કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર
ખંડ - ૧
પ્રકરણ – ૭
મહાપંથની શરૂઆત
"યાત્રીગણ કૃપયા ધ્યાન દે..." સ્પીકરમાંથી આવતી ઘોઘરી અને યંત્રવત જાહેરાત વાતાવરણમાં ગુંજી રહી હતી. "ગાડી સંખ્યા ૧૯૦૪૫, તાપી ગંગા એક્સપ્રેસ..."
ઉધના સ્ટેશન પરનો ઘોંઘાટ પણ આજે મને કોઈ અજાણી શાંતિ આપી રહ્યો હતો, કદાચ એટલે કે મનની અંદર જે તોફાન હતું તેના કરતા બહારનો કોલાહલ ઓછો હતો.
ટ્રેનની વ્હીસલ વાગી—એક લાંબો, કાનમાં ચીરા પાડતો અવાજ, જાણે કોઈએ છૂટા પડવાની વેદનામાં ચીસ પાડી હોય. ટ્રેનનું મહાકાય એન્જિન ધ્રૂજ્યું અને લોખંડના પાટા સાથે ઘસાઈને પૈડાં ફરવા લાગ્યા.
અમે સેકન્ડ એસીના ઠંડા ડબ્બામાં હતા, પણ મારી હથેળીઓ પરસેવાથી રેબઝેબ હતી. બારીના જાડા કાચની પેલે પાર મમ્મી અને પપ્પાના ચહેરા હવે ઝાંખા થઈ રહ્યા હતા. પપ્પાનો ધ્રૂજતો હાથ હવામાં અધ્ધર હતો, અને મમ્મી... મમ્મી તો ક્યારનીય પાલવમાં મોઢું સંતાડીને ઊભી હતી. પ્લેટફોર્મ પાછળ સરકવા લાગ્યું. થાંભલાઓ, બાંકડાઓ અને પાણીની પરબ—બધું જ પાછળ છૂટતું ગયું.
મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારી સામેની સીટ પર નજર કરી. વનિતા બેઠી હતી. તેના હાથમાં પાણીની બોટલ હતી, પણ તેનું ધ્યાન બોટલના ઢાંકણા પર હતું જેને તે સતત ખોલ-બંધ કરી રહી હતી. તેના ચહેરા પર પિયર અને સાસરું છોડ્યાનો વિષાદ સ્પષ્ટ વંચાતો હતો.
"વનિતા..." મેં ધીમેથી તેનો હાથ મારી હથેળીમાં લીધો. તેનો હાથ બરફ જેવો ઠંડો હતો. "રડવું આવે છે?"
તેણે ચમકીને ઊંચું જોયું. તેની મોટી, હરણ જેવી આંખોમાં આંસુ તરવરતા હતા, પણ તેણે હોઠ ભીડીને સ્મિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. "ના રે, રડવું નથી આવતું. બસ... મમ્મીનો ચહેરો નજર સામેથી ખસતો નથી. તેમને એમ છે કે આપણે માત્ર ઇલાજ માટે જઈએ છીએ, પણ..."
તે અટકી ગઈ. હું જાણતો હતો કે તે શું વિચારતી હતી. આ માત્ર ઇલાજ નહોતો, આ એક ઉમેદ હતી. એક એવી સફર જે અમારું ભવિષ્ય નક્કી કરવાની હતી.
"તેમની એ શ્રદ્ધા જ આપણું રક્ષક કવચ છે," મેં તેના હાથને સહેજ દબાવ્યો, મારા અવાજમાં મેં શક્ય એટલો વિશ્વાસ ભરવાનો પ્રયત્ન કર્યો.
ટ્રેન હવે ગતિ પકડી ચૂકી હતી. સુરત શહેરની ગીચ વસ્તી, બહુમાળી ઈમારતો અને કાપડ માર્કેટનો ધમધમાટ પાછળ રહી ગયો હતો. બારીની બહાર હવે દક્ષિણ ગુજરાતનું લીલુંછમ સૌંદર્ય પથરાયેલું હતું.
"જો બહાર," મેં તેનું ધ્યાન વાળવા કહ્યું. શેરડીના ખેતરો પવનની લહેરખીઓ સાથે ઝૂમી રહ્યા હતા. "આ શેરડીના ખેતરો જોયા? આ આપણી 'કાંપની જમીન' છે. તાપી અને પૂર્ણા નદીઓએ વર્ષો સુધી મહેનત કરીને આ સોનું પાથર્યું છે."
વનિતાએ બારી બહાર જોયું. લીલા રંગની એ ચાદર જોઈને તેની આંખોમાં થોડી ચમક આવી. "સાચે જ હાર્દિક, આ લીલોતરી જોઈને આંખને ટાઢક વળે છે. પણ આપણે જ્યાં જઈએ છીએ..." તેણે શંકાથી મારી સામે જોયું, "ત્યાં તો માત્ર પથ્થરો અને રાખ જ હશે ને?"
"હા," મેં સ્વીકાર્યું, "પણ એ પથ્થરોમાં પણ જીવ હશે, અને એ રાખમાં જ નવસર્જનના બીજ હશે."
****
બપોરના સાડાબાર થયા ગુજરાતની હદ પૂરી થઈ અને મહારાષ્ટ્રનો આરંભ થયો. નંદુરબાર આવતા જ વાતાવરણમાં એક અચાનક પલટો આવ્યો. હવામાં રહેલી સુરતી ભીનાશ ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ એક સૂકી, દઝાડતી લૂ વાવા લાગી.
પ્લેટફોર્મ પરના અવાજો પણ બદલાઈ ગયા. ગુજરાતી મીઠાશની જગ્યાએ મરાઠીનો રણકો સંભળાવા લાગ્યો.
"એ... ગરમ ભજીયા... વડાપાવ... વડાપાવ... વાલે"
"લાલ મિરચી... મસાલે..."
ટ્રેન ઊભી રહી ત્યારે સૂરજ બરાબર માથા પર હતો. વનિતાએ બારીના કાચને અડકવાનો પ્રયત્ન કર્યો અને તરત જ હાથ પાછો ખેંચી લીધો. "બાપ રે! કાચ પણ તવા જેવો તપી ગયો છે. સુરત કરતા અહીં સૂરજ વધારે આકરો લાગે છે."
