KAILASNA RAHSTYO : EK ROMANCHAK SAFAR - 6 in Gujarati Adventure Stories by Hardik Galiya books and stories PDF | કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 6

Featured Books
Categories
Share

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 6

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર

ખંડ – ૧ 

પ્રકરણ ૬: સુરતને વિદાય



    જૂન મહિનાનો છેલ્લો રવિવાર હતો. સુરતના આકાશમાં અષાઢના વાદળોએ જમાવટ કરી દીધી હતી. સવારથી જ સુરજ જાણે ક્યાંક રિસાઈને સંતાઈ ગયો હતો અને વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની ઉદાસીનતા અને ભેજ ભળેલો હતો. આકાશનો રંગ રાખોડી અને કાળાશ પડતો હતો, બિલકુલ મારા મનની જેમ. સુરત... મારું શહેર, મારી ઓળખ, અને મારું અસ્તિત્વ. આ શહેર છોડવાની હવે ઘડીઓ ગણાતી હતી. ઘડિયાળનો કાંટો જેમ જેમ આગળ વધતો હતો, તેમ તેમ મારા હૃદયના ધબકારા કોઈ અજાણી દિશા તરફ દોડી રહ્યા હતા. મનને એક એવી શાંતિ જોઈતી હતી જે ઘરની ચાર દીવાલોમાં કે સોસાયટીના કોલાહલમાં મળે તેમ નહોતી. જે તોફાન મારી ભીતર ચાલી રહ્યું હતું, તેને શાંત કરવા માટે મારે બહારના તોફાનને મળવું જરૂરી હતું.

    "વનિતા, ચાલ ડુમસ જઈએ," મેં સોફા પર બેઠાં બેઠાં જ કહ્યું. મારો અવાજ ભારે હતો.

    વનિતા રસોડામાંથી બહાર આવી. તેના ચહેરા પર પણ એ જ બેચેની હતી જે મારા મનમાં હતી. તે કશું બોલી નહીં, માત્ર માથું હલાવીને તૈયાર થવા ગઈ. તેને ખબર હતી કે આજે શબ્દો કરતા મૌનની વધુ જરૂર છે.અમે ગાડી લઈને નીકળ્યા ત્યારે સાંજના પાંચ વાગ્યા હતા. રવિવાર હોવાથી રસ્તા પર સહેલાણીઓની ભીડ હતી, પણ અમારે એ ભીડનો હિસ્સો નહોતું બનવું. સામાન્ય દિવસોમાં ડુમસ એટલે ભજીયાની લસણીયા સોડમ, મકાઈના ડોડા શેકતા લારીવાળાઓનો અવાજ, અને રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડતા બાળકોનો કોલાહલ. પણ આજે ડુમસનું રૂપ કંઈક અલગ જ હતું. કદાચ મારી જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી.

    અમે મુખ્ય બીચથી ઘણા દૂર, જ્યાં ગણેશ મંદિરથી આગળ સુલતાનાબાદ તરફનો નિર્જન કિનારો આવે છે, ત્યાં ગાડી પાર્ક કરી. અહીં માણસો નહિવત હતા. માત્ર દરિયાની કાળી રેતી અને ફીણવાળા તોફાની મોજાંઓનું સામ્રાજ્ય હતું. પવન એટલો તેજ હતો કે શરીરને ધક્કા મારતો હતો. દરિયો આજે મર્યાદા લોપી રહ્યો હતો. મોજાંઓ ઉછળીને જાણે આકાશને આંબવા મથતા હતા. ક્ષિતિજ પર સૂર્ય અસ્ત થતો દેખાતો નહોતો, પણ વાદળોની પાછળથી આવતો જાંબલી પ્રકાશ દરિયાના પાણીને વધુ રહસ્યમય અને ડરામણું બનાવી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે સૂર્ય કાળા પાણીમાં ડૂબીને આત્મહત્યા કરી રહ્યો છે.
અમે ભીની રેતી પર ચાલવાનું શરૂ કર્યું. પગ નીચે ખૂંપતી એ કાળી રેતીમાં એક વિચિત્ર ઠંડક હતી, જે સીધી કરોડરજ્જુ સુધી પહોંચતી હતી. કોઈ વાતચીત નહીં, બસ દરિયાનો ઘૂઘવાટ. હું અને વનિતા એક મોટા કાળા પથ્થર પર જઈને બેઠા. દરિયાનું પાણી પથ્થર સાથે અથડાઈને અમારા ચહેરા પર ઉડતું હતું. એ ખારાશમાં એક અલગ જ નશો હતો.

     "હાર્દિક..." વનિતાએ લાંબી ચુપકીદી તોડી. તેણે નીચે નમીને રેતીમાં પોતાની આંગળી ખૂંપાવી દીધી અને કોઈ અજાણી ભાત દોરવા લાગી. તેની નજર અનંત જળરાશિ પર સ્થિર હતી. "આપણે પાછા આવીશું ને? આ દરિયો, આ શહેર, આ આપણું ઘર... શું આ બધું ફરી મળશે?"

     તેનો પ્રશ્ન સાદો હતો, પણ જવાબ અઘરો હતો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને દરિયાની સામે જોયું. પેલું મોજું આવ્યું, કિનારા સાથે અથડાયું અને વિખેરાઈ ગયું. શું આપણું અસ્તિત્વ પણ આવું જ નથી?

     "ખબર નથી વનિતા," મેં સત્ય સ્વીકારી લીધું. "શરીર કદાચ પાછું આવશે. આપણે કદાચ જીવતા પાછા ફરીશું. પણ જે મન લઈને, જે સંસ્કાર લઈને, જે વિચારધારા લઈને આપણે જઈએ છીએ, તે મન તો ચોક્કસ ત્યાં હિમાલયમાં જ હોમાઈ જશે. આપણે જે 'હું' છીએ, તે 'હું' ને ત્યાં છોડીને આવવું પડશે. આપણે રાખ થઈને જવું પડશે, અને કદાચ નવો જન્મ લઈને પાછા ફરવું પડશે."

     વનિતાએ મારી સામે જોયું. તેની આંખોમાં પાણી હતું કે દરિયાની છાલક, એ ખબર ન પડી. "મને ડર લાગે છે, હાર્દિક. આપણે બધું જ દાવ પર લગાવી રહ્યા છીએ. આપણી નોકરી, આપણું ઘર, મા-બાપ... બધું જ."

