જે જે કહો એ કરીએ! એવો તો પ્રેમ કરીએ!
તમને સલામ ભરીએ! એવો તો પ્રેમ કરીએ!
ખીલ્યા અમે તો કેવળ સ્વાગત તમારું કરવા,
આવો નહીં તો ખરીએ! એવો તો પ્રેમ કરીએ!
કીધું હતું સ્વયંને, મરશું તો તારી ઉપર!
એ વાતથી ય ફરીએ! એવો તો પ્રેમ કરીએ!
ઈશ્વરની જે અમાનત એને છે સોંપવાની,
તમને જીવન એ ધરીએ! એવો તો પ્રેમ કરીએ!
છે પ્રેમની કરામત, તમને ભલે ને પામ્યા,
ખોવાથી તોય ડરીએ! એવો તો પ્રેમ કરીએ!
સંદીપ પૂજારા