Free Gujarati Motivational Quotes by Ravindra Sitapara | 111276985

દીવાળી પર્વ હિંદુ ધર્મમાં ખૂબ મહત્ત્વપૂર્ણ તહેવાર છે. રાવણ વધ પછી શ્રી રામ પોતાની અર્ધાંગિની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનાં વનવાસ પછી અયોધ્યા પરત ફરે છે ત્યારે રાજ્યની પ્રજા ઉત્સાહમાં ઘરે ઘરે ઘી નાં દીવાઓ કરે છે, રંગોળી કરે છે. અમાસનાં અંધકારમાં શ્રી રામનાં આગમનથી અયોધ્યા ઝળહળી ઊઠે છે. એ સાથે પધારે છે સ્વયં લક્ષ્મી અર્થાત્ સીતાજી. લક્ષ્મીજીને ઘરે બોલાવવા સહેલા છે પરંતુ તેને સ્થાયી કરવા અઘરા છે. લક્ષ્મીને સ્થાયી કરવા જે પરિબળો મહત્ત્વનાં છે તેને સમજાવવા દીવાળી પહેલાનાં ત્રણ દિવસો રખાયા છે. એ ત્રણ દિવસો આ મુજબ છે.

( 1 ) વાક્ બારસ

સામાન્ય રીતે આપણે વાઘ બારસ કહીને શુભેચ્છાઓ પાઠવી દેતા હોઈએ છીએ એ દિવસ ખરેખર વાક્ બારસ ગણાય છે. વાક્ એટલે વિદ્યા. એ દિવસે વિદ્યાની પૂજા કરવાનો દિવસ છે. જ્ઞાનનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં ઘણું છે. માત્ર મા સરસ્વતીની પૂજા કરવાથી નહિ પણ જ્ઞાન મેળવવાથી તેની આરાધના થશે. એ જ્ઞાન કોઈ પુસ્તક કે કૉલેજ માં ડિગ્રી પર આધારિત નથી. એ જ્ઞાન વ્યવહારિક કૌશલ્ય હોય છે જે જ્ઞાન થકી તમે સભ્ય અને સુસંસ્કૃત રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરી શકો છો.

( 2 ) ધનતેરસ.

જ્ઞાન પછી બીજું કોઈ મહત્ત્વનું પાસું હોય તો તે સ્વયં તમારું આરોગ્ય છે. ભગવાન ધનવંતરીનાં નામ પર આ દિવસ ઉજવાય છે. તેઓ આરોગ્યનાં દેવતા ગણાય છે. સમુદ્રમંથન વખતે ધનવંતરી અમૃત કળશ સાથે નીકળેલ તેને દેવતાઓઅે પોતાની પાસે રાખેલ. તેમણે સંસારને આયુર્વેદની જાણકારી આપી. આયુર્વેદ મતલબ જીવન વિશેનું જ્ઞાન. તમારું સ્વાસ્થ્ય સારુ હશે તો લક્ષ્મીનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકશો. એ.સી. ધરાવતા બેડરૂમમાં, મખમલી ચાદર ઓઢીને સૂતેલા લોકો કેટલીય ચિંતામાં બરાબર સૂઈ પણ શકતા નથી. અઢળક લક્ષ્મી છે છતાં કથળતું શરીર તેને એ ઐશ્વર્ય કે સમૃદ્ધિ ભોગવવા દેતું નથી. ધનતેરસનાં માધ્યમથી એ સમજવાનું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.

( 3 ) કાળી ચૌદશ

આ કોઈ અશુભ તહેવાર નથી. કાળી ચૌદશને અપશુકનિયાળ દિવસ ગણવામાં આવતો હોય છે પણ વાસ્તવિકતા અલગ છે. આ દિવસ મા કાળીની પૂજા કરવાનો દિવસ છે. મા કાળી સ્વયં શક્તિનું પ્રતીક છે. શક્તિની ભક્તિ કરવાનું અને શક્તિ, અંતરમાં સાચા કામ કરવાની હિંમત માંગવાનો આ દિવસ છે. શ્રી કૃષ્ણે નરકાસુર નામનાં રાક્ષસનો વધ કરીને સંસારને તેનાં આતંકમાંથી મુક્ત કરાવ્યો હતો. ઘરમાં કજિયા, કંકાસ કે કકળાટ દૂર થાય તો ઘરમાં રહેલી સમૃદ્ધિનો સાચો આનંદ લઈ શકાય. લોકોએ ઝઘડવાની, ઈર્ષાની, વેર લેવાની વૃત્તિ છોડવાની જરૂર છે. એ માટે જોઈએ હિંમત. અંદરની શક્તિ અને હિંમતની યાચના માટેનો આ દિવસ છે.

( 4 ) દીવાળી

સ્વયં લક્ષ્મીનાં અવતાર સીતાનાં અયોધ્યાગમનનો દિવસ છે. આ લક્ષ્મીપૂજનનો દિવસ છે. દીવા અને રંગોળી દ્વારા તેનું સ્વાગત કરાય છે. ઘર તરફ જતાં લક્ષ્મીજીનાં પગલા કંકુથી બનાવાય છે. બહેતર એ છે કે તમે તમારા ઘરની જ લક્ષ્મીનું આ રીતે સન્માન કરો.

( 5 ) બેસતું વર્ષ

અંગ્રેજી વર્ષની જેમ આપણું બેસતું વર્ષ રાત્રિનાં અંધકારમાં નહિં પણ ઉગતા સૂર્યની સાક્ષીમાં શરૂ થાય છે. વડીલો પોતાનાં નાના સ્વજનોને જ્ઞાન, આરોગ્ય, શક્તિ, લક્ષ્મીનાં આશિષ આપે છે.

( 6 ) ભાઈ બીજ

કારતક સુદ બીજ મતલબ ભાઈ બીજ. યમરાજા તેની બહેન યમુનાને ત્યાં પધારેલ તેવી માન્યતા છે. રક્ષાબંધનની જેમ ભાઈ બહેનનો આ તહેવાર છે. ભાઈ બહેનનાં ઘરે જમવા જાય અને બહેન તેનાં દીર્ઘાયુષ્યની કામના કરે.

દીવાળી મતલબ જ્ઞાન, આરોગ્ય, શક્તિ અને લક્ષ્મીનાં મહિમાનો ઉત્સવ.

View More   Gujarati Motivational | Gujarati Stories