"આ 'ખાનદેશ' છે, વનિતા," મેં તેને સમજાવ્યું, જાણે કોઈ બાળકને વાર્તા કહેતો હોઉં. મારે તેને સતત વાતોમાં પરોવી રાખવી હતી જેથી તે ઘર યાદ ન કરે. "આપણે હવે દરિયાકિનારાથી દૂર આવી ગયા. જો, જમીનનો રંગ પણ બદલાઈ ગયો. આપણી કાળી માટીની જગ્યાએ અહીં લાલ અને પથરાળ જમીન છે. આ ખડકોને ભૂગોળની ભાષામાં 'ડેક્કન ટ્રેપ' કહેવાય. લાખો વર્ષ પહેલાં અહીં લાવા પથરાયો હતો."
વનિતા મારી સામે જોઈ રહી. "તમે અને તમારી ભૂગોળ! આટલી ગરમીમાં પણ તમને ખડકો દેખાય છે?" તે હસી પડી. તેનું એ હાસ્ય જોઈને મને હાશકારો થયો.
ટ્રેન આગળ વધી. અમલનેર આવતા સુધીમાં તો અમે પહાડોની વચ્ચે હતા. આ પહાડો લીલા નહોતા, પણ સૂકા અને ઉજ્જડ હતા. ઉપરથી સપાટ, જાણે કોઈએ તલવારથી પહાડનું માથું વાઢી નાખ્યું હોય.
"હાર્દિક, આ પહાડો કેવા વિચિત્ર લાગે છે," વનિતા કુતૂહલથી જોઈ રહી હતી.
"આપણે અત્યારે 'તાપી રિફ્ટ વેલી' એટલે કે ફાટખીણમાં છીએ. બે પહાડોની વચ્ચેની એક વિશાળ તિરાડ, જેમાં આપણી ટ્રેન ચાલે છે."
***
અમારી યાત્રા તો સવારે દસ વાગ્યે શરૂ થયેલી પણ દિવસ બ્રહ્મ મુહૂર્તમાં જ શરૂ થઈ ગયેલો. સવારથી ઘરે કોઈએ નાસ્તો કરેલો નહીં. શા માટે નહીં ? તેનું કોઈ કારણ નહોતું. બપોરે બે વાગ્યા એટલે કાકડીને ભૂખ લાગી.
મેં વનિતાને પૂછ્યું, " તને ભૂખ નથી લાગી ?" તે જાણે મારી રાહ જોતી હોય એમ બોલી "ક્યારની લાગી છે" પણ તમારૂ આ ભૂપુરાણ (ભૂગોળ ) પૂરું થાય એની રાહ જોતી હતી!"
" ચાલ ચાલ તો પછી રાહ કોની છે ? મને તો પેટમાં ઉંદર દોડે છે" મેં હસતાં હસતાં કહ્યું.
અમે સાથે જે થેપલા બનાવી લાવેલા તે ખાધા બપોરના તડકામાં તપતું ભુસાવલ જંકશન આવી પહોંચ્યું. ટ્રેને એક લાંબી, થાકેલી વ્હીસલ મારી. યાર્ડમાં પડેલા કોલસાના કાળા ઢગલા અને અસંખ્ય માલગાડીઓની હારમાળા વચ્ચેથી અમારી ટ્રેન સાપની જેમ સરકતી પ્લેટફોર્મ પર આવી.
ખચ... ચ... ચ... બ્રેકનો કર્કશ અવાજ અને એક આંચકા સાથે પૈડાં થંભી ગયા. પણ ઘડિયાળ તો ચાર ત્રીસના ટકોરા આપી વણથાક્યું ચાલતું થયું.
"અહીં એન્જિનબદલવાનું છે, વિશ મિનિટનું રોકાણ છે," મેં સીટ પરથી ઊભા થતા કહ્યું. "ચાલ, નીચે ઉતરીએ. એસીમાં બેસી રહીને શરીર જકડાઈ ગયું છે."
"હા, મારે અહીંની પેલી સ્પેશિયલ ચા પણ પીવી છે"વનિતા એ પોતાની ઈચ્છા કહી.
અમે બંને ઉતર્યા, પ્લેટફોર્મ પર ઉતરતા જ ગરમ લૂનો સપાટો સીધો ચહેરા પર વાગ્યો. જાણે કોઈએ ભઠ્ઠીનું બારણું ખોલી નાખ્યું હોય. ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ પ્લેટફોર્મ પર મેળો જામ્યો હતો. લાલ શર્ટ પહેરેલા કુલીઓ, કેળા વેચતા ફેરિયાઓ અને પાણીની બોટલો માટે દોડતા મુસાફરો.
"કેળા ઘ્યા... ભુસાવલ ચી કેળી... એકદમ ગોડ (મીઠા)..."
મેં એક સ્ટોલ પરથી બે આદુવાળી ચા લીધી. વનિતા મારી બાજુમાં જ ઊભી હતી, દુપટ્ટાથી માથું ઢાંકીને. તેના ગોરા કપાળ પર પરસેવાની નાની બુંદો બાઝી ગઈ હતી જે હીરાની જેમ ચમકતી હતી. મેં મારા રૂમાલથી હળવેકથી તેનો પરસેવો લૂછ્યો.
"તને ગરમી બહુ થાય છે, નહીં?"
વનિતાએ સ્મિત કર્યું, એક એવું સ્મિત જે મારા હૃદયના ધબકારા વધારી દેતું હતું. "તમે સાથે હોવ તો ગરમી પણ મીઠી લાગે છે."
નાહું ચાની ચૂસકી લેતો હતો અને તેને જોઈ રહ્યો હતો. મનોમન ઈશ્વરનો આભાર માનતો હતો કે આટલી સુંદર સાથી મને મળી. પણ અચાનક... મારી નજર પ્લેટફોર્મના થાંભલા નંબર ચૌદ પાસે જઈને અટકી ગઈ.
મારા હાથમાં રહેલો ચાનો કપ સહેજ ધ્રૂજ્યો.ત્યાં, ભીડની વચ્ચે, એક માણસ ઊભો હતો. આજુબાજુ લોકો ગરમીથી બચવા આછા કપડાંમાં હતા, કોઈએ બનિયન પહેર્યું હતું તો કોઈએ ખુલતો શર્ટ. પણ આ માણસ... તેણે કાળા રંગની જાડી હૂડી પહેરી હતી. ભરબપોરે હૂડી? માથા પર ટોપી હતી અને ચહેરો કાળા રૂમાલથી ઢાંકેલો હતો. માત્ર તેની આંખો દેખાતી હતી.અને એ આંખો ભીડને નહીં, ટ્રેનને નહીં... સીધી અમને તાકી રહી હતી. મારા પેટમાં ફાળ પડી. ભુસાવલની ૪૦ ડિગ્રી ગરમીમાં પણ મારી કરોડરજ્જુમાંથી એક ઠંડુ લખલખું પસાર થઈ ગયું. રુંવાડા ઊભા થઈ ગયા.