    "જેને પામવું છે, તેણે ખોવુ તો પડશે જ," મેં કહ્યું. પણ મારું મન પણ ડરતું હતું. ત્યાં જ, પવનના ભયંકર સૂસવાટાને ચીરીને, દરિયાના ગર્જના કરતા અવાજની ઉપરવટ જઈને, એક ભારેખમ અને પડઘાયેલો અવાજ અમારી બિલકુલ પાછળથી આવ્યો.

    "જો મન છોડ કે જાતા હૈ, વહી શૂન્ય કો પાતા હૈ, બચ્ચા!"

     અમે બંને વીજળીનો કરંટ લાગ્યો હોય તેમ ચમકીને પાછળ ફર્યા. જે દ્રશ્ય જોયું તે કલ્પનાતીત હતું.અમારી પાછળ એક અઘોરી સાધુ ઊભા હતા. ખબર નહીં તેઓ ક્યાંથી આવ્યા હતા. આજુબાજુ દૂર દૂર સુધી કોઈ દેખાતું નહોતું. તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી અને ભયાનક હતું કે અમારા શ્વાસ થંભી ગયા. તેમનું શરીર કૃશકાય હતું, હાડકાં દેખાતા હતા, પણ તે હાડકાંમાં લોખંડ જેવી મજબૂતી હતી. શરીર પર માત્ર એક લંગોટ અને ઉપર કાળું વસ્ત્ર હતું જે પવનમાં ફડફડતું હતું, જાણે મૃત્યુની ધજા ફરકતી હોય. તેમના લાંબા, જટાવાળા વાળ પવનમાં વિખરાયેલા હતા. ગળામાં ખોપરી અને રુદ્રાક્ષની મોટી મોટી માળાઓ હતી જે એકબીજા સાથે અથડાઈને ખટ-ખટ અવાજ કરતી હતી. તેમના જમણા હાથમાં લોખંડનો મોટો ચીપિયો હતો અને ડાબા હાથમાં એક કમંડળ. આખા શરીરે ભભૂતિ લગાવેલી હતી, જેના કારણે તેમની કાળી ચામડી પર સફેદ રાખોડી થર જામી ગયા હતા. પણ સૌથી ભયાનક હતી તેમની આંખો. એ આંખો લાલઘૂમ હતી, જાણે બળતા અંગારા. એ આંખોમાં ગાંજો કે ભાંગનો નશો હતો કે બ્રહ્માંડનું ગૂઢ જ્ઞાન, એ નક્કી કરવું કોઈ સામાન્ય માણસ માટે અશક્ય હતું.

    હું અજાણતા જ, કોઈ અદ્રશ્ય શક્તિના પ્રભાવ હેઠળ ઊભો થઈ ગયો. મારા હાથ જોડાઈ ગયા. "પ્રણામ મહારાજ."

    અઘોરી ખડખડાટ હસ્યા. તેમનું હાસ્ય આજુબાજુના વાતાવરણમાં પડઘાયું. એ હાસ્ય ભયાનક હતું, છતાં તેમાં ક્યાંક એક વિચિત્ર મમતા હતી, જાણે કોઈ પિતા પોતાના બાળકને ભૂલ કરતા જોઈને હસતો હોય. તેમણે સીધું અમારી આંખોમાં જોઈને, કોઈ પણ ઓળખાણ કે ભૂમિકા બાંધ્યા વગર, શુદ્ધ હિન્દીમાં પૂછ્યું:

   "તુમ ઉત્તર કી ઓર જા રહે હો ના? જહાં સાંસે કમ ઔર રહસ્ય જ્યાદા હૈ?"

     હું થંભી ગયો. મારા પગ નીચેથી રેતી સરકી ગઈ. આ નિર્જન તટ પર, આ અજાણ્યા સાધુને મારા હૃદયનો નકશો કોણે બતાવ્યો? અમે તો હજુ સુધી કોઈને કહ્યું પણ નથી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ.

    "હા મહારાજ ," વનિતાનો અવાજ કાંપતો હતો. તે મારા હાથને જોરથી પકડીને ઊભી હતી.

    અઘોરીએ એક ડગલું આગળ ભર્યું. તેમની ઝોળીમાં હાથ નાખ્યો. મુઠ્ઠી ભરીને તાજી રાખ (ભભૂતિ) કાઢી. એ ભભૂતિમાંથી હજુ પણ ધૂપની સુગંધ અને ગરમાવો આવતો હતો. તેમણે મારા અને વનિતાના કપાળે જોરથી અંગૂઠો દબાવીને તિલક કર્યું. એ સ્પર્શ એટલો તીવ્ર હતો કે મને લાગ્યું જાણે મારા કપાળ પર કોઈએ સળગતો સિક્કો મૂકી દીધો હોય. મારા આખા શરીરમાં એક ઝણઝણાટી પ્રસરી ગઈ.

    "પર્વત બુલા રહા હૈ..." તેમણે આકાશ તરફ, ઉત્તર દિશામાં આંગળી ચીંધીને ગર્જના કરી. "વહાં કોઈ પથ્થર નહીં હૈ મૂર્ખ! તુમ જિસે પહાડ સમજતે હો, વો સાક્ષાત કાલ હૈ. વહાં સમય સોયા હુઆ હૈ. વો અપને ગર્ભ મેં છુપે સત્ય કે લિયે તુમ્હે પુકાર રહા હૈ. યે સંયોગ નહીં હૈ, યે ઋણાનુબંધ હૈ."

    મારી હિંમત એકઠી કરીને મેં પૂછ્યું, "ત્યાંની હવા પાતળી છે, ઓક્સિજન ઓછો છે એટલે ડર લાગે છે મહારાજ. શું અમે ટકી શકીશું?"

     આ સાંભળીને અઘોરીની આંખો વધુ લાલ થઈ ગઈ. તેઓ ગુસ્સામાં આવી ગયા હોય તેમ લાગ્યું. "હવા? તુમ હવા કી બાત કરતે હો? તુમ પ્રાણવાયુ કી ચિંતા કરતે હો જબકી તુમ પ્રાણદાતા કે પાસ જા રહે હો? વહાં હવા કમ નહીં હૈ, વહાં રહસ્ય ગહરા હૈ! ક્યા તુમ ઉસ સચ કો બરદાશ્ત કર પાઓગે જો સદીઓં સે દેવતાઓં ને છુપા રખા હૈ? વહાં તર્ક નહીં, સમર્પણ ચલતા હૈ! બુદ્ધિ કો યહીં છોડ જાના, સિર્ફ શ્રદ્ધા કો સાથ લે જાના."

    તેમણે પોતાના ચીપિયાને રેતીમાં જોરથી પછાડ્યો. અવાજ થયો જાણે કોઈ ધાતુ પથ્થર પર પછડાઈ હોય. "જાઓ! મહાકાલ ને રાસ્તા ખોલ દિયા હૈ. ડરના મત, જો ડરા, વો મરા."

    એટલું કહીને તેઓ અચાનક પાછા ફર્યા. તેમણે અમારી સામે બીજી વાર જોયું પણ નહીં. તેઓ અંધકાર તરફ, જ્યાં દરિયાની ખાડી હતી, ત્યાં ચાલવા લાગ્યા. હું અને વનિતા તેમને જોઈ રહ્યા. થોડી જ પળોમાં, જાણે દરિયાના ભેજમાં અને ધુમ્મસમાં ઓગળી ગયા હોય તેમ, તેઓ અમારી નજર સામે જ અદ્રશ્ય થઈ ગયા. ત્યાં માત્ર તેમના પગના નિશાન અને હવામાં તરતી રાખની સુગંધ બાકી રહી હતી.

    હું અને વનિતા ત્યાં જડવત ઊભા હતા. વનિતા, જે એમ.એસ.સી. ની વિદ્યાર્થીની હતી, જે દરેક વાતમાં લોજિક શોધતી, જે તર્ક વગર કશું સ્વીકારતી નહોતી, તેણે આજે ધ્રૂજતા હાથે કપાળ પરની ભભૂતિને સ્પર્શ કર્યો. તેની આંખોમાં મેં પહેલીવાર એક અતૂટ શ્રદ્ધાનો ભાવ જોયો. વિજ્ઞાન હારી રહ્યું હતું, વિશ્વાસ જીતી રહ્યો હતો.

   "હાર્દિક," તેણે મારા ખભે માથું મૂક્યું. તેનો અવાજ હવે શાંત હતો. "હવે મને કોઈ શંકા નથી. આ કોઈ વેકેશન કે એડવેન્ચર નથી. વિજ્ઞાનના નિયમો જ્યાં પૂરા થાય છે ત્યાં આ રહસ્ય ચાલુ થાય છે, અને રહસ્ય સાચું છે, અને આપણે ત્યાં જવું જ જોઈએ. કદાચ આપણે આ જ ક્ષણ માટે જન્મ્યા હતા."

     અમે પાછા ફર્યા ત્યારે રાત પડી ગઈ હતી, પણ અમારા કપાળ પરની ભભૂતિ અંધારામાં પણ સળગતી હતી.

***

     ઘરે પહોંચ્યા ત્યારે રાતના નવ વાગી ગયા હતા. ડાઈનિંગ ટેબલ પર જમવાની તૈયારીઓ થઈ ચૂકી હતી. રસોડામાંથી વઘારેલી ખીચડી અને રીંગણના ઓળાની સુગંધ આવતી હતી—એ સુગંધ જેની સાથે હું મોટો થયો હતો. પણ આજે એ સુગંધ મને બેચેન બનાવી રહી હતી.

    ડાઈનિંગ ટેબલ પરનું દ્રશ્ય મારા માટે કોઈ યુદ્ધના મેદાનથી ઓછું નહોતું. એક તરફ મારા વૃદ્ધ માતા-પિતા હતા, જેમના ચહેરા પર મારા માટે અનહદ પ્રેમ અને ચિંતા હતી. અને બીજી તરફ હું હતો, જે એક મોટું જૂઠ લઈને બેઠો હતો. થાળીમાં પીરસેલું ભોજન મને ઝેર જેવું લાગતું હતું, કારણ કે હું જેમને સૌથી વધુ પ્રેમ કરતો હતો, તેમને જ છેતરવાનો હતો.

     અમે જમવા બેઠા. ચમચી અને થાળીનો અવાજ પણ આજે મોટો લાગતો હતો. પપ્પાએ ટીવીનો અવાજ ધીમો કર્યો અને મારી સામે જોયું.

     "હાર્દિક, આજે કેમ મોડું થયું? ચહેરો કેમ ઉતરેલો છે?" પપ્પાએ પૂછ્યું.

     આ જ સમય હતો. મેં ટેબલ નીચે વનિતાનો હાથ પકડ્યો અને હિંમત એકઠી કરી.

    "પપ્પા..." મેં ગળું સાફ કરતા શરૂઆત કરી. મારા અવાજમાં મેં જાણીજોઈને થોડી પીડા અને લાચારી ભેળવી. "મારી કમરનો દુખાવો હવે સહન નથી થતો. આજે ડુમસ ગયા તો ત્યાં પણ ચલાતું નહોતું. ડોક્ટરે કહ્યું છે કે મણકામાં ગેપ વધી ગયો છે. એલોપેથીમાં હવે માત્ર ઓપરેશનનો રસ્તો બચ્યો છે, અને મને ઓપરેશનથી ડર લાગે છે."

     મમ્મીએ કોળિયો હાથમાં જ પકડી રાખ્યો. "હે ભગવાન! તો હવે શું થશે? આટલી નાની ઉંમરે ઓપરેશન?"

     "ના મમ્મી, ઓપરેશન નથી કરાવવું," મેં મારી પૂર્વયોજિત વાર્તા આગળ વધારી. મેં પાણીનો ગ્લાસ ભર્યો જેથી તેમની નજરોનો સામનો ન કરવો પડે. "મને એક મિત્રએ સલાહ આપી છે. ઉત્તરાખંડમાં, ઋષિકેશથી થોડે ઉપર હિમાલયની તળેટીમાં એક પ્રાચીન 'પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર' (નેચરોપેથી આશ્રમ) છે. ત્યાંની ખાસ જડીબુટ્ટીઓ, ગરમ પાણીના ઝરા અને ત્યાંનું શુદ્ધ વાતાવરણ... એનાથી મણકાનો ઘસારો કુદરતી રીતે ભરાઈ જાય છે. પણ ત્યાં સમય લાગે."

    પપ્પાએ ચશ્મા નાક પરથી સહેજ નીચે ઉતારીને મારી સામે ગંભીરતાથી જોયું. તેમના કપાળ પર કરચલીઓ ઉપસી આવી. "કેટલો સમય?"

