"ઘૂંટાતું પ્રેમનું રહસ્ય"
ઘૂંટાતું પ્રેમનું રહસ્ય...
કોઈ જૂની સ્યાહીની જેમ,
રોજ થોડું-થોડું
મારા અસ્તિત્વના કોરા કાગળ પર
વધુ ઘેરા રંગે ઊપસી રહ્યું છે.
આંખોમાં સ્પષ્ટ વંચાતો છતાં,
હોઠોથી કદી ન બોલી શકાતો
એક એવો જાદુઈ મંત્ર છે આ...
જેના કોઈ નિશ્ચિત અર્થ નથી હોતા,
ફક્ત અહેસાસ હોય છે.
જેટલો આ ભેદ ઉકેલવા જાઉં છું,
એટલો જ તારા વિચારોમાં વધુ ગૂંચવાઉં છું.
આ એક એવી મીઠી મૂંઝવણ છે,
જેમાંથી હવે ક્યારેય છૂટવાનું મન નથી થતું.
બંધ આંખે જોયેલું કોઈ સપનું છે,
કે પછી ખુલ્લી આંખે અનુભવાતું અંતિમ સત્ય?
શ્વાસની હરએક આવન-જાવનમાં
બસ, છાનામાના તારા જ નામનો પડઘો પડે છે.
કંઈ જ ન કહીને પણ
મારા મૌનને બધું જ કહી જતું,
આ જ તો છે...
મારા ભીતર
સતત ઘૂંટાતું "સ્વયમ્'ભૂ" પ્રેમનું રહસ્ય.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"