આ કોણ છે !!?
મારું મન ભયથી ફફડી ઉઠ્યું. શું મારે વનિતાને કહેવું જોઈએ? મેં તેની સામે જોયું. તે ચાનો આનંદ લઈ રહી હતી અને સામે વેચાતા કેળા જોઈને બાળકની જેમ ખુશ થતી હતી.ના, અત્યારે નહીં. મારે તેની આ ખુશી નથી છીનવવી. પતિ તરીકે અને હવે આ મિશનના લીડર તરીકે, આ ડર મારે એકલાએ જ પીવો પડશે.
"શું થયું હાર્દિક?" વનિતાનો અવાજ મને વર્તમાનમાં પાછો ખેંચી લાવ્યો. "તમે ક્યાં ખોવાઈ ગયા? ચા ઠંડી થઈ જશે."
મેં પળવારમાં મારા ચહેરા પરનો ભય છુપાવી લીધો અને એક કૃત્રિમ સ્મિત પહેરી લીધું. "કંઈ નહીં," મેં પેલા માણસ તરફ જોવાનું ટાળ્યું અને જાણીજોઈને વનિતાની આડશમાં ઊભો રહી ગયો. મારું શરીર હવે તેની અને પેલા પડછાયાની વચ્ચે એક ઢાલ હતું.
"બસ હું વિચારતો હતો કે તું આ સાદી સાડીમાં પણ કેટલી સુંદર લાગે છે. આ ભુસાવલનું પ્લેટફોર્મ પણ તારી સામે ફિક્કું લાગે છે."
વનિતા શરમાઈ ગઈ. "બસ હવે! પ્લેટફોર્મ પર મસ્તી ન કરો, અહીંયા બધા જોવે છે."
એટલામાં ટ્રેનની સીટી વાગી. મેં ઉતાવળે તેને ડબ્બામાં ચડાવી. છેલ્લી વાર મેં પાછળ વળીને જોયું. પેલો કાળી હૂડી વાળો માણસ ત્યાં જ ઊભો હતો. સ્થિર. કોઈ પૂતળાની જેમ. તેની આંખો હજુ પણ અમારા પર મંડાયેલી હતી.દરવાજો બંધ કરતી વખતે મને લાગ્યું કે હું કોઈ અનિષ્ટને બહાર છોડીને નથી જઈ રહ્યો, કદાચ મેં તેને આમંત્રણ આપી દીધું છે.
****
એક તરફ મારો ભય અને બીજી તરફ મુખ પર હાસ્ય. વનિતા સાથે વાતો કરતા કરતા મહારાષ્ટ્રના પહાડ મેદાન અને કોતરો વટાવી અમે મહારાષ્ટ્રની સરહદે પહોંચ્યા ત્યાં સુધીમાં સૂરજ ક્ષિતીજ પર છેલ્લા દર્શન આપી રહ્યો હતો. ધીમે ધીમે અમારી ટ્રેન સરહદ પર પહોંચી ત્યારે સૂરજ આથમી ગયો હતો અને અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ટ્રેન હવે મધ્યપ્રદેશના સાતપુડાના ગાઢ જંગલો ચીરીને આગળ વધી રહી હતી.
ખટ-ખટ... ખટ-ખટ... ટ્રેનના પૈડાંનો અવાજ રાતની નીરવ શાંતિમાં વધુ ડરામણો લાગતો હતો. ક્યારેક ટ્રેનની લાઈટના શેરડામાં સાગના ઊંચા, સફેદ થડ વાળા વૃક્ષો ભૂતિયા આકૃતિની જેમ પસાર થતા અને પાછા અંધારામાં વિલીન થઈ જતા. થોડી વારમાં અમે જબલપુર પહોંચ્યા. મેં સ્ટેશન ટેન ઊભી રહેતા મારું મન જોરથી રાડો પડી રહ્યું હતું. પાંચ કલાકની સતત મુસાફરી પછી મને ચા જોઈએ છે. હું તેની ઈચ્છા પૂરી કરવા ઊભો થયો પણ ફરી પેલો કાળો પડછાયો યાદ આવ્યો. વનિતા સામું જોઈ હું પાછો બેસી ગયો. એટલામાં ટ્રેનની અંદર ચા વાળો આવ્યો મેં બે ચા લીધી અને વિનીતાએ ફરી પેલા થેપલાનો ડબ્બો ખોલ્યો.અમે જમી લીધું હતું. ડબ્બામાં લાઈટો ધીમી કરી દેવામાં આવી હતી. વનિતા તેની ઉપરની બર્થ પર જવાને બદલે મારી નીચેની સીટ પર, મારી લગોલગ બેઠી હતી. અમે બંને એક જ ધાબળામાં લપેટાયેલા હતા. બહારનું અંધારું અમને બંનેને વધુ નજીક લાવી રહ્યું હતું.
"હાર્દિક," વનિતાએ મારું માથું તેના ખભા પર ટેકવ્યું. "બહાર જો ને, કેવું અંધારું છે."
"હા," મેં બારીના કાચમાં અમારું ઝાંખું પ્રતિબિંબ જોતા કહ્યું. મારું ધ્યાન બહારના અંધકાર કરતા કાચમાં દેખાતા કોરિડોરના પ્રતિબિંબ પર વધારે હતું. ક્યાંક પેલો કાળો ઓછાયો પાછળ તો નથી ને?
"આ સાતપુડાના જંગલો છે. વાઘ અને દીપડાઓનું ઘર."
"મને વાઘની બીક નથી લાગતી," વનિતાએ મારા હાથમાં પોતાની આંગળીઓ પરોવી દીધી. તેની પકડ મજબૂત હતી. "જ્યાં સુધી તમે મારી સાથે છો, મને કોઈ ડર નથી. તમને ખબર છે? જ્યારે પપ્પાએ મારા લગ્નની વાત કાઢી હતી, ત્યારે હું બહુ ગભરાતી હતી. પણ તમે... તમે તો મને પાંખો આપી."
તેની આ નિર્દોષ વાતો સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. અપરાધભાવની એક તીવ્ર લાગણી મારા મનમાં જન્મી. તે જાણતી નહોતી કે હું તેને કયા ખતરા તરફ લઈ જઈ રહ્યો છું. તે જાણતી નહોતી કે બાજુના ડબ્બામાં કે કદાચ આ જ ડબ્બાના કોઈ ખૂણે, આપણો કાળ મંડરાઈ રહ્યો છે.
