આવીને અઢળક વરસી જાણે તો માનું.
જળ સમદર તણું ખર્ચી જાણે તો માનું.
દાતારનું બિરુદ અપાયું છે મેઘ તુજને,
સાંબેલાધારે તું ખાબકી જાણે તો માનું.
દશા જો પશુપંખીની તરસ્યાં વલોપાતે,
ભરીને નદીનાળાં છીપાવી જાણે તો માનું.
જગનો તાત બેઠો છે આભે મીટ માંડીને,
એની પ્રતિક્ષા પૂરી કરી જાણે તો માનું.
જોને અકળાઈ ઊઠી ધરા ગ્રીષ્મના તાપે,
એનો ઊકળાટ તું શમાવી જાણે તો માનું.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.