કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 in Gujarati Adventure Stories by Hardik Galiya books and stories PDF | કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1

Featured Books
Categories
Share

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1

પ્રકરણ ૧: અસ્તિત્વ

     સુરત... મારું સુરત.

     આ નામ માત્ર નકશા પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી જીવંત અને ધબકતી સંવેદના છે જે મારા રક્તકણોમાં ભળી ગયેલી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે રમનારું અને મારા જેવા લાખો લોકોના સપનાઓને પોતાની વિશાળ અને ઉદાર છાતીમાં ધરબીને ધબકતું, ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું આ એક અનોખું રત્ન છે. પુસ્તકોમાં ભલે આ શહેર ‘હીરાનગરી’, ‘કાપડ ઉદ્યોગનું કેન્દ્ર’ કે ‘બ્રિજ સીટી’ તરીકે ઓળખાતું હોય, પણ હું જાણું છું ત્યાં સુધી સુરતની ખરી ઓળખ આંકડાઓની માયાજાળમાં નથી. એક ભૂગોળના શિક્ષક તરીકે હું વર્ષોથી નકશાઓ પર આંગળી ફેરવતો આવ્યો છું, અક્ષાંશ અને રેખાંશના ગણિત સમજાવતો આવ્યો છું, પણ આ આટલા વર્ષના અનુભવે મને સમજાવ્યું છે કે નકશા પર દોરેલાં નિર્જીવ કાળાં ટપકાં અને જમીનની સાચી, ધબકતી તાસીરમાં જમીન-આસમાનનો ફેર હોય છે.

      જેણે સુરતની ભેજવાળી, ખારી હવામાં એકવાર પણ ઊંડો શ્વાસ લીધો છે, તેને ખબર છે કે આ શહેરની ઓળખ માત્ર કોંક્રિટના નિર્જીવ પુલો કે પથ્થરના ચળકતા ટુકડાઓ પૂરતી સીમિત નથી. અહીંના વાતાવરણમાં એક અજબ પ્રકારની ખુમારી છે, 'લેહરી લાલા' જેવો બેફિકર મિજાજ છે, પણ સાથે સાથે એક વિચિત્ર પ્રકારની અવિરત દોડધામ પણ છે—એવી દોડધામ જેનો કોઈ અંત નથી, કોઈ વિરામ નથી. સવારના પહોરમાં લારી પર ખમણ ખાતા માણસના ચહેરા પર જે સંતોષ દેખાય છે, એ જ માણસ સાંજે ટ્રાફિકમાં ફસાય ત્યારે તેના ચહેરા પર વિશ્વ જીતવાની લાય હોય છે. અહીં માણસ કમાવા માટે જીવે છે કે જીવવા માટે કમાય છે, એ ભેદરેખા ઘણીવાર સવારના ગાઢ ધુમ્મસની જેમ ભૂંસાઈ જાય છે.

     હું હાર્દિક. વ્યવસાયે શિક્ષક. આ જ દોડધામનો, આ જ ભીડનો એક અનિચ્છાએ જોડાયેલો, છતાં અનિવાર્ય હિસ્સો.

     "સર... સર?"

     ચોકના સૂક્ષ્મ રજકણોથી ભરેલી હવા અને માથા પર ફરતા જૂના સીલિંગ ફેનના 'ઘરરર... ઘરરર...' અવાજ વચ્ચે એક વિદ્યાર્થીનો ક્ષીણ અવાજ મારા કાને અથડાયો. મારી નજર વર્ગખંડની લોખંડની જાળીવાળી બારીમાંથી બહાર મંડાયેલી હતી. બહારના ડામરના મેદાનમાં બપોરનો તડકો વધી રહ્યો હતો. લીમડાના એક સુકાઈ ગયેલા ઝાડ પર એક કાગડો બેઠો હતો, જે કદાચ મારી જેમ જ કોઈની રાહ જોઈ રહ્યો હતો અથવા કદાચ કંટાળીને બસ બેઠો હતો.

     મારું ધ્યાન તૂટ્યું. મેં પરાણે મારી નજર બારીમાંથી હટાવી અને વર્ગખંડ તરફ ફેરવી.

    "હા? શું છે?" મેં ટેવાયેલા, પણ થોડા કંટાળેલા અવાજે પૂછ્યું. મારા અવાજમાં શિક્ષકની સત્તા હતી, ઉત્સાહ હતો, સાથે સાથે છેલ્લા એક મહિનાથી રમતા વિચારો પણ હતા.

     ધોરણ ૧૦ના વર્ગખંડમાં છેલ્લી બેન્ચ પર બેઠેલો 'ચિરાગ', ઘરે ગયા પછી જેનું ભણવામાં ધ્યાન ઓછું અને મમ્મીના મોબાઈલમાં વધુ હોય છે, તે આજે વિચિત્ર રીતે ઊભો થયો હતો. તેના ચહેરા પર એક કુતૂહલ હતું જે સામાન્ય રીતે પાઠ્યપુસ્તકના ગોખેલા પ્રશ્નોમાં જોવા મળતું નથી.

     "સર," ચિરાગે થોડા સંકોચ સાથે પૂછ્યું, "આ હિમાલયની ઊંચાઈ દર વર્ષે કેમ વધે છે? હમણાં સમાચારમાં હતું કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮ મીટરથી વધી ગઈ છે. પથ્થરો પણ કંઈ જીવતા હોય કે એ વધે?"