"વનિતા," મેં તેનો હાથ ચૂમ્યો. મારો અવાજ ગળગળો થઈ ગયો.
"હું તને વચન આપું છું. ગમે તે થાય, ગમે તેવી મુસીબત આવે—પછી એ જંગલનો જાનવર હોય કે શહેરનો રાક્ષસ—હું તારો સાથ નહીં છોડું. તારી સુરક્ષા એ જ મારું અસ્તિત્વ છે."
તે હસી પડી અને મારો ગાલ ખેંચ્યો. "ઓ હો! મિસ્ટર હાર્દિક, આટલા સિરિયસ કેમ થઈ ગયા? આપણે હનીમૂન પર છીએ, કોઈ યુદ્ધ લડવા નથી જતા!"
તે ઉપરની બર્થ પર ચડી ગઈ. "ગુડ નાઈટ, મારા ક્રેઝી ટ્રાવેલર!"
"ગુડ નાઈટ," મેં કહ્યું.
થોડીવારમાં તેનો શ્વાસ લયબદ્ધ થઈ ગયો. તે ઘસઘસાટ ઊંઘી ગઈ. પણ મારી આંખોમાં ઊંઘ નહોતી. મેં મારું નાનકડું સ્વિસ નાઈફ (ચપ્પુ) કાઢ્યું, તેની ધાર તપાસી અને ઓશિકા નીચે એવી રીતે મૂક્યું કે તરત હાથમાં આવે. મારું ધ્યાન કોરિડોર પર હતું. પડદા સહેજ હલે તો પણ હું સફાળો બેઠો થઈ જતો.
વનિતા સપના જોઈ રહી હતી, અને હું તેના સપનાઓની ચોકીદારી કરી રહ્યો હતો. જંગલમાં શિકારી જાગતો હતો, અને શિકાર પણ.
*"" "
ધડામ... ધડામ... ધડામ...બ્રિજ પરથી પસાર થતી ટ્રેનના બદલાયેલા અવાજે મને જગાડ્યો. આખી રાતની અર્ધજાગૃત અવસ્થા પછી મારી આંખો બળતી હતી, પણ મન સજાગ હતું. બારીમાંથી જોયું તો નીચે યમુના નદી તેના વિશાળ પટ સાથે શાંતિથી વહી રહી હતી. સૂર્યના કોમળ કિરણો પાણી પર સોનું પાથરી રહ્યા હતા.અમારી ટ્રેન ઉત્તરપ્રદેશમાં ગંગા – યમુનાના મેદાનોમાં ગતિમાન હતી. મેં મોબાઇલ કાઢી સમય જોયો સાડા સાત થયા હતા. હું ઉભો થયો, ઉપર જોયું વનિતા જાગતી હતી. કદાચ રોજની જેમ છ વાગ્યે જ જાગી ગઈ હશે.
"ગુડ મોર્નિંગ!" વનિતા ઉપરથી કૂદીને નીચે આવી. તે એકદમ તાજી ગુલાબ જેવી લાગતી હતી. રાતનો ડર સવારના પ્રકાશમાં ઓગળી ગયો હતો, પણ મારા મનમાં હજુ એ કાળા પડછાયાનો ભય અકબંધ હતો.
ટ્રેન ધીમી પડી અને પ્રયાગરાજ સ્ટેશન પર આવી. પ્લેટફોર્મ પર કાનપુરી અને ભોજપુરી મિશ્રિત કડક હિન્દીનો કોલાહલ શરૂ થઈ ગયો હતો. અમે નીચે ઊતર્યા અમે ત્યાજ બ્રશ કર્યું એટલામાં મારી દરેક ખુશી,સુખ,ચિંતા,ગુસ્સો,પ્રેમ,દયા,કરુણાની સાથી તેનો માલિક જોર જોરથી બૂમ પાડી રહ્યો હતો....
"ચાય... ગરમ ચાય... કુલ્હડ વાલી ચાય..."
"હાર્દિક, મારે પેલી માટીના કપમાં ચા પીવી છે," વનિતાએ જીદ કરી.
મેં બારીમાંથી બે કુલડી મંગાવી. માટીના લાલ રંગના વાસણમાં વરાળ નીકળતી ગરમાગરમ ચા આવી. મેં એક કુલડી વનિતાને આપી અને બીજી મારા હાથમાં લીધી.
"આ જો," મેં કહ્યું. "પ્લાસ્ટિકના કપમાં આ સોડમ ન આવે. આમાં તો ઉત્તર પ્રદેશની ધરતીનો સ્વાદ છે."
હું કુલડી હોઠે લગાડવા જતો હતો, પણ મારી નજર ચામાં નહીં, પણ સામેના પ્લેટફોર્મ પરના થાંભલાઓ પાછળ ફરતી હતી. શું પેલો કાળી હૂડી વાળો માણસ અહીં પણ આવ્યો હશે? મારી નજર એક શંકાસ્પદ આકૃતિ પર સ્થિર થઈ અને મારા વિચારો શૂન્ય થઈ ગયા.એ જ બેધ્યાનીમાં મારો હાથ સહેજ ધ્રૂજ્યો.
"આઉચ...!"
ગરમાગરમ ચાની લકકીર કુલડીમાંથી છલકાઈ અને સીધી મારા શર્ટ પર અને કાંડા પર ઢોળાઈ. ચામડી પર બળતરા થઈ અને શર્ટ પર કથ્થઈ ડાઘ પડી ગયો.
"હાર્દિક! ધ્યાન ક્યાં છે તમારું?" વનિતા ગુસ્સા અને ફિકર સાથે તે બોલી અને તરત જ પોતાની કુલડી બાજુ પર મૂકી અને મારી પાસે આવી ગઈ. તેણે પોતાની ઓઢણીનો છેડો લીધો અને મારા શર્ટ પર પડેલા ડાઘને સાફ કરવા લાગી. પછી તેણે મારો હાથ પકડીને ત્યાં ફૂંક મારી.તેની ફૂંકમાં જે ઠંડક હતી, તેણે મારી બળતરા શમાવી દીધી. તે મારા એટલી નજીક હતી કે તેના વાળની સુગંધે મને ઘડીભર માટે પેલા માણસનો ડર ભુલાવી દીધો.
"કંઈ નથી થયું, બસ સહેજ જ ઢોળાઈ છે," મેં તેના ચહેરા પરની ચિંતા જોઈને હળવું સ્મિત કર્યું. "હવે શર્ટ બદલવું પડશે."
