કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર
ખંડ – ૧
પ્રકરણ ૫: ઉત્તરપથનું આહ્વાન
કાફેમાં થયેલા એ ઉગ્ર અને કડવાશભર્યા ઝઘડા પછી, મારા અને મારા બાળપણના ત્રણ જિગરજાન મિત્રો—મયંક, મિતેશ અને ભાવિક—વચ્ચે એક અદ્રશ્ય, પણ અભેદ દીવાલ ચણાઈ ગઈ હતી. આ દીવાલ ઈંટ કે પથ્થરની નહોતી, પણ વિચારોના સંઘર્ષની હતી.
દિવસો વીતતા ગયા તેમ અમારું ‘યારો કી યારી’ વોટ્સએપ ગ્રુપ, જે પહેલા રાત-દિવસ મજાક-મસ્તી, રાજકીય ચર્ચાઓ અને ક્રિકેટના સ્કોરથી ધમધમતું હતું, તે હવે કોઈ વેરાન ખંડેર જેવું ભાસતું હતું. સવારે ફોન હાથમાં લઉં તો સ્ક્રીન પર માત્ર ઓફિશિયલ ગ્રુપ્સના મેસેજ હોય. ક્યારેક મયંક ભૂલથી કોઈ 'ગુડ મોર્નિંગ'નું ફોરવર્ડિયું મોકલી દેતો, તો ક્યારેક મિતેશ કોઈ જોક મોકલતો, પણ તેની નીચે કોઈ 'haha' કે રિપ્લાય આવતો નહીં. આ મૌન મને કોરી ખાતું હતું. પહેલા મને રડવું આવતું, પણ હવે ભાવિકના કડવા શબ્દોએ મારા આંસુ સૂકવી નાખ્યા હતા અને મારા ઈરાદાઓને લોખંડી બનાવી દીધા હતા.
***
એવામાં, મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. મારું અને વનિતાનું સગપણ નક્કી થયું.સગાઈની તારીખ નક્કી થઈ ગઈ હતી. ઘરમાં આનંદનો માહોલ હતો, પણ મારું મન અશાંત હતું. શું મારા સૌથી ખાસ મિત્રો મારી સગાઈમાં નહીં હોય?
મેં હિંમત કરી. સગાઈનું મૌખિક આમંત્રણ અને પેડાનું બોક્સ લઈને હું સૌથી પહેલા ભાવિકના ઘરે ગયો.
મેં ખચકાતા હૈયે દરવાજો ખખડાવ્યો.
સાંજના સાત વાગ્યા હતા. ભાવિક સોફા પર બેસીને લેપટોપમાં કામ કરી રહ્યો હતો.
"આવ," ભાવિકે સ્ક્રીન પરથી નજર હટાવ્યા વગર જ કહ્યું.
હું અંદર ગયો અને તેની ટીપોઈ પર પેડાનું બોક્સ મૂક્યું.
"આવતા રવિવારે મારી સગાઈ છે. આવજે," મેં ટૂંકમાં, ભારે અવાજે કહ્યું.
ભાવિકે કામ અટકાવ્યું. લેપટોપ બંધ કર્યું અને પેલું બોક્સ જોયું.
એક પળ માટે ઓરડામાં ભારેલા અગ્નિ જેવી શાંતિ છવાઈ ગઈ. મને થયું કે તે ના પાડી દેશે.પણ અચાનક, ભાવિક ઊભો થયો.
"સગાઈ?" ભાવિકનો અવાજ બદલાઈ ગયો.
"અલા, તું સાચે જ સંસારી થવા જઈ રહ્યો છે?"
તે મારી તરફ ધસ્યો અને મને જોરથી ભીંસી નાખે તેવું આલિંગન આપ્યું.
"સાલા હાર્દિકિયા! આખરે તારો વારો આવ્યો ખરો!" તે ખડખડાટ હસ્યો. "અમે તો એમ માનતા હતા કે તું હિમાલયમાં જઈને બાવાજી બની જઈશ, પણ તું તો વરરાજો બનવાની તૈયારીમાં છે!"
