Quotes by Chaitanya Joshi in Bitesapp read free

Chaitanya Joshi

Chaitanya Joshi

@chaitanyajoshi203050


શબ્દોની શરારત હતી.
અર્થોની મરામત હતી.

હતા સઘળા ઘવાયેલાં,
હમદર્દીની વસાહત હતી.

કાક કૌટિલ્ય દૂર જોજન,
ઉરથી ઉરની રંગત હતી.

સહૃદયીનો કોઈ શંભુમેળો,
લાગણીઓ મિલકત હતી.

મળ્યું મનભાવન મબલખ,
પીડા ઉપર કોઈ છત હતી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

આપણે જ રાવણ બનાવીએને,
પછી આપણે જ એને બાળીએ,
એના કરતાં ના બનાવીએ તો કેવું સારું!

એ તો રાવણ હતોને દેખાતો પણ,
હતો એવો જ જાહેરમાં હંમેશાં,
આપણી દ્વિમુખી છાપ તજીએ તો કેવું સારું!

સાત દરજ્જે સારો આપણાથી,
છડેચોક પાપાચાર કરનારો હતો,
છૂપાવીને ગુના કરવાનું છોડીએ તો કેવું સારું!

કામક્રોધાદિક ષડરિપુ વસે છે ઉરે,
રાવણ જીવે છે આપણાં જીવનમાં,
એને હવે અલવિદા કહી દઈએ તો કેવું સારું !

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

વરસ આખાનો કર્યો હિસાબ ત્યાં તો દીવાળી આવી
સમય જાણે કે પૂછે જવાબ ત્યાં તો દીવાળી આવી.

વરસ આખું મનગમતું કર્યું , ન્યાય અન્યાય ભૂલીને,
જાણે જીવતા મોટા નવાબ ત્યાં તો દીવાળી આવી.

શતશત દીવડાઓ પ્રગટ્યા અંતરે પ્રકાશને પાથરતા,
કેટલા અધૂરા રહ્યા ખ્વાબ ત્યાં તો દીવાળી આવી.

દીપમાળાના પ્રકાશપુંજે અઢળક ખામીઓ નજરાતી
મેળવ્યા પ્રસંશાના ઇલ્કાબ ત્યાં તો દીવાળી આવી.

આવતું વરસ કહી રહ્યું કે સુધરવાની છે છેલ્લી તક,
છોડી દ્યોને ખોટેખોટા રૂઆબ ત્યાં તો દીવાળી આવી

- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.

Read More

એક દિવસ આપણે ભરવાનો છે એ નક્કી.
આભસિતારો એકદા ખરવાનો છે એ નક્કી.
વહેમ આપણો પોષાય કાયમ રહેવા તણો,
એકરાર ગુનાઓ કેરો કરવાનો છે એ નક્કી.
આજનું કરેલું આવતીકાલે પરત મળે અહીં,
સિદ્ધાંત કર્મનો સમયે ફળવાનો છે એ નકકી.
રોજ કોઈને કોઈ સિધાવે છે સફર પૂરી કરીને,
તોયે સ્મશાન વૈરાગ્ય છૂટવાનો છે એ નક્કી.
સમયને સાચવી નીતિથી જીવી શકે ચતુર ,
બાકી ઉપર પસ્તાવો એ કરવાનો છે એ નક્કી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

ઉર ધબક્યા કરે ધબક ધબક.
ને અશ્રુ વહ્યા કરે ટપક ટપક.

સુખદુઃખ બેઉ હારે આવ્યાંને,
ને અક્ષર પાંગરે તરત તરત.

આવી દીવાળી જૂનું ભૂલાવી,
આતમ ઉજવે હરખ હરખ.

આજ બોલ્યાંને કાલ આવ્યું,
શબ્દો મળશે પરત પરત.

પતંગિયાંએ કરી જાહેરાત,
તું રંગ લઈ લે સરસ સરસ.

પુષ્પો લાગ્યાં હવે તો પૂછવા,
સુગંધની છે ને ગરજ ગરજ.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

હવે ઝાઝું સુખ સહન નહીં થાય.
તો પણ છોડવાનું મન નહીં થાય.

છે એ વડવાનલ રખરખતો જલે,
પાણીથી આગનું શમન નહીં થાય.

રાખોને વિચારો મબલખ મનમાં,
શરીરમાં એનાથી વજન નહીં થાય.

