નવું વર્ષ આવે એટલે શુભેચ્છાઓ આપવી એ એક માનવીય ભાવ છે. કોઈ કહે “Happy New Year”, કોઈ કહે “નૂતન વર્ષ અભિનંદન”, અને ગુજરાતમાં વર્ષોથી એક મીઠો શબ્દ વપરાતો આવ્યો છે – “સાલ મુબારક”. પરંતુ અફસોસ એ છે કે આજના સમયમાં કેટલાક લોકો અધૂરી જાણકારીથી કહેવા લાગે છે “આ શબ્દ મુસ્લિમ છે, ન બોલવો જોઈએ!”
પરંતુ હકીકત કોઈ વ્હોટ્સએપ મેસેજ પર આધારિત નથી; તે ઈતિહાસ અને સંસ્કૃતિના દસ્તાવેજોમાં વસે છે.
“સાલ મુબારક” શબ્દનો સાચો ઈતિહાસ એ કહે છે કે “મુબારક” શબ્દ પારસી (પર્શિયન) મૂળનો છે.
સદીયો પહેલાં જ્યારે પારસી લોકો ઈરાનમાંથી ભારત આવ્યા, ત્યારે તેઓ સાથે લાવ્યા પોતાની સંસ્કૃતિ, તહેવારો અને શુભકામનાઓ આપવાની રીત.
તેમની ભાષામાં “નવું વર્ષ મુબારક” કહેવાનું – “સાલ મુબારક”।
ગુજરાતની માટીએ આ શબ્દને ગળે ઉતાર્યો, પ્રેમથી અપનાવ્યો.
આ શબ્દ કોઈ એક ધર્મનો નહીં, પરંતુ ભારતના સંસ્કૃતિ-સંગમનું પ્રતીક બની ગયો.
પારસી સમાજે ભારતમાં દૂધમાં સાકરના દાણા જેમ ભળી જઈને, ટાટા, ગોદરેજ, વાડીયા, બોમ્બે હાઉસ જેવી સંસ્થાઓથી લઈને દાન, શિક્ષણ, ઉદ્યોગ અને રાષ્ટ્રપ્રેમ સુધીનું અનન્ય યોગદાન આપ્યું.
તો વાંધો ક્યાંથી આવ્યો? કેટલાક લોકો માત્ર નામ સાંભળીને અર્થ ઘડી દે છે.
કોઈ કહે – “મુબારક શબ્દ મુસ્લિમ છે.” કોઈ કહે “આ વાપરશો તો ધાર્મિક મતલબ થઈ જશે.”
પરંતુ સાચું એ છે કે
શબ્દને ધર્મ નહીં, તેનો ભાવ અર્થ આપે છે.
શુભેચ્છા કોઈ એક મજહબની મિલ્કત નથી – તે માનવતાની સંપત્તિ છે.
“વ્હોટ્સએપ યુનિવર્સિટી”માંથી મળેલી ખોટી માહિતી પર આધાર રાખવાથી નહીં, ઈતિહાસ વાંચવાથી વિચાર બદલાય છે.
આધુનિકતા અને પરંપરા બંને સાથે શક્ય છે જો કે આજ ના સમયમાં “Happy New Year” કહેવું ખોટું નથી.
પરંતુ “સાલ મુબારક” ભૂલી જવું પણ યોગ્ય નથી. આપણે બંને કહી શકીએ:
દિલથી: “સાલ મુબારક”,
અને વિશ્વને જોડતાં: “Happy New Year!”
એક આપણું છે, બીજું દુનિયાનું છે અને બંને સાથે બોલવામાં સૌંદર્ય છે, સંસ્કાર છે.