     આ આખા વર્ગનું ધ્યાન એકાએક એ વિદ્યાર્થી તરફ અને પછી મારી તરફ વળ્યું. ચાલીસ જોડી આંખો મારી તરફ મંડાયેલી હતી, જાણે હું કોઈ જાદુગર હોઉં અને હમણાં ટોપીમાંથી સસલું કાઢીશ. મેં હાથમાં રહેલો સફેદ ચોક ટેબલ પર મૂક્યો. ચોકની ભૂકી મારી આંગળીઓ પર ચોંટેલી હતી, જે મને અચાનક મારા અસ્તિત્વની રાખ જેવી લાગી. મારી પાછળના બ્લેકબોર્ડ પર ભારતના ભૌગોલિક વિભાગોનો નકશો અડધો ભૂંસાયેલો દોરેલો હતો.

     હું છેલ્લા ઘણા વર્ષોથી આ જ નકશા, આ જ પર્વતો, આ જ નદીઓ અને આ જ ભૂતકતીઓ' વિશે ભણાવું છું. મારા મગજમાં એક અદ્રશ્ય કેસેટ રેકોર્ડ થયેલી છે જે વિદ્યાર્થીનો પ્રશ્ન સાંભળતાની સાથે જ 'પ્લે' બટન દબાવવાથી વાગવા માંડે છે.

     "બેટા, બેસો," મેં એક ઊંડો શ્વાસ લઈને, યાંત્રિક રીતે જવાબ આપવાનું શરૂ કર્યું. મારા શબ્દોમાં લાગણી નહોતી, માત્ર માહિતી હતી. "ભૂસ્તરીય તકતીઓના સિદ્ધાંત (Plate Tectonics Theory) મુજબ, પૃથ્વીનું ઉપરનું પડ વિવિધ પ્લેટોમાં વહેંચાયેલું છે. આપણી ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસી રહી છે અને વિશાળ યુરેશિયન પ્લેટની નીચે દબાણ કરી રહી છે. કરોડો વર્ષો પહેલાં આ બે મહાકાય પ્લેટોની અથડામણને કારણે વચ્ચે રહેલો ટેથિસ સમુદ્રનો કાંપ ઉપર આવ્યો અને જે ગડીઓ પડી, તેમાંથી હિમાલય બન્યો. આ દબાણ હજુ પણ ચાલુ છે, જમીન હજુ પણ નીચેથી ધક્કો મારી રહી છે, જેના કારણે હિમાલય દર વર્ષે થોડા મિલીમીટર ઊંચો થઈ રહ્યો છે."
વર્ગમાં સોપો પડી ગયો. ચિરાગે માથું ધુણાવ્યું અને મારો જવાબ નોટબુકમાં ઉતારવા માંડ્યો. વર્ગમાં ફરીથી પેન્સિલ ઘસવાનો અને પાનાં ફેરવવાનો પરિચિત અવાજ શરૂ થયો.
પણ મારા મનમાં... મારા મનમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ. હું જે બોલ્યો હતો તે મારા કાનમાં જ પડઘાવા લાગ્યું.

      શું હું સાચું બોલી રહ્યો હતો?

      હા, વિજ્ઞાનની દ્રષ્ટિએ, ભૂગોળની દ્રષ્ટિએ હું સો ટકા સાચો હતો. પણ શું આ જ એકમાત્ર સત્ય છે? જે પર્વતને આપણે માત્ર 'પથ્થરનો ઢગલો' અને ભૌગોલિક દબાણનું પરિણામ માનીએ છીએ, તે કદાચ એનાથી ઘણું વિશેષ હોઈ શકે? શું શૂન્યમાંથી સર્જન કરનાર પ્રકૃતિ માત્ર ભૌતિક નિયમોને આધીન હોઈ શકે? શું કૈલાશ... શું કૈલાશ માત્ર એક પથ્થર છે જે પ્લેટોના ઘર્ષણથી બન્યો છે? કે પછી તે પૃથ્વીનું કોઈ એવું કેન્દ્ર છે જ્યાં ઊર્જા સ્થિર થઈ ગઈ છે? એક મહિના પહેલા વાંચેલા એ રશિયન લેખકના પુસ્તક કે જેને એક મહિનાથી મારી ઊંઘ હરામ કરી દીધી હતી અને હવે મારા દિવસો પણ ...

     મારી નજર સામેના વર્ગખંડ પર ફરી. ચાલીસ વિદ્યાર્થીઓ. ચાલીસ અલગ અલગ જીવ, અલગ અલગ સપનાઓ. પણ અત્યારે તેઓ બધા એક જ બીબામાં ઢળાઈ રહ્યા હતા. ગોખેલું જ્ઞાન, પરીક્ષાની ટકાવારી અને ભવિષ્યની 'સલામત' નોકરીની ચિંતા. હું આ વ્યવસ્થાનો, આ મશીનરીનો એક ભાગ હતો. હું તેમને 'માર્કસ' લાવતા શીખવતો હતો, પણ 'જીવતા' શીખવી શકતો નહોતો. હું તેમને પર્વતોની ઊંચાઈ યાદ રાખતા શીખવતો હતો, પણ એ પર્વતો પર ચડીને દુનિયા જોવાની હિંમત આપવાનું મારા અભ્યાસક્રમમાં નહોતું.

     મને અચાનક મારી પોતાની જાત પર અસહ્ય ગુસ્સો આવ્યો. હું પોતે ક્યાં જીવી રહ્યો હતો? હું પણ તો એક શ્વાસ લેતું, હરતું-ફરતું મશીન બની ગયો હતો. સવારે ૬ વાગ્યે એલાર્મ સાથે ઉઠવું, તૈયાર થવું, ડબ્બો લઈને ભાગવું, ભણાવવું, પગાર લેવો, ઘરના હપ્તા ભરવા, કારનો વીમો ભરવો અને રવિવારે મોલમાં જઈને એ જ પૈસા વાપરવા. શું આ ચક્રવ્યૂહનું નામ જ જિંદગી?

     ત્યાં જ શાળાનો ઘંટ વાગ્યો.

     ટન... ટન... ટન...

