"શું વાત છે? દીકરી આ બધું કોણે શિખવાડ્યું?" પ્રિન્સીપાલ પુછે છે.
"સર મારી ચોપડીઓ વાંચવાની ટેવ છે. જો દિવસમાં એકાદ ચોપડી નથી વાંચતી તો જરા પણ મજા નથી આવતી." મહેચ્છા જવાબ આપે છે.
"એક નવ વર્ષની બાળકી જો આવા જવાબ આપે તો સમજી લો કે તેના માતા પિતા તેની પાછળ કેટલી મહેનત કરી જાણે છે. તમને નમન અને પ્રાર્થના છે." પ્રિન્સીપાલ કહે છે.
મધુકર ની છાતી તો આ વાત સાંભળીને જ છપ્પન ઈંચ ની બની જાય છે. સરિતા પણ મહેચ્છા ની આવી જ્ઞાન ભરેલી વાતો થી ખુબ ખુશ થાય છે.
શાળા નું નક્કી બની જતા હવે મધુકર દિલ્હી થી આગ્રા ખાતે પોતાનો સામાન ફેરવવા માટે તૈયારી કરે છે. મધુકર ને બે દિવસ ની રજા લઈ પછી દિલ્હી જવાની જરૂર હતી. જ્યારે સરિતા અને મહેચ્છા બે દિવસ એકલા રહેવાના હતા.
પણ આજે તો મહેચ્છા જીદ જ પકડી બેઠી હતી. ગમે તે ભોગે પણ એને તાજમહેલ જોવા જવું હતું. હવે મધુકર પણ નમતું જોખી પછી દીકરી ની ઈચ્છા પ્રમાણે તૈયાર થઈ જાય છે અને સરિતા સાથે મળીને તાજમહેલ જોવા જાય છે.
તાજમહેલ ની તો શું વાત કરવી? દુનિયામાં સાત અજાયબી ની અંદર સામેલ એક અજાયબી!! શાહજહાં એ પોતાની બેગમ મુમતાઝ ની યાદમાં બનાવેલ પ્રેમ ની નિશાની એટલે તાજમહેલ!!
નાનકડી મહેચ્છા તો તાજમહેલ ની અંદર જાણે ખોવાઈ જાય છે. તેને નવી નવી ભાષા તેમજ તાજમહેલ વિષે માહિતી મેળવી ખુબ ગમી રહી હતી.તે પોતાની જાતને ઈતિહાસમાં ભળી ગઈ હોય એમ સમજી રહી હતી.
"પપ્પા પછી છે ને..." એમ બોલી બોલી આખો ઈતિહાસ મહેચ્છા સમજાવી રહી હતી. મધુકર મોહન જાણે પોતાની જાતને જ મહેચ્છા ની જગ્યાએ જોઈ રહ્યો હતો. મહેચ્છા ને ઈતિહાસ નો બહુ શોખ હતો.
"સરિતા જોઈ રહી છે આપણી મહેચ્છા ને.. કેટલી ખુશ છે? સાવ અલગ જ છોકરી છે. " મધુકર મોહન કહે છે.
"હા એ તો સમજી ગઈ. શાહજહાં ની જ વાતો સાંભળતી લાગે છે." સરિતા હસી પડી.
લગભગ બે કલાક પછી તાજમહેલ થી બહાર આવતા જ મધુકર ના મનમાં મહેચ્છા નો રસ કયા વિષય તરફ હશે એ સાવ જ સ્પષ્ટ બની ગયું હતું. હવે મધુકર પોતાના મગજમાં મહેચ્છા ને કેવી રીતે વધુ પ્રેરણા આપવી એ વિષે વિચાર કરવા લાગ્યો.
સાત વર્ષ પછી
આમ ને આમ સમય વીતતો રહે છે. મધુકર મોહન સરિતા અને મહેચ્છા સાથે આગ્રામાં જ સાત વર્ષથી સ્થાયી રહે છે.આ સમય દરમ્યાન જ મધુકર મહેચ્છા ની અંદર આ પ્રકારની સરકારી નોકરી મેળવવા માટે કેવી તૈયારી કરવી પડે એ પ્રમાણે બાળપણ થી જ તેનું ઘડતર કરે છે.
રોજ દસ થી પંદર મિનિટ સુધી ન્યૂઝ સાંભળવા અને પછી વર્તમાન પત્ર વાંચવા ની ટેવ પડી ગઈ હોવાથી મહેચ્છા સામાન્ય જ્ઞાન ની કોઈપણ કસોટી સારી રીતે પાર પાડી શકતી.
આ સિવાય ઈતિહાસ ના મુખ્ય વિષય તરીકે તૈયારી કરાવવા માટે મધુકર મહેચ્છા સાથે અકબર બીરબલની વાર્તા તેમજ ભગવાન બુદ્ધ ના સમયે ભારત ની પરિસ્થિતિ સાથે જ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ તેમજ આપણા દેશની આઝાદી જેવા વિવિધ વિષયોમાં કોઈ વાર્તાલાપ થઈ રહ્યો હોય એમ સમજાવતા.
આ સાથે જ શાળામાં વકતૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લેવા સાથે જુદા જુદા વિષયો પર માહિતી મેળવી મહેચ્છા અભ્યાસમાં પણ પહેલા બીજા નંબરે જ રહેતી.મહેચ્છા ને ગણિત વિજ્ઞાન પણ એટલા જ ગમતા. પણ એ રમત ગમત પ્રત્યે ઉદાસીન હતી.