વનિતાએ મારી આંખોમાં જોયું. તેની આંખોમાં મસ્તી નાચી રહી હતી. તેણે મારા હાથમાં રહેલી અડધી ભરેલી કુલડી તરફ ઈશારો કર્યો.
"ભલે શર્ટ બગડ્યું," તેણે ધીમેથી મારા કાન પાસે આવીને કહ્યું,
"પણ આ ચા ફેંકતા નહીં."
"કેમ? આમાં તો હવે ખાલી માટીનો સ્વાદ આવશે," મેં પૂછ્યું.
વનિતાએ તેનું નાક મારા ખભા સાથે ઘસ્યું અને લજ્જા સાથે બોલી, "ના રે... હવે આ ચા તમારા શર્ટ પર ઢોળાઈ છે અને મેં ફૂંક મારી છે... એટલે હવે આમાં માત્ર માટીની સુગંધ નથી, પણ આપણા પ્રેમનો સ્વાદ પણ ભળી ગયો છે. પી જુઓ, વધારે મીઠી લાગશે."
હું સ્તબ્ધ થઈને તેને જોઈ રહ્યો. ગભરાટ અને પ્રેમની વચ્ચે ઝૂલતા મારા મનને તેણે એક પળમાં જીતી લીધું હતું. મેં એ ’પ્રેમના સ્વાદ' વાળી ચાનો ઘૂંટડો ભર્યો. સાચે જ, એમાં ઈલાયચી કરતા વધારે મીઠાશ હતી. સાથે સાથે અહીં અમે ચાય સાથે સમોસાથી અમારી પેટની પૂજા કરી.
"ચાલ," મેં ખાલી કુલડી બહાર ફેંકતા કહ્યું. "હવે થોડા કલાકોમાં કાશી આવશે. ત્યાં ગંગા છે અને કદાચ... કદાચ આપણી નવી શરૂઆત પણ."
ટ્રેન ફરી ઉપડી. મારા શર્ટ પર ચાનો ડાઘ હતો, પણ દિલ પર વનિતાના પ્રેમનો રંગ ચડી ગયો હતો. મુસીબત ભલે ગમે તેટલી મોટી હોય, મારો આ 'હનીમૂન'નો સાથ તેને હરાવવા કાફી હતો.
***
અમારી પાસે વાતો કરવા માટે ખુબજ સમય હતો. અમે બંને વાતો કરતા હતા. જ્ઞાન, વિજ્ઞાન, પ્રેમ અને મારી ટેવ મુજબ મારું ભૂપુરાણનું સંશોધન ચાલતું હતું. સમય અમારી સાથે દોડી રહ્યો હતો. અમને તેનું સહેજે પણ ભાન નોહતું. અમારી ટ્રેન ઊભી રહી. અમારું પહેલું મુકામ આવી ગયું હતું. અમે બંને ઉતર્યા.સમય બેના મુકામે પહોંચેલો.
"કાશી નગરી મેં આપકા સ્વાગત હૈ..."
ટ્રેનમાંથી ઉતરતા જ જાણે અમે કોઈ અલગ જ દુનિયામાં આવી ચડ્યા હતા. વારાણસી સ્ટેશન પર હજારો લોકોની ભીડ હતી. ભગવા કપડાં પહેરેલા સાધુઓ, મોટી બેગ લટકાવીને ફરતા વિદેશી પ્રવાસીઓ અને "હર હર મહાદેવ" ના સતત ગુંજતા નાદ.
અમે સ્ટેશન બહાર આવ્યા. રિક્ષાવાળાઓ અને ઓટો (ઈ-રિક્ષા) વાળાઓનું ટોળું અમને ઘેરી વળ્યું.
"અસી ઘાટ? દશાશ્વમેધ? ચલીએ બાબુજી... સસ્તા હોગા..."
મેં એક ઓટો કરી અને અમે હોટલ તરફ જવા નીકળ્યા. હોટલ ગોદોલિયા ચોક પાસે હતી, જે ગંગા ઘાટની એકદમ નજીકનો વિસ્તાર છે.
"બાપ રે!" વનિતાએ રસ્તા પરની ભીડ જોઈને કહ્યું. "અહીં તો માણસો કીડીયારાની જેમ ઉભરાય છે. સુરતની ટ્રાફિક તો આની સામે કંઈ નથી."
હું તેની વાત સાંભળીને હસ્યો, પણ મારું ધ્યાન રિક્ષાના સાઈડ મિરર પર હતું. શું કોઈ અમારી પાછળ આવી રહ્યું છે? પાછળ સેંકડો ગાડીઓ અને બાઈક હતા, કોઈનો ચહેરો ઓળખવો મુશ્કેલ હતો.
મેં પેહલાથી જ અહીં હોટેલ બુક કરી હતી.અમારું લક્ષ્ય હતું હોટેલ ગંગા કિનારે. હોટલ એક જૂની હવેલી જેવી હતી જેને રિનોવેટ કરીને હોટલ બનાવી હતી. રૂમની બાલ્કનીમાંથી ગંગા નદીનો પટ અને સામેનો રેતાળ કિનારો દેખાતો હતો.
"હાર્દિક, જો!" વનિતા બાલ્કનીમાં દોડી ગઈ. "સામે પેલો કિલ્લો દેખાય છે? રામનગરનો કિલ્લો?"
"હા," મેં સામાન નીચે મૂકતા કહ્યું. "આપણે ત્યાં જવાનું છે."
મેં બાલ્કનીનો દરવાજો બંધ કર્યો અને પડદા ખેંચી લીધા.
"અરે, પડદા કેમ બંધ કર્યા?" વનિતાએ પૂછ્યું.
"તડકો આવે છે," મેં બહાનું કાઢ્યું, પણ સત્ય એ હતું કે મને ડર હતો કે કદાચ કોઈ દૂરબીનથી કે સામેની છત પરથી અમને જોઈ રહ્યું હોય.
