KAILASNA RAHSTYO : EK ROMANCHAK SAFAR - 3 in Gujarati Adventure Stories by Hardik Galiya books and stories PDF | કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 3.

Featured Books
Categories
Share

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 3.

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર 

ખંડ – ૧ 

પ્રકરણ ૩: માયાજાળ


 સોમવારનો યાંત્રિક સૂર્યોદય

રવિવારની રાત હંમેશા એક મખમલી છેતરપિંડી જેવી હોય છે. એ તમને આરામનો, શાંતિનો અને પોતાની જાત સાથે હોવાનો એક ભ્રમ આપે છે, પણ એ ભ્રમની બરાબર પાછળ સોમવાર નામનો રાક્ષસ મોઢું ફાડીને ઊભો હોય છે. તાપી કિનારે મિત્રો સાથે વિતાવેલી સાંજ, લોચાની લિજ્જત અને એ હળવાશ—આ બધું હવે જાણે કોઈ ગત જન્મની સ્મૃતિ હોય તેમ ભાસતું હતું.
મારા બેડરૂમની બારીમાંથી આવતા સવારના આછા પ્રકાશમાં ધૂળના રજકણો તરી રહ્યા હતા. મોબાઈલના એલાર્મે તેની કર્કશ ફરજ બજાવી. સવારના ૬:૦૦. આ માત્ર સમય નહોતો, આ એક સાયરન હતું—મારી રોબોટિક જિંદગીની ફેક્ટરી ચાલુ થવાનું સાયરન. મેં પથારીમાં પડ્યા પડ્યા જ છત તરફ જોયું. સીલિંગ ફેન ધીમી ગતિએ ફરી રહ્યો હતો. શું એ પણ કંટાળતો નહીં હોય? એક જ ધરી પર, એક જ દિશામાં, એકધાર્યું ગોળ ગોળ ફરવું... કદાચ મારી અને આ પંખાની નિયતિ એક જ હતી. ફરક માત્ર એટલો હતો કે તેને સ્વીચ બંધ થવાથી આરામ મળતો હતો, જ્યારે મારા મગજની સ્વીચ ઊંઘમાં પણ ચાલુ રહેતી હતી—સતત વિચારોના ચકડોળમાં.

હું ઊભો થયો. બ્રશ કરવું, નાહવું, શરીર લૂછવું—આ બધી ક્રિયાઓ મારા હાથે જાતે જ કરી લીધી. મારું મન ત્યાં હાજર નહોતું. બાથરૂમના અરીસામાં જ્યારે મેં મારું ભીનું મોઢું જોયું, ત્યારે મને સામે દેખાતી વ્યક્તિ અજાણી લાગી. આંખો નીચે કાળા કુંડાળા અને ચહેરા પર એક એવી ઉદાસીનતા હતી જે વર્ષોથી જામેલા લીલ જેવી ચીકણી હતી. મેં મારી જાતને પૂછ્યું, "હાર્દિક, તું કોણ છે? એક ભૂગોળ શિક્ષક? એક આજ્ઞાંકિત દીકરો? કે પછી અનંત બ્રહ્માંડમાં ખોવાયેલો એક મુસાફર જે પોતાનું સરનામું ભૂલી ગયો છે?" અરીસાએ કોઈ જવાબ ન આપ્યો. માત્ર પાણીનું એક ટીપું મારા વાળમાંથી સરીને ગાલ પર આવ્યું, જાણે અરીસામાં રહેલો મારો પડછાયો રડી રહ્યો હોય.

તૈયાર થઈને હું ડાઈનિંગ ટેબલ પર પહોંચ્યો. મમ્મીએ ચા અને ભાખરી મૂક્યા હતા. રસોડામાંથી વઘારની અને મસાલાની પરિચિત સુગંધ આવતી હતી, જે સામાન્ય રીતે મને ભૂખ લગાડતી, પણ આજે મને એ ગંધમાં બંધિયારપણું લાગ્યું.

"બેટા, આજે મોડું નથી થતું ને?" મમ્મીએ પૂછ્યું.

"ના," મેં ટૂંકો જવાબ આપ્યો. ચા નો ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો પણ તેનો સ્વાદ ન આવ્યો. મમ્મી કશુંક કહેવા માંગતી હતી, તેની આંખોમાં એક અપેક્ષા હતી, પણ સવારની ભાગદોડમાં કદાચ તેણે વાત ટાળી દીધી. સારું થયું. અત્યારે મારે કોઈ 'સંસારિક' ચર્ચામાં પડવું નહોતું. મારા મનમાં તો હિમાલયના પવનો ફૂંકાતા હતા.

