કાલે જ નક્કી કરી લીધું હતું કે, કાલે ક્યાં જવું !
વહેલી સવારની સરસ ઠંડક ઓઢીને સાયકલ વહેતી કરી..
વગડાઉ માણસને વળી ક્યાં જવાનું હોય..? ધૂળિયો મારગ અને વગડો, એ જ નદીની ભેખડો, એ જ ટેકરીઓ અને એનું એ જ સૂકું વનપ્રાંગણ..
પહોંચ્યો એક સૂકા વોંકળાનાં પથરાળાં પટમાં..
કાળઝાળ ઉનાળાનો પ્રભાવ ચારેતરફ વ્યાપી ગયો છે એટલે પાણી જોવાની આશા તો ક્યાંથી હોય..? દોઢ મહિના પહેલા હિમાલય જવા નીકળ્યો એ પહેલા જ અમારી શેતલ જેવી ઠીક ઠીક મોટી નદીએ પણ પોતાની લીલા સંકોરી લીધી હતી પછી આ વોંકળીઓનાં શા ભાર..?
પણ મારા આશ્ચર્ય વચ્ચે પાણી જોવા મળ્યું..!
દૂરથી જ જોયું કે, વોકળીનાં પટમાં એક જગ્યાએથી બે ત્રણ પંખી ઊડ્યાં. હું રહ્યો કુતૂહલિયો જીવ, તપાસ ન કરું ત્યાં સુધી આપણને ચેન ન પડે..!
અને સૂકા પટ વચ્ચે વેકરામાં જોવા મળ્યો આ વીરડો..!
કોઈ તૃષાતુર માનવીએ એ ગાળ્યો હશે.. પણ હવે તો `માનવીને પ્રાણી બેય રાજી´ !
તળિયે પાણી જોઈને જ તનમનમાં જાણે હિમાલયની ઠંડક ફરી વળી.. આ આનંદમાં તમને પણ ભાગીદાર કેમ ન કરું..?
આજનો સાયક્લિંગ અહેવાલ- ત્રણ કલાક અને પાંત્રીસ કિલોમિટર..
હવે મનોમંથન કરવાનું કામ તમારું..
#હસમુખ_જોષી .
-Dr Jay Dave