***
હોટેલમાં જઈ મેં સામન મૂકી તરત જ પેહલા જમવાનું મંગાવ્યું. બે દિવસ પછી હવે બેડ પર સુવા મળશે અને હવે આગળ ફરી ક્યારે એની ખબર નોહતી એટલે જમી લીધા પછી પહેલું કામ સૂવાનું કર્યું. ટ્રેનમાં બરાબર ઊંઘ આવેલી નોહતી એટલે અત્યારે ઊંઘ તો આવી ગઈ પણ જાજો સમય નહીં. મારી આંખો ખુલી જાણે ઘનઘોર અંધારું, સમય સાંજના છના ટકોરા આપી રહ્યો હતો. વનિતા હજી ઊંઘતી હતી. તેને જગાડી અમે બંને ફ્રેશ થઈને બહાર નીકળ્યા. બનારસની અસલી મજા તેની સાંકડી ગલીઓમાં છે. અમે 'કચૌરી ગલી' તરફ જઈ રહ્યા હતા. રસ્તો એટલો સાંકડો હતો કે બે માણસ માંડ ચાલી શકે. માથા પર વીજળીના તારનું જાળું ગૂંચવાયેલું હતું અને નીચે ગાયો નિરાંતે બેઠી હતી.
"સંભલ કે... સાંડ હૈ..." કોઈ દુકાનદારે બૂમ પાડી.
મેં વનિતાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. અમે ગરમ જલેબી અને રબડી ખાવા ઊભા રહ્યા. વનિતા ખૂબ ખુશ હતી, તે દુકાનદાર સાથે વાત કરી રહી હતી.
"ભૈયા, યે રબડી કિતને કી?"
હું આજુબાજુ નજર ફેરવી રહ્યો હતો. અચાનક, ભીડમાંથી એક આકૃતિ પસાર થઈ. એ જ કાળી હૂડી! મારું હૃદય ધબકારો ચૂકી ગયું. તે આટલી ગરમીમાં પણ હૂડી પહેરીને ભીડમાં ભળી રહ્યો હતો. તે અમારી તરફ જ આવી રહ્યો હતો, પણ વચ્ચે એક ગાય આડી આવી ગઈ.
મેં વનિતાનો હાથ એટલો જોરથી દબાવ્યો કે તે ચમકી ગઈ.
"આહ! હાર્દિક, શું કરો છો? મારો હાથ દુ:ખે છે."
તેણે મારા ચહેરા સામે જોયું. મારો ચહેરો પરસેવાથી રેબઝેબ હતો અને આંખોમાં ગભરાટ હતો.
"શું થયું?" તેનો અવાજ ગંભીર થઈ ગયો. "તમે સવારના કોઈ ટેન્શનમાં લાગો છો. ટ્રેનમાં પણ, સ્ટેશન પર પણ... અને અત્યારે પણ. કોને શોધો છો તમે ભીડમાં?"
હું પકડાઈ ગયો હતો. વનિતા ભલે નિર્દોષ હોય, પણ તે મૂર્ખ નહોતી. પત્નીની છઠ્ઠી ઇન્દ્રિય તેને ચેતવી રહી હતી.
"કંઈ નહીં," મેં પરાણે સ્વસ્થ થવાનો ડોળ કર્યો. "બસ આ ભીડ જોઈને ગૂંગળામણ થાય છે. મને થયું કે પેલો માણસ આપણી સાથે અથડાશે."
"હાર્દિક," વનિતાએ મારી આંખોમાં આંખો પરોવી. "તમે મારાથી કંઈક છુપાવો છો. આ માત્ર ગૂંગળામણ નથી."
ત્યાં જ બાજુના મંદિરમાંથી જોરથી ઘંટારવ થયો અને વાતનો વિષય બદલાઈ ગયો. પણ વનિતાની આંખોમાં હવે એક પ્રશ્નાર્થચિહ્ન હતું. તેને અણસાર આવી ગયો હતો કે આ સફર માત્ર હનીમૂન કે અમારા બનાવેલા આયોજન પ્રમાણે ચાલવાનો નથી.
***
સાંજ પડતા જ બનારસનો માહોલ દિવ્ય બની ગયો. પોણા સાત વાગતા અમે દશાશ્વમેધ ઘાટ પર હતા જ્યાં ગંગા આરતી થતી. પગથિયાં પર હજારોની ભીડ હતી. નદીમાં સેંકડો હોડીઓ તરતી હતી જેમાં પ્રવાસીઓ બેઠા હતા.સાત પૂજારીઓ ભગવા વસ્ત્રો પહેરીને લાકડાના મંચ પર ઊભા હતા. હાથમાં મોટા પિત્તળના દીવા (આરતી) લઈને તેઓ લયબદ્ધ રીતે આરતી ઉતારી રહ્યા હતા.
ૐ જય ગંગે માતા... મૈયા જય ગંગે માતા...
વાતાવરણમાં ધૂપ, કપૂર અને ફૂલોની સુગંધ ભળેલી હતી. ઘંટ, શંખ અને ડમરુના નાદથી રુંવાડા ઊભા થઈ જાય તેવો માહોલ હતો. વનિતા આંખો બંધ કરીને હાથ જોડીને ઊભી હતી. તેના ચહેરા પર ભક્તિનો ભાવ હતો. હું તેની પાછળ, તેની પીઠ બનીને ઊભો હતો. મારું ધ્યાન આરતીમાં નહોતું. મારું ધ્યાન ભીડમાં હતું. હજારો અજાણ્યા ચહેરાઓ. કોણ મિત્ર છે અને કોણ શત્રુ, પારખવું અશક્ય હતું. આરતી તેની ચરમસીમા પર હતી. ધૂમ... ધૂમ... ધડામ... નગારા વાગી રહ્યા હતા. ભીડમાં ધક્કામુક્કી વધી રહી હતી. અચાનક, મને મારી જમણી બાજુએ કોઈની હાજરી વર્તાઈ. મેં ત્રાંસી નજરે જોયું. ભીડ ચીરીને કોઈ અમારી નજીક આવી રહ્યું હતું. કાળો રૂમાલ. તીક્ષ્ણ આંખો. તે આવી ગયો હતો.તેના હાથમાં કંઈક ચમક્યું. સ્ટીલનો ચળકાટ. એક નાનકડું પણ ઘાતક હથિયાર (સૂયાસૂઈ જેવું) તેના હાથમાં હતું. આરતીના ઘોંઘાટમાં કોઈને ચીસ પણ સંભળાય તેમ નહોતી.તે વનિતાની એકદમ નજીક હતો. તેણે હાથ ઉગામ્યો. તે સીધો વનિતાની કમર પાસે વાર કરવા જઈ રહ્યો હતો.
"વનિતા!" હું બૂમ પાડવા ગયો પણ અવાજ ગળામાં જ અટકી ગયો. હું તેને ધક્કો મારવા માટે આગળ વધ્યો, પણ મોડું થઈ ગયું હતું. હથિયાર વનિતાના શરીરથી માત્ર બે ઇંચ દૂર હતું.
ત્યાં જ...
એક રાખોડી રંગનો પંજો હવામાં વીજળીની જેમ આવ્યો. કોઈએ પેલા હુમલાખોરનું કાંડું હવામાં જ પકડી લીધું. લોખંડ જેવી મજબૂત પકડ.હડ્ડી તૂટવાનો કટ અવાજ આવ્યો હોત જો નગારા ન વાગતા હોત તો.
મેં ચોંકીને જોયું.
એક જટાધારી સાધુ હતા. આખું શરીર ભસ્મથી ખરડાયેલું હતું. કપાળ પર મોટું ત્રિપુંડ હતું અને આંખો અંગારા જેવી લાલ હતી. તેમણે પેલા હુમલાખોરનો હાથ મરોડી નાખ્યો હતો.
હુમલાખોર દર્દથી બેવડ વળી ગયો. તેના હાથમાંથી પેલું હથિયાર નીચે પડી ગયું અને ભીડના પગમાં ક્યાંક ખોવાઈ ગયું.
સાધુએ તેને ધક્કો માર્યો. હુમલાખોર ભીડનો લાભ લઈને પળવારમાં ગાયબ થઈ ગયો.
વનિતાએ આંખો ખોલી. "શું થયું હાર્દિક? તમે મને ધક્કો માર્યો?"
તેને ખબર પણ નહોતી પડી કે તેનું મૃત્યુ તેને સ્પર્શીને પાછું ગયું હતું.પેલો સાધુ મારી સામે જોઈ રહ્યો હતો. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તે મારી નજીક આવ્યો. તેના શરીરમાંથી સ્મશાનની રાખની ગંધ આવતી હતી.
"કાલ ભૈરવ કી નગરી હૈ બેટા..." તેનો અવાજ કોઈ ઊંડા કૂવામાંથી આવતો હોય તેવો ઘેરો હતો. "યહાં શિકાર કરના આસાન નહીં હૈ. લેકિન સાવધાન રહના... સાંપ અભી ઘાયલ હુઆ હૈ, મરા નહીં હૈ."એટલું બોલીને તે ભીડમાં, ધુમાડામાં ક્યાંક ઓગળી ગયો. જાણે તે હતો જ નહીં.
હું ત્યાં જ થીજી ગયો હતો. પરસેવો અને ધૂપનો ધુમાડો મને ગૂંગળાવી રહ્યો હતો. મેં વનિતાનો હાથ પકડ્યો.
"ચાલ, અહીંથી જઈએ. જલ્દી."
"પણ આરતી તો પૂરી થવા દો!" વનિતાએ વિરોધ કર્યો.
"ઠીક છે " મને ડર પણ હતો અને વિનીતાને કહેવું નોહતું એટલે આરતી પૂરી થઈ કે તરત જ હું તેને લગભગ ખેંચીને ઘાટના પગથિયાં ચડવા લાગ્યો. મારો હનીમૂનનો સ્વાદ હવે ભયના કડવા ઝેરમાં ફેરવાઈ ગયો હતો. બનારસમાં અમને બચાવનાર કોઈ હતું, પણ મારનાર પણ અહીં જ હતો.
***
હું કઈ પણ જોયા વગર વિનીતાનો હાથ પકડી મારી સાથે ખેંચ્યે જતો હતો. તેની સામું ધ્યાન પણ નહોતું. એક જ લક્ષ્ય દેખાતું હતું. હોટેલ ગંગા કિનારે. મારી આંખો ચારે તરફ ચકળ વકળ ફરતી હતી. મારી અંદરના ડરને બહાર ખોજતી હતી. બહારના કોલ હાલ વચ્ચે વનિતા ના અવાજે મારું ધ્યાન પાછળ ખેચ્યું. હું આટલી ભીડમાં કંઈ પણ ગણકાર્ય વગર તેને ખેંચતો હતો.
"હાર્દિક, મારો હાથ છોડો! મને વાગે છે!"
વનિતાનો અવાજ ભીડના કોલાહલમાં દબાઈ ગયો, પણ મારી પકડ ઢીલી ન થઈ. અમે દશાશ્વમેધ ઘાટના પગથિયાં ચડીને ઉપરના મુખ્ય રસ્તા પર આવી ગયા હતા. આરતી પૂરી થવાથી હજારો લોકો હવે ઘાટ છોડીને બહાર નીકળી રહ્યા હતા. માનવ મહેરામણ જાણે અમને કચડી નાખવા તત્પર હતું.
મારો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. પાછળ વળીને જોવાની મારી હિંમત નહોતી. મને સતત એવું લાગતું હતું કે પેલી કાળી હૂડી વાળો અથવા તેનું કોઈ બીજું સ્વરૂપ અમારી પીઠ પાછળ જ છે. પેલો સાધુ ક્યાં ગયો? તેણે મને બચાવ્યો કે પછી ચેતવણી આપી? 'સાંપ ઘાયલ હુઆ હૈ...' એ શબ્દો મારા મગજમાં હથોડાની જેમ વાગતા હતા.
અમે ભીડ ચીરીને એક સાંકડી ગલીમાં ઘૂસ્યા જ્યાં રિક્ષાઓની કતાર હતી.
"ગોદોલિયા ચોક! હોટેલ ગંગા કિનારે !" મેં એક રિક્ષાવાળાને લગભગ બૂમ પાડીને કહ્યું.
"બૈઠો બાબુજી," તેણે પાન ચાવતા કહ્યું.
અમે રિક્ષામાં બેઠા. રિક્ષાની ફાટેલી સીટ અને પેટ્રોલની વાસ—આ બધું સામાન્ય હતું, પણ અત્યારે મને આ રિક્ષા કોઈ બંકર જેવી સુરક્ષિત લાગતી હતી. રિક્ષા ઉપડી.
વનિતા મારી સામે જોઈ રહી હતી. તેની આંખોમાં હવે માત્ર પ્રશ્ન નહોતો, ગુસ્સો અને અપમાનનો ભાવ પણ હતો. તેણે પોતાના કાંડા પર નજર કરી. મારી આંગળીઓની મજબૂત પકડને કારણે ત્યાં લાલ નિશાન ઉપસી આવ્યા હતા.
"હવે તો કહેશો કે શું થયું છે?" તેનો અવાજ શાંત હતો, પણ એ શાંતિ તોફાન પહેલાની હતી. "તમે મને આરતી અધૂરી મૂકાવીને ભાગ્યા છો. જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય! અને પેલો બાવો... એ તમારી સાથે શું વાત કરતો હતો?"
હું ચૂપ રહ્યો. મેં બહાર જોયું. બનારસની બજારો ઝગમગી રહી હતી. દુકાનોમાં સાડીઓ લહેરાતી હતી, મીઠાઈની દુકાનો પર ગરમાગરમ દૂધ ઉકળતું હતું. જીવન કેટલું સામાન્ય હતું, અને મારું જીવન એક ઝાટકે કેટલું અસામાન્ય થઈ ગયું હતું!
"હાર્દિક!" વનિતાએ મારો ખભો હલાવ્યો.
"ત્યાં ચોર હતો," મેં જૂઠું બોલ્યો. મારો અવાજ કાંપતો હતો. "તેણે તારી ચેન ખેંચવાની કોશિશ કરી હતી. મને લાગ્યું કે મામલો બગડશે એટલે..."
"ચોર?" વનિતાએ શંકાથી પૂછ્યું. "ચોર માટે તમે આટલા ગભરાઈ ગયા? તમે તો કહેતા હતા કે તમે મારી રક્ષા કરશો, અને એક મામૂલી ચોરથી ડરીને ભાગ્યા?"
તેની વાત સાચી હતી. હું કાયર લાગતો હતો. પણ હું તેને કઈ રીતે કહું કે એ ચોર નહોતો, એ યમદૂત હતો. અને હું મારા જીવ માટે નહીં, તેના જીવ માટે ડરતો હતો.
રિક્ષા હોટલના દરવાજે ઊભી રહી. મેં રિક્ષાવાળાને પૈસા આપ્યા ત્યારે મારા હાથ ધ્રૂજતા હતા. સિક્કા રસ્તા પર પડી ગયા. રિક્ષાવાળો મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો.
"સબ ઠીક હૈ ના બાબુજી? બનારસ મેં ડરિયે મત, યહાં તો મહાદેવ કા રાજ હૈ."
મહાદેવનું રાજ હશે, પણ શેતાન પણ અહીં જ ક્યાંક છુપાયેલો છે, મેં મનોમન વિચાર
હું વનિતા નો હાથ પકડી ફટાફટ હોટલના પગથીયા ચડી ગયો. રૂમમાં પ્રવેશીને મેં તરત જ દરવાજો લોક કર્યો. સાંકળ ચડાવી અને સેફ્ટી લોક પણ માર્યું. પછી હું દરવાજાને ટેકો દઈને ત્યાં જ ફસડાઈ પડ્યો. એસીની ઠંડી હવાએ મારા પરસેવાને સૂકવવાનો પ્રયાસ કર્યો, પણ અંદરની આગ શાંત નહોતી થતી.
વનિતા બેડ પર બેઠી. તેણે પાણીનો ગ્લાસ ભર્યો અને એકીશ્વાસે પી ગઈ. રૂમમાં એક ભારેખમ મૌન છવાયેલું હતું. માત્ર દીવાલ ઘડિયાળનો ટિક-ટિક અવાજ સંભળાતો હતો.
"મારે ઘરે વાત કરવી છે," વનિતાએ અચાનક કહ્યું. તેણે ફોન હાથમાં લીધો.
હું સફાળો ઊભો થયો. "ના!" મેં તેના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો.
"કેમ?" વનિતા હવે રડમસ થઈ ગઈ હતી. "તમે મારી સાથે કેમ આવું કરો છો? સવારથી જોઉં છું, તમે વિચિત્ર વર્તન કરો છો. ચા ઢોળાય છે, તમે ભીડમાં ડરો છો, મને ધક્કા મારો છો, અને હવે મને મમ્મી સાથે વાત પણ નથી કરવા દેતા? મારે ઘરે જવું છે હાર્દિક. મારે આ નથી જોઈતું."
તે રડી પડી. તેના આંસુ જોઈને હું તૂટી ગયો. હું તેની પાસે ગયો અને ઘૂંટણીએ બેસી ગયો. મેં તેનો હાથ પકડવા હાથ લંબાવ્યો, પણ તેણે હાથ ખેંચી લીધો.
"વનિતા, પ્લીઝ... મારી વાત સાંભળ," મેં કરગરતા અવાજે કહ્યું. "હું તને ઘરે વાત કરવાની ના એટલે પાડું છું કે મમ્મી-પપ્પા ચિંતા કરશે. તને રડતી સાંભળીને તેમનું બીપી વધી જશે. આપણે અહીં ખુશ છીએ એવું જ તેમને લાગવું જોઈએ ને?"
"પણ આપણે ક્યાં ખુશ છીએ?" તેણે ભીની આંખે પૂછ્યું.
"હું છું ને," મેં તેના બંને હાથ પકડી લીધા. "જો, હું સ્વીકારું છું કે હું થોડો ટેન્શનમાં છું. નવી જગ્યા છે, મારી પાસે રોકડ રકમ વધારે છે, અને આજે પેલો બનાવ બન્યો... એટલે હું ગભરાઈ ગયો હતો. પણ હું તને પ્રોમિસ કરું છું, હવે બધું બરાબર થશે."
મેં ફરી એકવાર જૂઠનો સહારો લીધો. સત્ય અત્યારે ઝેર સમાન હતું. જો હું તેને કહી દઉં કે કોઈ આપણને મારી નાખવા ફરે છે, તો તે અહીં જ ભાંગી પડશે. અને મારે તેને મજબૂત રાખવાની હતી.
વનિતાએ મારી આંખોમાં જોયું. તે કદાચ મારા જૂઠને પામી ગઈ હતી, અથવા તો તે મારા પ્રેમ પર ભરોસો કરવા માગતી હતી. તેણે ધીમેથી મારો હાથ દબાવ્યો.
"તમે સાથે હોવ તો મને નરકમાં પણ વાંધો નથી, હાર્દિક. પણ તમારા ચહેરા પરનો આ ડર... એ મને મારી નાખે છે. પ્લીઝ, ડરો નહીં. આપણે મહાદેવના શરણમાં છીએ."
તેના આશ્વાસને મને થોડી હિંમત આપી. અમે રૂમ સર્વિસથી જમવાનું મંગાવ્યું. પણ ગળા નીચે કોળિયો ઉતારવો મુશ્કેલ હતો. દરેક અવાજ પર હું ચમકી જતો હતો. કોરિડોરમાં કોઈના ચાલવાનો અવાજ આવ્યો, તો મારી નજર દરવાજા પર ચોંટી ગઈ.
જમ્યા પછી વનિતા થાકીને સૂઈ ગઈ. પણ હું જાગતો હતો.....