મેં ગાડી સ્ટાર્ટ કરી. સુરતની સવાર એટલે સ્કૂલ રિક્ષાઓ, દૂધવાળાઓ અને નોકરીએ જતા લોકોની રેસ. સ્ટીયરીંગ પર મારા હાથ હતા, પગ ક્લચ અને બ્રેક પર નાચતા હતા, પણ મારું મન શૂન્યાવકાશમાં હતું. દરેક સિગ્નલ પર અટકતી વખતે મને થતું કે હું ક્યાં જઈ રહ્યો છું? જે સ્કૂલમાં હું જઈ રહ્યો છું, ત્યાં મારે એ જ નકશાઓ ભણાવવાના છે જે મેં હજારો વાર ભણાવ્યા છે. એ જ પર્વતો, એ જ નદીઓ... પણ પુસ્તકમાં છપાયેલી નદીઓમાં પાણી નથી હોતું અને નકશામાં દોરેલા પર્વતો પર ચડી શકાતું નથી. મને સાચા પર્વત જોઈતા હતા. મને એવી ઊંચાઈ જોઈતી હતી જ્યાં ઓક્સિજન ઓછો હોય પણ સત્ય વધારે હોય.

સ્કૂલનો વિશાળ લોખંડનો ગેટ આવ્યો. 'સરસ્વતી વિદ્યાલય'. નામ તો સરસ્વતીનું હતું, પણ અહીં પૂજા લક્ષ્મીની જ થતી હતી—ફી ના રૂપમાં, ડોનેશનના રૂપમાં. મેં પાર્કિંગમાં ગાડી મૂકી. આજુબાજુ અન્ય શિક્ષકો પણ પોતાની ગાડીઓ પાર્ક કરી રહ્યા હતા. સૌના ચહેરા પર એક માસ્ક ચડેલું હતું—'આદર્શ શિક્ષક'નું માસ્ક. હું પણ એ માસ્ક ચડાવીને ગાડીમાંથી ઉતર્યો.

સોનેરી બેડીઓ અને કચરાપેટી

હું સ્ટાફરૂમમાં દાખલ થયો. આ ઓરડો મને ક્યારેક મધપૂડા જેવો તો ક્યારેક ગેસ ચેમ્બર જેવો લાગતો. એસીની કૃત્રિમ ઠંડક વચ્ચે ગરમાગરમ ચર્ચાઓ ચાલતી હતી. હવાનો દરેક કણ ભૌતિકવાદથી ભારે હતો.

"અરે મહેતા સાહેબ, તમે સાંભળ્યું?" ગણિતના શિક્ષક જોશી સાહેબ, જેમના હાથમાં હંમેશા ચોકનો પાવડર અને આંખોમાં ગણતરીઓ રમતી હોય છે, તે આજે અસાધારણ ઉત્સાહમાં હતા. "સરકારે સાતમા પગારપંચના એરિયર્સનો બીજો હપ્તો મંજૂર કરી દીધો છે!"

"સાચું કહો છો?" મહેતા સાહેબની આંખોમાં એવી ચમક આવી ગઈ જાણે તેમને સાક્ષાત્ ઈશ્વર મળ્યા હોય. તેઓ મોઢામાં મૂકેલો સેવ-મમરાનો કોળિયો ચાવવાનું પણ ભૂલી ગયા. "કેટલા ટકા? અને ક્યારે જમા થશે?"

"આવતા મહિને પગાર સાથે. બસ, દિવાળી સુધરી ગઈ સમજો! મારે તો ઘરનું રિનોવેશન કરાવવું હતું, તે હવે પાક્કું."

બીજી તરફ, ગુજરાતીના શિક્ષિકા રંજનબેન અને વિજ્ઞાનના શિક્ષિકા દેસાઈ મેડમ વચ્ચે સાડીઓની ચર્ચા ચાલતી હતી.
"આ વખતે મેં બોમ્બે માર્કેટમાંથી જે સિલ્ક લીધું ને, એનો કલર જરાક ડલ નીકળ્યો," રંજનબેને દુઃખી અવાજે કહ્યું, જાણે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોય.

"એટલે જ હું કહું છું કે ઓનલાઇન ન લેવાય, કાપડ અડીને જ લેવું પડે," દેસાઈ મેડમે સલાહ આપી. "મારે તો હવે લગ્નની સીઝન આવે છે એટલે બે-ત્રણ નવી પેટર્ન લેવી છે."

હું મારી ખુરશી પર જઈને બેઠો. આજુબાજુનું આ દ્રશ્ય જોઈને મને આજે પારાવાર ઘૃણા ઉપજી આવી. શું આ છે માનવ જીવનનું લક્ષ્ય? થોડાક હજાર રૂપિયાનો વધારો? સાડીનો કલર? ઘરનું રિનોવેશન? આ લોકોની દુનિયા આટલી સીમિત કેમ છે? જે બ્રહ્માંડ અનંત રહસ્યોથી ભરેલું છે, જ્યાં તારાઓ જન્મે છે અને મરે છે, જ્યાં કૈલાશ જેવી દિવ્ય શક્તિઓ બિરાજમાન છે—એ બધું છોડીને આ લોકો આ કાગળના ટુકડાઓ (ચલણી નોટો) પાછળ કેમ પાગલ છે?

