"રિવરફ્રન્ટ માં તો કશું નવું નથી, શું મુકશો?" મને ફોટાઓ લેતો જોઈ શ્રીમતીએ કહ્યું.
કાંઈક નવું લાગ્યું એ જરૂર મૂકવું છે.
એક તો, રિવરફ્રન્ટ સહુનો માનીતો થઈ ગયો એ કેટલા વર્ષ, કોઈ જ ખાસ મેન્ટેનન્સ વગર જૂનો થયો? ઓહ, 22 થી 23 વર્ષ. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થયેલો.
લગભગ તો હું અને બધાં એક સાંજ પસાર કરવા જઈએ છીએ પણ અમે રાત્રે 9 પછી જ ગયાં.
અરે માનવ મહેરામણ એટલે? અમે આખો રિવરફ્રન્ટ ત્રણ ટુકડે ગયાં. દર્પણ પાછળ દધીચિ બ્રિજ, નટરાજ સામે અને એટલબ્રીજ બહારથી થઈ સરદારબ્રિજ પાસે. ત્યાં સરદારબ્રિજ પાસે તો પાર્કિંગ માં પણ અફડાતફડી. આપણે સરખી કાર પાર્ક કરવા જગ્યામાં જઈ આગળ લઈ ઊંધી લઈએ ત્યાં બીજો "ઠાઠું " ઘુસાડી દે!
ત્યાં પેઇડ ઇલેક્ટ્રિક સ્કૂટરો 15 મિનિટના 90 રૂ. માં મળતાં હતાં એ લેવા ભીડ હતી. ત્યાંથી નહેરુબ્રિજ સતત એ ઇલેક્ટ્રિક સ્કૂટરો અને ભાડે સાઇકલો ફેરવતાં 14 થી 40 વર્ષના કેટલાંયે લોકો હતાં.
રિવરફ્રન્ટ ની પાળીએ બેસીને સાબરમતીની લહેરોનાં હળવાં મોજાં જોવાની મઝા પડી. ઉપરથી દર થોડી સેકન્ડે એકદમ નીચેથી જતાં પ્લેન.
સરદાર બ્રિજ પાસે જે ખાણીપીણી બજાર બનેલી ને હું 2023 માં ગયેલ એ આખી બંધ થઈ ગઈ.
સામે આંખ આંજી દે તેવી ચકાચોંધ રોશની અને પસાર થાય તો કદાચ અંદર બેઠેલાને કાનમાં વાગતું હશે એવાં પ્રચંડ મ્યુઝિક સાથે ક્રૂઝ પસાર થઈ. દુબઈમાં ડિનર વગર સાંજે 5 થી 7 લીધેલી એવી ટ્રીપ અહીં હોય તો લેવી છે.
નટરાણી પાછળ તો જે ઝૂંપડાં હતાં ત્યાં બે માળના રો હાઉસો એ લોકોએ જ બાંધી લીધાં છે. કદાચ મફતિયા પરા ફેસિંગ રિવર!
ત્યાં દધીચિ બ્રિજ પાસે જ પાળી પર એક જોરગરમ વાળો એનો માલ ઓશિકું બનાવી ત્યાં જ સૂઈ ગયેલો.
આખો રિવરફ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ને કારણે લાઈટોથી શણગાર્યો છે.
એક વહેલી રાત, 9 થી 11 ત્યાં પસાર કરી. વળતાં એ જ સિંધુભવન ની જાગતી રાત, અર્બન ચોક પાસે ટ્રાફિક જામ. લોકો રાતે 12 વાગે ખાવા નીકળે છે?
આ અમદાવાદ ક્યારેય સૂતું નથી. શનિવારની રાતે તો નહીં જ.