Dhwani Shastra - 2 in Gujarati Horror Stories by Maulik Vasavada books and stories PDF | ધ્વનિ શસ્ત્ર - ભાગ 2

Featured Books
Categories
Share

ધ્વનિ શસ્ત્ર - ભાગ 2

"શું થયું ડેવિડ?" સામંથા પણ ડેવિડની દિશામાં આગળ વધી. મારિયા પણ ડેવિડ તરફ આગળ વધી તો ડેવિડ ના કપાળ ના વચ્ચે થી લોહીનો પ્રવાહ અવિરતપણે ચાલુ હતો. 

આ સમય દરમિયાન પર્યટકો પણ ગોળીના અવાજ થી ગભરાઈ એ વટવૃક્ષ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે જ ઘાટીના પ્રવેશદ્વાર તરફ બે થી ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓ પર્યટકોને ચારેય તરફથી ઘેરી વળે છે. 

ડેવિડ ના મૃતદેહની પાછળ જ એક આતંકવાદી બંદૂક લઇને આગળ વધી રહ્યો હતો. વટવૃક્ષ ની પાસે જ આવેશ ખાન નો મૃતદેહ પડયો હતો. મારિયા પણ કંઈ કરી શકે એ પહેલાં જ આતંકવાદીએ મારિયા ને પોતાના કબ્જામાં લઈ લીધી.

સામંથા ને હજી તો ડેવિડ વિષે કંઈ વધારે ખબર પડી શકે એ પહેલાં જ મારિયાને એક સશસ્ત્ર આતંકવાદીના બાનમાં જોઈને તે ગભરાઈ ગઈ અને આજીજી કરવા લાગી:
"મારી દીકરીને છોડી દો. મને ગમે તે કરો. પણ મારી દીકરીને માફ કરી દો." 

એ આતંકવાદી પોતાના ચહેરા પર નકાબ રાખીને મારિયાને બાનમાં લઈ જોરથી હસવા લાગ્યો. એ જ સમયે પ્રવેશદ્વાર પાસે રહેલા ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.

પર્યટકો માં નાસભાગ મચી ગઈ. સામંથા સમજી ગઈ કે મારિયાને તે જ બચાવી શકે છે.એણે આગળ વધી પોતાના જીવ ને જોખમમાં મૂકી આતંકવાદી પર પથ્થર થી પ્રહાર કર્યો અને બુમ પાડીને મારિયાને ભાગી જવા માટે સમજાવ્યું. 

સામંથા ના પ્રહારથી આતંકવાદી નું સંતુલન બગડી ગયું અને તેની પકડ મારિયા પર ઓછી થઈ ગઈ અને મારિયા હાથ છોડાવીને ભાગવા લાગી. એ જ સમયે આતંકવાદીને સામંથા પર ખુબ ગુસ્સો આવ્યો અને એણે ડેવિડના મૃતદેહ સુધી પહોંચી સામંથા પર ગોળીઓ વરસાવી દીધી.

સામંથા પોતાના છ વર્ષના મૃત્યુ પામેલા દીકરા ડેવિડના મૃતદેહ પર જ ઢળી પડી. મારિયા આ બધું જોઈને હેબતાઈ ગઈ અને ભાગવા લાગી. આ તરફ આખી ઘાટી ગોળીઓ ની અવાજ થી ગૂંજી ઊઠી. પર્યટકો કીડી મંકોડા ની જેમ ટપોટપ મરવા લાગ્યા.

મારિયા ને દોડતી જોઈને આતંકવાદીએ ખુબ જ ખરાબ હાસ્ય સાથે ચિત્કાર કરીને તેનો નિશાનો લીધો. મારિયા પોતાની તરફ ગોળીને આવતી જોઈ પોતાની અંતિમ ઘડીઓ દરમિયાન પોતાના પિતાનું સ્મરણ કરીને મૃત્યુ પામી.