મને થયું કે હું ચીસ પાડીને પૂછું, "શું તમને દેખાતું નથી કે આપણે એક પાંજરામાં છીએ? આ પગાર, આ પેન્શન, આ સલામતી... આ બધું આપણને બાંધી રાખતી સોનેરી બેડીઓ છે! આપણે આત્મા વેચીને સુવિધાઓ ખરીદી રહ્યા છીએ!" પણ હું ચૂપ રહ્યો. મારી ચીસ મારા ગળામાં જ ડૂમો બની ગઈ. મારી સંવેદનાઓ તેમની સમજણ શક્તિની બહાર હતી.

મેં મારા ટેબલનું ડ્રોઅર ખોલ્યું. અંદર એક કોરો કાગળ પડ્યો હતો. આજે મેં નક્કી કર્યું હતું. બસ, બહુ થયું. મારે આ 'માયાજાળ'માંથી નીકળવું છે. મારે રાજીનામું આપવું છે. આ નિર્ણાયક ક્ષણ હતી. મેં પેન કાઢી. મારા હાથ સહેજ ધ્રૂજતા હતા, ડરથી નહીં, પણ એક મોટા પરિવર્તનની ઉત્તેજનાથી.

પ્રતિ,
આચાર્યશ્રી,
સરસ્વતી વિદ્યાલય, સુરત.
વિષય: રાજીનામું આપવા બાબત.
સાહેબશ્રી,
હું, હાર્દિક ગાળિયા, છેલ્લા ૮ વર્ષથી આપની સંસ્થામાં ભૂગોળ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. પરંતુ હવે મને લાગે છે કે હું મારી આંતરિક યાત્રા માટે...

હું અટક્યો. પેન કાગળ પર ચોંટી ગઈ. શું લખું? શું એવું લખું કે "મને કૈલાશ બોલાવે છે?" તેઓ મને પાગલ સમજશે. શું એવું લખું કે "મને આ સિસ્ટમ ગૂંગળાવે છે?" તેઓ કહેશે કે આ ડિપ્રેશન છે અને રજા લઈને આરામ કરો. સત્ય લખવાની મારામાં હિંમત નહોતી અને જૂઠ લખવાની ઇચ્છા નહોતી.

અચાનક, મારા મગજમાં એક બીજો અવાજ જાગ્યો. વ્યવહારુ બુદ્ધિનો, મધ્યમવર્ગીય ઉછેરનો અવાજ.

"હાર્દિક, તું નોકરી છોડી દઈશ તો ઘરના હપ્તા કોણ ભરશે? કારની લોન? આવતા વર્ષે પપ્પાનું મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે. મમ્મીની દવાઓ... તું એકલો કમાનાર છે. તારી પાસે એટલી બચત નથી કે તું હિમાલયમાં ભટકી શકે. સાધુ બનવા માટે પણ ભિક્ષાની જરૂર પડે છે."

મધ્યમવર્ગીય માણસની સૌથી મોટી કરુણતા એ છે કે તેના સપનાઓ અને તેની જવાબદારીઓ વચ્ચે હંમેશા યુદ્ધ ચાલતું હોય છે, અને મોટાભાગે જીત જવાબદારીઓની જ થાય છે. આર્થિક અસલામતીનો ડર કોઈ પણ આધ્યાત્મિક તરસ કરતાં વધારે ભયાનક હોય છે. મારી પેન કાગળ પર સ્થિર થઈ ગઈ. શાહીનો એક ડાઘો કાગળ પર ફેલાઈ ગયો, બિલકુલ મારા મનની જેમ.

મેં કાગળનો ડૂચો વાળ્યો. જોરથી મુઠ્ઠી વાળીને તેને દબાવી દીધો. મારી કાયરતા પર, મારી મજબૂરી પર મને ગુસ્સો આવ્યો. મેં રાજીનામું કચરાપેટીમાં ફેંકી દીધું. ફરી એકવાર, હું હારી ગયો. ફરી એકવાર, પગારની સુરક્ષા જીતી ગઈ. મેં પાણીનો ગ્લાસ પીધો અને ઊંડો શ્વાસ લીધો. ચહેરા પર ફરી પાછું 'શિક્ષક'નું માસ્ક ચડાવી દીધું.

બેલ વાગ્યો. ટન... ટન... ટન...

આ બેલ મને જેલના ઘંટ જેવો લાગ્યો. મારે ક્લાસમાં જવાનું હતું.

