થોડાં દિવસો પહેલાં એક મિત્રે પોતાનો દુઃખાવો વ્યક્ત કરતાં કહ્યું કે, કોઈ બીમારી હશે ને તો!... હું મરી જઈશ ? ને મે એને કહ્યું એવું કંઈ ન હોય. હોય તોય એને અંતિમ સત્ય માની સ્વીકારી લેવું. એ આશ્વસ્થ થતાં બોલી, જો હું મૃત્યુ પામું તો તું મને યાદ કરીશ, મે ના પાડતાં કહ્યું, 'હું જીવીશ તને' , ને અમે બંને હસ્યાં.
તારા એ અંતિમ દિવસોમાં હું તને વધારે ચાહીશ,
આપણે મળ્યાં, ભળ્યાં ને એકમેકને ચાહતાં થયાં એ સઘળાં ક્ષણોની સરાસરી માંડીશ.
તારી ખરી પડેલી ઈચ્છાઓને સમેટી લઈ એમાં હું જીવન ભરીશ
આંખની પાંપણ પર જામેલાં અશ્રુને વીણી લઈ તારા ઓશીકા પાસે સુગંધિત ફૂલો રાખીશ.
વણ બોલાવ્યે આવી પહોંચેલ આ ઉદાસીને ખંખેરી તારા ગાલમાં સ્મિતનું ખંજન ભરીશ
છેલ્લે તને મૃત્યુનો સાદ સંભળાશે ને તું તારી યાત્રા સંકેલતા પહેલાં અનિમેષ નજરે મને જોઈશ,
તને ચાહતી હું, તારો હાથ પંપાળી, તને સુખરૂપ વળાવીશ.
તારા ગયાં પછી તારી સાથે જીવાયેલ જીવનને જીવીશ, નિરંતર ચાહીશ.
હું તને તારા અંતિમ દિવસોમાં હું તને વધારે ચાહીશ.