પુસ્તકાલય જ તેનો બીજો પ્રેમ હતો.એ હંમેશા જ શાળામાં પુસ્તકાલયમાં રીસેસ ના સમયે જરૂર જતી. પણ એ ફક્ત ભણવા સિવાય ની બીજી ચોપડીઓ પણ વાંચન કરતી.
મહેચ્છા ની સખીઓ પણ ઓછી જ હતી. તેનું બે ખાસ સખીઓ હતી કે જે તેના ઘરની પાસે જ રહેતી હતી. મહેચ્છા ખુબ અંતર્મુખી હતી અને છોકરાઓ સાથે તો વાતચીત જ ન કરતી.
આ વર્ષે મહેચ્છા દસમા ધોરણમાં પ્રવેશ કરવાની હતી. મધુકર ખુબ સારી રીતે જાણતો હતો કે મહેચ્છા વિજ્ઞાન શાખામાં પણ આરામ થી આગળ વધી શકે છે. પણ મધુકર ને તો ગમે તે ભોગે મહેચ્છા ને આઈ.એ.એસ અધિકારી જ બનાવવી હતી.
એટલે જ મધુકર વેકેશન સમય દરમ્યાન મહેચ્છા ને સમાજશાસ્ત્ર તેમજ અંગ્રેજી જેવા વિષયો પર વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. મહેચ્છા દસમા ધોરણમાં હજી ક્યાં અભ્યાસ કરે એ નક્કી થાય એ પહેલાં જ મધુકર ની બદલી રાજસ્થાન ના જયપુર શહેરમાં થઈ જાય છે.
"શું પપ્પા તમે અને તમારી નોકરી? અમે પાછા જયપુર આવીએ. મારી સખીઓ નું શું?" મહેચ્છા ગુસ્સે થઈ.
"હા હો મધુકર..દર ત્રણ કે પાંચ વર્ષ પછી નવી નવી જગ્યા પર જવાનું.વળી ત્યાં સેટ થવાનું. કેટલી બધી તકલીફો?" સરિતા પણ બગડે છે.
"જો મારી નોકરી તો એમ જ છે. બાકી પછી આપણે શું કરી શકાય? હમણાં જયપુર રહીને પછી મહેચ્છા ના આગળ ના અભ્યાસ માટે દિલ્હી બદલી લેવા માટે પ્રયત્ન કરીશ." મધુકર મોહન કહે છે.
"ચલો હવે જમવાનું તૈયાર છે. " સરિતા બધી મગજમારી છોડી દે છે.
ત્રણેય ભેગા મળીને જમી લે છે. પછી મધુકર થોડા કામથી બહાર જાય છે તો સરિતા મહેચ્છા ને બધું સરસ રીતે ગોઠવી પછી વાસણ ઘસવા માટે સમજાવે છે.પણ મહેચ્છા તો ભવાં ચઢાવી ગુસ્સે થઈ જાય છે.
"અરે મમ્મી આ મારું કામ નથી. મારે હવે ઊંઘ લેવી છે." મહેચ્છા કહે છે.
"જો દીકરી કોઈ પણ કામ આપણી માટે નાનું તો ન જ કહેવાય. આમ તો હું શું કામ તારી અને તારા પપ્પા માટે જમવાનું બનાવું.પણ હું કરું છું ને?" સરિતા સમજાવે છે.
પણ મહેચ્છા ને ઘરના કામમાં બહુ રસ ન હતો. એ તો પોતાની ઈતિહાસ ની ચોપડીઓ સાથે જ વળગી રહેતી. મધુકર પણ મહેચ્છા ની આ ટેવ થી દુ:કી હતો. મધુકર ગમે તે ભોગે મહેચ્છા ને દસમા ધોરણમાં ૮૦ ટકાથી વધુ ગુણ આવે એમ ઈચ્છે છે.
હવે ગમે તે ભોગે પણ મધુકર પોતાના પરિવાર સાથે જયપુર ખાતે બદલી લે છે. આમ તો પચાસ હજાર રૂપિયા બહું કહેવાય પણ એક બે મળતિયા મધુકર ની બદલી રોકાવાના માટે દોઢ લાખ પણ ચુકવવા માટે તૈયાર હતા.
મધુકર સરિતા તેમજ મહેચ્છા ને સમજાવે છે કે તેની કામ કરવાની ધગશ ને લીધે જ તેની બદલી રોકાવાના માટે પણ મળતિયા તૈયાર થઈ ગયા છે.
હવે ત્રીજી બદલી તરીકે રાજસ્થાન ના જયપુર શહેરમાં મધુકર પરિવાર સહિત પહોંચી જાય છે.મહેચ્છા નો પ્રિય વિષય સમાજશાસ્ત્ર અને તેમાં પણ જુના ઈતિહાસ ના શોખ તરીકે બનેલા કિલ્લાઓ!!
મહેચ્છા માટે ઈતિહાસ કોઈ રમત જેમ જ હતો. એ જુના જુના કિલ્લાઓ તેમના ઈતિહાસ અને રહેનાર લોકો ના જીવન વિષે જાણવા માટે ખુબ તત્પર હતી.બીજા બધા વિદ્યાર્થીઓ માટે જે વિષય વાંચવો ખુબ અઘરો અને કંટાળાજનક હતો તે મહેચ્છા માટે તો એક વાર્તા સમાન હતું.
આમને આમ વરસ પતવા આવ્યું. મહેચ્છા પોતાની છેલ્લી પરીક્ષા માટે તૈયારી કરી રહી હતી ત્યારે જ મધુકર આવે છે.