આ તરફ હોટેલમાં આરામ કરી રહ્યા જોસેફના કાનોમાં અચાનક જ જાણે મારિયા તેને બચાવવા માટે બોલાવતી હતી એ અવાજ સાવ જ સ્પષ્ટ સંભળાયો. એ ઊભો થયો અને પરસેવો લુછી સમય જોયો તો બપોરે એક વાગ્યો હતો. 

હજી તો એ પાણી પીને ફરીથી સુવા માટે પ્રયત્ન કરતો એ પહેલાં જ હોટેલ રિસેપ્શન થી જોસેફ ના હોટેલ રૂમમાં ફોન આવ્યો.
"સર શું તમારો પરિવાર ફુલો ની ઘાટી ની મુલાકાત માટે ગયો હતો?" રિસેપ્શન થી એક યુવતીએ પુછપરછ કરી.

"હા હું એકલો જ અંહી છું. શું થયું?" જોસેફ ગભરાઈ ગયો.
"હમણાં જ મળતી માહિતી પ્રમાણે ઉપર ઘાટીમાં આતંકવાદી હુમલો થયો હતો અને હાલમાં સેના તથા કશ્મીર પોલીસ ઘાટી તરફ જવા માટે રવાના થયા. આપણી હોટેલ થી જ પાંચ છ પરિવાર ત્યાં જ ગયા હતા." રિસેપ્શન થી એક યુવતીએ માહિતી આપી.

"શું? હે ભગવાન..એ મારિયા નો અવાજ.. પપ્પા બચાવો.." જોસેફ ના હાથમાં થી ફોનનો રિસીવર છટકી ગયો. 

આ તરફ આતંકવાદીઓ નિર્દોષ પર્યટકો પર ઘાતકી હુમલો કરીને નાસી ગયા. થોડીવાર પછી જ સેના તેમજ કશ્મીર પોલીસે આખી ઘાટીને પોતાના કબ્જામાં લઈ લીધી. 

ખુબ જ બિહામણું દૃશ્ય હતું!! ચારેય તરફ ફકત લોહીના ખાબોચિયાં.જાણે થોડી ક્ષણો પહેલાં જ જીવન ઘાટીમાં ધબકતું હતું અને એક જ ક્ષણમાં આતંકવાદીઓએ જીવનને મૃત્યુમાં પરિવર્તિત કરી દીધું.

આખા દેશમાં વાયુવેગે ગુલમર્ગ ની ફુલોની ઘાટીમાં આ ઘાતક આતંકવાદી કૃત્ય ના સમાચાર ફેલાઈ ગયા. સેના તેમજ કશ્મીર પોલીસ માટે આ આતંકવાદીઓ ને ગમે તે ભોગે પકડીને સજા આપવાની તીવ્ર માંગ ઊઠી.

જોસેફ તો તળેટીમાં પહોંચી ગયો પણ આંખો વિસ્તાર હવે સેના ના તાબે હતો અને આતંકવાદીઓ ની શોધખોળ ચાલુ હતી. જોસેફ માટે તો આ જાણે જીવનનો અંત જ હતો. મારિયા ની ચીસ હજી પણ તેના કાનોમાં ગુંજી રહી હતી.

જોસેફ ભારતીય સેના ના શસ્ત્રો ના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે એક ધ્વનિ ઈજનેર હતો. સામાન્ય માણસો ને તો સેના પ્રવેશ ન કરવા દેતી પણ જોસેફ પોતાનું આઈ.કાર્ડ દેખાડીને સીલ કરવામાં આવેલા વિસ્તારમાં પ્રવેશી ગયો.

"અરે સર? તમે અંહી?" અચાનક જ એક જાણીતા અવાજે જોસેફને રોક્યો.

"અરે દુબેજી." જોસેફ થોથવાતા અવાજે બોલ્યો.
જોસેફ પોતાના એક જુના મિત્ર અને સાગરિત ને મળ્યો અને પછી કંઈ બોલ્યા વગર જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યો. દુબે તેને શાંત કરાવી પછી અંદર લેતો ગયો.

"શું થયું મિત્ર? આટલા વર્ષો પછી તમે મને મળ્યા?" દુબે જીએ પુછપરછ કરી.