તેણે મને છૂટો કર્યો. "જો દોસ્ત, ઝઘડા તો થયા કરે. પણ ભાઈની સગાઈ હોય એટલે બધું માફ! તું ભલે એલિયન્સમાં માનતો હોય, પણ સગાઈમાં જમવાનું તો પંજાબી જ રાખજે હોં!"
અમે બંને હસી પડ્યા. એ હાસ્યમાં મહિનાઓની કડવાશ ધોવાઈ ગઈ. મયંક અને મિતેશને પણ જ્યારે સમાચાર મળ્યા, ત્યારે તેઓ એટલા જ ઉત્સાહિત હતા.
****
રવિવારે સગાઈનો પ્રસંગ યોજાયો.
હોલ નાનો હતો પણ મિત્રોના ઉત્સાહથી છલોછલ હતો. વનિતા લીલા કલરની સાડીમાં અને હું શેરવાનીમાં સજ્જ હતો.
જ્યારે મહારાજે કહ્યું, "કન્યાને વીંટી પહેરાવો," ત્યારે હોલમાં તાળીઓ પડી. મેં વનિતાની અનામિકામાં સોનાની વીંટી સરકાવી.
"હવે ભાઈબંધ ઓફિશિયલી ફસાયો!" પાછળથી મયંકે બૂમ પાડી અને બધા હસી પડ્યા.
પણ મારા માટે આ વીંટી કોઈ સામાજિક બંધન નહોતું, પણ એક 'સિક્રેટ પાર્ટનરશિપ'નો સિક્કો હતો.સગાઈ પછી લગ્ન માટે છ મહિનાનો સમયગાળો હતો.
મયંક મારી પાસે આવ્યો અને કહ્યું, "હાર્દિક, હવે ૬ મહિના છે તારી પાસે. જે એન્જોય કરવું હોય તે કરી લેજે, પછી તો જવાબદારીઓ વધી જશે."
મેં મનમાં વિચાર્યું, 'હા દોસ્ત, આ ૬ મહિનામાં જ તો મારે મારી અસલી જિંદગી માટે તૈયાર થવાનું છે.'
એક તરફ ઘરમાં લગ્નની શરણાઈઓ વાગતી હતી હતી. આખું ઘર મહેમાનોથી ઉભરાતું હતું. ફોઈ, માસી, કાકા અને તેમના છોકરાઓની ધમાલથી ઘર ગુંજતું હતું. મમ્મી સાડીઓની ખરીદીમાં અને દાગીના ઘડાવવામાં વ્યસ્ત હતી, પપ્પા હોલના બુકિંગમાં ગૂંચવાયેલા હતા. હું પણ ઉપરછલ્લી રીતે આ બધામાં ભાગ લેતો હતો—શેરવાનીનું માપ આપવા જતો, કંકોત્રી વહેંચતો.
પરંતુ સવારે, જ્યારે આખું જગત અને મારું ઘર નિદ્રાધીન થતું, ત્યારે મારી અને વનિતાની એક અલગ જ દુનિયા જાગતી હતી.
અમારું મિશન નક્કી હતું: કૈલાશ.
અને અમે જાણતા હતા કે કૈલાશ કોઈ માઉન્ટ આબુ કે સાપુતારાનું પિકનિક સ્પોટ નથી. ત્યાં ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈ છે. ત્યાં ઓક્સિજન ઓછો છે, હવા પાતળી છે અને રસ્તાઓ મોતને આમંત્રણ આપે તેવા દુર્ગમ છે. જો અમારે ત્યાં ટકવું હોય, તો અમારે અત્યારથી જ શરીરને લોખંડી અને ફેફસાંને મજબૂત બનાવવા પડશે એમ હતું.
રોજ સવારે ૪:૦૦ વાગ્યે, જ્યારે આખું સુરત ગાઢ અંધકાર અને ઠંડકમાં લપેટાયેલું હોય, ત્યારે મારો ફોન વાઈબ્રેટ થતો. વનિતાનો મિસકોલ. એ અમારો ગુપ્ત સંકેત હતો.
