#માઈક્રોફિક્શન #લઘુવાર્તા #માતૃભાષાદિવસ #માતાપિતા તરફથી મળેલ અણમોલ ઉપહાર #ભાઈબહેન
ઉપહાર
એની આંખો મોબાઇલ સ્ક્રીન પર જાણે ચોટી ગઈ. એકનો એક વિડીયો તેણે વારંવાર પ્લે કરીને કંઈ કેટલીય વાર જોઈ નાખ્યો.એની આંખોમાં આંસુ ઉભરાયા જે અટકવાનું નામ જ લેતા નહોતા. આંસુથી ધુંધળી બની ગયેલ દ્રષ્ટિ સાથે તેણે ફરી એકવાર મોબાઈલ સ્ક્રીન પર નજર કરી વિડિયો પ્લે કર્યો. લાકડી ના ટેકે ડગુમગુ ચાલતો લગભગ 90 વર્ષનો ભાઈ વ્હીલચેર પર બેઠેલી તેનાથી બે ત્રણ વર્ષ નાની બહેનને વર્ષો પછી મળ્યો અને સ્નેહની જે સરવાણી ફૂટી તેની છાલક વીડિયો સ્ક્રીન પરથી સી....ધ્ધી.... તેના હૃદય પર ઝીલાય અને આંસુ બનીને અવિરત ધારે તેની આંખમાંથી વહી રહી. એ આંસુએ તેના મન પર વર્ષોથી જામેલી કડવાશ ધોઈ નાખી. "નીકી ઓ નીકી જો હું તારા માટે શું લાવ્યો?" "ભાઈ આ બોર તો મને બહુ જ ભાવે"
"એટલે જ તો લાવ્યો છું" નિકિતાને યાદ આવ્યું બાળપણમાં ભાઈ એનું કેટલું ધ્યાન રાખતો, ભાઈ સાથે કેટલું સરસ બાળપણ વિતાવ્યું હતું. પણ હવે તો ભાઈ સાથે,બોલવાનો પણ સંબંધ નથી રહ્યો. કેટલા વર્ષો થયા હશે? લગભગ દસેક વર્ષ... પપ્પા તો એના લગ્ન થયા ને થોડા વર્ષમાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયેલા અને મમ્મી દસેક વર્ષ પહેલા... શી ખબર મમ્મી પપ્પા અમારા ભાઈ બેન ને જોડવાની કડી હશે ,તે મમ્મીની વિદાય પછી બે જ દિવસમાં ભાઈ સાથે કાયમી અબોલા થઈ ગયા. તે રિસાઈને સાસરે આવી ગઈ પછી પાછું વળીને એણે જોયું જ ક્યાં હતું? ભાઈ,શું કરતો હશે? મને યાદ કરતો હશે? એ તો મોટો હતોને?એણે તો વાત કરવી જોઈતી હતી...એ વળી કરતો હશે વાત, હું જાણું ને એ પહેલેથી જ એવો વટ નો કટકો. પણ વાંક મારો પણ તો હતો.મારે માફી માંગી લેવી જોઈતી હતી. વિચારમાં ને વિચારમાં એ ક્યાંય સુધી બેસી રહી અચાનક ફોનની ઘંટડી વાગી અને એ તંદ્રામાંથી જાગી. સ્ક્રીન પર નિહારભાઈ વાંચીને એ ચોંકી...અરે આ વિડીયો મેં ક્યારે નિહારભાઈ ને
ફોરવર્ડ કર્યો? આશ્ચર્ય પામતા તેણે ફોન લીધો... સામે છેડે થી સ્નેહભીનો અવાજ આવ્યો નિકી... મારી નીકુડી... કેટલા બધા વર્ષો પછી આજે તને ભાઈ યાદ આવ્યો? સાંભળીને નિકિતા "ભાઈ...." એટલું તો માંડ માંડ બોલી શકી. બંનેના ગળે ડૂમો બાઝ્યો... ભાઈ બહેન થોડીવાર કશું જ બોલી શક્યા નહીં પછી નિકિતાએ ગળગળા સ્વરે કહ્યું "ભાઈ મને માફ કરી દો.ઉંમરના આ પડાવે મને સમજાય છે કે આપણા સહોદર, આપણા ભાઈ બહેન જ,માતા પિતા તરફથી આપણને મળેલ સૌથી મૂલ્યવાન ઉપહાર છે.એની તોલે કશું જ ન આવે." એય.. નિકી તું આટલી ડાહી ક્યારથી થઈ ગઈ હં...બોલ મારા ઘરે ક્યારે આવે છે?" "બસ મને પાંખો આવે એટલી જ વાર...."અને બંને ખડખડાટ હસી પડ્યા.
© શ્વેતલ પટેલ
સુરત

Gujarati Microfiction by Shwetal Patel : 111862389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now