     આ અવાજ મને વર્ષો સુધી મુક્તિનો અહેસાસ કરાવતો હતો. નાનપણમાં આ ઘંટનો અવાજ રમતનો સંદેશો લાવતો હતો. નોકરીના શરૂઆતના વર્ષોમાં આ અવાજ આરામનો સંદેશો લાવતો હતો. પણ આજે... આજે તે મને જેલના સાયરન જેવો લાગ્યો. જાણે સમય મારી મુઠ્ઠીમાંથી રેતીની જેમ સરી રહ્યો હતો અને ચેતવણી આપી રહ્યો હતો કે "હાર્દિક, ચેતજે... તારી પાસે હવે બહુ સમય નથી." હું સ્ટાફરૂમમાં ગયો. વાતાવરણમાં ડબ્બાઓ ખૂલવાની સુગંધ અને વાતોનો ગણગણાટ હતો. બીજા શિક્ષકો નવા પગારપંચના એરિયર્સ, દિવાળી બોનસ અને શેરબજારની વાતોમાં મશગૂલ હતા.

    "હાર્દિક સર, સાંભળ્યું? સરકાર ડી.એ. માં ૩ ટકા વધારો કરવાની છે!" ગણિતના શિક્ષક મહેતા સાહેબે મોઢામાં સેવ-મમરા ભરતા ઉત્સાહથી કહ્યું. તેમની આંખોમાં એ ૩ ટકા વધારાની ચમક સ્પષ્ટ દેખાતી હતી.

     મેં ફીકું, પ્લાસ્ટિક જેવું સ્મિત કર્યું. "સારું કહેવાય સાહેબ. બહુ સારું."

     મારે તેમને કહેવું હતું કે સાહેબ, મારા જીવનમાં જે 'રસ' ઘટ્યો છે, એમાં કોઈ વધારો થશે? મારા શ્વાસમાં જે ગૂંગળામણ વધી છે, તેનું કોઈ ભથ્થું સરકાર આપશે? મારી આત્મા જે દિવસે ને દિવસે સંકોચાતી જાય છે, તેના માટે કોઈ 'બોનસ' ખરું?
પણ હું ચૂપ રહ્યો. શબ્દો ગળામાં જ થીજી ગયા. હું મારી ઓફિસ બેગ ભરીને, કોઈને કશું કહ્યા વિના, માથું નીચું રાખીને સ્ટાફરૂમમાંથી બહાર નીકળી ગયો. જાણે હું કોઈ અપરાધ કરીને ભાગી રહ્યો હોઉં.

     હું મારી કારમાં હતો, પણ મારું મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું.સાંજનો આ સમય એટલે સુરતનો 'પીક-અવર'. સુરતની સાંજ એટલે જાણે માનવ મહેરામણ રસ્તા પર ઉમટ્યું હોય. વરાછા અને રિંગરોડ પર ટ્રાફિક કીડીયારાની જેમ ઉભરાયો હતો.
ચારે બાજુ હોર્નના કર્કશ અવાજોનું સામ્રાજ્ય હતું. પીપ... પીપ... પ... પ...
રિક્ષાઓની ચિંતાજનક અને નિયમ વિરુદ્ધની ઓવરટેકિંગ, બાઈકવાળાઓની સાપની જેમ વાંકીચૂંકી ઘૂસણખોરી, અને લક્ઝરી બસોના કાન ફાડી નાખે તેવા પ્રેશર હોર્ન. ધૂળના ગોટેગોટા, વાહનોનો ધુમાડો અને હજારો લોકોના પરસેવાની મિશ્રિત ગંધ. આ છે સુરતની ધબકતી, જીવંત પણ થકવી નાખતી જિંદગી.

     ટ્રાફિક સિગ્નલ લાલ થયું અને મારી ગાડી વાહનોના એક વિશાળ, અનંત લાગતા સમુદ્રમાં અટકી ગઈ. મારી આગળ એક હીરાના કારખાનાના કામદારોનું ટોળું બાઈક પર હતું. તેમના કપડાં પર હીરાની રજ તો નહોતી, પણ ચહેરા પર જીવન ઘસી નાખ્યાનો થાક હતો અને આંખોમાં ઘરે પહોંચવાની ઉતાવળ હતી. મારી બાજુમાં એક ચમચમાતી, લાખો રૂપિયાની મર્સિડીઝ હતી જેમાં કોઈ શેઠ ફોન પર મોટા અવાજે કરોડોનો સોદો કરી રહ્યા હતા. આ એક જ રસ્તા પર, એક બાજુ સંઘર્ષ હતો અને બીજી બાજુ સમૃદ્ધિ હતી, પણ બંને અટકેલા તો એક જ લાલ સિગ્નલ પર હતા.

     મેં મારી ગાડીના કાચ બંધ કર્યા. એસી ફૂલ કર્યું. બહારનો અવાજ થોડો ઓછો થયો, એક કૃત્રિમ ઠંડક ફેલાઈ ગઈ, પણ મારા મનનો કોલાહલ શાંત થતો નહોતો. મને અચાનક ગૂંગળામણ થવા લાગી. આ કાચની પેટીમાં હું સુરક્ષિત હતો કે કેદ હતો? શું આ વાતાનુકૂલિત પિંજરું જ મારી સફળતા હતી? બાજુમાં ઉભેલી લક્ઝરી બસના સાયલેન્સરમાંથી નીકળેલા કાળા ડીબાંગ ધુમાડાએ થોડીવાર માટે મારી વિન્ડશીલ્ડનું દ્રશ્ય ધૂંધળું કરી દીધું. આ ભીડ, આ આંધળી દોટ અને આધુનિકતાના નામે સર્જાયેલી અંધાધૂંધી જોઈને મને અચાનક સુરતના પનોતા પુત્ર, વીર નર્મદ યાદ આવ્યા. આ એ જ સુરત છે ને જેના માટે નર્મદે લોહીના આંસુ સાર્યા હતા? ત્યારે કારણ અલગ હતા—આગ અને રેલની હોનારતો હતી. આજે કારણ અલગ છે—આજે માણસ પોતે જ પોતાની શાંતિનો શત્રુ બન્યો છે. મારી નજર સામેના ધુમાડામાં જાણે નર્મદની વેદના તરવરી ઉઠી:

"આ સુરત સોનાની મૂરત, તેં તો કેવા કર્યા હાલ?
રડાવ્યું રોદણાં રડી, કીધાં પાયમાલ..."