હું પથારીમાંથી ચોરપગલે ઊભો થતો. દરવાજાના મિજાગરા અવાજ ન કરે તે રીતે સાચવીને ઘરની બહાર નીકળતો. અમે તાપી નદીના રિવરફ્રન્ટના છેવાડે મળતા, જ્યાં સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ ઓછો હતો અને કોઈ ઓળખીતું જોઈ ન જાય.
"ચાલ, આજનો ટાર્ગેટ—૫ કિલોમીટર નોન-સ્ટોપ," મેં ઘડિયાળ સેટ કરતા કહ્યું.
અમે દોડવાનું શરૂ કરતા. પહાડી સપનાઓએ મારામાં એક અલગ જુસ્સો ભર્યો હતો એટલે હું સરળતાથી જેમ દોડતો હતો.
પણ વનિતા... વનિતા એક નાજુક યુવતી હતી. તેણે જીવનમાં ક્યારેય આટલી કસરત કરી નહોતી.
ત્રણ કિલોમીટર પછી વનિતાની ગતિ ધીમી પડી ગઈ. સવારના આછા અંધારામાં મેં જોયું તો તે હાંફી રહી હતી. તેનો ચહેરો લાલ ટામેટા જેવો થઈ ગયો હતો અને પરસેવો નીતરી રહ્યો હતો.
"હાર્દિક... ઉભા રહો..." તે રસ્તાની સાઈડમાં ઘૂંટણ પર હાથ દઈને વળી ગઈ. તેના શ્વાસ ધમણની જેમ ચાલતા હતા. "મારાથી... નથી દોડાતું હવે. મારા પગ ફાટી જાય છે. પ્લીઝ..."
હું પાછો વળ્યો અને તેની પાસે ગયો. મેં તેને પાણીની બોટલ આપી.
"આમ થાકી જઈશ તો કેમ ચાલશે?" મેં થોડા કડક અવાજે પૂછ્યું. "ત્યાં બરફ હશે, અહીં તો ડામર છે."
વનિતાએ પાણીનો ઘૂંટડો પીધો અને મારી સામે જોયું.
"હું સ્ત્રી છું યાર, તમારી જેમ પુરુષ નથી!" તેણે પરસેવો લૂછતાં કહ્યું. "તમારા જેવો સ્ટેમિના નથી મારામાં. મારા સ્નાયુઓ દુખે છે. મને થોડો સમય લાગશે."
તેનો શ્વાસ ફૂલી ગયો હતો, પગના સ્નાયુઓ ખેંચાતા હતા, છતાં તેણે હાર ન માની. તેણે ઊંડો શ્વાસ લીધો અને ઊભી થઈ. "પાંચ મિનિટ બેસવા દો, પછી પાછા દોડીશું. પણ હું પૂરું તો કરીશ જ."
છ મહિના સુધી લગ્નની ધમાલ વચ્ચે પણ અમે આ સિલસિલો જાળવી રાખ્યો. દિવસે અમે સામાન્ય વર-કન્યા હતા, પણ રાત્રે અમે 'યાત્રી' હતા.
લગ્નનો દિવસ આવી પહોંચ્યો.
અને સાચું કહું? એ દિવસે મેં કૈલાશ, પિરામિડ, એલિયન્સ કે મારા કોઈ મિશન વિશે વિચાર્યું પણ નહીં. એ દિવસ માત્ર ને માત્ર આનંદનો હતો. મેં નક્કી કર્યું હતું કે જો મારે આ સંસારનું નાટક કરવું જ છે, તો હું શ્રેષ્ઠ અભિનય કરીશ.
સુરતની પ્રખ્યાત 'વૃંદાવન વાડી'માં લગ્નનો મંડપ સજાવેલો હતો. ચારે બાજુ મેરીગોલ્ડના ફૂલો અને રોશનીનો ઝગમગાટ હતો. મારા મિત્રો—ભાવિક, મિતેશ અને મયંક—ત્યાં હાજર હતા. મયંક તેની પત્ની કિંજલ સાથે આવ્યો હતો. મયંક તો પહેલેથી જ આ 'લગ્ન-મંડળ'નો સભ્ય હતો, એટલે તે મને વરરાજાના કપડાંમાં જોઈને વધારે ખુશ હતો.
"જોયું હાર્દિક?" મયંકે વરઘોડામાં મારી પાસે આવીને કહ્યું. "મેં તને કહેલું ને કે લગ્ન પછી જ સાચી લાઈફ શરૂ થાય છે. વેલકમ ટુ ધ ક્લબ!"
હું દિલ ખોલીને હસ્યો. મિત્રોએ મને ખભા પર ઊંચકી લીધો હતો. વનિતા લાલ પાનેતરમાં સજ્જ થઈને આવી ત્યારે કોઈ અપ્સરા જેવી લાગતી હતી. વેદીમાં જ્યારે અમે સપ્તપદીના ફેરા ફરતા હતા, ત્યારે મેં મંત્રોને ધ્યાનથી સાંભળ્યા. અગ્નિની સાક્ષીએ તેનો હાથ પકડતી વખતે મને એક જવાબદારીનો અહેસાસ થયો. મેં મનોમન સંકલ્પ કર્યો—"કૈલાશ જઈએ કે ન જઈએ, પણ હું આ સ્ત્રીનો સાથ ક્યારેય નહીં છોડું."
જમણવારમાં મેં સુરતી ઊંધિયું, પૂરી અને મઠોનો સ્વાદ માણ્યો. એ બે-ત્રણ દિવસો મેં ભરપૂર જીવ્યા. મિત્રો સાથે નાચ્યો, ફોટા પડાવ્યા. કૈલાશ મારા મગજના કોઈ ખૂણે શાંત હતો, પણ અત્યારે તો હું માત્ર એક 'વરરાજા' હતો જે પોતાની નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યો હતો. વનિતા પણ ખૂબ ખુશ હતી. તેને ખુશ જોઈને મને લાગ્યું કે મારો નિર્ણય સાચો છે.
***
લગ્ન પછીના દિવસોમાં હનીમૂન પિરિયડ પૂરો થયો અને વાસ્તવિકતા સામે આવી. જૂન મહિનો આવ્યો. શાળાઓમાં નવું સત્ર શરૂ થવાનું હતું.
હવે મારે મારી અસલી રમત રમવાની હતી. સમય ઓછો હતો અને નોકરી ચાલુ રાખવી અશક્ય હતી.
શાળા ખુલવાના આગલા દિવસે હું વનિતાને લઈને મારા એક મિત્ર ડોક્ટર પાસે ગયો.
"પ્રશાંત, મારે એક મદદ જોઈએ છે," મેં કહ્યું.
"બોલ ને ભાઈ."
"મને એક મેડિકલ સર્ટિફિકેટ જોઈએ છે. સિવિયર લમ્બર સ્પોન્ડિલાઈટિસ (કમરના મણકાનો ગંભીર દુખાવો) અને વર્ટિગો (ચક્કર). બે થી ત્રણ મહિનાનો કડક બેડ-રેસ્ટ."
પ્રશાંત હસ્યો, "શું વાત છે? હનીમૂન હજુ પૂરું નથી થયું? કે પછી નવી ભાભીને સમય આપવો છે?"
"હા, બસ એવું જ સમજી લે ને," મેં હસીને વાત સ્વીકારી લીધી.
બીજા દિવસે હું સ્કૂલ ગયો. મેં જાણીજોઈને કમરે એક જાડો ઓર્થોપેડિક પટ્ટો બાંધ્યો હતો. મારી ચાલમાં મેં થોડી લંગડાતી સ્ટાઈલ ઉમેરી હતી.
હું આચાર્યશ્રીની કેબિનમાં દાખલ થયો.
"આવો હાર્દિકભાઈ! મુબારક હો! કેવું ચાલે છે નવું લગ્નજીવન?" પ્રિન્સિપાલ શર્મા સાહેબે ઉત્સાહથી સ્વાગત કર્યું.
"સર, જીવન તો સારું છે, પણ તબિયત સાથ નથી આપતી," મેં ધીમા અને દુઃખી અવાજે કહ્યું. મેં મેડિકલ ફાઈલ ટેબલ પર મૂકી. "લગ્નની દોડધામમાં મારું જૂનું કમરનું દર્દ ઉભરી આવ્યું છે. ડોક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હવે વધારે ઊભો રહીશ કે ટ્રાવેલિંગ કરીશ, તો મણકો ખસી જશે અને ઓપરેશન કરવું પડશે."
શર્મા સાહેબ ચિંતામાં પડી ગયા. "અરેરે! આ તો બહુ ખરાબ થયું. ઠીક છે, તમે ચિંતા ન કરો. આરોગ્ય પહેલું. તમારી મેડિકલ લીવ મંજૂર કરી દઈએ છીએ. આરામ કરો."
હું બહાર નીકળ્યો ત્યારે મારા ચહેરા પર પીડા નહીં, પણ એક વિજયી સ્મિત હતું. પ્રિન્સિપાલની ઓફિસની બહાર મેં ઊંડો શ્વાસ લીધો. જૂઠ બોલવાનો અપરાધભાવ હતો, પણ એક મોટા સત્યને પામવા માટે આ નાનકડું જૂઠ જરૂરી હતું. હવે મારી પાસે
***
લગ્નના પંદર દિવસ પછી, ભાવિકનો ફોન આવ્યો.
"હાર્દિક, આજે સાંજે આપણે બધા 'બ્લેક પેપર' રેસ્ટોરન્ટમાં ડિનર પર મળીએ છીએ. મયંક અને કિંજલભાભી પણ આવવાના છે, તો તું વનિતાભાભીને લઈને આવજે. ઘણા ટાઈમથી આપણે બધા સાથે નથી મળ્યા."
આ એક કસોટી હતી. મારે સાબિત કરવાનું હતું કે હવે પેલો 'ગાંડો' હાર્દિક મરી ગયો છે અને તેની જગ્યાએ મયંક જેવો જ એક જવાબદાર સંસારી હાર્દિક આવી ગયો છે.
અમે રેસ્ટોરન્ટમાં મળ્યા. વાતાવરણ હળવું હતું. મયંક અને તેની પત્ની કિંજલ પહેલા પહોંચી ગયા હતા. ભાવિક અને મિતેશ પણ હતા.
અમે ગોઠવાયા. કિંજલ અને વનિતા તરત જ સાડીઓ અને લગ્નની શોપિંગની વાતોમાં પરોવાઈ ગયા. વનિતાએ હોશિયારીપૂર્વક સ્ત્રી-સહજ વાતોમાં રસ લીધો.
સૂપ પીતા પીતા ભાવિકે અચાનક વિષય બદલ્યો. તેણે ત્રાંસી નજરે મારી સામે જોયું.
"તો... હાર્દિકભાઈ," ભાવિકે પૂછ્યું. "હવે શું પ્લાન? પેલા પર્વતો, પિરામિડ અને 'સીટી ઓફ ગોડ્સ' હજુ યાદ આવે છે કે પછી ભાભી આવ્યા એટલે ભૂત ઉતરી ગયું?"
ટેબલ પર સોપો પડી ગયો. મયંકે પણ ચમચી મૂકી દીધી અને એક વડીલ મિત્રની જેમ મારી સામે જોયું.
"હા હાર્દિક," મયંકે કહ્યું. "હું તો પરણેલો છું એટલે તને કાયમ કહેતો હતો કે આ જવાબદારીઓ કોઈ રમત નથી. હવે તને સમજાતું હશે કે ઘર ચલાવવું અને પત્નીને સાચવવી એ પિરામિડ શોધવા કરતા અઘરું કામ છે."
મેં એકદમ શાંતિથી, સહેજ પણ વિચલિત થયા વગર ચમચી મૂકી. વનિતાનો હાથ પકડ્યો અને એક આત્મવિશ્વાસભર્યા, કૃત્રિમ સ્મિત સાથે કહ્યું,
"એ યાર... જવા દે ને એ બધી વાત," મેં હાથ હલાવ્યો જાણે કોઈ માખી ઉડાડતો હોઉં. "એ તો યાર લગ્ન પહેલાનું ફ્રસ્ટ્રેશન હતું. હવે મને સમજાયું છે કે સંસારમાં જ સાચું સુખ છે. વનિતા સાથે હું બહુ ખુશ છું. હવે મને પેલા વિચિત્ર સપના નથી આવતા."
મેં મયંક તરફ જોઈને ઉમેર્યું, "મયંક, તારી વાત સાચી હતી દોસ્ત. લગ્ન પછી માણસના પગ જમીન પર આવી જાય છે. હવે તો બસ, ઘરના હપ્તા ભરવા છે, ફર્નિચર કરાવવું છે અને તમારા લોકોની જેમ એક સારી, નોર્મલ લાઈફ જીવવી છે."
વનિતાએ એક ક્ષણ માટે મારી સામે અર્થસભર નજર નાખી અને તરત જ વાત પકડી લીધી. તેણે મસાલા ઢોસાનો ટુકડો તોડતા કિંજલ સામે જોઈને કહ્યું, "હા હોં કિંજલ! સાચી વાત છે. હવે તો આખો દિવસ મારી પાછળ ને પાછળ જ હોય છે. મને કહે છે કે આપણે નવી ગાડી લેવી છે, સોફા બદલવા છે. તમારા ભાઈ તો એકદમ 'ફેમિલી મેન' બની ગયા છે!"
મિત્રોના ચહેરા પર એક મોટી રાહત ફરી વળી.
"હાશ! હવે અમને શાંતિ થઈ," મયંકે ઉત્સાહમાં આવીને મારી પીઠ થાબડી. "વેલકમ ટુ ધ રિયલ વર્લ્ડ, દોસ્ત! સારું થયું તું લાઈન પર આવી ગયો. કિંજલ પણ કહેતી હતી કે હાર્દિકભાઈ થોડા અલગ વિચારોવાળા છે, પણ હવે તને જોઈને લાગે છે કે તું સેટ થઈ ગયો."
મિતેશે કહ્યું, "હા યાર, અમને એમ કે અમારો દોસ્ત ગાંડો થઈ ગયો છે. પણ હવે લાગે છે કે આપણો જૂનો, પ્રેક્ટિકલ હાર્દિક પાછો આવી ગયો."
"સાચું કહું હાર્દિક?" ભાવિકે કહ્યું. "આજે મને મારો ભાઈ પાછો મળ્યો."
હું હસ્યો. અમે બધાએ સાથે જમ્યા. મેં ભવિષ્યના રોકાણ અને ઈન્સ્યોરન્સ વિશે પણ વાતો કરી—જે સાબિત કરવા માટે પૂરતું હતું કે હું હવે પૂરેપૂરો સંસારી છું.
રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે હું ભાવિક અને મયંકને ગળે મળ્યો.
આ વખતે હું રડ્યો નહીં. મારી આંખો કોરી હતી અને મન શાંત હતું. મારા મનમાં કોઈ અપરાધભાવ નહોતો, કારણ કે હું જાણતો હતો કે હું ખોટું નથી કરી રહ્યો, હું માત્ર મારા સત્યને સુરક્ષિત કરી રહ્યો છું. એક યોદ્ધા યુદ્ધ પહેલાં પોતાની રણનીતિ શત્રુ સામે છતી નથી કરતો.
ગાડીમાં બેઠા પછી વનિતાએ મારી સામે જોયું.
"મયંકભાઈ અને કિંજલબેન તો સાચે જ માની ગયા," તેણે હસીને કહ્યું.
"હા," મેં ગાડી સ્ટાર્ટ કરી. "તેઓ ખુશ છે, અને આપણે સુરક્ષિત.
હવે આપણને કોઈ રોકશે નહીં."