' નિજ' રચિત એક હૃદયસ્પર્શી વાર્તા

ગાજર નો હલવો

ગાજર છીણતા છીણતા મયુરી વિચારે ચડી, લગ્ન કરીને આવી ત્યારથી સાસરી ની બધીજ જવાબદારી સંભાળી લીધેલી, જરાય મોઢું બગાડતી નહીં, ઘરમાં સાસુ,સસરા, નણંદ, મોટો પુત્ર અને નાની પુત્રી , આટલો એનો સંસાર, પણ ખાટલે મોટી ખોડ ગણો તો ખોડ નઈ તો એનું ભાગ્ય ગણો તો ભાગ્ય,પણ અફસોસ એને એટલો જ કે એ એના પતિ મયુર નો પ્રેમ પામવા તરસતી, એવું ન હતું કે મયુર પ્રેમ નથી કરતો, પણ બતાવી શકતો નહીં, બર્થડે કે એનીવર્સરી પર કોઈ ગિફ્ટ લાવતો નહીં, એને કાયમ લાગતું કે મયુર મારી સાથે યંત્રવત્ જીવન જીવી રહ્યો છે,
મયુરી ગાજર નો હલવો સરસ બનાવતી, પણ મયુર બસ ખાઈ લે,
વખાણ કે ખામી કશું જ નહીં, જ્યારે પણ હલવો ઘરે બને ત્યારે સાસુ, સસરા, નણંદ,મોટો પુત્ર અને નાની પુત્રી બધો જ હલવો ખાઈ જતા,
મયુરી ને ભાગે જરાય આવતો નહીં, પણ મયુરી ખવડાવી ને ખુશ થતી, એને ગજબનો સંતોષ થતો, પણ અફસોસ એક જ કે બધા વખાણ કરી કરી ને હલવો ખાય પણ મયુર જરાય બોલતો નહીં, બસ ચૂપ ચાપ ખઈને ઊભો થઈ જાય ,
એક વખત મયુરી દાદર પરથી પડી ને પગે ફ્રેકચર આવ્યું, 21 દિવસ નો ખાટલો પકડી લીધો, બધી દૈનિક ક્રિયાઓ પથારી માં જ કરવાનું ડોક્ટરે સૂચના આપી દીધી , એને રડું આવી ગયું કે આ બધા નું ખાવાનું કેવી રીતે બનશે?, ઘરના બધા જ કામ કોણ કરશે? મને કોણ સંભાળશે? પણ આખું ફેમિલી એની આજુબાજુ વિટ્ળાઈ પડ્યું ને મયુરી ને હિંમત આપી, બધાએ કામ વહેંચી લીધું, જેમ કે પુત્ર એને બ્રશ કરાવી દેશે, પુત્રી સ્પંજ કરી આપશે, સાસુ, નણંદ અને પુત્રી મળીને જમવાનું બનાવી દેશે, સસરા બહાર થી શાકભાજી લઈને સમારી પણ કાઢશે, પણ એની તરસી નજર મયુર ને શોધતી રહી, શોધતી રહી,...
રાત પડી ને મયુર રૂમ માં આવ્યો, ને રડતી આંખે મયુરી ની સામે ડબ્બો ધર્યો, મયુરી પ્રશ્નાર્થ નજરે મયુર સામે જોઈ રહી, મયુરે ડબ્બો ખોલ્યો ને ગાજર નો હલવો એના મોઢામાં મૂકી દીધો, અને પછી બંને જણા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા, એક ની આંખમાં હર્ષાશ્રુ અને બીજાની આંખમાં નર્યો પ્રેમ વરસી રહ્યો,...
.
.
,

જતીન ભટ્ટ (નિજ)
94268 61995

Gujarati Story by Jatin Bhatt... NIJ : 111845624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now