     નર્મદના સમયમાં સુરત કુદરતી આફતોમાં પાયમાલ થયું હતું. આજે? આજે સુરત 'સ્માર્ટ સિટી' છે, દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે, ખરેખર 'સોનાની મૂરત' છે. હીરાના કારખાનાઓ ઝગમગે છે, ટેક્સટાઇલ માર્કેટો ધમધમે છે, ગગનચુંબી ઈમારતો આકાશને આંબવા મથે છે. પણ આ ભીડમાં, આ ભૌતિક જાહોજલાલીમાં, મને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક માણસની આંતરિક શાંતિ પાયમાલ થઈ છે. આપણે સમૃદ્ધિ પાછળ એટલા વેગથી દોડીએ છીએ કે આપણો પોતાનો પડછાયો પણ આપણાથી છૂટો પડી ગયો છે. આપણે 'સ્વ' ને, આપણા અસ્તિત્વના મૂળને ક્યાંક પાછળ ભૂલી ગયા છીએ. મને થયું કે મારે આ ઘોંઘાટથી, આ કોંક્રિટના જંગલથી, આ બનાવટી દુનિયાથી દૂર ભાગી જવું છે. ક્યાંક એવી જગ્યાએ જ્યાં મૌન પણ વાત કરતું હોય. ક્યાંક જ્યાં પવનનો અવાજ હોર્નના અવાજ કરતા મોટો હોય. એટલામાં મારા મોબાઇલ પર મને ગમતી રીંગટોનના શબ્દો મારા કાને પડ્યા અને ડિસ્પ્લે પર નામ વાંચી મારા મુખ પર એક સ્મિત લહેરાયુ.

     "બસ પાંચ જ મિનિટમાં પહોંચું છું......... અરે ભાઈ આ સિગ્નલ છે ને યાર" 

      પણ ત્યાં જ, સિગ્નલ ખુલ્યું. ગ્રીન લાઈટ.વાહનોનો પ્રવાહ એક ધક્કા સાથે આગળ વધ્યો. પાછળથી કોઈએ અધીરાઈથી હોર્ન માર્યું. મેં ક્લચ દબાવીને ગિયર બદલ્યો. ગાડી ધીમે ધીમે આગળ વધી અને થોડીવારમાં હું મક્કાઈ પુલ પર પહોંચ્યો. મારી ડાબી બાજુએ તાપી નદીનો વિશાળ પટ દેખાયો. સૂરજ ક્ષિતિજ પર આથમી રહ્યો હતો અને તેના કેસરી-સોનેરી કિરણો નદીના પાણી પર પથરાયા હતા, જાણે કોઈએ પાણી પર સોનાનો વરખ ચડાવી દીધો હોય. નદી શાંત હતી, ગંભીર હતી. શહેર ભલે ગમે તેટલું દોડતું હોય, ગમે તેટલું ઉછળતું હોય, તાપી તો તેની પોતાની મસ્તીમાં, પોતાની સદીઓ જૂની ગતિએ જ વહેતી હતી. આ દ્રશ્ય જોઈને મારા અશાંત મનને થોડી ટાઢક વળી.
સુરતની માટી અને પાણીમાં એક જાદુ છે. અહીં માણસ ગમે તેટલો કંટાળેલો હોય, હારેલો હોય, તાપીનો કિનારો તેને સાચવી લે છે. એ ક્ષણે મને સુરતના જ બીજા અત્યંત સંવેદનશીલ અને દિગ્ગજ સર્જક ભગવતીકુમાર શર્માનો એક શેર યાદ આવ્યો. જાણે તાપીના પાણી સાથે પવનની લહેરખી મારા કાનમાં ગુંજી રહી હોય:

"હોવ હું ગમે ત્યાં પણ સુરત મારી ભીતર છે,
તાપીના પાણીનો લહેકો મારી ભીતર છે."

     મારા ચહેરા પર ફરીવાર એક સ્મિત દોડતું આવ્યું. હા, મારે સુરતથી નફરત નથી. મારે આ શહેરથી ભાગવું નથી. મારે તો મારી જાતને શોધવી છે. અને જો હું ત્યાં જઈશ, પહોંચીશ, તો પણ આ તાપીનો લહેકો, આ સુરતી ખુમારી તો મારી અંદર જ રહેવાની છે ને? હું સુરત છોડી શકું, પણ સુરત મને છોડે તેમ નથી.એ તાપીને કાંઠે મારી રાહ જોતા મારા મિત્રો અને એ નદીની રેતની સુગંધ મને અદભુત રીતે ખેંચે છે.મેં ગાડી રિવરફ્રન્ટના પાર્કિંગમાં મૂકી. બહાર નીકળતાની સાથે જ નવેમ્બર મહિનાની હળવી ગુલાબી ઠંડીનો અહેસાસ થયો. નદી પરથી આવતા ઠંડા પવનના સપાટા વાગી રહ્યા હતા. ત્યાં પાળ પર બેઠેલા લોકો, રમતા બાળકો અને ફરતા યુગલો—આ બધું જોઈને લાગતું હતું કે શહેર હવે શ્વાસ લઈ રહ્યું છે.