     "પાંચ – સાત મહિના જેવું..." મેં ધીમેથી કહ્યું.

     મમ્મીની આંખ પહોળી થઈ ગઈ. "સાત મહિના? હિમાલય? પણ બેટા, એ તો કેટલું દૂર! અને ત્યાં તું એકલો કોની સેવા લેશે? ત્યાં કોણ ધ્યાન રાખશે તારું?"

     અહીં વનિતાએ તરત મોરચો સંભાળી લીધો. તેણે મારા કરતાં વધુ સારી રીતે રોલ ભજવ્યો. તેનો અવાજ એટલો સ્વાભાવિક અને મક્કમ હતો કે મને પણ એક ક્ષણ માટે સાચું લાગવા માંડ્યું.
"એકલા નથી જવાનું મમ્મી," વનિતાએ મમ્મીના હાથ પર હાથ મૂક્યો. "હું પણ સાથે જઈશ. હાર્દિકને ત્યાં લાંબો સમય રહીને સારવાર લેવી પડશે. તે એકલા નહીં રહી શકે. હું તેમનું ધ્યાન રાખીશ, અને સાથે સાથે મને પણ ત્યાંના વાતાવરણમાં થોડો માનસિક આરામ મળશે. મેં મારી કોલેજમાં રજા મૂકી દીધી છે."
"પપ્પા," મેં છેલ્લું અને સૌથી અકસીર તીર છોડ્યું. "આપણે ત્યાં 'દેવભૂમિ'માં રહીશું. સારવારની સાથે સાથે પ્રભુ ભક્તિ અને જાત્રા પણ થશે. ગંગા કિનારે રહેવાનું થશે."

     'સ્વાસ્થ્ય' અને 'દેવભૂમિ'—આ બે શબ્દોએ જાદુ કર્યું. ધાર્મિક મા-બાપનું હૃદય પીગળી ગયું. તેમના માટે દીકરાનું સ્વાસ્થ્ય અને ધર્મથી મોટું કશું નહોતું.

     પપ્પાએ એક ઊંડો નિસાસો નાખ્યો અને પછી હકારમાં માથું હલાવ્યું. "સારું બેટા," તેમણે નિર્ણય સંભળાવ્યો. "શરીર છે તો બધું છે. જો ત્યાં સારું થતું હોય તો ચોક્કસ જાઓ. પૈસાની ચિંતા બિલકુલ ન કરતા. બેંકમાંથી પૈસા ઉપાડી લેજો. અને હા, રોજ ફોન કરજો."

    મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. "તમે સાચવીને રહેજો હોં. પહાડી રસ્તાઓ છે."

    તેમની આ સરળતા, આ નિર્દોષ પ્રેમ જોઈને મારું હૃદય અંદરથી ચીરાઈ ગયું. મને થયું કે હું મોટેથી રડી પડું અને કહી દઉં કે "પપ્પા, હું સારવાર માટે નથી જતો, હું તો મોત અને રહસ્યની શોધમાં જાઉં છું! કદાચ હું પાછો ન પણ આવું!" પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. તેઓ મારા સ્વાસ્થ્ય માટે મને મોકલી રહ્યા હતા, આશીર્વાદ આપી રહ્યા હતા, અને હું? હું મારું જીવન જોખમમાં મૂકવા, એક અજાણી સફર પર જવા માટે તેમની લાગણીઓનો ઉપયોગ કરી રહ્યો હતો.

    આ 'પુણ્ય' હતું કે 'પાપ'? શું સત્યની શોધ માટે બોલાયેલું જુઠ્ઠાણું માફીને પાત્ર છે? મહાભારતમાં યુધિષ્ઠિરે અશ્વત્થામા માટે અર્ધસત્ય બોલવું પડ્યું હતું, તેમ મારે આજે મારા કૈલાશ માટે અર્ધસત્યનો સહારો લેવો પડ્યો હતો.

     જમ્યા પછી હું અને વનિતા અમારા રૂમમાં આવ્યા. અમે બંને ચૂપ હતા. આ અપરાધભાવ અમને કોરી ખાતો હતો, પણ હવે પાછા વળવાનો કોઈ રસ્તો નહોતો.

***

     રાત જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ અમારા રૂમમાં એક અલગ જ પ્રકારની ગતિવિધિ તેજ બની ગઈ હતી. જમ્યા પછી મમ્મી-પપ્પા સુઈ ગયા હતા, અને હવે સમય હતો અમારા 'મિશન'ની તૈયારી કરવાનો. રૂમનો દરવાજો અંદરથી લોક હતો. બેડ પર કપડાં, દવાઓ અને સાધનોનો ખડકલો હતો. આ કોઈ સામાન્ય પ્રવાસનું પેકિંગ નહોતું, આ એક યુદ્ધની તૈયારી હતી.
અમે સામાન્ય રીતે વેકેશનમાં જે ફેન્સી ટ્રોલી બેગ્સ વાપરતા હતા, તે આજે માળિયા પર જ રહેવા દીધી હતી. તેના બદલે, કબાટમાંથી બે મોટી, મજબૂત અને લશ્કરી લીલા રંગની 'રકસેક'
બહાર કાઢી હતી. ૬૦ લિટરની આ બેગ માત્ર સામાન ભરવાનું સાધન નહોતી, પણ આવનારા દિવસોમાં તે જ અમારું ઘર, અમારું ઓશીકું અને અમારો સહારો બનવાની હતી.

    "હાર્દિક, આ થર્મલ વેર ક્યાં મૂકું?" વનિતાએ હાથમાં ગરમ કપડાંની જોડ પકડીને પૂછ્યું.

    "સૌથી નીચે, તળિયે," મેં ધીમેથી કહ્યું. "ઉપર એવાં કપડાં રાખ જે જોઈને મમ્મી-પપ્પાને એમ લાગે કે આપણે કોઈ આશ્રમમાં જઈ રહ્યા છીએ. આ થર્મલ, આ વોટરપ્રૂફ જેકેટ્સ... એ બધાં નીચે દબાવી દે."