અદ્રશ્ય સંકેત અને રહસ્યમય ચિત્ર

હું કોરિડોરમાં ચાલતો હતો. બંને બાજુ વર્ગખંડોમાંથી શિક્ષકોના ભણાવવાના અવાજો આવતા હતા. ક્યાંક "A plus B whole square" ગોખાવાતું હતું, તો ક્યાંક મુઘલ સામ્રાજ્યની સાલવારીઓ રટાવાતી હતી. આ જ્ઞાન હતું કે માહિતીનો કચરો? જે શિક્ષણ માણસને પોતાની જાતને ઓળખતા ન શીખવે, તે શિક્ષણ શું કામનું? હું પોતે આ વ્યવસ્થાનો દલાલ હતો. હું પણ વિદ્યાર્થીઓને એ જ વેચતો હતો જે મને નકામું લાગતું હતું.
ધોરણ ૧૦-બ ના વર્ગખંડ પાસે હું પહોંચ્યો. અંદર કોલાહલ હતો. પણ જેવો હું દરવાજામાં પ્રવેશ્યો, વિદ્યાર્થીઓ ઊભા થયા.

"ગુડ મોર્નિંગ સર!"

એક યાંત્રિક અવાજ. કોઈ ભાવ નહિ, બસ એક ટેવ.
"ગુડ મોર્નિંગ, ગોડ મોર્નિંગ બેસો," મેં કહ્યું. મારી નજર વર્ગખંડમાં ફરી. ૪૦ ચહેરાઓ. કોઈને ડૉક્ટર થવું હશે, કોઈને એન્જિનિયર. પણ કોઈને 'માણસ' થવું છે કે કેમ, એ સવાલ કોઈ પૂછતું નથી. મેં ચોક હાથમાં લીધો અને બોર્ડ પર લખ્યું:

'હિમાલયની પર્વતમાળાઓ'.

મારે જે વિષય પર જીવવું હતું, તે વિષય પર માત્ર બોલવાનું હતું. કેવી વિડંબના!

મારું ધ્યાન છેલ્લી બેન્ચ પર ગયું. ચિરાગ.

ચિરાગ એક એવો વિદ્યાર્થી હતો જેનું વર્ગમાં હોવું કે ન હોવું બરાબર હતું. ભણવામાં મધ્યમ, તોફાનમાં પણ મધ્યમ. પણ આજે કંઈક અલગ હતું. તે માથું નીચું રાખીને પોતાની ડ્રોઈંગ બુકમાં કશુંક દોરી રહ્યો હતો. તેનું શરીર વર્ગમાં હતું, પણ તેની ચેતના ક્યાંક બીજે હતી. તેની એકાગ્રતા જોઈને મને નવાઈ લાગી. સામાન્ય રીતે ચિરાગ પાંચ મિનિટ પણ શાંત બેસી શકતો નથી. આજે તે કોઈ સાધકની જેમ એકચિત્તે મંડ્યો હતો.
હું ધીમે પગલે, કોઈ પણ અવાજ કર્યા વગર તેના તરફ ગયો. વર્ગના બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન મારા તરફ હતું, પણ ચિરાગ તો પોતાની દુનિયામાં ખોવાયેલો હતો. હું તેની પાછળ જઈને ઊભો રહ્યો. મારા પડછાયાથી પણ તે વિચલિત ન થયો. મેં તેની ડ્રોઈંગ બુકમાં નજર કરી.

એ ક્ષણે મારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. મારા પગના તળિયાથી લઈને માથાના વાળ સુધી એક કરંટ દોડી ગયો. હું સ્તબ્ધ થઈ ગયો, ડરથી નહીં, પણ એક અકલ્પનીય વિસ્મયથી.
સાદા સફેદ કાગળ પર, કાળા ચારકોલ પેન્સિલથી તેણે એક અદભુત, રૂંવાડા ઊભા કરી દે તેવું ચિત્ર દોર્યું હતું.

એક પર્વત. પણ એ કોઈ સામાન્ય ત્રિકોણ નહોતો જે બાળકો દોરે. આ એક પિરામિડ આકારનો, ભવ્ય અને રહસ્યમય પર્વત હતો. તેની કિનારીઓ તીક્ષ્ણ હતી, જાણે કોઈએ ચોકસાઈથી પથ્થર કોતર્યો હોય. તેના શિખર પર બરફનું ટોપું હતું, પણ પર્વતનો બાકીનો ભાગ કાળો ડિબાંગ પથ્થર હતો. આ એ જ આકાર હતો જે મેં ડૉ. મુલદાસેવના પુસ્તકમાં જોયો હતો. આ કૈલાશ હતો! પણ ચિરાગને ક્યાંથી ખબર? આ સુરતના રસ્તાઓ પર રખડતા છોકરાને કૈલાશના આવા ચોક્કસ આકારની કલ્પના ક્યાંથી આવી? ચિત્રમાં માત્ર પર્વત નહોતો. પર્વતની ઉપર આકાશમાં વિચિત્ર વમળો દોરેલા હતા, જાણે ઊર્જાનું તોફાન હોય. અને સૌથી ચોંકાવનારી વાત—પર્વતની તળેટીમાં એક નાનકડી માનવ આકૃતિ હતી. એ આકૃતિ પીઠ ફેરવીને પર્વત તરફ ચાલી રહી હતી. એ આકૃતિના ખભા પર એક થેલો હતો અને તેનો દેખાવ... તેનો દેખાવ આબેહૂબ મારા જેવો હતો! મેં જે શર્ટ આજે પહેર્યો હતો, એવા જ ચેક્સ તેણે પેન્સિલના શેડિંગથી ઉપસાવ્યા હતા. જાણે તે વર્તમાન નહીં, પણ મારું ભવિષ્ય દોરી રહ્યો હતો.

મેં મારા શ્વાસ રોકી રાખ્યા. શિક્ષક તરીકેની મારી સત્તા અત્યારે ઓગળી ગઈ હતી, હું માત્ર એક જિજ્ઞાસુ બની ગયો હતો.
"ચિરાગ..." મેં અત્યંત શાંત પણ ગંભીર અવાજે તેને બોલાવ્યો.
ચિરાગ ચમકીને ઊભો થઈ ગયો. તેના હાથમાંથી પેન્સિલ પડી ગઈ. તે વાસ્તવિકતામાં પાછો ફર્યો. "સો... સોરી સર! હું ધ્યાન આપીશ... પ્લીઝ પનિશમેન્ટ ના આપતા! હું હમણાં જ મૂકી દઉં છું." તે ગભરાઈ ગયો હતો, તેને લાગ્યું કે ભણવાના સમયે ચિત્ર દોરવા બદલ હું તેને વઢીશ.

"ના, બેસ. ડરવાની જરૂર નથી." મેં મારો હાથ તેના ખભા પર મૂક્યો. મારો સ્પર્શ તેને આશ્વાસન આપનારો હતો. "ચિરાગ, આ ચિત્ર... તેં ક્યાંથી જોઈને દોર્યું?"

મારા અવાજમાં રહેલી નરમાશ અને ગંભીરતા જોઈને ચિરાગ થોડો સ્વસ્થ થયો. તેણે મારી આંખોમાં જોયું. ત્યાં તેને શિક્ષકનો ગુસ્સો નહીં, પણ એક મિત્રની શોધ દેખાઈ.

"સર, મેં ક્યાંય જોયું નથી," તેણે ધીમેથી કહ્યું. "કાલે રાત્રે... મને એક બહુ વિચિત્ર સપનું આવ્યું હતું."

"સપનું?" મેં બાજુની ખાલી બેન્ચ પર બેઠક લીધી. "કેવું સપનું? મને વિસ્તારથી કહે."

આખા ક્લાસમાં સોપો પડી ગયો હતો. હાર્દિક સર, જે હંમેશા સિલેબસ પૂરો કરવાની ઉતાવળમાં હોય છે, તે આજે ભણાવવાનું છોડીને સપનાની વાતો સાંભળે છે? ચાલીસ જોડી આંખો અમારા પર મંડાયેલી હતી.

ચિરાગે આંખો બંધ કરી, જાણે તે એ દ્રશ્ય ફરી જોઈ રહ્યો હોય. "સર, સપનામાં ચારે બાજુ સફેદ બરફ હતો. બહુ જ ઠંડી હતી, પણ મને ઠંડી લાગતી નહોતી. ત્યાં સૂરજ નહોતો, તો પણ અજવાળું હતું—જાણે બરફ પોતે જ ચમકતો હોય. અને સામે આ પર્વત હતો. કાળો પથ્થરનો પર્વત."

તેણે શ્વાસ લીધો અને આગળ બોલ્યો, "એ પર્વતમાંથી અવાજ આવતો હતો સર. કોઈ મશીનનો નહીં, પણ જાણે કોઈ શ્વાસ લેતું હોય એવો 'હમમમ.... હમમમ' અવાજ. અને સર, એ પર્વત પર કોઈ ચડતું હતું. મેં બૂમ પાડીને પૂછ્યું 'કોણ છે?'. ત્યારે એ માણસે પાછળ જોયું..."

ચિરાગ અટક્યો અને મારી સામે આંગળી ચીંધી. "એ તમે હતા, સર. સેમ ટુ સેમ તમે. તમારો ચહેરો બહુ શાંત હતો, જેવો અત્યારે નથી હોતો. તમે હસતા હતા. અને તમે મને ઈશારો કર્યો કે 'ચાલ, હવે સમય થઈ ગયો છે'. બસ, પછી મારી ઊંઘ ઊડી ગઈ. સવારથી મને એ જ દ્રશ્ય દેખાયા કરે છે, મારા મગજમાંથી એ પર્વત જતો જ નથી, એટલે મેં દોરી નાખ્યું."

હું થીજી ગયો. સમય જાણે થંભી ગયો. ક્લાસરૂમની દીવાલો ગાયબ થઈ ગઈ અને મારી નજર સામે બરફીલા મેદાનો આવી ગયા.

એક ૧૫ વર્ષનો છોકરો, જેને કૈલાશના રહસ્યો સાથે કોઈ લેવાદેવા નથી, જેને મારા મનની મથામણ કે રશિયન પુસ્તક વિશે કશું જ ખબર નથી, તે મને મારા જ ગંતવ્ય સ્થાન પર જુએ છે? શું આ માત્ર સંજોગ હોઈ શકે?

વિજ્ઞાન કહે છે કે સંજોગોનું ગણિત હોય છે. પણ આ કયું ગણિત હતું? આ તો 'ટેલિપેથી' હતી અથવા કદાચ કોઈ દૈવી સંકેત. કૈલાશ મને માત્ર મારા વિચારોમાં જ નહીં, હવે બીજાના સપનાઓ દ્વારા પણ બોલાવી રહ્યો હતો. જાણે તે કહી રહ્યો હતો, "હાર્દિક, તારા મનના વહેમ કાઢી નાખ. આ તારો ભ્રમ નથી, આ તારું સત્ય છે. તારું ત્યાં આવવું નિશ્ચિત છે."

મેં ચિરાગના માથે હાથ ફેરવ્યો. "બહુ સરસ ચિત્ર છે, ચિરાગ. આને સાચવી રાખજે. કદાચ આ ચિત્ર જ મારો નકશો છે."
ચિરાગને મારી વાત સમજાય નહિ, પણ તે ખુશ થઈ ગયો કે મેં તેને કશું કહ્યું નહીં કે કોઈ સજા આપી નહીં. 

હું ફરીથી મારા ટેબલ પર ગયો. પણ હવે હું બદલાઈ ગયો હતો. પંદર મિનિટ પહેલા હું એક હતાશ શિક્ષક હતો, હવે હું એક એવો યાત્રી હતો જેને દિશા મળી ગઈ હતી. બાકીનો દિવસ મેં કેવી રીતે પસાર કર્યો, તે મને યાદ નથી. હું ક્લાસમાં હતો, પણ મન ક્યાંક બીજે હતું. મેં શું ભણાવ્યું, કોની સાથે વાત કરી, ટિફિનમાં શું ખાધું—બધું જ યાંત્રિક હતું. મારા મગજમાં માત્ર ચિરાગનું ડ્રોઈંગ અને પેલો કાળો પર્વત ઘૂમરાતા હતા.

 ઘર કે ?
સાંજે પાંચ વાગ્યે જ્યારે હું ઘરે પહોંચ્યો, ત્યારે હું શારીરિક અને માનસિક રીતે નિચોવાઈ ગયો હતો. મને બસ શાંતિ જોઈતી હતી. મારે મારા રૂમમાં પુરાઈને આ સંકેતોને ઉકેલવા હતા. મારે નકશાઓ જોવા હતા. પણ વિધાતાએ મારા માટે બીજી જ કસોટી ગોઠવી રાખી હતી.

ઘરમાં ઘૂસતાની સાથે જ વાતાવરણમાં એક અકુદરતી ગંભીરતા દેખાઈ. ટીવી બંધ હતું—જે સામાન્ય રીતે આ સમયે ચાલુ હોય. પપ્પા સોફા પર બેઠા હતા, હાથમાં છાપું હતું પણ તે વાંચતા નહોતા, બસ ઘૂંટણ પર મૂકી રાખ્યું હતું. મમ્મી રસોડામાં હતી પણ વાસણ ખખડવાનો અવાજ બહુ ધીમો હતો, જાણે કોઈ દબાયેલા પગલે કામ કરતું હોય.

હું બેગ મૂકીને સોફા પર બેઠો. "કેમ છો બધા? શાંતિ કેમ છે આટલી?"

"પાણી લાવું?" મમ્મી રસોડામાંથી બહાર આવી. તેના ચહેરા પર ભાર હતો. તેના હાથમાં પાણીનો ગ્લાસ અને... એક ફોટોગ્રાફ હતો.

મારું હૃદય બેસી ગયું. હું સમજી ગયો. ફરી પાછું એ જ નાટક. એ જ સામાજિક દબાણનું ચક્રવ્યૂહ.

મમ્મીએ પાણીનો ગ્લાસ આપ્યો અને પછી ધીમેથી પેલો ફોટોગ્રાફ મારી સામે ટીપોય પર મૂક્યો.

ફોટામાં એક યુવતી હતી. સ્ટુડિયોમાં પડાવેલો આર્ટિફિશિયલ ફોટો. ભારે મેકઅપ, કૃત્રિમ સ્મિત, અને ગળામાં સોનાનો સેટ. પાછળ બેકગ્રાઉન્ડમાં ફૂલોનો બગીચો હતો જે સ્પષ્ટ રીતે નકલી હતો. તેની આંખોમાં સપના હતા—ઘરના, પરિવારના, સુરક્ષાના. એ સપના ખોટા નહોતા, પણ એ સપના મારા નહોતા.

"આ વનિતા છે," પપ્પાએ ગળું સાફ કરતા શરૂઆત કરી. તેમનો અવાજ થોડો કડક અને થોડો યાચનાભર્યો હતો. "તારા કાકાની સાઢુભાઈની દીકરી. એમ.કોમ કરેલું છે. સરકારી બેંકની પરીક્ષાની તૈયારી કરે છે. ઘર બહુ સારું છે, સંસ્કારી લોકો છે. અને આપણે જેવું જોઈએ છે, તેવી જ ઠરેલ છોકરી છે."

મેં કપાળે હાથ દીધો. માથું ફાટતું હતું. સવારનો ઉત્સાહ ઓસરી ગયો. "પપ્પા, પ્લીઝ... આજે નહીં. હું બહુ થાકી ગયો છું."

"તો ક્યારે?" મમ્મીનો અવાજ એકદમ ઊંચો થઈ ગયો. તેમાં હવે ગુસ્સો અને રુદન બંને ભળેલા હતા. "રોજ તું 'આજે નહીં, કાલે નહીં' કરે છે. તારી ઉંમર જો હાર્દિક! ૨૭ વર્ષ થયા! સમાજમાં અમે શું મોઢું બતાવીએ? મારા સત્સંગમાં, પપ્પાના મંડળમાં—બધા પૂછે છે કે છોકરાનું કંઈ નક્કી થયું? છોકરામાં કોઈ ખોડ તો નથી ને? અમારે નીચું જોવું પડે છે તારા લીધે!"

"મમ્મી, મેં કોઈ ગુનો નથી કર્યો!" હું અકળાઈને બોલ્યો, મારો અવાજ પણ હવે ઊંચો થઈ ગયો. "મારે હમણાં લગ્ન નથી કરવા એ મારો વ્યક્તિગત નિર્ણય છે. એમાં સમાજ વચ્ચે ક્યાંથી આવ્યો? શું મારું જીવન સમાજને ખુશ કરવા માટે છે?"

"સમાજ તો વચ્ચે આવે જ ને!" પપ્પાએ ટેબલ પર હાથ પછાડ્યો. "આપણે જંગલમાં નથી રહેતા, હાર્દિક. આપણે સમાજમાં રહીએ છીએ. માણસ એકલો ન જીવી શકે. તને અત્યારે ખબર નથી પડતી, જવાનીના જોશમાં છે, પણ જ્યારે અમે આંખો મીંચી જઈશું ને, ત્યારે તને એકલતા કોરી ખાશે. બીમાર પડીશ ત્યારે કોણ પાણી પાશે તને? આ પુસ્તકો? આ તારા પર્વતો?"

તેમના શબ્દો તીરાની જેમ મને વાગતા હતા. તેઓ ખોટા નહોતા. તેમની પેઢીના હિસાબે, તેમના અનુભવના હિસાબે તેઓ સાચા હતા. મા-બાપ તરીકે તેમની ચિંતા વ્યાજબી હતી. એકલતા ભયાનક હોય છે, હું જાણતો હતો. પણ મારી વેદના કોણ સમજે? હું જે તૃષા અનુભવી રહ્યો હતો, એ કોઈ સ્ત્રીના પ્રેમથી છીપાય તેવી નહોતી. એ તૃષા અસ્તિત્વના અર્થની હતી. જો હું અત્યારે પરણી જાઉં, તો હું બે જિંદગી બરબાદ કરીશ—મારી અને એ નિર્દોષ છોકરીની. કારણ કે મારું શરીર અહીં હશે, બેંકની પરીક્ષાની વાતો સાંભળતું હશે, પણ આત્મા કૈલાશમાં ભટકતો હશે. શું એ છેતરપિંડી નથી?

"બેટા," મમ્મી મારી બાજુમાં બેસી ગઈ. તેના ગાલ પર આંસુ હતા. તેણે મારો હાથ પકડ્યો. તેનો સ્પર્શ મને તોડી રહ્યો હતો. "મારી સામું જો. શું તને તારા ઘરડા મા-બાપની કોઈ દયા નથી આવતી? અમારું સપનું છે કે તારું ઘર મંડાય, આંગણામાં નાના છોકરા રમે. શું તું અમારા માટે આટલું ન કરી શકે? બસ એકવાર મળી લે છોકરીને. પછી તને ગમે તો હા પાડજે. ખાલી મળી તો લે! અમને સંતોષ થાય."

આ 'ઈમોશનલ બ્લેકમેલ'નું સૌથી ઘાતક હથિયાર હતું. ભારતીય માતા-પિતા આંસુ અને મમતાનો એવો પાશ ફેંકે છે કે જેમાં મોટા મોટા ક્રાંતિકારીઓ પણ બંધાઈ જાય છે. હું ઘેરાઈ ગયો હતો.
"હું... હું વિચારીશ," મેં અત્યારે મામલો થાળે પાડવા કહ્યું. હું જાણતો હતો કે આ માત્ર સમય લંબાવવાની વાત છે.

"હવે વિચારવાનું નથી," પપ્પાએ નિર્ણય સંભળાવી દીધો. "રવિવારે સવારે આપણે જોવા જઈએ છીએ. મેં હા પાડી દીધી છે. છોકરીવાળા તૈયારી કરશે. હવે તું ના પાડીને મારી આબરૂ ન કાઢતો."

હું સ્તબ્ધ થઈ ગયો. મારી મરજી પૂછ્યા વગર નિર્ણય? મને ગુસ્સો આવ્યો, પણ સાથે સાથે અસહાયતા પણ લાગી. હું આ જાળમાં ફસાઈ રહ્યો હતો. જેટલો હું છૂટવા મથતો હતો, તેટલો વધારે ગૂંચવાતો હતો. હું કંઈ પણ બોલવા જાઉં તો વિવાદ વધે તેમ હતો.

હું કશું બોલ્યા વગર, ભારે હૃદયે ઊભો થયો અને મારા રૂમમાં ગયો. જોરથી દરવાજો બંધ કર્યો, જાણે આખી દુનિયાને બહાર કાઢી મૂકતો હોઉં.

નિર્ણયની પૂર્વસંધ્યા

અંધારા રૂમમાં હું પથારીમાં પડ્યો. મારી આંખો સામે બે ચિત્રો તરવરતા હતા. એક તરફ પેલો વનિતાનો ફોટોગ્રાફ—જેમાં એક સજાવેલી, સલામત, સુવિધાઓથી ભરેલી અને સામાજિક સ્વીકૃતિવાળી દુનિયા હતી. બીજી તરફ ચિરાગનું ડ્રોઈંગ—જેમાં કાળો, બિહામણો, બરફીલો પણ રહસ્યમય કૈલાશ પર્વત હતો, જ્યાં જોખમ હતું, ઠંડી હતી, એકલતા હતી પણ પરમ સત્ય હતું.
સંસાર મને ખેંચી રહ્યો હતો: "અહીં આવ, અહીં સુખ છે, ગરમ જમવાનું છે, સલામતી છે."

કૈલાશ મને પોકારી રહ્યો હતો: "અહીં આવ, અહીં શૂન્ય છે, પણ એ શૂન્યમાં જ પૂર્ણતા છે."

આજે સવારે ચિરાગે કહ્યું હતું, "સર, તમે પર્વત પર ચડતા હતા અને હસતા હતા."

શું એ ભવિષ્યવાણી હતી? શું હું ખરેખર આ બધી બેડીઓ તોડી શકીશ? પપ્પાના રવિવારના અલ્ટીમેટમ અને ચિરાગના સ્વપ્ન વચ્ચે હું સેન્ડવીચની જેમ ભીંસાઈ રહ્યો હતો. મને ગૂંગળામણ થવા લાગી. મેં બારી ખોલી નાખી. બહાર રાતનું આકાશ હતું. દૂર એક તારો ટમટમતો હતો. શું એ ધ્રુવનો તારો હતો? કે પછી એ દિશા હતી ઉત્તરની? જ્યાં કૈલાશ મારી રાહ જોઈને યુગોથી અડીખમ ઊભો છે?

એ રાત્રે, મને ઊંઘ ન આવી. હું આખી રાત પડખાં ઘસતો રહ્યો. પણ પરોઢ થતાં થતાં મારા મનમાં એક સ્પષ્ટતા આવી ગઈ. રવિવારે સવારે છોકરી જોવા જવું કે રવિવારે સુરત છોડવું... આ બેમાંથી એક રસ્તો મારે પસંદ કરવાનો હતો. બંને રસ્તા પર પીડા હતી. એક રસ્તા પર મારી જાતને ગુમાવવાની પીડા હતી, બીજા રસ્તા પર સ્વજનોને દુઃખ આપવાની પીડા હતી.

પણ જે હૃદય એકવાર કૈલાશના સાદને સાંભળી લે છે, તે પછી સંસારના ઘોંઘાટમાં જીવી શકતું નથી. મારા મનમાં એક સંકલ્પ આકાર લઈ રહ્યો હતો, ધીમો પણ મક્કમ. મેં મનોમન કૈલાશને વંદન કર્યા. "જો તું મને બોલાવે છે," મેં અંધારામાં ધીમેથી કહ્યું, "તો રસ્તો પણ તારે જ બતાવવો પડશે."

અને કદાચ, નિયતિએ મારા માટે રસ્તો તૈયાર કરી જ રાખ્યો હતો, બસ મારે તેના પર પહેલું ડગલું માંડવાની હિંમત ભેગી કરવાની હતી.
(ક્રમશઃ)