     મારા કોલેજના ત્રણ મિત્રો—મયંક, મિતેશ અને ભાવિક. તેને હું મિત્ર ગણું કે ભાઈ ગણું કે પછી મારા અસ્તિત્વનો આધાર . તેઓ પહેલેથી જ આવી ગયા હતા. પાર્કિંગ થી થોડે દૂર સિમેન્ટની બેન્ચ પર તેમની મહેફિલ જામી હતી. તેમની વચ્ચે કાગળની ડિશમાં ગરમાગરમ બટર લોચો, તેલવાળું ખમણ અને બાજુમાં લીલી ચટણીની જ્યાફત ચાલુ હતી.

     "આવ ભાઈ આવ, તારી જ રાહ જોવાતી હતી, અને અડધું પૂરુંય થઈ ગયું" ભાવિકે મોઢામાં સેવ ભરેલી હાલતમાં હાથ હલાવતા કહ્યું.

     હું જઈને તેમની વચ્ચે બેઠો. અમે ચારેય કોલેજના સમયથી સાથે છીએ. અમારા રસ્તા અલગ થયા—હું ભૂગોળનો શિક્ષક બન્યો, મિતેશ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો, મયંક લેબ ટેક્નિશિયન બન્યો અને ભાવિક એક મલ્ટીનેશનલ કંપનીમાં એચ.આર. મેનેજર—પણ અમારી સાંજ હજુયે અહીં જ, આ તાપીના કિનારે અને સ્ટ્રીટ ફૂડની લારીએ જ પૂરી થતી.

      થોડીવાર તો આડીઅવળી વાતો ચાલી.

     "આ વખતે દિવાળીમાં માર્કેટ બહુ ડાઉન હતું યાર," મિતેશે ચિંતા વ્યક્ત કરી.

      "અરે માર્કેટ છોડ," મયંકે કહ્યું, "વાયરલ ફીવરના કેસ કેટલા વધ્યા છે ખબર છે? હું તો થાકી ગયો છું રિપોર્ટ કરીને અને તેના રીઝલ્ટ આપીને."

      "તમારે તો સારું છે," ભાવિકે હસતા હસતા કહ્યું, "અમારે કોર્પોરેટમાં તો બોસનું બ્લડ પ્રેશર અને અમારું ટાર્ગેટ—બંને સાથે જ વધે છે!"તેઓ હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. પણ મારું મન એમાં ચોંટતું નહોતું. હું શારીરિક રીતે ત્યાં હતો, પણ માનસિક રીતે હું ક્યાંક બીજે ભટકી રહ્યો હતો. મારો હાથ મારી બેગમાં રહેલા એક પુસ્તક પર હતો જે મેં એક મહિના પહેલા વાંચીને પૂરું કર્યું હતું. આ પુસ્તક વાંચન પૂરું થતાં પૂરું નહોતું થયું પરંતુ શરૂ થયું હતું. 

     આ સમયે આટલી હળવા જ ભર્યા વાતાવરણમાં મારા વિચારો રજુ કરવાની મારામાં હિંમત નહોતી પરંતુ મન એ તાર્કિક ઝંઝાવાતોમાં વીંટળાયેલું હતું. છેવટે, મેં હિંમત કરી. બેગની ચેઈન ખોલી. ઝીપ... અવાજ સાથે બેગ ખૂલી અને મેં રશિયન લેખક ડૉ. અર્ન્સ્ટ મુલદાસેવનું જાડું, રહસ્યમય લાગતું પુસ્તક "આપણે ક્યાંથી આવ્યા?" (Where Do We Come From?) બહાર કાઢ્યું. મેં તેને કોંક્રિટની બેન્ચ પર, મિતેશની લોચાની પ્લેટની બરાબર બાજુમાં ધબ દઈને મૂક્યું.

     મિતેશના હાથમાં લોચો ભરેલી ચમચી હવામાં જ અધ્ધર રહી ગઈ. તેની નજર પેલા જાડા, ગ્રે કલરના અંગ્રેજી પુસ્તક પર પડી. તેણે પોતાના તેલવાળા હાથ લૂછ્યા વગર જ પોતાની તરફ ફેરવ્યું અને પુસ્તકના કવરને વાંચવાનો પ્રયત્ન કર્યો.

     "વ્હેર... ડુ... વી... કમ... ફ્રોમ?" મિતેશ મોટા અવાજે, જાણે કોઈ હિન્દી પિક્ચરનું ટાઈટલ વાંચતો હોય તેમ નાટકીય ઢબે બોલ્યો. પછી તેણે એક ભ્રમર ઊંચી કરીને મારી સામે જોયું. તેના હોઠ પર એક તોફાની, સુરતી સ્મિત રમી રહ્યું હતું.

     "અલા હાર્દિક," મિતેશે લોચાની પ્લેટ બાજુ પર મૂકી અને પુસ્તક હાથમાં લીધું, જાણે વજન કરતો હોય. "આ શું માંડ્યું છે તે? 'આપણે ક્યાંથી આવ્યા?' એ જાણવા માટે તારે આટલી જાડી ચોપડી વાંચવી પડે? અલા ભાઈ, તું ભૂલી ગયો કે શું? આપણે કતારગામથી આવ્યા અને ભાવિક અડાજણથી આવ્યો! આમાં ચોપડી શું ખોલવાની?" મયંક અને ભાવિક ખડખડાટ હસી પડ્યા. આખા રિવરફ્રન્ટ પર તેમનું હાસ્ય ગુંજી ઉઠ્યું. મયંકે ડોક્ટર તરીકે પોતાની ટિપ્પણી ઉમેરી, "અને જો તને તોયે શંકા હોય તો તારું આધારકાર્ડ અને વોટર આઈડી જોઈ લેજે, એમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે તું ક્યાંથી આવ્યો છે! ખોટા ખર્ચા શું કામ કરે છે?" વતાવરણમાં નિર્દોષ હાસ્યનું મોજું ફરી વળ્યું, પણ મારા ચહેરા પરની ગંભીર રેખાઓ તંગ રહી. મને હસવું ન આવ્યું.

