Free Gujarati Blog Quotes by Krishna | 111778107

રમેશ તન્ના

હમણાં અમે એક 45 વર્ષનાં એક સ્વજન બહેન, નામે નીપાબહેન ચાવડા ગુમાવ્યાં. બે બાળકોએ માતા, એક પતિએ પ્રેમાળ પત્ની અને એક પરિવારે કુળવધૂ ગુમાવી. ઘરમાં હાહાકાર થઈ ગયો.

તેમનું ઘર પહેલા માળે. આજુબાજુમાં ઢગલો વૃક્ષો.
કબૂતરો ખૂબ આવે. તેમના રસોડાની બહાર માળા બનાવે. ઈંડાં-બચ્ચાં આવે. આખો દિવસ કબૂતરો ઊડાઊડ કરે.

પતિએ કબૂતરનો માળો કાઢી નાખવા કહ્યું તો બહેન કહે, બિચારાં આપણું શું લઈ જાય છે ? ભલેને રહ્યાં.

અમારાં આ સ્વજન બહેન છ મહિનાનાં હતાં ત્યારે તેમને ડબલ ન્યૂમોનિયા થયેલો. ફેફસાં નબળાં હતાં.

કબૂતરની હગારને કારણે તેમને ઈન્ફેકશન થયું. પાંચેક વર્ષ સારવાર ચાલી.

ફેફસાં બદલાય તો મેળ પડે, પણ એવું કરતાં પહેલાં તો અમારા આ સ્વજન બહેન સ્વર્ગે સિધાવ્યાં.

અમદાવાદના જાણીતા સંગીતકાર સુધીર રાવલનાં બહેન અર્પણાબહેન, કે જેઓ જાણીતાં નૃત્યાંગના હતાં તેમને
પણ કબૂતરોની હગારને કારણે ગંભીર બિમારી થઈ હતી. તેમના પ્રેમાળ પતિએ, કરોડો રૃપિયા ખર્ચીને તેમની અમેરિકામાં સારવાર કરાવી હતી. અરે, ફેફસાં પણ બદલાવ્યાં હતાં, પણ છેવટે અનેક લોકોનાં માનીતાં અર્પણાબહેન વહેલાં જતાં રહ્યાં હતાં.

કબૂતર આપણાથી ખૂબ નજીક રહેનારું પક્ષી છે, પણ તેની હગારથી બચવા જેવું છે. જેને શ્વાસ લેવામાં તકલીફ હોય, જેમને વંશ-પરંપરાગત અસ્થમા હોય, જેમનાં ફેફસાં નબળાં હોય, જેમને ભૂતકાળમાં ન્યૂમોનિયા જેવા શ્વાસને લગતા ગંભીર રોગો થઈ ચૂક્યા હોય તેમણે કબૂતરોની હગારથી દૂર રહેવું હિતાવહ છે.

કબુતર જ્યાં હંમેશા બેસે છે, ત્યાં ચરક પણ કરે છે. તે જ્યાં ચરક કરે છે ત્યાં ફરી વખત તે જગ્યા ઉપર બેસવાનું પસંદ કરે છે. એટલા માટે કબૂતરોના હગાર વાળી જગ્યા ઉપર દુર્ગંધ પણ આવે છે. કબૂતરોનું ચિતર અથવા હગાર સુકાય એટલે તૂટીને પાવડર જેવું થઇ જાય છે. પાંખો ફફડાવવાથી અને ઉડવાથી તે પાવડર હવામાં ઊડે છે અને પછી શ્વાસ લેવાથી આપણા શરીરની અંદર પ્રવેશ કરી જાય છે.

સંશોધનો કહે છે કે શ્વાસ દ્વારા કબૂતરોની હગાર ફેફસાં સુધી પહોંચી જાય છે, જેનાથી શ્વાસની બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ અંગે થયેલી શોધ મુજબ, એક કબૂતર એક વર્ષમાં ૧૧.૫ કિલો હગાર કરે છે. કબૂતરોની હગાર સુકાયા પછી તેમાં જીવાત થવા લાગે છે, જે હવામાં ભળીને ચેપ ફેલાવે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, આ ચેપને કારણે જ શરીરમાં એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેના કારણે ફેફસામાં ઇન્ફેકશન જેવી બીમારીઓ થઇ શકે છે. તેનાથી ફંગલ ઇન્ફેકશનવાળી બીમારીઓ પણ થઇ શકે છે.

કબૂતરના ચિતર અને પાંખથી થતી બીમારીઓ મોટા ભાગે ફેફસા સાથે જોડાયેલી હોય છે, જેને હાઈપર સેંસીટીવીટી ન્યુમોનાઈટીસ કહેવામાં આવે છે. આ બીમારીમાં લંગ્સનું એલર્જીક રીએક્શન થાય છે. તે ઘણું જોખમી હોય છે. શરુઆતમાં તેની ખબર ન પડવાથી આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને પીડિતને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, હાઈપર સેંસીટીવીટી ન્યુમોનાઈટીસમાં પીડિતને ખાંસી થઇ શકે છે, સાંધામાં દુઃખાવો રહેવા લાગે છે અને ફેફસાને હવ માંથી ઓક્સીજન ખેંચવામાં તકલીફ પડી શકે છે.

ફ્લેટો કે ઓફિસોમાં કબૂતર સતત આવે છે. રસોડામાં, ઘરમાં, વાસણો પર, એર કન્ડિસર પર તે માળા પણ બનાવે છે.રસોડામાં કે તેની બાજુની બાલ્કનીમાં કબૂતર આખો દિવસ આવે, સતત ચરકે, ઊડતાં ઊડતાં પણ ચરકે, તેની હગાર ભેગી થાય, તેમાં જીવાત થાય, તે માળા બનાવે, ઈંડાં મૂકે, તેનાં બચ્ચાં થાય.. આ બધાને કારણે એક યા બીજા તબક્કે, આજુબાજુના માણસોને અસર કરે તેવું બનતું હોય છે.

Mrs. Snehal Rajan Jani 4 months ago

તદ્દન અજાણી અને મહત્ત્વની જાણકારી

Falguni Dost 4 months ago

સરસ માહિતી..

Shefali 4 months ago

ઓહ્.!! ઉપયોગી જાણકારી

View More   Gujarati Blog | Gujarati Stories