    મારા બેગમાં મેં મુદાલસેવનું પેલું પુસ્તક જેમને અહીંયા સુધી ખેંચી લાવેલુ તે મૂક્યું સાથે કૈલાસના બેઝ કેમ્પની માહિતી, ત્યાંના વાતાવરણની માહિતી અને પર્વતારોહકની ટ્રેનિંગ આપતા સેન્ટરોની માહિતી, કૈલાસ પર્વત અને આજુબાજુની પહાડીઓના નકશા અને મારા બીજા અન્ય રિસર્ચોની માહિતીના પેપર, બીજા અલગ અલગ ભૂવૈજ્ઞાનિકોએ કરેલા રિસર્ચ પેપર વગેરે મૂક્યું.

     અમારું પેકિંગ પણ અમારા જૂઠ જેવું જ હતું—ઉપરથી શાંત, અંદરથી તોફાની.

     બેગના સૌથી ઉપરના ભાગમાં અમે ખાદીના કુરતા, શાલ, અને પૂજાના પુસ્તકો મૂક્યા. કોઈ પણ જોવે તો એવું જ લાગે કે કોઈ યુગલ શાંતિની શોધમાં જઈ રહ્યું છે. પણ તેની નીચે? તેની નીચે જે સામાન હતો તે કોઈ યોદ્ધાનો હતો.માઈનસ ડિગ્રી તાપમાન સામે રક્ષણ આપે તેવા ડાઉન ફેધર જેકેટ્સ, બરફમાં પણ પગને ગરમ રાખે તેવા મેરિનો વુલના મોજાં, અને પવનને રોકતા વિન્ડચિટર. મેં મારા ભારેખમ ટ્રેકિંગ શૂઝને છાપામાં વીંટાળીને બેગની વચ્ચે એવી રીતે ગોઠવ્યા કે બહારથી તેનો આકાર ન દેખાય. આ બૂટ સામાન્ય નહોતા; તેના તળિયામાં લોખંડ જેવી પકડ હતી જે અમારે કૈલાશના પથરાળ રસ્તાઓ પર ટકાવી રાખવાની હતી.

    વનિતા ડ્રેસિંગ ટેબલ પાસે ઊભી હતી. તેણે પોતાની મેકઅપ કિટ, લિપસ્ટિક અને પરફ્યુમની બોટલોને એક બાજુ હડસેલી દીધી.
"હવે આની જરૂર નથી," તે બબડી. તેના બદલે તેણે સનસ્ક્રીન લોશન, હોઠ ફાટી ન જાય તે માટે લિપબામ, અને વેસેલિનની ડબ્બીઓ ભરી. શૃંગારનો સામાન છૂટી રહ્યો હતો, અને અસ્તિત્વ ટકાવવાનો સામાન મુકાઈ રહ્યો હતો.

    સૌથી મહત્વની હતી મેડિકલ કિટ.

    "ડાયમોક્સ લીધી?" મેં પૂછ્યું. ડાયમોક્સ—એટલે કે ઊંચાઈ પર થતી બીમારીની દવા. ઓક્સિજન ઓછો થાય ત્યારે જીવ બચાવવા આ જ ગોળી કામ આવે.

     "હા, અને કપૂરની ગોળીઓ પણ લીધી છે," વનિતાએ એક નાની પોટલી બતાવી. "સાંભળ્યું છે કે જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે કપૂર સૂંઘવાથી રાહત થાય છે."

     બેન્ડેજ, પેઈન કિલર સ્પ્રે, ગ્લુકોઝ પાવડર અને ડ્રાયફ્રૂટ્સ—અખરોટ, બદામ અને અંજીર. આ અમારો ખોરાક હતો. ત્યાં રોટલી-શાક મળશે કે કેમ તે નક્કી નહોતું.

     મેં મારા ડ્રોઅરમાંથી એક નાની, પણ પાવરફુલ LED ટોર્ચ અને વધારાની બેટરીઓ કાઢીને સાઈડ પોકેટમાં મૂકી. અને સાથે એક સ્વિસ-નાઈફ (ચપ્પુ). અજાણ્યા મુલકમાં આ નાનકડું હથિયાર બહુ કામનું હતું.છેલ્લે, મેં કબાટના ગુપ્ત ખાનામાંથી એક લાલ રંગની પોટલી કાઢી. તેમાં રુદ્રાક્ષની માળા હતી જે મારા દાદા પહેરતા હતા. મેં એ માળાને કોઈ કીમતી ઘરેણાંની જેમ સાચવીને મારા જેકેટના અંદરના ખિસ્સામાં મૂકી.જ્યારે બંને બેગ પેક થઈ ગઈ, ત્યારે મેં એક બેગ ઊંચકવાનો પ્રયત્ન કર્યો. વજન લગભગ ૧૨-૧૫ કિલો હતું.

    "આટલો બોજ ઊંચકી શકીશું?" વનિતાએ શંકાથી પૂછ્યું.

    "આ બોજ નથી વનિતા," મેં બેગની ચેઈન બંધ કરતા કહ્યું. "આ આપણી જિંદગી છે. અને આ બોજ તો આપણે સ્વેચ્છાએ ઉપાડ્યો છે, એટલે વજન નહીં લાગે."

     રૂમમાં હવે માત્ર બે મોટી બેગ્સ ઊભી હતી, જાણે બે મૌન સાધુઓ પ્રસ્થાનની રાહ જોઈ રહ્યા હોય. આ બેગ્સમાં માત્ર કપડાં નહોતા; તેમાં અમારો ડર, અમારો સંકલ્પ અને અમારું ભવિષ્ય કેદ હતું. મમ્મી-પપ્પા માટે આ 'સારવારનો સામાન' હતો, પણ અમારા માટે આ 'મુક્તિનો સામાન' હતો.

*** 

    બીજા દિવસે સાંજ પડતા સુધીમાં અમારા પેકિંગની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. મારી ટ્રેકિંગ બેગ એક ખૂણામાં પડી હતી, જાણે કોઈ સૈનિકનું બખ્તર. ત્યાં જ ડોરબેલ વાગી.

    મારા કોલેજના સાથીદારો—ભાવિક, મયંક અને મિતેશ—ઘરે આવ્યા. આ એ મિત્રો હતા જેમની સાથે મેં મસ્તીઓ કરી, એડવેન્ચર કર્યા , બાઈક ટ્રિપ કરી ,કોલેજમાં રખડપટ્ટી કરી હતી. તેઓ મારા જીવનનો અરીસો હતા.

    તેઓ પણ એવું જ માનતા હતા કે હું મારી કમરની બીમારીની સારવાર માટે જઈ રહ્યો છું. અમે મારા રૂમમાં બેઠા. સામાન્ય દિવસોમાં અમારો રૂમ ગાળો, મજાક અને ખીખિયારીઓથી ગાજતો હોય, પણ આજે વાતાવરણ ભારે અને ગંભીર હતું. મિત્રોના ચહેરા પર મજાક-મસ્તીને બદલે ચિંતા હતી.

    "જો હાર્દિક," મયંકે, વ્યવસાયે પેથોલોજિસ્ટ હતો, તેણે ગંભીર સલાહ આપતા કહ્યું. "નેચરોપેથી સારું છે, આયુર્વેદમાં તાકાત છે. પણ ત્યાં પહાડ પર બહુ ચઢાવ-ઉતાર ન કરતો. તારા મણકા પર પ્રેશર ન આવવું જોઈએ. અને વજન તો બિલકુલ ઉંચકતો નહીં."
હું મનોમન કડવું હસ્યો. 'દોસ્ત, તું વજન ન ઉંચકવાની વાત કરે છે, અને મારે તો મારી પીઠ પર આખી દુનિયાનું વજન અને બેગ લઈને દુનિયાના સૌથી ઊંચા પહાડ તરફ ચાલવાનું છે!' છતાં મેં ચહેરા પર ગંભીર ભાવ લાવીને માથું હલાવ્યું, "હા ડોક્ટર સાહેબ, હું ધ્યાન રાખીશ. બસ આરામ જ કરવાનો છે."

    મિતેશ, જે હંમેશા પ્રેક્ટિકલ વાતો કરતો, તેણે પૂછ્યું, "નેટવર્ક આવશે ત્યાં? વિડીયો કોલ કરજે અમને. અને હા, ત્યાંથી કંઈક સારું ઓર્ગેનિક મધ લાવજે."

    "હા ચોક્કસ," મેં કહ્યું.

    સૌથી છેલ્લે ભાવિક મારી પાસે આવ્યો. એ જ ભાવિક જેણે મને 'ડરપોક' કહ્યો હતો આજે તેની આંખોમાં માત્ર મિત્રતા અને સ્નેહ હતો. તેણે મને જોરથી ગળે લગાડ્યો. તેની પકડ મજબૂત હતી.

    "હાર્દિક..." તેનો અવાજ થોડો ભીનો અને ભારે હતો. "જલ્દી સાજો થઈને આવ. તારા વગર રવિવારની સાંજ સુની લાગે છે, સાલા. તું નથી હોતો તો આપણી 'કિટલી'ની ચા પણ ફિક્કી લાગે છે. તું આવીશ એટલે આપણે ફરીથી તાપી કિનારે જઈશું અને આખી રાત વાતો કરીશું."

    તેના ગળે મળતા જ મારી આંખો ભરાઈ આવી. મારા શરીરમાંથી એક કંપારી છૂટી ગઈ. મેં તેને એટલા જ જોરથી વળગીને જવાબ આપ્યો, "ચોક્કસ, ભાવિક."

    પણ આ શબ્દ બોલતી વખતે મારું ગળું ભરાઈ આવ્યું અને હૃદયમાં એક ભયાનક ધ્રાસકો પડ્યો—શું હું ખરેખર પાછો આવીશ? શું અમે ફરી ક્યારેય એ કિટલી પર ચા પી શકીશું? કે પછી આ અમારી છેલ્લી મુલાકાત છે?

    જ્યારે તેઓ નીચે ઉતરીને ગાડીમાં બેસતા હતા, ત્યારે હું બાલ્કનીમાં ઊભો હતો. સ્ટ્રીટ લાઈટના પીળા અજવાળામાં મેં તેમને છેલ્લી નજર ભરીને જોઈ લીધા. હાથ હલાવતા મારા મિત્રો... ગાડી સ્ટાર્ટ થઈ, લાલ બેક-લાઈટ ચાલુ થઈ અને ધીમે ધીમે ગાડી ગલીના વળાંક પર અદ્રશ્ય થઈ ગઈ.

    આ મારા અસ્તિત્વનો હિસ્સો હતા. તેમની સાથેની એ નિર્દોષ દુનિયા, એ નિશ્ચિંત હાસ્ય, એ બધું હવે પાછળ છૂટી રહ્યું હતું. મેં મનોમન કહ્યું, "માફ કરજો દોસ્તો, તમને અધૂરું સત્ય કહીને જાઉં છું. પણ તમારો મિત્ર હવે એક એવી દુનિયામાં જઈ રહ્યો છે જ્યાં કોઈ નકશા, કોઈ ડોક્ટર કે કોઈ દોસ્તી કામ નથી લાગતી. ત્યાં માત્ર એકલો જીવ અને પરમાત્મા હોય છે."

***

    સોમવારની સવાર. ઘડિયાળમાં સાત વાગ્યા હતા. સૂર્ય ઊગી રહ્યો હતો અને અમારું પ્રયાણ ઉત્તર તરફ હતું. ટેક્સી ઘરના આંગણે આવીને ઊભી રહી. સામાન ડેકીમાં મૂકાયો. મેં ઘરના ઉંબરાને પગે લાગીને નમસ્કાર કર્યા. કોને ખબર, ફરી આ ઉંબરો ચઢવા મળશે કે કેમ?

    અમે ગાડીમાં બેઠા. ગાડી કતારગામના સાંકડા, જાણીતા રસ્તાઓ પરથી પસાર થઈને મેઈન રોડ પર આવી. હું કારની બારીમાંથી મારા શહેરને, મારા સુરતને જોઈ રહ્યો હતો. આ એ જ રસ્તાઓ હતા જ્યાં મેં મારી સાયકલ ચલાવી હતી, જ્યાં મેં જિંદગીના ઘણા તડકા-છાંયડા જોયા હતા. દરેક ખૂણો, દરેક દુકાન સાથે એક યાદ જોડાયેલી હતી.

    અમે જ્યારે ચોક બજાર અને ઐતિહાસિક કોટ વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મુઘલ સરાઈ અને કિલ્લાની જૂની દીવાલો જોઈને મને સુરતના ઇતિહાસની યાદ આવી. આ શહેરે કેટલી આગ, કેટલી રેલ અને કેટલી લૂંટ જોઈ છે, છતાં તે દર વખતે બેઠું થયું છે. મને સુરતના પનોતા પુત્ર વીર નર્મદની વેદના યાદ આવી. અત્યારે સુરત હીરા અને કાપડથી ઝળહળતું હતું, બ્રિજ સીટી બની ગયું હતું, પણ મારા માટે આ ભૌતિક ચમક, આ કોંક્રિટના જંગલો હવે નિરર્થક હતા. નર્મદના શબ્દો મારા મનમાં પડઘાયા:

"આ તે શા તુજ હાલ, ‘સુરત સોનાની મૂરત’,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.
સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની" 

મને થયું, સાચે જ સુરત સોનાની મૂરત છે, અહીં અઢળક સંપત્તિ છે, લોકો પાસે ગાડીઓ છે, બંગલા છે. પણ આત્મા? માણસ અહીં પૈસા કમાવવા માટે પોતાની જાતને, પોતાની શાંતિને પાયમાલ કરી નાખે છે. સવારથી સાંજ સુધીની દોડધામ, માત્ર ભૌતિક સુખ પામવા માટે. હું એ પાયમાલીમાંથી, એ ચક્રવ્યૂહમાંથી બચવા જ ભાગી રહ્યો હતો ને? મારે સોનું નથી જોઈતું, મારે સત્ય જોઈતું હતું.

ગાડી સ્ટેશન રોડ પર આવી. ટ્રાફિક, રિક્ષાઓના હોર્ન, માણસોની ભીડ, ધૂળ અને ધુમાડો. સુરતનો આ ધબકાર હતો. જ્યારે ગાડી તાપી નદીના વિશાળ બ્રિજ પરથી પસાર થઈ, ત્યારે મેં નીચે જોયું. કાળું પાણી શાંતિથી વહી રહ્યું હતું. આ તાપી... સૂર્યપુત્રી તાપી. સુરતની જીવાદોરી. મને આધુનિક સુરતના સંવેદનશીલ ગઝલકાર ભગવતીકુમાર શર્માનો શેર યાદ આવ્યો. આ પંક્તિઓ જાણે મારા મનને આશ્વાસન આપી રહયો હતો કે હું ભલે શરીરથી દૂર જાઉં, પણ મારું હોવું અહીં જ રહેશે:

"હોવ હું ગમે ત્યાં પણ સુરત મારી ભીતર છે,
 તાપીના પાણીનો લહેકો મારી ભીતર છે."

અને....

"આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સૂરત ;
આંખ છે તાપી નદી ને એના જળનું નામ સૂરત.

જન્મથી, સદીઓથી મારાં અન્નજળનું નામ સૂરત;
મારા લોહીમાં ભળેલી એક પળનું નામ સૂરત.

આવ, ખેડી નાખ મારી છાતીનાં ડાંગરવનોને;
એક અણિયાળા છતાં મહેક્ન્ત હળનું નામ સૂરત.

વ્રજ વાહલું છે મને, વૈકુંઠમાં શું દોડી આવું?
રાધિકા શો હું ભ્રમર છું, મુજ કમળનું નામ સૂરત." 

– ભગવતી કુમારશર્મા 
 
    મારી આંખો ભીની થઈ ગઈ. મેં વનિતાનો હાથ પકડ્યો. તેનો હાથ પણ ઠંડો હતો. "જો વનિતા, આ તાપી સાક્ષી છે આપણી સફરની. આપણે ભલે હિમાલય જઈએ, ભલે ગંગા કિનારે હોઈએ, પણ આ તાપીનો લહેકો, આ સુરતી પણું આપણે સાથે લઈ જઈશું."

   વનિતાએ સ્મિત કર્યું, પણ એ સ્મિતમાં વિદાયની વેદના હતી.


***

    સુરતના ઉધના રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ નંબર ૪ પર 'તાપ્તી ગંગા એક્સપ્રેસ' કોઈ મહાકાય, થાકેલા અજગરની જેમ પડી હતી. એન્જિનનો ધીમો અવાજ, કુલીઓની લાલ વર્દી, ચાવાળાની બૂમો, મુસાફરોની ધક્કામુક્કી અને એનાઉન્સમેન્ટનો વિચિત્ર અવાજ—આ સ્ટેશનનું સનાતન સત્ય હતું. અહીં કોઈને કોઈની પડી નહોતી, બધા પોતાની મંઝિલ તરફ દોડતા હતા.

     મમ્મી-પપ્પા અમને છેક ડબ્બા સુધી મૂકવા આવ્યા હતા. અમારું રિઝર્વેશન એસી કોચમાં હતું. સામાન ગોઠવાઈ ગયો. હવે છૂટા પડવાની પળ આવી.

    મમ્મી મને વળગીને રડવા લાગી. "બેટા, દવા બરાબર લેજે. અને પહોંચીને તરત ફોન કરજે."

     પપ્પાએ મારા માથે હાથ મૂક્યો. તેમનો હાથ ધ્રૂજતો હતો. "જય શ્રી કૃષ્ણ બેટા. સાચવજો."

    ટ્રેનની વ્હીસલ વાગી—એક લાંબી, કર્કશ અને કાન ચીરી નાખે તેવી ચીસ. જાણે કોઈ મોટું બંધન તૂટી રહ્યું હોય.

     "ચાલો મમ્મી-પપ્પા, તમે નીકળો હવે," મેં કહ્યું, કારણ કે જો હું વધારે વાર તેમની સામે જોત તો કદાચ હું ટ્રેનમાંથી નીચે ઉતરી જાત.

    અમે ડબ્બામાં ચડ્યા. દરવાજો બંધ થયો. ટ્રેન ધીમે ધીમે સરકવા લાગી. મેં કાચની બારીમાંથી જોયું. પ્લેટફોર્મ પર ઉભેલા મમ્મી-પપ્પા હાથ હલાવતા હતા. તેમની આકૃતિઓ ધીમે ધીમે નાની થતી ગઈ. મમ્મીનો સાડલો, પપ્પાના સફેદ વાળ... બધું ધૂંધળું થતું ગયું અને અંતે સ્ટેશનની ભીડમાં, થાંભલાઓની પાછળ ઓગળી ગયું.

    ટ્રેને ગતિ પકડી. ખડ-ખડ... ખડ-ખડ...

   હું બારી પાસેની સીટ પર બેઠો હતો. બહાર સુરત શહેર દોડી રહ્યું હતું.

   શરૂઆતમાં વરાછા અને ઉધના બાજુની ગગનચુંબી ઈમારતો આવી. ટેક્સટાઇલ માર્કેટની કદાવર બિલ્ડિંગો, જેના પર લાગેલા મોટા હોર્ડિંગ્સ રંગબેરંગી સાડીઓ અને ડ્રેસ મટિરિયલનું પ્રદર્શન કરતા હતા. આ એ દુનિયા હતી જ્યાં સુખ વેચાતું હતું, પણ શાંતિ નહોતી મળતી. જ્યાં માણસ મશીન બની ગયો હતો. પછી રિંગરોડના ફ્લાયઓવર આવ્યા, જેના પર વાહનોની લાઈટો નદીની જેમ વહેતી હતી—લાલ અને પીળી લાઈટોનો પ્રવાહ. આ ગતિ, આ દોડધામ, આ અવિરત સંઘર્ષ... બધું હવે મને એક માયાજાળ લાગતું હતું. એક એવી જાળ જેમાં હું વર્ષોથી ફસાયેલો હતો અને આજે હું તેમાંથી છટકી રહ્યો હતો.
થોડીવારમાં ટ્રેન તાપી નદીના મોટા બ્રિજ પર આવી. ટ્રેનનો અવાજ બદલાયો—વધારે ઘેરો અને ગુંજતો થયો.

    મેં અંધકારમાં નીચે જોયું. તાપી નદી શાંતિથી વહેતી હતી. કિનારા પરની સ્ટ્રીટ લાઈટોના પ્રતિબિંબ કાળા પાણીમાં લાંબા લિસોટા પાડતા હતા, જાણે સોનાના સાપ તરતા હોય. જાણે શહેરની આખરી ઝલક પાણીમાં ડૂબી રહી હતી. મેં મનોમન તાપી મૈયાને પ્રણામ કર્યા. "ફરી મળીશું મા, જો નસીબમાં હશે તો."
ટ્રેન જેમ જેમ આગળ વધી, તેમ તેમ દ્રશ્યો બદલાયા. શહેરની રોશની ઓછી થતી ગઈ. હવે ગીચ વસ્તીને બદલે છૂટાછવાયા મકાનો, ઝૂંપડપટ્ટીઓ, ફેક્ટરીઓની ચીમનીઓ અને છેલ્લે દૂર દેખાતા હાઈવેના લાઈટ ટાવર્સ આવવા લાગ્યા.સભ્યતા પાછળ છૂટી રહી હતી.

    અને પછી, માત્ર અંધકાર.

    ટ્રેન શહેરની હદ વટાવીને ગામડાઓ અને ખેતરો વચ્ચેથી પસાર થઈ રહી હતી. બહાર ઘોર અંધકાર હતો. ખેતરો, વૃક્ષો અને ખુલ્લા આકાશનો અંધકાર. શહેરનું કૃત્રિમ, આંખોને આંજતું એલઈડી અજવાળું હવે પ્રકૃતિના ગાઢ, રહસ્યમય અને શાંત અંધકારમાં ફેરવાઈ ગયું હતું.

     મેં બારી થોડી વાર માટે ખોલી. સિમેન્ટ, પેટ્રોલ અને ગટરની દુર્ગંધની જગ્યાએ હવે ભીની માટી, છાણ અને રાતરાણીની મિશ્ર સુગંધ આવતી હતી. આ માટીની સુગંધમાં એક સચ્ચાઈ હતી. પવન મારા ચહેરા પર વાગતો હતો, મારા વાળ ઉડાડતો હતો. આ પવનમાં મુક્તિ હતી.ડબ્બામાં બીજા મુસાફરો વાતો કરતા હતા. કોઈ જમતું હતું, કોઈ ફોન પર મોટેથી ધંધાની વાતો કરતું હતું, કોઈ બાળક રડતું હતું. આ આખી દુનિયા પોતાની મસ્તીમાં હતી, પણ અમે બંને—હું અને વનિતા—એક અલગ જ ટાપુ પર હતા. અમારી વચ્ચે શબ્દો ખૂટી ગયા હતા.

    મેં વનિતા સામે જોયું. તે પોતાની સીટ પર પલાંઠી વાળીને બેઠી હતી. તેની આંખો બંધ હતી, કદાચ તે ધ્યાન કરવાનો પ્રયત્ન કરતી હતી. તેના ચહેરા પર હવે ડર નહોતો, પણ એક ગંભીર શાંતિ હતી. એક અલગ જ સમર્પણ હતું. તેણે આંખો ખોલી અને પોતાની હેન્ડબેગમાંથી એક નાની ડાયરી કાઢી. તેણે પેન લીધી અને ડાયરીના કોરા પાના પર આજની તારીખ લખી.

    આ અમારી નવી જિંદગીનું પહેલું પાનું હતું. જેની શાહી હજુ ભીની હતી અને લખાણ અસ્પષ્ટ હતું.

     ટ્રેનના પૈડાં પાટા પર એક લયમાં ગીત ગાતા હતા. તડ-તડ... તડ-તડ... એ અવાજમાં મને પેલા અઘોરીના શબ્દો ફરી ફરીને સંભળાતા હતા, જાણે ટ્રેન પણ એ જ મંત્ર જાપ કરતી હોય:
"વહાં હવા કમ નહીં હૈ, રહસ્ય ગહરા હૈ... રહસ્ય ગહરા હૈ..."
સુરત હવે ઘણું પાછળ હતું. ભૌતિક સુખ, મારી નોકરી, મારી ગાડી, મારા મિત્રો—બધું પાછળ હતું. અને આગળ? આગળ માત્ર એક અજાણ્યો પંથ હતો. ઉત્તર દિશા... જ્યા હિમાલય હતો, જ્યાં કૈલાશ હતો, અને જ્યાં મોત અને મોક્ષની વચ્ચેની પાતળી રેખા જેવું સત્ય હતું.

    મેં મારી સીટ પર માથું ટેકવ્યું અને આંખો બંધ કરી. પણ ઊંઘ આવતી નહોતી. બંધ આંખે મને બરફના પહાડો અને પેલો ત્રિશૂળધારી અઘોરી દેખાતો હતો.

    આખી રાત ટ્રેન અંધકારને ચીરીને ઉત્તર તરફ દોડતી રહી, અને મારું મન અનંતના વિચારોમાં અટવાયેલું રહ્યું. સફર શરૂ થઈ ચૂકી હતી. હવે પાછા વળવું અશક્ય હતું.

***