     "હું મજાક નથી કરતો યાર," મેં થોડા ભારે અને ગંભીર અવાજે કહ્યું, પુસ્તક મિતેશના હાથમાંથી ધીમેથી પાછું ખેંચતા. "તમે લોકો સમજો છો એવો આનો અર્થ નથી. આ પુસ્તક મનુષ્યના મૂળ અસ્તિત્વ અને ઉત્ક્રાંતિ વિશે છે. લેખક કહે છે કે માનવજાતનું મૂળ તિબેટમાં, કૈલાશ પર્વતની ગુફાઓમાં હોઈ શકે છે. ત્યાં 'જીન પૂલ' સચવાયેલો છે..."
ભાવિક, જે અત્યાર સુધી ચૂપચાપ લોચા ની લાહણી માણી રહ્યો હતો, તેણે મને વચ્ચેથી જ અટકાવ્યો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને એક પાક્કા, વ્યવહારુ સુરતીની અદાથી કહ્યું.

     "જો હાર્દિક," ભાવિકે સમજાવટના સૂરે કહ્યું, "આપણે ક્યાંથી આવ્યા, કોના જીન પૂલમાંથી આવ્યા એનું તો મને ખબર નથી, પણ જો તું આ લોચો ગરમ છે ત્યાં સુધીમાં નહીં ખાય, તો આપણે ચોક્કસ ક્યાં જઈશું એ મને પાક્કી ખબર છે."

     "ક્યાં?" મેં અજાણતા જ પૂછ્યું.

      "ભૂખમરાથી સીધા ઉપર!" ભાવિકે હસતા હસતા આકાશ તરફ આંગળી ચીંધી અને એક ચમચી ભરીને બટરવાળો લોચો મારી પ્લેટમાં મૂક્યો. "અલા ભાઈ, છોડ ને આ પંચાત. આપણે અત્યારે સુરતમાં છીએ, તાપીના કિનારે છીએ અને સામે બટર લોચો છે. આનાથી મોટું સત્ય દુનિયામાં બીજું કયું હોવાનું? તું આ પથ્થરો અને ગુફાઓમાં શું શોધે છે? સાચો આનંદ, સાચો મોક્ષ તો અહીંયા છે—આ બટરમાં તરતા લોચામાં!"

     મિતેશે ટાપસી પુરાવી, "હા યાર. આખો દિવસ છોકરાઓને નકશા ભણાવી ભણાવીને તારું મગજ પણ પૃથ્વીની જેમ ગોળ થઈ ગયું છે. તારી સમસ્યા એ છે કે તું જીવવા કરતાં વિચારવામાં વધારે સમય બગાડે છે. ક્યારેક તો મગજને આરામ આપ!" મેં નિસાસો નાખ્યો. આ લોકો નહીં સમજે. તેમના માટે જીવન એટલે 'ખાધું, પીધું ને લહેર કરી'. પણ કદાચ... કદાચ તેઓ સાચા પણ હોય? શું હું ખરેખર વિચારવામાં વધારે પડતો સમય વેડફું છું? શું આ સીધું-સાદું જીવન પૂરતું નથી?

     મેં પ્લેટ હાથમાં લીધી. ગરમ લોચાની અને સીંગતેલ મિશ્રિત સુગંધે મારા નસકોરાં ભરી દીધા. મિતેશ, મયંક અને ભાવિક ફરીથી કોઈ જૂના ક્રિકેટ મેચની ચર્ચામાં પરોવાઈ ગયા હતા.

     "કોહલીએ જે કવર ડ્રાઈવ મારી હતી ને..."
    "અરે પણ બોલિંગ કોની હતી એ તો જો..."

     તેમની વચ્ચે બેસીને પણ મને એકલાપણું લાગતું હતું. તેઓ અહીં ખુશ હતા. સુરતના આ ઘોંઘાટમાં, આ સ્વાદની દુનિયામાં તેઓ સંપૂર્ણ સંતુષ્ટ હતા. તો મને કેમ ચેન નથી પડતું? મને કેમ એવું લાગે છે કે હું કોઈ ખોટી જગ્યાએ આવી ગયો છું?મેં લોચાની એક ચમચી મોંમાં મૂકી, પણ તેનો પ્રખ્યાત સ્વાદ આજે મને ફીકો, માટી જેવો લાગ્યો. મારી નજર ફરીથી બેગની ખુલ્લી ચેઈનમાંથી દેખાતા પુસ્તકના નામ પર સ્થિર થઈ ગઈ. Where Do We Come From? અચાનક મારા મનમાં એક વિચાર વીજળીની જેમ ઝબક્યો. મેં લોચો ભરેલી ચમચી નીચે મૂકી અને મિતેશ તરફ જોઈને પૂછ્યું, "તમે લોકો ક્યારેય વિચાર્યું છે કે આપણે રોજ આ જ રુટીન કેમ જીવીએ છીએ? સવારે ઉઠવાનું, ભાગવાનું, પૈસા કમાવાના અને સાંજે અહીં આવીને લોચો ખાવાનો... અને એક દિવસ મરી જવાનું. શું બસ આટલું જ? આ છે આપણું અસ્તિત્વ?"

    ત્રણેય મિત્રો એકસાથે મારી સામે જોઈ રહ્યા. મયંકના હાથમાં કોલ્ડડ્રિંકની બોટલ હતી, જે હવે તેના હોઠ સુધી પહોંચતા અટકી ગઈ હતી. વાતાવરણમાં એક ક્ષણિક, ભારેખમ શાંતિ છવાઈ ગઈ. તાપીના પાણીનો અવાજ અચાનક મોટો સંભળાવા લાગ્યો.

