" જતાં રહ્યાં "
હાથ અમારો એ, છોડીને જતાં રહ્યાં
જન્માંતરનો સબંધ તોડીને જતાં રહ્યાં.
કેમ કરીને ભૂલવી મારે એ પળને? કહો!
આંખમાં આંખ એ પરોવીને જતાં રહ્યાં.
આંગણે ઊભો રહીને કરતો રહ્યો પ્રતીક્ષા,
ને, એ ઊંબરો ઓળંગીને જતાં રહ્યાં.
આપી ગયાં છે જીવનભરનો સંતાપ એ,
ખરતાં આંસુથી આંસુ જોડીને જતાં રહ્યાં.
ના સમજ્યાં એ પ્રેમ કે, હૃદયની વેદનાને!
બસ ઉતાવળે ઉતાવળે દોડીને જતાં રહ્યાં.
એમની નફરત ને સમજી બેઠાં 'તાં પ્યાર,
જતાં જતાં એ આંખ ખોલીને જતાં રહ્યાં.
સુરાલયમાં પણ ના મળ્યો સંતોષ જ્યારે,
ભરેલા હર જામ અમે ઢોળીને જતાં રહ્યાં.
ના રહી આશા એમના પાછાં ફરવાની તો,
"વ્યોમ" ખુદની કબર ખોદીને જતાં રહ્યાં.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર