KAILASNA RAHSTYO : EK ROMANCHAK SAFAR - 8 in Gujarati Adventure Stories by Hardik Galiya books and stories PDF | કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 8

Featured Books
Categories
Share

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 8

કૈલાસના રહસ્ય :  એક રોમાંચક સફર

ખંડ – ૧ 

પ્રકરણ ૮: અઘોરીનો સંકેત અને કાળો પડછાયો



     ગંગા આરતી પછીની ભાગદોડ અને હોટલના બંધ રૂમમાં થયેલા મૌન પણ તીવ્ર ઝઘડા પછી, મારું મન જ્વાળામુખીની જેમ ધગધગતું હતું. વનિતા થાકીને સૂઈ તો ગઈ હતી,પણ મારી આંખો બંધ થતી નોહતી. હું બસ એમ જ પથ્થર બની પડ્યો હતો. વનિતા થોડીવાર પછી ઝબકીને જાગી ગઈ. મારા ચહેરા પર પથરાયેલો ભય, પરસેવાનાં ટીપાં અને આંખોમાં અનિદ્રા જોઈને તેને લાગ્યું કે કંઈક અજુગતું છે. તેના મનમાં પણ પ્રશ્નોનો વંટોળ હતો.

     "હાર્દિક..." તેણે પથારીમાં બેઠા થતા પૂછ્યું, "તમે શું છુપાવો છો? તમે કોનાથી ડરો છો? આપણે ઘરેથી નીકળ્યા ત્યારે શું ડરવા માટે નીકળ્યા હતા ? નાના બાળકની જેમ તે મને સમજાવતી હતી. મારે એ જગ્યાએ જવું છે જ્યાં તમને ડર નથી લાગતો. મારે સત્ય જાણવું છે."

     તેની વાત સામે હું કશું બોલવા માંગતો નોહતો.એવું સાંભળ્યું છે કે મણિકર્ણિકા ઘાટ પર અનંત શાંતિનો અનુભવ થાય છે. તેની ઉર્જા મનને શાંત કરે છે. સતત બે દિવસના ઉજાગરા, ડર આ બધું મારી અંદર ચાલે છે. તે શાંત કરવા વનિતાની આ વાતે મને તૈયાર કર્યો. ના તેની જીદ આગળ મારે નમવું પડ્યું. "ઠીક છે," મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું. "તો ચાલ, મણિકર્ણિકા."

અમે રાતના ઘનઘોર અંધકારમાં હોટલ ' ગંગા કિનારે' માંથી બહાર નીકળ્યા. દિવસે જે ગલીઓ ભીડથી ઉભરાતી હોય છે, તે વારાણસીની ગલીઓ અત્યારે સાવ નિર્જન અને બિહામણી લાગતી હતી. ક્યાંક ખૂણે કૂતરાઓના રડવાનો અવાજ આવતો હતો, તો ક્યાંક ગાયના ગળાની ઘંટડી રણકતી હતી. અમે જેમ જેમ મણિકર્ણિકા ઘાટ તરફ આગળ વધ્યા, તેમ તેમ હવામાં એક અલગ જ, વિચિત્ર પ્રકારની ગંધ આવવા લાગી—જેમાં ઘી, કપૂર, સુખડ અને... બળેલા માનવ માંસની તીવ્ર વાસ ભળેલી હતી. આ ગંધ નાકમાં નહીં, સીધી મગજમાં ચડી જતી હતી.

     એક સાંકડી ગલીમાંથી અમે બહાર નીકળ્યા અને સામેનું દ્રશ્ય જોઈને વનિતાના પગ જમીન સાથે જડાઈ ગયા. તેણે મારો હાથ એટલો જોરથી પકડી લીધો કે તેના નખ મારા કાંડામાં ખૂંપી ગયા.
સામે 'મહાસ્મશાન' જાગતું હતું. લોકોના મોંએ જે સાંભળ્યું હતું તે આજે જોયું પણ ખરું " જાગતું સ્મશાન , સ્મશાન કે જે ક્યારેય શાંત થતું નથી. મેં સમય જોયો રાત્રિના બે વાગ્યાનો સમય હતો. આટલી મોડી રાત્રે પણ એકસાથે પચીસથી ત્રીસ ચિતાઓ સળગી રહી હતી. અગ્નિની લાલ, પીળી અને કેસરી જ્વાળાઓ અમાસની રાતના અંધકારને ચીરીને આકાશને આંબતી હતી. ગંગાના કાળા ડિબાંગ પાણીમાં એ આગનું પ્રતિબિંબ લહેરાતું હતું, જાણે નદીમાં પણ આગ લાગી હોય. ચારે બાજુ એક જ નાદ ગુંજતો હતો: "રામ નામ સત્ય હૈ! હરિ કા નામ સત્ય હૈ!"

      યમ રાજાના માણસો લાકડાંના મોટા ઢગલાઓ ચિતાઓમાં ખડકતા હતા. કોઈક ચિતા પરથી ખોપરી ફૂટવાનો 'ફટાક' અવાજ આવતો હતો. કોઈક ખૂણે સ્વજનોનું ડૂસકું સંભળાતું હતું, તો કોઈક સાધુ ગાંજાની ચલમ ફૂંકતો નિરાંતે બેઠો હતો. અહીં જીવન અને મૃત્યુ વચ્ચે કોઈ ભેદરેખા નહોતી.

     અમે ભીડથી થોડે દૂર, એક ઊંચા પથ્થરના ઓટલા પર જઈને બેઠા. ચિતાઓની ગરમી અમારા ચહેરા સુધી આવતી હતી. આ ગરમી અસહ્ય હતી, પણ તે શારીરિક કરતા માનસિક વધારે હતી.
"જો વનિતા," મેં સામે સળગતી એક ચિતા તરફ આંગળી ચીંધી. મારો અવાજ હવે શાંત થઈ ગયો હતો, જાણે આ આગે મારા અંદરના ડરને બાળી નાખ્યો હોય. "આ છે જીવનનું અંતિમ અને એકમાત્ર સત્ય. આપણે સુરતમાં જે ઘર, ગાડી, સોનું, પદ અને પ્રતિષ્ઠા માટે આખી જિંદગી મરીએ છીએ, દોડીએ છીએ, એકબીજાના પગ ખેંચીએ છીએ... તે બધું જ અહીં પૂરું થઈ જાય છે. આખરે શું બચે છે? આ એક મુઠ્ઠી રાખ. બસ આટલું જ."

    વનિતાની મોટી આંખોમાં અગ્નિનું પ્રતિબિંબ દેખાતું હતું. તેની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. "આ દ્રશ્ય ભયાનક છે હાર્દિક. મને ડર લાગે છે."

     "ના, આ ભયાનક નથી, આ મુક્તિ છે." મેં તેના ખભા પર હાથ મૂક્યો. "જેણે આ મૃત્યુને નરી આંખે જોઈ લીધું, તેને કૈલાશના બરફીલા રસ્તા, ઓક્સિજનની અછત કે મોતનો ડર નથી લાગતો. જો મરવું આટલું જ નિશ્ચિત અને સામાન્ય છે, તો પછી ડરી ડરીને જીવવાનો શું અર્થ? મને હવે મોતનો ડર નથી લાગતો વનિતા. મને ડર લાગે છે તો માત્ર અધૂરા રહી ગયેલા જીવનનો અને અધુરા રહેલા સ્વપ્નનો."

      અહીં બેસીને, એ ગરમી અને ગંધની વચ્ચે, મને લાગ્યું કે મારા મન પરનો વર્ષો જૂનો ભાર હળવો થઈ રહ્યો છે. પેલો 'હૂડી' વાળો માણસ, ટ્રેનનો પીછો, કે અજાણ્યો ભય—બધું જ અહીંની આગમાં ભસ્મ થઈ રહ્યું હતું. હું શૂન્યની નજીક પહોંચી રહ્યો હતો.
***

     અમે મૌન બેઠા હતા, ચિતાઓને તાકી રહ્યા હતા. ત્યાં જ, અમારી બરાબર બાજુમાં આવેલી એક ઠંડી પડેલી ચિતાના રાખના ઢગલામાંથી એક આકૃતિ અચાનક ઊભી થઈ. ખબર નોહતી એ રાખમાંથી ઊભું થયું કે અંધારા માંથી પ્રગટ થયું ! કે.....એવું લાગ્યું કે જાણે રાખમાંથી ફીનિક્સ પક્ષી જાગ્યું હોય! તે આકૃતિ અમારી તરફ આવતી હતી.નજીક આવી. 

     એક અઘોરી.

     તેમનું શરીર કદાવર હતું અને સંપૂર્ણપણે ચિતાની તાજી ભસ્મથી ખરડાયેલું હતું. રાખોડી રંગની ચામડી પર અગ્નિનો પ્રકાશ પડતો હતો. માથા પર ગૂંચવાયેલી લાંબી જટાઓ હતી. ગળામાં મનુષ્યના હાડકાં અને રુદ્રાક્ષની માળાઓ હતી. એક હાથમાં લોખંડનો ચીપિયો અને બીજા હાથમાં એક માનવ ખોપરી હતી. તેમની આંખો... ઓહ! તેમની આંખો લાલ અંગારા જેવી હતી, જેમાં નશો હતો કે બ્રહ્માંડનું જ્ઞાન, એ નક્કી કરવું મુશ્કેલ હતું.

      તેઓ સીધા અમારી પાસે આવ્યા. તેમના પગલાંનો અવાજ નહોતો આવતો. વનિતા ભયથી થથરી ગઈ અને મારી પીઠ પાછળ લપાઈ ગઈ. અઘોરી મારી સામે જોઈને ખડખડાટ હસ્યો. તેનું એ અટ્ટહાસ્ય આખા સ્મશાનમાં, "રામ નામ સત્ય હૈ" ના નાદની ઉપરવટ જઈને ગુંજી ઉઠ્યું.

    "આ ગયા બચ્ચા ? મૈં કબ સે તેરી રાહ દેખ રહા થા."

     હું હિંમત ભેગી કરીને ઊભો થયો. મારા પગ ધ્રૂજતા હતા પણ અવાજ સ્થિર રાખ્યો. "તમે... તમે મને ઓળખો છો મહારાજ?"
"હમ રૂહોં કો પહચાનતે હૈ, ચહેરો કો નહીં," તેમણે અત્યંત ઘેરા અને ગંભીર અવાજે કહ્યું. "તુમ વહી હો ના, જો પથ્થર મેં ભગવાન નહીં, લેકિન પથ્થર કા રહસ્ય ઢૂંઢને નિકલે હો? કૈલાસ... શૂન્ય... સમય કા આઈના..."

     હું સ્તબ્ધ થઈ ગયો. આ અઘોરી મારા મનની વાત, કેવી રીતે જાણે છે?

     અઘોરીએ પોતાની ફાટેલી, મેલી ઝોળીમાં હાથ નાખ્યો. અંદરથી એક અત્યંત જૂની, કાળી પડી ગયેલી ડાયરી કાઢી. તેનું પૂઠું જાડા ચામડાનું હતું, પણ તેની કિનારીઓ બળેલી હતી, જાણે તેને આગમાંથી બચાવી લેવાઈ હોય. તેમાંથી હજુ પણ કાગળ બળવાની વાસ આવતી હતી. તેમણે એ ડાયરી મારા હાથમાં મૂકી.

     "યે રખ લે. યે આખરી નિશાની હૈ."

     મેં ધ્રૂજતા હાથે ડાયરી લીધી. મોબાઈલની ટોર્ચના અજવાળામાં મેં તેને ખોલી. પાના પીળા અને બરડ થઈ ગયા હતા. અંદર અજાણી લિપિમાં લખાણ હતું—રશિયન ભાષા. વચ્ચે વચ્ચે હાથે દોરેલા વિચિત્ર નકશા અને યંત્રોના ચિત્રો હતા. એક પાના પર લખ્યું હતું: Project Shambhala.
" પણ આ કોની છે ? શું છે ? " મેં પૂછ્યું. મારા ગળામાં થૂંક સુકાઈ ગયું હતું.

      "વો પાગલ થા," અઘોરીએ ચલમ સળગાવતા કહ્યું. ધુમાડાના ગોટેગોટા નીકળ્યા. "વો કિસીકા કા સાથી થા. બરસોં પહેલે વો ભી યહી આયા થા. ઉસને ભી વહી રાસ્તા ચુના થા જો અભી તુને ચુના હૈ. વો ભી કૈલાસ કે ભીતર ગયા... પર વાપસ નહીં આયા. સિર્ફ ઉસકી યે ડાયરી વાપસ આયી, મેરે પાસ. ગંગા મેં બહતી હુઈ મેરે પાસ આઈ થી." 

    મારા હાથમાંથી પરસેવો છૂટવા લાગ્યો. કોની વાત કરે છે આ ? મુલદાસેવનો સાથી? એટલે કે ડૉ. મુલદાસેવના પુસ્તકમાં જે સાથીદારો ગાયબ થયા હતા તેનો ઉલ્લેખ છે, તેમાંથી કોઈ એક હતો? તેની આ ડાયરી છે ? એટલે કે શું મારી થિયરી સાચી હતી!? 

    "ઇસમેં નકશા હૈ," અઘોરીએ કહ્યું. "લેકિન યાદ રખના બચ્ચા... નકશા રાસ્તા દિખાતા હૈ, મંઝિલ નહીં. મંઝિલ તક પહોંચને કે લિયે ખુદ કો મિટાના પડતા હૈ."

    અચાનક, અઘોરીએ મારી આંખમાં આંખ પરોવી. તેની નજર તલવારની ધાર જેવી તીક્ષ્ણ થઈ ગઈ.
     
     "લેકિન તુમ ડરે હુએ હો. તુમ્હારી આત્મા કાંપ રહી હૈ. ક્યું? કિસકા ડર હૈ?"

"કોઈક... કોઈક અમારો પીછો કરે છે," મેં ગભરાઈને હકીકત સ્વીકારી લીધી. "સુરતથી... ટ્રેનમાં... કાળા કપડા વાળો માણસ."

    મેં અચાનક આજુબાજુ નજર ફેરવી. અને ત્યાં જ... સ્મશાનના એક અંધારા ખૂણામાં, એક થાંભલા પાછળ મને એ જ કાળી આકૃતિ દેખાઈ. એ જ કાળી હૂડી, એ જ ઢાંકેલો ચહેરો અને એ જ ક્રૂર આંખો.

    "જુઓ!" મેં ચીસ પાડી અને આંગળી ચીંધી. "પેલો રહ્યો! તે ત્યાં ઊભો છે! તે અહીં પણ આવી ગયો!"

    વનિતાએ ત્યાં જોયું. "હાર્દિક, ત્યાં કોઈ નથી. ખાલી અંધારું અને ધુમાડો છે. તમે વહેમમાં છો."

     "ના વનિતા, ધ્યાનથી જો! તે થાંભલાની પાછળ છે!" હું ધ્રૂજવા લાગ્યો. મને મારી આંખો પર વિશ્વાસ હતો.

     અઘોરી ખડખડાટ હસ્યો. તેણે પોતાની ચલમ બાજુ પર મૂકી અને ઊભો થયો. તે પેલા થાંભલા તરફ ગયો અને પોતાની ઝોળીમાંથી મુઠ્ઠી ભરીને રાખ ત્યાં હવામાં ફેંકી.

     "હટ! પીછે હટ! યે મેરા ઈલાકા હૈ!" તેણે હવામાં બૂમ પાડી.

      અને અચાનક, અમને એવું લાગ્યું કે ત્યાંથી કાળો ધુમાડો વિખેરાઈ ગયો. જાણે કોઈ આકૃતિ હવામાં ઓગળી ગઈ હોય. ત્યાં કોઈ હાડ-માસનો માણસ નહોતો.
   
     અઘોરી પાછો આવ્યો. તેનો ચહેરો હવે ગંભીર હતો.

     "વો કોઈ ઇન્સાન નહીં હૈ, બચ્ચા," તેણે વજન આપીને કહ્યું. "વો 'પ્રેત-છાયા' હૈ."

    "પ્રેત-છાયા?" વનિતાનો અવાજ ફાટી ગયો.

     "હા," અઘોરીએ સમજાવ્યું. "યે કાશી હૈ. યહાં હજારો આત્માએ મુક્તિ કે લિયે ભટકતી હૈ. લેકિન કુછ આત્માએ અતૃપ્ત હોતી હૈ—જિન્હે શરીર ચાહિયે, જિન્હે જીવન કી ભૂખ હૈ. જબ કોઈ ઇન્સાન કમજોર હોતા હૈ, ડરા હુઆ હોતા હૈ,... તબ યે કાલે સાયે ઉસ પર હાવી હોને કી કોશિશ કરતે હૈ."

    તેમણે વનિતા સામે આંગળી ચીંધી.

    "તુમ્હારે પીછે જો હૈ વો, તુમ્હારી ઉર્જા (Energy) પીના ચાહતા હૈ વો. વો તુમ્હે મારના નહીં ચાહતા, વો તુમ્હે ડરાકર તોડના ચાહતા હૈ. ક્યોંકી જબ તુમ ડર જાઓગે, તુમ કમજોર હો જાઓગે, તબ વો આસાની સે તુમ્હારે શરીર પર કબજા કર લેગા. ભુસાવલ મેં, આરતી મેં... વો સિર્ફ તુમ્હારા ડર બઢાને આયા થા. તાકી તુમ ટૂટ જાઓ ઓર નિર્બળ બનો ઓર વો તુમ્હારે શરીર પે આપના અધિકાર પા સકે."

 ***

   વનિતા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. એક પળમાં ભૂતકાળની બધી ઘટનાઓ ફિલ્મની પટ્ટીની જેમ તેની નજર સામે ફરી વળી હોય અને તેણે વિશ્લેષણ કર્યું હોય તેમ મારી સામે જોયું. તેની આંખો પહોળી થઈ ગઈ.

    "એટલે... એટલે ટ્રેનમાં જ્યારે ચા ઢોળાઈ હતી ત્યારે તમે એને જોયો હતો?" વનિતાનો અવાજ ધ્રૂજતો હતો. "ભુસાવલ સ્ટેશન પર તમે મારી આડા ઊભા રહી ગયા હતા, આરતી પછી તમે મારો હાથ જોરથી ખેંચીને ભાગ્યા હતા... એ બધું આના લીધે હતું?"

      "યે લડકા તુજે બચા રહા થા, પગલી!" અઘોરીએ વનિતાને ઠપકો આપતા કહ્યું. "ઇસે પતા થા કી કુછ ગલત હૈ. યે ખુદ અંદર સે ડરા હુઆ થા, લેકિન ઇસને અપના ડર તુજસે છુપાયા. ક્યોં? તાકી તુ કમજોર ના પડે. અગર તુ ડર જાતી, તો વો સાયા તુજ પર ભી હાવી હો જાતા. અંજાનેમે હી સહી લેકિન ઇસને ઢાલ બનકર તેરી રક્ષા કી, ઔર તુ ઇસે પાગલ સમજ રહી થી?"

    વનિતાના ગળામાંથી ડૂમો ભરાઈ આવ્યો. તેના હાથમાંથી બોટલ પડી ગઈ. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આજે આખો દિવસ તેણે મારા પર શંકા કરી હતી. મને વહેમી માન્યો હતો. હોટલના રૂમમાં મારી સાથે ઝઘડો કર્યો હતો. તેને એમ હતું કે હું બધું બગાડી રહ્યો છું. પણ હકીકત એ હતી કે હું એક અદ્રશ્ય અને ભયાનક શક્તિ સામે એકલો લડી રહ્યો હતો—માત્ર અને માત્ર તેને સુરક્ષિત રાખવા માટે.

    "હાર્દિક..." તમે એટલું બોલતા તે રડી પડી.

     તે મારી પાસે આવી અને મને જોરથી વળગી પડી. સ્મશાનની વચ્ચે, સળગતી ચિતાઓની સાક્ષીએ, તેણે મને ભીંસી નાખે તેવું આલિંગન આપ્યું. તેના આંસુ મારા ખભાને ભીંજવી રહ્યા હતા.
"મને માફ કરી દો..." તે મારા શર્ટને પકડીને રડતી હતી. "મેં તમને કેટલું ખોટું સંભળાવ્યું. મેં તમારા પર ગુસ્સો કર્યો. મેં માન્યું કે તમે બદલાઈ ગયા છો. મને ખબર નહોતી કે તમે... તમે તો મારા માટે લડતા હતા. તમે એકલા એકલા આટલું સહન કરતા હતા?"

     મેં તેના માથા પર હાથ ફેરવ્યો. મારી આંખો પણ ભીની થઈ ગઈ. "કંઈ વાંધો નહીં ગાંડી. તને સલામત રાખવી એ જ મારું વચન હતું. પતિ તરીકે મારી ફરજ હતી કે તારા સ્મિત પર કોઈ આંચ ન આવવા દઉં."

      એ સ્પર્શમાં પસ્તાવો હતો, પણ સાથે સાથે અતૂટ પ્રેમ અને વિશ્વાસ પણ હતો. હવે અમારી વચ્ચે કોઈ ગેરસમજ નહોતી. હવે અમે માત્ર સામાજિક પતિ-પત્ની નહોતા, અમે આત્મિક સાથી હતા. અમારું મિલન આ સ્મશાનમાં, સત્યની સાક્ષીએ પૂર્ણ થયું હતું.

     અઘોરી આ દ્રશ્ય જોઈને હસ્યો. તેણે એક રુદ્રાક્ષની માળા આપી.

   "પ્રેમ સબસે બડી ઢાલ હૈ," તેણે કહ્યું. "જબ તક તુમ દોનો એક દુસરે કે સાથ સચ્ચાઈ સે રહોગે, એક દુસરે પર ભરોસા કરોગે, તબ તક કોઈ સાયા, કોઈ પિશાચ તુમ્હારા કુછ નહીં બિગાડ પાયેગા. ડર કો પ્રેમ સે જીતો."

     તેમણે અમને બંનેને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.
"અબ જાઓ. યહાં એક પલ ભી મત રુકો. સુબહ હોતે હી નેપાલ નિકલ જાના પશુપતિ તુમ્હે આગેકા રાસ્તા દિખાયેગે. જાઓ વો તુમ્હારા ઇન્તજાર કર રહા હૈ. ઔર હા, પીછે મુડકર મત દેખના."

    અમે અઘોરીને પગે લાગ્યા. મારા હાથમાં રશિયન ડાયરી હતી અને બાજુમાં વનિતાનો મજબૂત સાથ હતો. જ્યારે અમે સ્મશાનની બહાર નીકળ્યા, ત્યારે મને લાગ્યું કે પેલો કાળો પડછાયો હંમેશ માટે પાછળ રહી ગયો છે. હવે ડર નહોતો, માત્ર સંકલ્પ હતો.

       અઘોરી બાબા ધુમાડામાં વિલીન થઈ ગયા પછી પણ અમે થોડીવાર ત્યાં જ ઊભા રહ્યા. સ્મશાનની આગ હવે મને ડરામણી નહોતી લાગતી, પણ પવિત્ર હવન જેવી લાગતી હતી. મારા મનમાંથી એક મોટો ભાર ઉતરી ગયો હતો.

      "ચાલ, હવે જઈએ," મેં ધીમેથી વનિતાનો હાથ પકડ્યો. આ વખતે મારો સ્પર્શ રક્ષકનો નહીં, પણ એક સાથીદારનો હતો.

     "હા," તેણે આંસુ લૂછ્યા. તેનો ચહેરો હવે શાંત હતો.

     અમે મણિકર્ણિકા ઘાટના પગથિયાં ચડીને ઉપર આવ્યા. થોડીવાર પહેલાં જે ગલીઓ ભીડ અને કોલાહલથી ઉભરાતી હતી, તે અત્યારે મધ્યરાત્રિના સમયે સાવ નિર્જન અને ભયાનક લાગતી હતી. વારાણસીની સાંકડી ગલીઓમાં વીજળીના આછા પીળા બલ્બ ટમટમતા હતા. અમે ચૂપચાપ ચાલતા હતા. અમારા પગલાંનો અવાજ ગલીઓમાં પડઘાતો હતો.

    "હાર્દિક," વનિતાએ મૌન તોડ્યું. "તમને ... તમને ક્યારે ખબર પડી કે એ માણસ નથી?"

     "જ્યારે ભુસાવલમાં મેં તેને જોયો ત્યારે જ મને શંકા ગઈ હતી," મેં કહ્યું. "એની આંખોમાં કોઈ ભાવ નહોતો. અને સૌથી મોટી વાત—આટલી ગરમીમાં કોઈ હૂડી પહેરીને ઊભું ન રહે. અને આરતી વખતે... ભીડમાં તે જે રીતે ગાયબ થયો, તે કોઈ માણસનું કામ નહોતું."

     વનિતાએ મારો હાથ વધારે જોરથી ભીંસી દીધો. "હવેથી હું તમને ક્યારેય કોઈ સવાલ નહીં પૂછું. તું જ્યાં લઈ જશો ત્યાં આવીશ."

    "પ્રેમનો અર્થ જ એ છે વનિતા," મેં તેની સામે જોઈને સ્મિત કર્યું. "એકબીજાના ડરને પી લેવો. હવે તું મારી સાથે છે ને, બસ એ જ મારી તાકાત છે."
*** 

    અમે હોટલ પર પહોંચ્યા. ચોકીદાર ઊંઘતો હતો. અમે ધીમેથી સીડી ચડીને અમારા રૂમમાં આવ્યા. રૂમમાં આવીને મેં સૌથી પહેલાં દરવાજાને ડબલ લોક કર્યું અને બારીના પડદા બરાબર ખેંચી લીધા. બહારની દુનિયા હવે બહાર હતી, પણ એક બીજી રહસ્યમય દુનિયા મારી બેગમાં હતી.

    વનિતા બેડ પર બેઠી. "પેલી ડાયરી..." તેણે ઈશારો કર્યો. "જોવી નથી?"

     મેં મારી બેગમાંથી પેલી કાળી, બળેલી અને ચામડાના પૂંઠાવાળી ડાયરી બહાર કાઢી. રૂમની સફેદ લાઈટમાં તે વધુ પ્રાચીન લાગતી હતી. તેમાંથી હજુ પણ સ્મશાનની રાખની ગંધ આવતી હતી.મેં ટેબલ લેમ્પ ચાલુ કર્યો અને અમે બંને તે પ્રકાશના વર્તુળમાં ઝુક્યા. મેં ધ્રૂજતા હાથે ડાયરીનું પહેલું પાનું ખોલ્યું.

    કાગળ અત્યંત બરડ થઈ ગયા હતા. શાહીનો રંગ કાળો મટીને કથ્થઈ થઈ ગયો હતો. પહેલા પાના પર રશિયન ભાષામાં (Cyrillic Script) કશુંક લખ્યું હતું. પણ તેની નીચે, લાલ શાહીથી અંગ્રેજીમાં લખેલું હતું:

"PROJECT: SHAMBHALA" (પ્રોજેક્ટ: શાંભાલા)
Year: 1998
Author: Nikolai Petrov

    "આતો મુદ્દલસેવના સાથીદાર નિકોલાઈ ની ડાયરી છે અને હતો પ્રોજેક્ટ શાંભાલા....તો શું આ ખરેખર સાચું છે ?" મારાથી બોલાઈ ગયું. 

    "શાંભાલા?" વનિતાએ પૂછ્યું. "એટલે શું?"

     "એક પૌરાણિક નગરી," મેં ઉત્તેજનાથી કહ્યું. "હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં માન્યતા છે કે હિમાલયમાં ક્યાંક 'શંભલા' કે 'જ્ઞાનગંજ' નામની જગ્યા છે, જ્યાં સિદ્ધ પુરુષો રહે છે."

    મેં પાના ફેરવ્યા. અંદર હાથે દોરેલા સ્કેચ હતા. એક સ્કેચ જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. તેમાં કૈલાશ પર્વત દોરેલો હતો, પણ બહારથી નહીં, અંદરથી! પિરામિડની અંદર ટનલ હતી જે નીચે જતી હતી અને ત્યાં એક વિશાળ હોલ જેવું ચિત્ર હતું.
ચિત્રની નીચે તૂટેલા રશિયામાં  લખ્યું હતું:

   «Вакуум. Нет времени. Генофонд, охраняемый гигантами».

મેં મોબાઈલમાં તેનું ભાષાંતર કર્યું.

(શૂન્યાવકાશ. સમય નથી. રાક્ષસી કદના રક્ષકો દ્વારા સુરક્ષિત જીન પૂલ.)

    "હાર્દિક, આ જો..." વનિતાએ એક પાના પર આંગળી મૂકી.
ત્યાં એક વિચિત્ર યંત્રનું ચિત્ર હતું, જે અરીસા જેવું લાગતું હતું. તેની બાજુમાં ચેતવણી લખી હતી: «ЗЕРКАЛО ВРЕМЕНИ — Не смотрите в зеркало. Оно пожирает ваше будущее». (સમયનો અરીસો - તેમાં જોતા નહીં. તે તમારું ભવિષ્ય ખાઈ જાય છે.)

    મારું ગળું સુકાઈ ગયું. ડુમસના અઘોરીએ કહ્યું હતું ને કે 'રહસ્ય ગહરા હૈ'. આ ડાયરીમાં એ રહસ્યોના નકશા હતા.

    "આ ડાયરી સામાન્ય નથી," મેં ડાયરી બંધ કરતા કહ્યું. "આ આપણી ગાઈડ છે, પણ સાથે સાથે આ એક શ્રાપ પણ હોઈ શકે છે. નિકોલાઈ પાછો નથી આવ્યો, પણ તેની ડાયરી આવી છે."
વનિતાએ મારી સામે જોયું. તેની આંખોમાં હવે ડરની જગ્યાએ એક મક્કમ નિર્ધાર હતો.

    "હાર્દિક," તેણે મારો હાથ પકડ્યો. "કાલે સવારે આપણે નેપાળ નીકળીએ છીએ ને?"

     "હા," મેં કહ્યું. "અને આ ડાયરી બેગમાં સૌથી નીચે સંતાડી દેજે.

    "હવે પછી કોઈ પણ કાળો પડછાયો આવે, હું ડરીશ નહીં. કારણ કે હવે મને ખબર છે કે મારો પતિ મારી ઢાલ છે. ચાલો હવે થોડી વાર આરામ કરી લઈએ ચાર વાગ્યા છે" વનિતા બોલી.

     તેના આ શબ્દોએ મારામાં સો હાથીનું બળ ભરી દીધું. મેં ડાયરી સંતાડી દીધી અને મોબાઈલમાં સવારનું એલાર્મ સેટ કર્યું.
મેં રૂમની મુખ્ય લાઈટ બંધ કરી અને માત્ર એક ડીમ નાઈટ-લેમ્પ ચાલુ રાખ્યો. ઓરડામાં એક સોનેરી, મધુર અંધકાર છવાઈ ગયો. હું પથારીમાં આવ્યો કે તરત જ વનિતાએ મને પોતાની તરફ ખેંચ્યો.

    અમે પથારીમાં આડા પડ્યા. વનિતા એક નાના બાળકની જેમ મારી છાતી સરસી ચાંપીને, લપાઈને ગોઠવાઈ ગઈ. મેં મારા બંને હાથોમાં તેને એવી રીતે જકડી લીધી જાણે હું તેને આ દુનિયાની કોઈ પણ તાકાતથી દૂર જવા દેવા માંગતો ન હોઉં.

    "હાર્દિક..." તેણે મારા શર્ટની અંદર હાથ સરકાવીને મારા ધબકતા હૃદય પર હથેળી મૂકી. તેનો અવાજ અત્યંત ધીમો અને ભીનો હતો. "મને વચન આપો, ગમે તે થાય... તમે મને એકલી મૂકીને ક્યાંય નહીં જાઓ."

   મેં તેના કપાળ પર, તેની બંધ પોપચાં પર અને છેલ્લે તેના હોઠ પર એક દીર્ઘ અને ઉષ્માભર્યું ચુંબન કર્યું. મારા આંગળાઓ તેના વાળમાં પ્રેમથી ફરતા હતા.

    "ક્યારેય નહીં..." મેં તેના કાનમાં ફફડતા અવાજે કહ્યું. "આજની રાતે મેં મૃત્યુ જોયું છે, પણ અત્યારે તને મારી બાહોમાં જોઈને મને જીવન મળી ગયું. તું મારો શ્વાસ છે વનિતા, અને શ્વાસ વિના શરીર જીવી ન શકે."

    અમારા શરીરો એકબીજામાં ઓગળી રહ્યા હતા. બહાર મણિકર્ણિકાની આગ ભલે ચિતાઓ બાળતી હોય, પણ અહીં આ બંધ ઓરડામાં અમારા પ્રેમની ઉષ્માએ તમામ ડર બાળીને રાખ કરી દીધા હતા. અમે એકબીજાને એટલું કસીને આલિંગન આપ્યું હતું કે જાણે બે શરીરો વચ્ચે હવા પસાર થવાની પણ જગ્યા નહોતી. અમારા શ્વાસોશ્વાસની લય એક થઈ ગઈ હતી. એ સ્પર્શમાં વાસના નહોતી, પણ એક અતૂટ સમર્પણ હતું—એકબીજામાં ભળી જવાની તીવ્ર ઝંખના હતી.

    થોડીવારમાં, મારી છાતી પર માથું રાખીને, મારા ધબકારાનો અવાજ સાંભળતા સાંભળતા વનિતા શાંત થઈ ગઈ. તેના ચહેરા પર હવે સ્મિત હતું. તે મારામાં સંપૂર્ણપણે સુરક્ષિત મહેસુસ કરી રહી હતી.

    અમે એકબીજામાં ગૂંથાયેલા રહીને જ ગાઢ નિદ્રામાં સરી ગયા.

      યુદ્ધના રણશિંગા ફૂંકાઈ ગયા હતા, પણ અત્યારે તો સમય થંભી ગયો હતો. અમારી મુસાફરી હવે માત્ર ભૌગોલિક રહી નહોતી, તે આત્મિક અને અલૌકિક બની ચૂકી હતી.