🔥"માનવું નથી, જાણવું છે,અનુભવવું છે"🔥
માનવાનું એવું તો આવરણ રચ્યું કે જાણવાની હવા જ મારા સુધી ના પહોચી શકી,
કહેલી તારી દરેક વાતોને "માનીને" જિંદગીભર વિશ્વાસનાં સરોવર પર તરવાં કરતાં,
જાગીને, જાણીને શ્રદ્ધાની વહેતી નદી માં વહેવું છે મારે,
જીવનનાં દરેક પડાવ પર બસ વહેતા રહીને અંતે અનંત સાગરમાં ડૂબવું છે મારે.
જન્મથી જ "માનીને" જીવવાની આદત તેં પાડી છે,
તારી કહેલી હરેક વાત, વગર કોઇ સવાલે મેં માની છે,
તકલીફ તો ત્યારે પડી તને, જ્યારે કોશિશ મે જાણવાની કરી છે.
હું જાણી ના શકું, હું અનુભવી ના શકું એવા મારા સવાલોના તારા જવાબથી હું અશાંતિમાં ડૂબવા લાગ્યો છું.
તું ડરે છે સત્યના અનુભવથી કદાચ એટલે જ તું બાળપણમાં આંગળી પકડીને મને મંદિર બતાવે છે, સ્મશાન નહી. કેમ ?
ક્યાં છે વધારે સત્ય જે હું અને તું બન્ને સમજી શકીએ વગર કોઇ માન્યતાએ ?
કેમ, જે ઉત્સાહથી તું મને મંદિર લઇ જાય છે એ જ ઉત્સાહથી તું મને સ્મશાનમાં નથી લઇ જતો ?
સત્ય કહું તો સ્મશાન કંઇક બોલે છે અને તેની બોલેલી વાત મને સમજાય છે,
જ્યારે મંદિરની એ તારી માન્યતાઓ રૂપી મૂર્તિ ક્યારેય કશું જ નથી બોલતી, બસ, એટલે જ વગર કોઇ અનુભવે તું જે મનમાં આવે એ બોલી શકે છે, માની શકે છે અને તારા સંતાનોને માનવા મજબૂર કરી શકે છે.
ડરે છે તું મારી જાણવાની આ કોશીશથી,
કેમ કે, વગર કોઇ માન્યતાએ મે જાણી લીધું કે સત્ય શું છે તો તું જાણે જ છે કે તારી આ માન્યતાના પાયા પર રચાયેલી મંદિરની મૂર્તિ પડી ભાંગશે.
સરળ છે સમજવું,
તારા માનેલા આ અસ્તિત્વનાં ડરને કારણે તું જે રીતે મને બાળપણથી જ આ સ્મશાનથી દુર રાખે છે,
એ જ રીતે તારા જ માનેલા આ મંદિરના વિશ્વાસને મારા થી દુર ના રાખી શકે ?
જીવનનાં અંત સમયે પણ ક્રોધ, મોહ, લાલચ અને ભયથી ભરેલો તારો આ ચહેરો જ એ સાબિત કરે છે કે તારી જીવનભરની આ માન્યતા જરૂર એક મિથ છે.
આ માની લીધેલી માન્યતાઓ પર ચાલીને જીવનના અંત સમયે જો તને જ સત્ય "ના" સમજાયું હોય તો મારી તો જિંદગીની શરૂઆત છે .
કૃપા કર મારા પર, બાળપણ થી જેને તું જ નથી સમજી શક્યો, જે અનંત આનંદ તું નથી અનુભવી શક્યો,
તેના પરની તારી આ માની લીધેલી માન્યતાઓ ના સહારે મને પણ જીવવાં પર મજબુર ના કર.
ના જાણતા હોઇએ તો બોલવું જ એ જરૂરી તો નથી, તું ચુપ રહીશ તો નહી ચાલે ?
થોડું મને જાતે જાણવાં દે, સમજવાં દે, અનુભવવાં દે.
જીદગી આખી ફકત કહેલી વાતો ને માની ને કરેલા વિશ્વાસના સહારે જીવવાં કરતાં,
જાણી(અનુભવી)ને થયેલી શ્રદ્ધા ના સહારે જિંદગી જીવવાંનુ વધારે પસંદ કરું છું.
હા, હું વગર જાણે(અનુભવે) કહી પણ કહેવા કરતાં ચૂપ રહેવાનું જ વધારે પસંદ કરું છું.
-ચિરાગ કાકડિયા 🔥