    "એ ભાઈ," મયંકે હવે ગંભીર અવાજે પૂછ્યું, "તને નક્કી કંઈક થયું છે. તું ઠીક તો છે ને? ઘરે કોઈ પ્રોબ્લેમ? સ્કૂલમાં કોઈ લફડું?"

     "હું ઠીક છું," મેં મક્કમતાથી માથું હલાવ્યું. "બસ... એક નિર્ણય લીધો છે. અને મને લાગે છે કે આ પુસ્તકમાં મને મારો રસ્તો મળી ગયો છે."

     "કયો રસ્તો?" ભાવિકે ભ્રમર ચડાવીને પૂછ્યું.

     "કૈલાશ." મેં ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, "મારે કૈલાશ જવું છે."

     ત્રણેય મિત્રો સ્તબ્ધ થઈ ગયા. મિતેશના મોઢામાં લોચાનો કોળિયો અટકી ગયો હતો. ભાવિકે તો જાણે કોઈ ભૂત જોઈ લીધો હોય તેમ આંખો પહોળી કરી દીધી હતી.
"કૈલાશ?" મિતેશે છેવટે મૌન તોડ્યું. તેનો અવાજ થોડો ફાટેલો નીકળ્યો. તેણે આજુબાજુ જોયું, જાણે કોઈ છુપાયેલો કેમેરા શોધતો હોય. "અલા ભાઈ, તું કૈલાશ એટલે પેલું... હિમાલય વાળું, બરફ વાળું કૈલાશ કહે છે ને? કે પછી કતારગામમાં કોઈ નવી સ્કીમ પડી છે 'કૈલાશ રેસીડેન્સી' નામની? છાનોમાનો લોચો ખાવા માંડ તો."

     મયંકે મારી સામે ઝુક્યું અને મારા કપાળ પર હાથ મૂક્યો, જાણે તાવ માપતો હોય. "હાર્દિક, જો ભાઈ, ઘણીવાર 'મિડ-લાઈફ ક્રાઈસિસ'માં માણસને આવું બધું સૂઝે. પણ એનો ઈલાજ કૈલાશ જવું નથી, એનો ઈલાજ છે ”– બે-ચાર દિવસ સાપુતારા કે દીવ જઈ આવવું! થોડો ચેન્જ મળશે એટલે બધું ઠીક થઈ જશે."

     હું કશું બોલ્યો નહીં, બસ આછું, ઉદાસ મલકાયો. હું જાણતો હતો કે તેઓ મને નહીં સમજી શકે. અને એમાં તેમનો વાંક પણ નહોતો. જે લોકોએ આખી જિંદગી સુરતની ગલીઓ, હીરાના કારખાના અને રવિવારની મોજમાં જ કાઢી હોય, તેમના માટે 'શૂન્ય' અને 'અસ્તિત્વ' જેવી વાતો કોઈ પરગ્રહની ભાષા જેવી હતી.ભાવિકે જોયું કે હું હસતો નથી, એટલે તેણે વાત હાથમાં લીધી.

     "જો બકા," ભાવિકે પ્રેક્ટિકલ બનીને સમજાવવાની કોશિશ કરી. "તારી ભાવના અમે સમજીએ છીએ. તને કંટાળો આવે છે, બરાબર? સ્કૂલ, ટ્યુશન, છોકરાઓ... આ બધાથી કંટાળીને તારે ભાગવું છે. પણ યાર, કૈલાશ જઈને કરીશ શું? ત્યાં સવારે ઉઠીને શું ખાઈશ? ત્યાં થોડો કોઈ જલારામ નો લોચો કે પછી આ રસાવાળા ખમણ કે પછી આપણા આ દવે કાકાની ઘારી મળવાની છે? ત્યાં તો બરફ ખાવાનો વારો આવશે, બરફ!"

      "અને નેટવર્ક!" મિતેશ વચ્ચે કૂદી પડ્યો, જાણે તેણે કોઈ મોટી ટેકનિકલ ખામી શોધી કાઢી હોય. "ત્યાં જિયો કે વોડાફોનનું ટાવર પકડાય છે? વિચાર કર, તું ત્યાં કૈલાશ પર બેઠો હો અને અહીંયા તારા સ્કૂલના ટ્રસ્ટીનો ફોન આવે કે 'હાર્દિક સર, ધોરણ ૧૦ નો સિલેબસ બાકી છે', તો તું શું જવાબ આપીશ? કે હું અત્યારે મહાદેવ સાથે મીટિંગમાં છું?"
     આ સાંભળીને મયંક અને ભાવિક હસી પડ્યા. હું પણ મારા હોઠ પરનું સ્મિત રોકી ન શક્યો. આ ગાંડાઓ ગમે તેવી ગંભીર વાતનું વતેસર કરીને તેને મજાકમાં ફેરવી નાખવામાં અને વાતાવરણ હળવું કરવામાં માહિર હતા. કદાચ એટલે જ અમે આટલા વર્ષોથી મિત્રો હતા.
"અરે સાંભળ," મયંકે હસતા હસતા કહ્યું, "ત્યાં ઠંડી કેટલી હોય ખબર છે? તારે તો સુરતમાં જરાક ૧૫ ડિગ્રી તાપમાન જાય તોયે કબાટમાંથી સ્વેટર અને મફલર કાઢવા પડે છે. ત્યાં તો માઈનસમાં ડિગ્રી હોય! તું ત્યાં ધ્યાન ધરવા બેસીશ અને બીજે દિવસે બરફની મૂર્તિ બની જઈશ. પછી અમારે તને શોધવા આવવું પડશે."ને અમે ત્યાં આવીએ તો અમને પણ તકલીફ પડે ને!" ભાવિકે ટાપસી પુરાવી. "અમને ત્યાં લોચો-ખમણ કોણ ખવડાવે? એટલે ભાઈ, માંડી વાળ આ વિચાર. આ બધું સાધુ-સંતોનું કામ, આપણું કામ નહીં. આપણે સંસારી જીવ."