સતત પોકાર્યા કરો શબ્દોસહારે,
અશ્રુ વિના એનું આગમન નહીં થાય.

એ ઝેર છે હળાહળ ગતિ બીજાની,
સ્વીકારવા જેટલું પાચન નહી થાય.

શિર ધરીશ પણ ગુણ નિહાળીને,
કેવળ વયના માપે નમન નહીં થાય.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

પ્રભુ મારી ઉરઆરત સ્વીકારો.
હરિ મારી ઉરઆરત સ્વીકારો.

અંતર કલુષિત ષડરિપુ પ્રહારે,
વિનંતી મારી હરિવર વારેવારે.
હરિ હરો મોહનિશા આવી દ્વારે...1

દરશનની અભિલાષા નિરંતર,
પળેપળે કેટલું ઝંખતું અંતર.
હરિ આવો ભૂલો ભૂલીને હજારે..2

એક મિલનની રહી ઉર આશા,
તવ વિયોગે વીત્યા વર્ષ ખાસ્સા,
હરિ થાઓ સન્મુખ ઉર આવકારે..3

રામરૂપ ધરીને રઘુવીર આવો,
ઉરતડપન દરશનની બુઝાવો,
હરિ આવો અંતર તણા પોકારે....4

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

રોજેરોજ ગીત તારું હરિ મુજને ગાવા દેજે.
રુઠ્યાં હોય જે મારાથી એને મનાવવા દેજે.

લોકો કહે છે કે કલિયુગ પણ મારે રામયુગ,
ઝઘડા, કલહ, કંકાશથી મને દૂર જાવા દેજે.

છે નયનને પ્રતિક્ષા નિરંતર રામ આગમનની,
વરદ હસ્ત પ્રભુનો શિર ઉપર ફેરવવા દેજે.

હેત હૈયાનું ભરી રાખ્યું સ્વાગત કાજે હરિ,
અણનમ શીશ મારું ચરણે ઝૂકાવવા દેજે.

તું રામ બને કે કૃષ્ણ કોઈ ફેર નથી પડવાનો,
હું છું હરિવર તારો એવું અનુભવવા દેજે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

શબ્દે શબ્દે શ્રીહરિને, નયને નદીયુ વસી ગઈ,
કૃપા રામની જ્યારે થઈ.
પરાવાણી પ્રગટી મુખેને, વિદાય વૈખરીની કેવી થઈ,
કૃપા રામની જ્યારે થઈ.

જનેજનમાં જનાર્દન વસતા,સંગત સઘળી બદલી ગઈ,
હેત હરિનાં હૈયેથી છલક્યાં, વાણી સઘળી પ્રાર્થના થઈ.
હરિવર હરખ્યા ભક્ત નિહાળી,
એની આંખડી વરસી રહી......1

નાનામોટાના ભેદ ભૂલાયા, દુર્બુદ્ધિને દિવાલ થઈ.
સન્મતિ સાંપડી સહેજેને, મનમંદિરિયે આરતી થઈ
માયાબંધન છૂટ્યાં કેટલાં,
ભક્તિદોરી મજબૂત થઈ.......2

ગદગદવાણી કરે વિનંતી, પુલકિતગાત્રે ઉચ્ચારતાં,
શાનભાન સ્હેજે ભૂલાયાં, ધ્યાન રઘુવીરનું ધરતાં.
રીઝ્યા રઘુકુલનંદન રામને,
ધનુષબાણને એ કરમાં ગ્રહી......3 .

ચૈતન્ય જોષી.

Read More

તન કરતાંયે મનના રોગો પરખાયા ઘણા.
વય વીત્યા પછી મોડેથી સમજાયા ઘણા.

દેહસુખાકારી અર્થે વિવિધ ઔષધો લીધાં,
મનની તંદુરસ્તી વિના કેવા ભરખાયા ઘણા.

ના વિચાર્યું યુવાવયે મનની મલિનતા વિશે,
જમાવી કબજો ભીતરેને શરમાયા ઘણા.

ના પડી ખબર ક્યારે ચાલી ગઈ માનવતાને,
ક્રોધ, ઈર્ષા, કપટાદિ મનમાં વીંટળાયા ઘણા.

રહ્યા દૂર હરિ પણ કેટલા આદતો દેખીને,
આપીને દેહ માનવનો એ પસ્તાયા ઘણા.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More