોટા રોગો થઈ શકવાની શક્યતા છે. તમાકુનું બીજું નામ જ ઝેર છે. ખબરદાર, હવે મારા બાપાને ઝેર વહેચ્યું છે. નહિતર મને તમારી પોલીસ ફરિયાદ કરતા વાર નહિ લાગે."
હંસાએ પોલીસે જવાની હિમ્મત દાખવી દીધી હતી. રાજ હંસાના મોહથી પાછો વળ્યો. એણે એના ધંધામાં ગંભીર બની ગયો.
"તમે મારી પોલીસ ફરિયાદ કરી જ નહિ શકો. મારી પાસે તમાકુ વેંચાણ કરવાનું લાયસન્સ છે. એ સાથે આ તમાકુ કોઈ ડુપ્લીકેટ નથી કે જેનાથી કોઈને નુકશાન થઈ શકે. એ પણ ગવર્મેન્ટ અપ્રુવલ કરેલ છે."
રાજે એ પછી પોતાની પાસે રહેલું લાયસન્સ બતાવ્યું. ગર્વમેન્ટ પાસે તમાકુ ઓરીજનલ છે એની બાહેધરીના શબૂત બતાવ્યાં. હંસાએ હાથમાં લઈને એક એક શબ્દ ધ્યાન દઈને અંગ્રેજી શબ્દો વાંચી રહી હતી. રાજ નવાઈની સાથે આધેડ તરફ જોવા લાગ્યો.
"હંસા અંગ્રેજી વિષય પર કોલેજ કરી રહી છે. તેણી ભણવામાં પૂરા ગામમાં સૌથી હોશિયાર છોકરી છે. અમારાંમાંથી એનાથી આટલું હોશિયાર કોઈ નહિ હોય."
આધેડની વાતોથી રાજ મનમાં વિચાર કરવા લાગ્યો, "રાજ બેટા, આનાથી તું દૂર જ રહેજે. ક્યાં એ કોલેજ સુધી ભણેલી છોકરી અને ક્યાં તું માંડ દસ પાસ કરેલો છે. તું તો વટને ખાતર થોડાંક બે શબ્દો બોલી લે છે. ક્યારેય આવી અંગ્રેજી ડિગ્રી વાળી મેડમની બરાબરી નહિ કરી શકે."
"તારા દરેક કાગળો મેં જોયા છે. સરકારી કાગળો છે એટલે કોઈ એકશન લેતી નથી, પણ તું મારા બાપાથી દૂર જ રહેજે. એમને શ્વાસની તકલીફ પહેલેથી છે. હવે એમને તેં તારું પાન ખવડાવ્યું છે તો તારું આ ગામમાં ધંધો કરાવવાનું બંધ કરાવી દઈશ."
હંસા રાજની સામે તર્જની બતાવીને ધમકી આપી રહી હતી. રાજ તો હંસાના વટને જોઈ રહ્યો હતો. તેણીના શબ્દો રાજના કાનને અથડાઈને હવામાં ભળી ગયાં હતાં.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"