     મેં ઊંડો શ્વાસ લીધો અને તાપી નદી તરફ નજર કરી. પાણી પર ચંદ્રનું પ્રતિબિંબ એવી રીતે હાલકડોલક થતું હતું જાણે કે મારું મન.મેં મનોમન વિચાર્યું—કદાચ તેઓ સાચા છે. આ રસ્તો અઘરો છે. ઘણો અઘરો છે. પણ શું સરળ રસ્તે ચાલવું એ જ જિંદગી છે? શું સલામતી એ જ સફળતા છે?

     "સારું, સારું," મેં હાથ જોડીને શરણાગતિ સ્વીકારી. મારે અત્યારે તેમની સાથે દલીલ કરવી નહોતી. મારો નિર્ણય અંદરથી પાકો હતો, પણ તેને જાહેર કરવા માટે આ યોગ્ય સમય કે યોગ્ય શ્રોતાઓ નહોતા. "તમે લોકો જીત્યા. કૈલાશની વાત પછી. અત્યારે તો આપણે અહીંયા જ છીએ."

     "બસ! હા ઇમ જ ને !" ભાવિકે ખુશ થઈને મારો ખભો હલાવ્યો. "આ આપણો જૂનો હાર્દિક! ખોટા વિચારો છોડ અને આ જો, મેં હમણાં જ 'કોલ્ડ કોકો' ના ચાર ઓર્ડર આપ્યા છે. સુરતમાં રહીને જેણે એ-વનનો કોલ્ડ કોકો નથી પીધો, એનો કૈલાશ જવાનો વિઝા રિજેક્ટ થઈ જાય, ખબર છે ને?"

     વાતાવરણ હળવું થઈ ગયું. ગંભીરતાનું વાદળ, જે થોડીવાર પહેલાં ઘેરાયું હતું, તે મિત્રોના હાસ્યના પવનમાં વિખેરાઈ ગયું. અમે ચારેય ફરીથી સામાન્ય વાતોએ વળગ્યા—નવી આવેલી વેબ સીરીઝ, શેરબજારની મંદી અને આવતા રવિવારે ક્યાં જમવા જવું તેનું પ્લાનિંગ.

     મેં ચૂપચાપ પેલું પુસ્તક, 'Where Do We Come From?', મારી બેગમાં પાછું મૂકી દીધું અને ચેઈન બંધ કરી. પુસ્તક અંદર ગયું, પણ તેના વિચારો મારા મગજમાં મુક્ત થઈ ગયા હતા. બહારથી હું મિત્રો સાથે હસતો હતો, ઠંડા ઘટ્ટ કોલ્ડ કોકોની મજા માણતો હતો, પણ અંદર... અંદર મારા મનમાં એક યાત્રી તેનો સામાન બાંધી રહ્યો હતો. રિવરફ્રન્ટની લાઈટો હવે ઝાંખી થવા લાગી હતી. રાત ઘેરી બની રહી હતી.

    "ચાલ ત્યારે," ભાવિકે હાથ પરની ઘડિયાળ જોઈને કહ્યું. "સાડા નવ થઈ ગયા. ઘરે જઈએ? કાલે મળીએ? કાલે રવિવાર છે, ડુમ્મસ બાજુ જઈએ?"

     "જોઈશું," મેં અસ્પષ્ટ જવાબ આપ્યો. અમે પાર્કિંગ તરફ ચાલ્યા. મિતેશ અને મયંક આગળ કોઈ મજાક કરતા કરતા ચાલતા હતા, તેમનું હાસ્ય રાતના સન્નાટામાં ગુંજતું હતું. હું થોડો પાછળ હતો. મેં છેલ્લી વાર પાછું વળીને તાપી નદી તરફ જોયું. અંધારામાં વહેતી નદી જાણે મને કહી રહી હતી: 'જા હાર્દિક, તારો પ્રવાહ શોધ. ભલે લોકો ગમે તે કહે, તારે જ્યાં વહેવું છે ત્યાં જ વહેજે.'

    ગાડીમાં બેસતા પહેલાં મિતેશે બૂમ પાડી, "અલા હાર્દિક! હવે કાલ સવાર સુધીમાં પાછો હિમાલય ના પહોંચી જતો હો! કાલે સવારે ગાંઠિયા ખાવા ભેગા થવાનું છે!"
"હા ભાઈ, હા," મેં હસીને કહ્યું અને ગાડી સ્ટાર્ટ કરી. "હું અહીં જ છું. ક્યાંય નથી જવાનો." હમણાં તો નહીં, મેં મનમાં ઉમેર્યું.

     ગાડીના એન્જિનનો અવાજ ગાજ્યો અને અમે સુરતના રસ્તાઓ પર ફરી એકવાર વિખેરાઈ ગયા. હું મારા ઘર તરફ, મારી રોજિંદી દુનિયા તરફ જઈ રહ્યો હતો. પણ મને ખબર હતી કે આ પરત ફરવું કાયમી નથી. રાત જામી હતી, સુરત સૂઈ રહ્યું હતું, પણ મારા માટે... મારા માટે એક નવી સવાર પડવાની તૈયારીમાં હતી. એક એવી સવાર, જેનો સૂરજ પૂર્વમાંથી નહીં, પણ ઉત્તરમાંથી... બરફચ્છાદિત કૈલાશની દિશામાંથી ઊગવાનો હતો.