હું નથી પૂછતો ઓ સમય કે હજી, તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા ?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા ?
ઓ ખુદા આ ફરેબોની દુનિયા મહી, પ્રેમ તારી ખરેખર કસોટી જ છે ,
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા ?
પ્રેમ ઈર્ષાથી પર ક્યાંય હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે ,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા ?
દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી ,
સ્મિત થઈને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત ના થઈ શકે એવા ગમ કેટલા ?
સ્વાર્થની આ તો છે ભક્તીલીલા બધી,આત્મપૂજા વિના શૂન્ય આરો નથી ,
એક ઈશ્વરને માટે મમત કેટલો, એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા