"સર આ રીતે?" જોસેફ ગભરાઈ ગયો.
"તું ફક્ત કામ થી મતલબ રાખ." ટેક્સી ડ્રાઈવરે જોસેફને ટેકસીમાં બેસવા માટે સમજાવ્યો.
જોસેફ પોતાની બેગ સાથે લઈને પછી ટેક્સી ડ્રાઈવર સાથે નિયત સમયે નીકળી ગયો. ટેક્સી ડ્રાઈવરે ચુપચાપ જ ધીમી ગતિએ ટેક્સી ચલાવી જેથી રહેણાંક વિસ્તારમાં કોઈ બીજાને રાત્રે ખબર ન પડે.
"હવેથી રોજ રાત્રે જ નોકરી કરવાની?" જોસેફે પુછ્યું.
"એ તને ઓફીસ માં જ કહેશે." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું.
રાતની ચાંદનીમાં ટેક્સી જ્યારે ફેક્ટરી પાસે પહોંચી તો ત્યાં કોઈ જાતની પણ હલચલ ન હતી. જાણે કોઈ હતું જ નહીં પણ એ જ ભુલ હતી!! સિક્યોરિટી ગાર્ડ ને ટેક્સી ન રોકવા માટે સ્પષ્ટ રીતે સુચના હતી.
"અંહી ચેકીંગ કરવું પડશે." જોસેફે જણાવ્યું.
"એ તું ચિંતા ન કર." ટેક્સી ડ્રાઈવરે સીધી જ ટેક્સી ફેક્ટરી ની અંદર ઓફીસ સુધી પહોંચાડી દીધી.
"હવે સવારે ૬ વાગ્યે તૈયાર રહેજો." ટેક્સી ડ્રાઈવરે જોસેફને સમજાવ્યું.
જોસેફ તો આ પ્રકારની નોકરી માટે તૈયાર ન હતો પણ ડોક્ટર પ્રતિભાએ મળવા માટે બોલાવ્યું હતું. જોસેફ ઓફીસ માં પ્રવેશ કરે છે તો તેની સારી રીતે ચકાસણી કરવામાં આવી. ત્રણ સિક્યોરિટી ગાર્ડ હથિયારબંધ હતા અને જોસેફ પણ તેમની બધી જ વાતો માનીને તૈયાર થઈ ગયો.
જોસેફ ડોક્ટર મજમુદાર ની ઓફીસમાં પ્રવેશી ગયો. ખુરશી ઊંધી દિશામાં ફરેલી હતી.
"હું આવી શકું?" જોસેફે પ્રશ્ન કર્યો.
"હા. પણ મને તું ઓળખે છે?" ખુરશી થી અવાજ આવ્યો.
"મેં રૂબરૂ આપને જોયા નથી. પણ ડોક્ટર મજમુદારે આપની વિષે ખુબ માહિતી આપી હતી. આપ દેશ માટે મિલ્કત સમાન છો. " જોસેફે જણાવ્યું.
"મને જોઈ શકીશ?" ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"કેમ?" જોસેફ કંઈ સમજી ન શક્યો.
અચાનક જ ખુરશી ફરી ગઈ. ખુરશી પર જાજરમાન મહિલા હતી. સાડી સહિત બન્ને હાથમાં બંગડીઓ પહેરી હતી. પણ ચહેરા પર પાલવ હતો. કાળા રંગના મોટા ચશ્માથી પોતાની આંખો ઢાંકી રાખી હતી.
"આ કેમ રાત્રે ચશ્મા?" જોસેફે પ્રશ્ન કર્યો.
ડોક્ટર પ્રતિભાએ પોતાના ચહેરા પરથી પાલવ અને ચશ્મા દૂર કરતા જ જોસેફ હેબતાઈ ગયો. ડોક્ટર પ્રતિભા ની એક આંખ પથ્થર ની હતી તેમજ ચહેરા પર ભયંકર દાઝી ગયા ના ડાઘ હતા.
"અરે આ શું થયું?" જોસેફ ગભરાઈ ગયો.
"હું જ ડોક્ટર પ્રતિભા છું. પણ આ જ મારો અસલી ચહેરો છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"પણ કેમ ?" જોસેફે પુછ્યું.
"એ બહુ લાંબી કથા છે. સમય મળે સમજાવીશ. પણ અત્યારે તું મારા સવાલો ના જવાબ આપ" ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"શું?" જોસેફ ગભરાઈ ગયો.
"એ હાઈ લેવલ મીટિંગ વખતે તને આ ધ્વનિ શસ્ત્ર વિષે માહિતી કોણે આપી? શું તું કંઈ પણ જાણે છે?" ડોક્ટર પ્રતિભાએ પુછ્યું.
"હું ડોક્ટર મજમુદાર ને પણ એ જ સમજાવી રહ્યો હતો કે હું આ વિષે કંઈ નથી જાણતો. કોણ જાણે કેમ મારા મગજમાં આ વિચાર આવ્યો અને હું બોલી ઊઠ્યો. મને ડોક્ટર મજમુદાર એ મીટિંગ પછી જ નીચે ભોંયરામાં લઈ ગયા પણ ત્યાં મને કંઈ બહુ ખબર ન પડી.
બીજા દિવસે જ ડોક્ટર મજમુદાર મને બધું સમજાવવા ના હતા પણ એ રાત્રે જ એમણે આપઘાત કર્યો." જોસેફે સમજાવ્યું.
"એમણે આત્મહત્યા નથી કરી. એ ખુબ મજબુત મનોબળ ધરાવતા હતા. " ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"પણ પોલીસ તો કહે છે.." જોસેફે કહ્યું.
" એક વાત પોતાના મગજમાં નાખી દેજે. પોલીસ ની સાથે આપણે કોઈ લેવાદેવા નથી. આપણે સેના માટે કામ કરીએ છીએ. પોલીસ ના સ્વાંગ રચીને આતંકવાદીઓ પણ આ પ્રોજેક્ટ ના દુશ્મન બની શકે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"પણ આ બધું શું છે?" જોસેફે પુછ્યું.
"એક ધ્વનિ ઈજનેર તરીકે તને ખબર જ હશે કે ધ્વનિ ત્રણ પ્રકારની હોય છે.
પહેલી શ્ર્વય ધ્વનિ કે જે આપણે સાંભળી શકીએ છીએ જેની તરંગ ધ્વનિ ૨૦ થી ૨૦૦૦૦ હર્ટઝ ( તરંગ ધ્વનિ નું એકમ) હોય છે.
બીજી અશ્ર્વય ધ્વનિ કે જેને આપણે સાંભળી ન શકીએ જેનો તરંગ ધ્વનિ ૨૦ હર્ટઝ થી ઓછી હોય છે.
ત્રીજી અતિ શ્વય ધ્વનિ કે જેના ધ્વનિ તરંગો ૨૦૦૦૦ હર્ટઝ થી વધારે હોય છે.
આપણે જે મિસાઈલ બનાવીએ છીએ એ બધી જ અવાજની ગતિ કરતા વધુ ગતિ ધરાવે છે. પણ આ જે પ્રોજેક્ટ છે એનું નામ છે પ્રોજેક્ટ પ્રતિધ્વનિ." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"એ શું છે?" જોસેફ પણ હતપ્રભ બની ગયો.
"આખું વિશ્વ આજે એકવીસમી સદીમાં નવા નવા શસ્ત્રો ની શોધ કરી રહ્યું છે ત્યારે ડોક્ટર મજમુદારે વીસ વર્ષ પહેલાં જ આ નવી ટેકનોલોજી વિષે વિચાર કર્યો હતો.
જો આપણે માણસ ને અશ્ર્વય ધ્વનિ સાંભળવા માટે મજબુર કરીએ તો શું થાય? થોડીવાર પછી જ તેની તબિયત કેવી રીતે બગડી શકે? આ બધું જ પ્રોજેક્ટ પ્રતિધ્વનિ ના હેઠળ અમે તપાસ કરી રહ્યા હતા.
પણ અચાનક એક જ દિવસ એક ટેસ્ટ કેસ અચાનક જ ઢળી પડ્યો. તેના કાનમાં થી લોહી નીકળવા લાગ્યુ. હજી કંઈ પણ થાય એ પહેલાં જ સરકારે આ પ્રોજેક્ટ તત્કાળ અસરથી બંધ કરી દીધો. " ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"એ દિવસે શું થયું?" જોસેફ હવે કડીઓ જોડી શકતો હતો.
"તને જો આ પ્રોજેક્ટ વિષે કોઈ જ માહિતી નથી તો તું કેવી રીતે હાઈ લેવલ મીટિંગ વખતે આ શસ્ત્ર વિષે વાત કરી શકે? જરૂર તને ખબર હતી." ડોક્ટર પ્રતિભાએ ગુસ્સે થઈ પુછ્યું.
"હું નથી જાણતો કે મારી સાથે શું થઈ રહ્યું હતું? મારા પરિવાર ને આતંકવાદી હુમલામાં ગુમાવ્યા બાદ જ મને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ સપનામાં દેખાય છે અને વિચિત્ર અવાજ સંભળાય છે.
એ ભોંયરામાં પણ કોઈ મને હેડફોન ભરાવવા માટે ના પાડી રહ્યું હતું. મારા મોઢે પણ કોઈ બીજાએ જ આ શસ્ત્ર ની વાત મીટિંગ માં જાહેર કરી." જોસેફે જણાવ્યું.
"એનો અર્થ છે કે આ ધ્વનિ શસ્ત્ર જીવંત છે. પણ એ શું કામ તને જ માધ્યમ તરીકે પસંદ કરે છે એ જાણવું જરૂરી છે. આપણા બે ટેસ્ટ કેસ પણ પહોંચી ગયા છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
"એ શું છે?" જોસેફે ઉત્સુકતા થી પુછ્યું.
"એ બધું જ સમજાવીશ. પહેલા આપણે હવે નીચે ભોંયરામાં પ્રતિધ્વનિ કક્ષમાં જવાનું છે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
પોતાની સાથે નોટ શીટ, હેડ ફોન તેમજ જુદી જુદી પ્રકારની સીડી લઈ જોસેફ ડોક્ટર પ્રતિભા ની આગેવાનીમાં ઓફીસ ની નીચે ની તરફ ભોંયરામાં જવા માટે નીકળી પડ્યો.
"કોઈ લાઈટ ન કરતો. " ડોક્ટર પ્રતિભાએ સુચના આપી.
"કેમ?" જોસેફે પુછ્યું.
"પોલીસ પણ કદાચ રાત્રે આ તરફ જ ધ્યાન લગાડી બેઠી હોય. ધીમે ધીમે બધા ભુલી જશે." ડોક્ટર પ્રતિભાએ જણાવ્યું.
જુનો થઈ ગયેલો દરવાજો ખોલવાની સાથે જ ચરર્ ચરર એમ અવાજ આવ્યો.મોબાઈલ લાઈટ ની અંદર આખો રૂમ ખુબ જ બિહામણો લાગતો હતો.
અસ્ત વ્યસ્ત પડ્યા ટેપ રેકોર્ડર, સીડી તેમજ હેડફોન જાણે કોઈની રાહ જોતા હતા. ડોક્ટર મજમુદાર નો દેહ જ્યાં પડ્યો હતો એ જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી હતી.
"કેટલા વર્ષો પછી અંહી આવી?" ડોક્ટર પ્રતિભાએ જણાવ્યુ.
જોસેફ તો પોતાની જાતને હજી પણ આ દુનિયામાં ખોવાયેલો જ માનતો હતો.