"વાત કરવા માટે આ સમય યોગ્ય નથી. મારો પરિવાર ગુલમર્ગ ની ફુલોની ઘાટીમાં ઉપર ફરવા ગયો અને આતંકવાદી હુમલાનો ભોગ બન્યો. તેમની પરિસ્થિતિ વિષે તાગ મેળવવા માટે હું હોટેલથી સીધો દોડી આવ્યો." જોસેફે રડતા રડતા જણાવ્યું.

"શું વાત કહો છો?લાવો મને ફોટા બતાવો. હું હમણાં જ તપાસ કરાવીશ." દુબેજીએ જણાવ્યું.

જોસેફે પોતાના મોબાઈલ થી છેલ્લે ખેંચેલા ખચ્ચર ની ઉપરના ફોટાઓ બતાવીને તેમના પરિવારના કપડાં અને શરીરના બંધારણ વિષે પણ માહિતી આપી. દુબેજીએ પોતાની ટીમને બધો અહેવાલ આપીને જોસેફને સાંત્વના આપી. 

બીજી તરફ ગુલમર્ગ ની ફુલોની ઘાટીમાં લાલ રંગનું લોહી ચારે તરફ ફેલાયેલું હતું. આતંકવાદીઓએ ઘાતકી રીતે નિર્દોષ પર્યટકો નો જીવ લઈ આખા દેશમાં રોષ નો માહોલ ઊભો કરી દીધો હતો.

કોઈ પરિવાર આખે આખો વિનાશ પામ્યો હતો તો કોઈ પરિવાર નો પતિ કે પુત્ર તો કોઈ પરિવારની પત્ની કે સ્ત્રી સદસ્ય આ દુનિયાને વિદાય આપી ચુક્યા હતા. જોસેફ નો પણ જીવ તાળવે ચોંટેલો હતો.

થોડીવાર પછી જ દુબેજીએ જોસેફને પોતાની પાસે બોલાવીને કહ્યું:
"મને જણાવતા ખુબ જ દુ:ખ થાય છે કે તારી પત્ની, પુત્ર અને પુત્રી આતંકવાદીના હુમલામાં ‌શહીદ થયા હતા. મેં બધી જ માહિતી મારી ટીમ પાસેથી બે વખત ફોટા મોકલાવી ચેક કરાવ્યા હતા.   પોલીસ કાર્યવાહી પછી તને મૃતદેહ પણ સોંપવામાં આવશે."

"શું? " જોસેફ ભાંગી પડ્યો.

"તું ચિંતા ન કર. આપણી સેના આતંકવાદીઓ ને છોડશે નહીં. આપણે તેમને જડબાતોડ જવાબ આપીશું." દુબે જીએ સમજાવ્યું.

"મારી તો આખી જીંદગી જ ખરાબ બની ગઈ. કાશ હું પણ એમની સાથે ફુલોની ઘાટીમાં ગયો હોત તો હું પણ આમ એકલો ન બચી જાત!!" જોસેફે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું.

થોડીવાર પછી જ જોસેફને તેમના પરિવારના મૃતદેહ સોંપવામાં આવ્યા. જોસેફના પુત્ર ડેવિડને તો માથાની અંદર વચ્ચે જ ગોળી મારવામાં આવી હતી. જોસેફ શું કોઈ પણ ગમે તેટલો મજબૂત માણસ પણ આ કરપીણ હત્યા જોઈને ગુસ્સે થઈ જાય. તેનું લોહી ઊકળી ઊઠે.

એ પછી સામંથા નો મૃતદેહ જોઈ જોસેફ ભાંગી પડ્યો. તેની પત્ની, તેની અર્ધાંગિની જે તેના કહેવા પર જ બાળકો નું મન રાખવા ઉપર ગઈ હતી અને મૃત્યુ પછી પાછી આવી!!એની આંખો ખુલ્લી જ હતી. જાણે જોસેફ ને શું સવાલ પુછી રહી હતી?કેમ જોસેફ મને એકલી મોકલી તું ન આવ્યો?